સફળતા માટેનાં પાંચ સૂત્રો

પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને સેન્ચ્યુરી કરવી એને જીવનની સફળતા માને છે, તો કોઈ બીલ ગેટ્‌સની જેમ વિશ્વના ધનકુબેર બનવાને જીવનની સફળતા ગણે છે. વળી કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવાને સફળતા માને છે. આમ દરેક વ્યક્તિનું સફળતાનું ધોરણ અલગ અલગ હોય છે, કેમ કે દરેકનું ધ્યેય જુદું જુદું છે. આથી સફળતાની સામાન્ય પરિભાષા આપવી હોય તો એમ કહી શકાય કે નિશ્ચિત કરેલા ધ્યેયે પહોંચવું એ જ સફળતા છે. આમ ધ્યેયની સિદ્ધિ એટલે સફળતા. પરંતુ ધ્યેયની સિદ્ધિની સાથે સાથે સુખ, શાંતિ, સંતોષ અને જીવનની કૃતકૃત્યતાની અનુભૂતિ રહેલાં હોય તો તેને જ સાચી સફળતા કહી શકાય. ધ્યેય સિદ્ધ તો થાય પણ જીવનમાંથી સુખ-શાંતિ ચાલ્યાં જાય, પારિવારિક કલહ-કંકાસ સર્જાય તો એ સાચી સફળતા નથી જ.

સફળતાના ત્રણ પ્રકારો :

પ્રથમ છે, તાત્કાલિક સફળતા

વર્તમાન સમયમાં મોટેભાગે બધાંને તાત્કાલિક સફળતા જોઈએ છે. રાતોરાત શ્રીમંત બની જવું છે. બે કલાકમાં સમાધિનો આનંદ મેળવવો છે. આગલા દિવસે તૈયારી કરીને પરીક્ષામાં નંબર મેળવવો છે. ઈન્સ્ટન્ટ કોફીની જેમ બધાંને ઈન્સ્ટન્ટ સફળતા જોઈએ છે. આવી તાત્કાલિક સફળતા તાત્કાલિક સુખ આપે છે. પણ એ સુખ પણ ટૂંકાગાળાનું જ હોય છે. ખંતભર્યા પરિશ્રમ વગર પ્રાપ્ત થયેલી સફળતા સ્થાયી આનંદ આપી શકતી નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો લાગવગને લઈને કોઈએ કંપનીમાં ઉચ્ચ અધિકારીની નોકરી મેળવી લીધી, પણ પછી કટોકટી સર્જાય, સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય, ત્યારે અનુભવને આવડત ન હોવાને કારણે તે અધિકારી કંપનીને ડૂબાડી દે છે, અને તેની ટૂંકાગાળાની સફળતા પછી ઘોર નિષ્ફળતામાં પરિણમે છે.

બીજી છે, લાંબાગાળાની સફળતા

આ સફળતા પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે. એકધારા, ખંતભર્યા સતત પ્રયત્નો દ્વારા જે સિદ્ધિ સાંપડે છે. તે જ સ્થાયી બની રહે છે. એ સિદ્ધિનો આનંદ પણ સ્થાયી રહે છે. લાંબાગાળાની સફળતાનો માર્ગ એ પરિશ્રમનો, તપસ્યાનો માર્ગ છે. પરંતુ આ સફળતા વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ સાથે વણાઈ ગયેલી હોવાથી એ જીવનપર્યંત ટકે છે.

ત્રીજી છે, શાશ્વત સફળતા

આ સફળતામાં શાશ્વત સુખ, શાશ્વત શાંતિ અને શાશ્વત જીવન સંકળાયેલા છે. આ સફળતા એ જન્મોજન્મની સફળતા છે. એ ત્યારે જ મળે છે, જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. આ સફળતા પ્રાપ્ત કર્યા પછી કંઈ જ મેળવવાનું રહેતું નથી. કેમકે, જેને મેળવવાથી સઘળું મળી જાય છે, જેને જાણવાથી સઘળું જાણી શકાય છે. એવું પરમતત્ત્વ મેળવી લીધા પછી કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એ જ તો છે મનુષ્ય જીવનની સફળતાનું સર્વોચ્ચ શિખર.

આ ત્રણેય પ્રકારની સફળતામાં મોટાભાગના યુવાનો પ્રથમ પ્રકારની તાત્કાલિક સફળતા ઇચ્છે છે અને જ્યારે આવી સફળતા મળતી નથી અને મળે છે, તો ટકતી નથી. ત્યારે તેઓ હતાશાની ઘોર ગર્તામાં સરી પડે છે.

બેલુડ મઠમાં તા.૩ અને ૪ ફેબ્રુઆરી’૯૮ના રોજ રામકૃષ્ણ મિશનની શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે એક અખિલ ભારતીય યુવક સંમેલન યોજાયું હતું. જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ઘણાં યુવા ભાઈ-બહેનોનો પ્રશ્ન હતો- હતાશા, નિરાશાની લાગણીમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો?’ ખરેખર આ પ્રશ્ન માત્ર થોડા યુવાનોનો જ નથી, પણ મોટાભાગના યુવાનોનો આ પ્રશ્ન છે. વર્તમાન સમયમાં યુવાવર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એલ્વીન ટોફલરે પોતાના ‘The Future Shock’ નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે સમાજમાં પેઢી-પેઢી વચ્ચેનું અંતર ખૂબ જ વધી ગયું છે. વિચારસરણીમાં પણ ખૂબ જ પરિવર્તન આવી રહ્યું છે. સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે, તેમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણે અને વિદેશી ટી.વી. ચેનલોએ આજના યુવાવર્ગને પોતાના માતા-પિતા અને શિક્ષકોથી દૂર ધકેલી દીધો છે. આજના યુવાનોને બધું તાત્કાલિક જોઈએ છે, અને તે ન મળે એટલે નિરાશ અને હતાશ થઈને આત્મહત્યાનો માર્ગ લે છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ દ્વારા દેશના ૧૬ થી ૨૫ વર્ષની વયના ૨૧.૫ કરોડ યુવા ભાઈ-બહેનોમાંથી શહેરના અને ગામડાના ૬૦૦ યુવા ભાઈબહેનોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. તેમાં એવું જાણવામાં આવ્યું કે તેઓ હતાશા, ક્રોધ, પલાયનવાદ વગેરે ભાવનાઓથી પીડિત છે. દેશના ૫૪ ટકા જેટલા ગુનાઓ યુવાનો દ્વારા કરવામાં આવે છે. અને કુલ આત્મહત્યામાંથી ૪૦ ટકા આત્મહત્યા કરનારા પણ યુવાનો જ હોય છે. (ઈન્ડિયા ટુ ડે, ૨૪ નવેમ્બર, ૧૯૯૭)

આજના યુવાનો બુદ્ધિમાન છે, મહત્વાકાંક્ષી છે, ઉત્સાહી છે. પણ નાની નાની બાબતોનો સામનો બહાદુરીપૂર્વક કરી શકતા નથી, કેમકે તેમને જીવવાની કળા શીખવવામાં આવી નથી. જેમાં જીવન જીવવાની કળાનું શિક્ષણ રહેલું છે, એ જીવનમૂલ્યોનું શિક્ષણ આધુનિક શિક્ષણ પદ્ધતિમાં નથી. તેથી આજના યુવાનોને સાચું માર્ગદર્શન મળતું નથી, તેઓ કેરિયર બનાવવા માટે તેજ ગતિથી દોડી રહ્યા છે અને તેમાં નિષ્ફળતા મળતાં નિરાશા અને હતાશામાં ધકેલાઈ રહ્યા છે.

વર્તમાન યુવાવર્ગની હતાશા અને નિરાશાને સર્જતી સઘળી સમસ્યાઓનો ઉકેલ સ્વામી વિવેકાનંદના જીવન-દર્શનમાંથી મળી રહે છે. આજે ભારતના યુવાવર્ગની સામે ત્રણ મુખ્ય સમસ્યાઓ રહેલી છે. (૧) બેરોજગારી (૨) ધર્મ પર અવિશ્વાસ (૩) આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ.

સ્વામી વિવેકાનંદજીને પોતાની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એવા સમયમાં કે જ્યારે સ્નાતક થવું એ એક વિરલ વાત હતી, ત્યારે યુવક નરેન્દ્રનાથે બી.એ.ની પદવી મેળવીને કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ પોતાના પિતાના આકસ્મિક અવસાનને લઈને એમને નોકરી શોધવા માટે ઘેર ઘેર ભટકવું પડ્યું હતું. પૈસાના અભાવે સર્જાતી વિકટ આર્થિક પરિસ્થિતિનો તેમણે પૂરો અનુભવ કર્યો હતો.

વળી આજના યુવાનોની પેઠે તેમના મનમાં પણ ઈશ્વરના અસ્તિત્વ વિષે સંશય હતો. તેમણે સ્પેન્સર, હેગલ, કાંટ વગેરે પાશ્ચાત્ય તત્ત્વવેત્તાઓના ગ્રંથોનું અધ્યયન કર્યું હતું અને તેથી તેઓ સંશયવાદી બની ગયા હતા. બધા મહાપુરુષોને તેઓ પ્રશ્ન પૂછતા રહેતા કે, ‘મહાશય, શું આપે પોતે ઈશ્વરના દર્શન કર્યાં છે?’ પણ કોઈ પાસેથી તેમને સંતોષકારક ઉત્તર મળતો નહોતો. છેવટે શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમને ઉત્તર મળ્યો; ‘હા દીકરા, મેં ઈશ્વરના દર્શન કર્યા છે, જેમ તને જોઉં છું, એથી ય વધારે પ્રત્યક્ષ રીતે તેના દર્શન કરું છું. તુ ચાહે તો તને પણ તેનાં દર્શન કરાવી શકું.’ પછી નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણને ગુરુરૂપે સ્વીકારે છે, અને આધ્યાત્મિક સાધનામાં રત થઈ જાય છે. ત્યારબાદ તેમના જીવનમાં સર્જાય છે. નૈતિક અને માનસિક સમસ્યાઓનો વંટોળિયો જેનું વિસ્તૃત વર્ણન તેમના સહપાઠી શ્રીબજેન્દ્રનાથ સીલે કર્યું છે. આ રીતે આજના યુવાવર્ગની સઘળી સમસ્યાઓનો અનુભવ સ્વામી વિવેકાનંદે પોતે કર્યો હતો. એટલું જ નહીં પણ તેઓ એ સમસ્યાઓ પાર કરીને જીવનની સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરીને માત્ર ભારતને જ નહીં પણ સમગ્ર વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપનાર જ્ઞાનસૂર્ય બની રહ્યા. આથી જ સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં આજના યુવાવર્ગની સઘળી સમસ્યાઓનું નિરાકરણ રહેલું છે. જીવનમાં દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા માટે સ્વામી વિવેકાનંદના સઘળા ઉપદેશોમાંથી યુવાવર્ગને અનુરૂપ અમે પાંચ સિદ્ધાંતો તારવ્યા છે. માત્ર આ પાંચ સિદ્ધાંતોનું જીવનમાં પાલન કરવાથી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.

(૧) પ્રથમ આવે છે આત્મશ્રદ્ધા :

પોતાની જાતમાં શ્રદ્ધા રાખો

જેમને પોતાનામાં આત્મવિશ્વાસ છે તેમના માટે સફળતાના સર્વ દ્વારો ખુલ્લાં થઈ જાય છે. તેમના માટે કોઈ કાર્ય મુશ્કેલ કે અશક્ય રહેતું નથી. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ઉચ્ચ અને હીન મનુષ્ય વચ્ચેનો તફાવત એ આત્મવિશ્વાસ હોવો અને ન હોવો તેને લઈને જ છે. એમ આપણે જોઈ શકીએ છીએ. પોતાનામાં વિશ્વાસ હોય તો બધું જ થાય મારા પોતાનાં જીવનમાં મેં આ વાતનો અનુભવ કર્યો છે, અને હજુ પણ એ ચાલુ જ છે. જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે. તેમ તેમ એ વિશ્વાસ વધારે ને વધારે દૃઢ થતો જાય છે.’ જેઓ એમ માને છે કે ‘હું આ કરી શકીશ.’ તેઓ આત્મશ્રદ્ધાના બળથી એ કાર્ય જરૂર સિદ્ધ કરે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘વિજય મેળવવા માટે તમારામાં અદ્દભુત ખંત તથા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ. ખંતીલી વ્યક્તિ તો કહેશે. ‘હું સમુદ્રને પણ પી જઈશ, મારી ઇચ્છા થાય તો પર્વતો પણ ભાંગીને ભુક્કો થઈ જાય.’ આ જાતનો ઉત્સાહ, આ જાતની ઇચ્છાશક્તિ ધારણ કરો. ખૂબ મહેનત કરો અને તમે લક્ષ્યસ્થાને જરૂર પહોંચશો.’

સર્વ સફળતાઓનો પાયો છે, આત્મશ્રદ્ધા. જો આત્મશ્રદ્ધા હશે તો જ કાર્ય કરવાનો ઉત્સાહ જાગશે અને અંતર્નિહિત શક્તિઓ પણ તો જ પ્રગટ થશે. આત્મશ્રદ્ધા ને જ સ્વામી વિવેકાનંદ મહાનતાનું રહસ્ય ગણાવે છે. તેઓ કહે છે; ‘શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેત્રીસ કરોડ પૌરાણિક દેવતાઓમાં તમે શ્રદ્ધા ધરાવો છો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં, આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર રહો અને બળવાન બનો.’ બહેનોને પણ સ્વામીજી આ જ સંદેશ આપે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બહેનો માટે આપનો શો સંદેશ છે?’, ત્યારે તેમણે જણાવ્યું કે ભાઈઓ માટે જે સંદેશ છે, એ જ બહેનો માટે છે. કે ‘બળવાન બનો. પોતાની જાતને અબળા માનશો નહીં.’

આત્મશ્રદ્ધા જ સાહસની જન્મદાતા છે. આજે આપણે ચાંપ દાબીએ અને વીજળીનો બલ્બ ઝળહળી ઊઠે છે, એમાં આપણને કંઈ આશ્ચર્ય જણાતું નથી. પરંતુ તેના શોધક થોમસ આલ્વા એડિસને પોતાની પ્રયોગશાળામાં હજારથી પણ વધુ પ્રયોગો કર્યા, પણ ચોવીસ કલાક જલતો રહે તેવો બલ્બ બની શક્યો નહીં. છતાં ય તેણે નિષ્ફળતા સ્વીકારી નહીં. તેનામાં એવો પ્રબળ આત્મવિશ્વાસ હતો કે હું અવશ્ય સફળ થઈશ. અને આખરે તે લાંબા સમય સુધી ઝળહળતો રહી શકે તેવો બલ્બ શોધીને જ જંપ્યો. નવી શોધખોળો કરનારા, નવા ખંડો શોધનારા, અને આધ્યાત્મિક ક્ષેત્રમાં, આત્માના પ્રદેશમાં આગળ વધનારા સર્વ સાહસિકો આત્મશ્રદ્ધાના જોરે જ સફળ થાય છે.

આત્મશ્રદ્ધા ધરાવનાર કદી પણ નિરાશ કે હતાશ થતા નથી. કેમકે તેમનામાં રહેલો આત્મવિશ્વાસ અંતર્નિહિત શક્તિઓને જાગૃત કરી દે છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક એમ ચારે ય પ્રકારની શક્તિઓ જાગૃત થતાં મનુષ્ય ખૂબ ઝડપથી લક્ષ્ય સ્થાને પહોંચી શકે છે. અલબત્ત માર્ગમાં કેટલાય અવરોધો અને વિઘ્નોનો તેણે સામનો તો કરવો જ પડે છે. પરંતુ આત્મશ્રદ્ધાથી તે સઘળાં વિઘ્નોને પાર કરી શકે છે. વળી આત્મશ્રદ્ધા નિર્ભયતા બક્ષે છે.’ ગમે તે પરિસ્થિતિ સર્જાય. પણ હું આ કાર્ય પાર પાડીને જ જંપીશ.’ – એવું દૃઢ મનોવલણ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની આંતરિક તાકાત બક્ષે છે. સઘળા પ્રકારના ભયો અને જોખમોની સામે અડીખમ ઊભા રહેવાની શક્તિ પણ આત્મશ્રદ્ધામાંથી જ જન્મે છે. સ્વામી વિવેકાનંદ પણ યુવાનોને નિર્ભય બનવાનો ઉપદેશ આપતાં કહે છે; ‘ઉપનિષદોમાંથી બોમ્બની માફક ઊતરી આવતો અને અજ્ઞાનતા રાશી ઉપર બોમ્બગોળાની જેમ તૂટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે, અભી:, ‘અભય’. અને જગતને જો કોઈ ધર્મનું શિક્ષણ આપવું જોઈએ તો તે છે, અભયના ધર્મનું શિક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું મુખ્ય કારણ છે. ભયથી જ દુ:ખ જન્મે છે. ભયથી જ મૃત્યુ આવી પડે છે, અને ભયથી જ અનિષ્ટ ઊભું થાય છે.’

નિર્ભય બનવા માટે સ્વામી વિવેકાનંદ ભયજનક પરિસ્થિતિથી ભાગવાનું નહીં, પણ તેનો સામનો કરવાનું કહે છે. તેમના પોતાના જ જીવનમાં બનેલો એક પ્રસંગ છે. તે વખતે તેઓ પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કરતા કરતા વારાણસીમાં આવ્યા હતા. એક દિવસ તેઓ શ્રીદુર્ગાદેવીના મંદિરેથી પાછા ફરતા હતા, ત્યારે વાંદરાઓનું ટોળું એમની પાછળ પડ્યું. આથી સ્વામીજી દોડવા માંડ્યા એટલે વાંદરાઓ પણ એમની પાછળ દોડ્યા. આમ આગળ સ્વામીજી અને પાછળ વાંદરાઓને દોડતા જોઈને એક વૃદ્ધ સંન્યાસીએ બૂમ પાડી કહ્યું : ‘ભાગો નહીં. સ્થિર ઊભા રહો અને સામનો કરો.’ આ સાંભળીને સ્વામી હિંમત એકઠી કરીને પાછા વળીને વાંદરાઓની સામે સ્થિર ઊભા રહ્યા. એમને આ રીતે પોતાની સામે ઊભેલા જોઈને વાંદરાઓ પણ એકદમ ઊભા રહી ગયા અને પછી બધા ઊભી પૂંછડીએ ભાગી ગયા. આ પ્રસંગે સ્વામીજીને જીવનનો એક મહાન બોધપાઠ આપ્યો કે જીવનમાં મુશ્કેલીઓથી કદી ભાગવું નહીં, પણ નિર્ભયતાથી તેમની સામે આંખ મેળવવાથી મુશ્કેલીઓ પોતે ભાગી જાય છે! આ પ્રસંગનો પાછળથી ઉલ્લેખ કરતાં સ્વામીજીએ ન્યુયોર્કમાં એક ભાષણમાં કહ્યું હતું; ‘સમગ્ર જીવન માટે આ એક બોધપાઠ છે. ભયંકર દુશ્મન સામે પણ આંખ મેળવવી જોઈએ. હિંમતપૂર્વક તેની સામે ઊભા રહેવું જોઈએ.

જીવનની મુશ્કેલીઓથી જો આપણે ભાગીએ નહીં તો તેઓ પણ વાંદરાઓની જેમ આપણી પાસે આવવાની હિંમત નહીં કરે. જો આપણે અજ્ઞાનમાંથી મુક્તિનો અનુભવ કરવો હોય તો પ્રકૃતિથી વિમુખ થયા વગર તેના ઉપર વિજય મેળવવો જ પડશે. કાયર માણસની કદી જીત થતી નથી ભય, અડચણો, આપત્તિ અને અજાણપણાથી જો દૂર રહેવું હોય તો આપણે તેની સામે યુદ્ધની ઘોષણા કરવી પડશે.’

ખરેખર જીવનમાં પણ આવું જ બનતું રહે છે કે જેઓ બધાથી ડરે છે, તેમને બધા ડરાવતા જ રહે છે, તેમનું સમગ્ર જીવન ભયમાં જ પસાર થઈ જાય છે, પણ જેઓ બધાંનો બહાદુરપૂર્વક સામનો કરે છે, તેઓ જ જીવનમાં આગળ વધતા રહે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ યુવાનોને ઉદ્દેશીને કહે છે; ‘મારાં બહાદુર બાળકો! મહાન કાર્ય કરવાને તમે સરજાયાં છો, એવી શ્રદ્ધા રાખો. કૂતરાં ભસભસ કરે તેથી બીતાં નહીં, અરે આકાશ તૂટી પડે તો પણ શું? ટટ્ટાર ખડા રહો અને કામ કરો.’

એક એન્જિનિયરીંગ કોલેજની યુવા-શિબિરમાં સ્વામી વિવેકાનંદના આ પંચશીલના સિદ્ધાંતો વિષે વાર્તાલાપ ચાલતો હતો, તે દરમિયાન એન્જિનિયરીંગ કોલેજના બીજા વર્ષમાં ભણતી એક યુવાન વિદ્યાર્થિનીએ મને પ્રશ્ન પૂછ્યો કે અમે આ બધાં પ્રવચનો સાંભળીએ છીએ એની અસર થોડો સમય રહે છે પાછાં અમે અમારી સામાન્ય ઘરેડમાં જીવવા લાગીએ છીએ. તો ખરેખર આત્મવિશ્વાસ વધે અને તે કાયમ ટકી રહે એ માટે શું કરવું જોઈએ?’ આ પ્રશ્નના ઉત્તરમાં મેં તેને જણાવ્યું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાથી આત્મવિશ્વાસ જરૂર વધશે. હમણાં જો તેમના મોટાં પુસ્તકો વાંચી ન શકાય તો શક્તિદાયી વિચારની સાવ નાની પુસ્તિકા છે, તેમાંથી થોડાં થોડાં વાક્યો રોજ વાંચવા, મને પૂરો વિશ્વાસ છે કે તેનાથી તમારો આત્મવિશ્વાસ ખૂબ વધશે.’ એ પછી એકાદ મહિના બાદ મને એ વિદ્યાર્થિનીનો પત્ર મળ્યો, જેમાં તેણે લખ્યું હતું કે ‘આપે જણાવ્યા પ્રમાણે હું એક મહિનાથી દરરોજ રાત્રે સૂતા પહેલાં સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારોનું વાંચન કરું છું. પરંતુ એથી મારો આત્મવિશ્વાસ જરા ય વધ્યો નથી.’ આ વાંચીને હું વિચારમાં પડી ગયો કે અનેક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને પોતાના આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો કરી સફળતા પ્રાપ્ત કરી છે, તો આ વિદ્યાર્થિનીની બાબતમાં આમ કેમ થયું?’ પણ પછી છએક મહિના બાદ મને તેનો બીજો પત્ર મળ્યો, જેમાં તેણે લખ્યું હતું; ‘આપની વાત તદ્દન સાચી છે. હવે મારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે. પરીક્ષાનો ભય બિલકુલ જતો રહ્યો, એટલું જ નહીં, પણ આ સેમેસ્ટરમાં મારા ઘણાં જ સારા માર્કસ આવ્યા છે. હવે હું દરરોજ રાત્રે સૂતા પહેલાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચું છું. એટલું જ નહીં, પણ તેના ઉપર મનન-ચિંતન પણ કરું છું અને મારા મિત્રોને પણ વંચાવું છું!’ એ વિદ્યાર્થિનીના આ બીજા પત્રે મારા આત્મવિશ્વાસમાં પણ અનેકગણો વધારો કરી દીધો કે સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર સમા વાક્યોમાં વ્યક્તિમાં રહેલાં તમસના આવરણને ભેદીને આત્મતત્ત્વને પ્રકાશિત કરી દેવાની પ્રચંડ શક્તિ રહેલી છે.

૨. આત્મજ્ઞાન – સ્વને ઓળખો :

સફળતા મેળવવા માટેનું બીજું સૂત્ર પોતાની જાતને ઓળખવાનું છે. પોતાની જાત એટલે અમુક વ્યક્તિ નહીં, પણ પોતાનું સાચું સ્વરૂપ શું છે, તેનું જ્ઞાન મેળવવાનું છે. એટલે કે પોતાના સાચા ‘હું’ ને શોધવાનો છે. આ જ્ઞાન બે અર્થોમાં રહેલું છે. એક તો છે આત્માનું જ્ઞાન, એ જ તો છે આપણા સાચા સ્વરૂપની ઓળખ. અને બીજું છે. આત્મા જેના દ્વારા કાર્ય કરે છે, તે પ્રકૃતિના કારણો મન, બુદ્ધિ અને દેહ વિષેનું જ્ઞાન.

જ્યારે મનુષ્ય પોતાના સાચા સ્વરૂપને જાણવા લાગે છે, ત્યારે જ તેને પોતાની અંદર રહેલી અનંત શક્તિનું ભાન થાય છે. અંદર રહેલી દિવ્યતાને પ્રકટ કરવી એ જ તો છે. માનવજીવનનો સાચો ઉદ્દેશ. આ સંદર્ભમાં સ્વામીજી કહે છે કે, ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદર રહેલી આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.’

મનુષ્ય કંઈ સામાન્ય દુર્બળ પ્રાણી નથી. પણ તેની અંદર જે મહાન આત્મા રહેલો છે. તેના પ્રત્યે જાગૃત થતાં તેની સઘળી દુર્બળતા ચાલી જાય છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘અહા! જો તમે તમારી જાતને જાણતા હો તો! તમે તો આત્મા છો. પરમાત્મા છો. હું તમને મનુષ્ય કહીને બોલાવું ત્યારે મને લાગે છે કે ખરેખર હું ઈશ્વરની નિંદા કરી રહ્યો છું.’ સ્વામીજી દરેકની અંદર રહેલા, અનંત શક્તિના સ્રોત એવા પરમાત્માને જાગૃત કરવા પ્રયત્ન કરતા. આ માટે તેઓ સિંહના બચ્ચા અને ઘેટાંની પ્રતીકાત્મક વાર્તા કહેતા, જે આ પ્રમાણે છે.

એક વખત એક સગર્ભા સિંહણે રસ્તો ઓળંગવા માટે છલાંગ લગાવી. પણ તે રસ્તો ઓળંગી ન શકી અને રસ્તા વચ્ચે જ ફસડાઈ પડી અને બચ્ચાંને જન્મ આપીને તે મરી ગઈ. હવે તાજું જન્મેલું સિંહ બાળ રસ્તા વચ્ચે પડ્યું હતું, ત્યાં ઘેટાંનું ટોળું પસાર થયું. ઘેટાંઓએ આ સિંહબાળને પોતાના ટોળામાં લઈ લીધું. હવે એ સિંહબાળ ઘેટાંની જેમ જ ઉછરવા લાગ્યું. તે ઘેટાંઓની જેમ જ ઘાસ ખાવા લાગ્યું. ઘેટાંની જેમ જ બેં.. બેં બોલવા લાગ્યું. ઘેટાંઓની જેમ જ સિંહ વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી ડરી ડરીને નાસી જવા લાગ્યું. ભલે તે આકારમાં સિંહ જેવું હતું, પણ વાસ્તવમાં ઘેટાંનું જ વર્તન કરવા લાગ્યું. હવે એક દિવસ એક સિંહ ત્યાંથી પસાર થયો. તેણે જોયું તો ઘેટાંના ટોળાંની વચ્ચે એક સિંહ ચાલ્યો જાય છે. પણ એને ઘેટાંની જેમ ઘાસ ખાતો અને બેં બેં કરતો જોઈને પેલા સિંહને ભારે આશ્ચર્ય થયું. તેણે એ સિંહને પકડી લીધો અને ટોળાથી જુદો કરીને, કહ્યું; ‘અરે, તું બેં બેં કેમ કરે છે ને ઘાસ કેમ ખાય છે? તું તો સિંહ છો સિંહ. મારા જેવો જ સિંહ છો. મારી જેમ ગર્જના કર,’ આમ કહીને એ સિંહે ગર્જના કરી, તો પેલો ઘેટા-સિંહ થથરી ગયો ને બેં બેં કરવા લાગ્યો. તેણે કહ્યું : ‘હું ક્યાં સિંહ છું, હું તો ઘેટું છું ઘેટું. બેં… બેં…’ તેની આવી વાત સાંભળીને પેલા સાચા સિંહને ભારે ગુસ્સો આવ્યો ને ફરી કહ્યું : ‘તું ઘેટું નથી, સિંહ છો સિંહ. જંગલનો રાજા. બધાં તારાથી ધ્રૂજે. તું આમ ઘેટાંની જેમ બેં બેં કરે છે. ચાલ ગર્જના કર.’ પણ તો ય આમ ઘેટાંની જેમ બેં બેં કરે છે. ચાલ ગર્જના કર.’ પણ તો ય એ ઘેટાંસિંહ બેં બેં જ કરવા લાગ્યો. એટલે પછી પેલા સિંહે તેને ગળેથી પકડ્યો ને તળાવને કિનારે લઈ આવ્યો. તળાવના પાણીનાં પ્રતિબિંબમાં તેનું મોઢું બતાવી કહ્યું : ‘જો આ તું છે, છે ને અસ્સલ મારા જેવો જ સિંહ! તો પછી મારી જેમ ત્રાડ પાડ.’ અને એ ઘેટાંસિંહે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ને તેની અંદરનો અસલી સિંહ જાગી ગયો. જેવું તેને તેના સાચા સ્વરૂપનું ભાન થયું કે તેણે એવી ગર્જના કરી કે આખું જંગલ ગાજી ઊઠ્યું.’ આ વાર્તા દ્વારા સ્વામીજી એમ સમજાવે છે કે જ્યારે આપણે આપણા સાચા સ્વરૂપને જાણીશું. આપણે જેને સાચું માની બેઠા છીએ, એ આપણા મિથ્યા સ્વરૂપને દૂર કરી દેશું, ત્યારે જ આપણે અનંત મિથ્યા સ્વરૂપને દૂર કરી દેશું, ત્યારે જ આપણે અનંત શક્તિનો અનુભવ કરી શકીશું. વેદાંતનો નીચોડ સ્વામીજી પોતાની ઓજસ્વી ભાષામાં આપતાં કહે છે; ‘તમે તો ઈશ્વરના સંતાન છો, અક્ષયના સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્મા છો. અરે ઓ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે. મનુષ્ય પ્રકૃતિને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સિંહો! ઊભા થાઓ અને અમે ઘેટાં છીએ એવા ભ્રમને ખંખેરી નાંખો. તમે અજર અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો. નિત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી. જડ પદાર્થ તમારો દાસ છે, તમે તેના દાસ નથી.’

સામાન્ય રીતે મનુષ્ય જ્યારે કોઈ કાર્યમાં નિષ્ફળ જાય ત્યારે તે નિરાશ અને હતાશ થઈ જાય છે. અને પછી પોતાની જાતને હીન અને તુચ્છ માનવા લાગે છે. લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે. પછી આવો મનુષ્ય શક્તિહીન બની જાય છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે. આવા પોતાની જાતને હીન માનનારા મનુષ્યોમાં જીવનશક્તિનો સંચાર કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે; ‘હું નિર્બળ છું, પાપી છું, દયાજનક પ્રાણી છું, મારામાં કંઈ શક્તિ નથી. હું આ કરી શકું તેમ નથી. આમ બોલવા જેવી બીજી એકેય ભૂલ નથી.’ આવી ભૂલમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ તેઓ જ બતાવે છે કે ‘તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટ કરો, એટલે એની આસપાસ બધું જ સુંદર રીતે ગોઠવાઈ જશે.’ અંદર રહેલી આ દિવ્યતા એટલે આપણું સાચું સ્વરૂપ, આપણો આત્મા કે જે અનંતશક્તિ, અનંતજ્ઞાન, અને અસીમ આનંદથી સભર છે. એ પ્રગટ થતાં પછી મનુષ્યની દૃષ્ટિ અને આંતરિક સ્થિતિ જ બદલાઈ જાય છે, તેથી પછી કોઈ જ સમસ્યા રહેતી નથી.

(ક્રમશ:)

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.