શ્રીરામકૃષ્ણ – જરાક સાધન-ભજન કરવું જોઈએ. 

‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને ભક્તિ પ્રાપ્ત કરીને ત્યાર પછી ગમે ત્યાં રહો. પગમાં જોડા પહેરીને કાંટાવાળા જંગલમાંય અનાયાસે જઈ શકાય.

‘મુખ્ય વાત છે શ્રદ્ધા. ‘જેવો અંતરનો ભાવ, તેવો લાભ, મૂળ છે એ વિશ્વાસ.’ શ્રદ્ધા આવી ગઈ તો પછી બીક નહિ.’

મણિરામપુરનો ભક્ત- જી, શું ગુરુની જરૂર છે?

શ્રીરામકૃષ્ણ- ઘણા માટે જરૂર છે. પરંતુ ગુરુ-વાક્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુને ઈશ્વર-સ્વરૂપ સમજીએ તો થાય. એટલે તો વૈષ્ણવો કહે છે કે ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ.

‘ઈશ્વરનું નામ હમેશાં લેવું જોઈએ. કળિયુગમાં નામનું માહાત્મ્ય છે. અન્ન ઉપર પ્રાણનો આધાર, યોગ થઈ શકે નહિ. ભગવાનનું નામ લઈને તાલી પાડતાં પાડતાં પાપ-પંખી ઊડી જાય.

‘સત્સંગની હમેશાં જરૂર છે. ગંગાની જેમ જેમ નજીક જાઓ, તેમ તેમ ઠંડી હવા લાગે. અગ્નિની જેમ જેમ નજીક જાઓ, તેમ તેમ તાપ લાગે.

‘ઢીલાઢફ જેવા થયે ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ. જેમનામાં સંસારનો ભોગ કરવાની ઇચ્છા રહી હોય, તેઓ કહેશે કે થશે શી ઉતાવળ છે? ક્યારેક ને ક્યારેક તો ઈશ્વરને પામીશું.

મેં કેશવસેનને કહ્યું હતું કે દીકરાને બહુ જ ઝઘડો કરતો જોઈને તેનો બાપ ત્રણ વરસ વહેલો જ તેનો ભાગ કાઢી આપે.

‘મા રાંધે છે, ને ખોળાનું ધાવણું છોકરું પડ્યું પડ્યું ઓસરીમાં રમે છે, માએ મોઢામાં ચૂસણી દીધી છે. પણ જ્યારે છોકરું ચૂસણી ફેંકી દઈને જોરથી ચીસ પાડીને રડે, ત્યારે મા તપેલું ઉતારી દોડી આવીને છોકરાને ખોળામાં લઈને ધવરાવે. આ બધી વાતો કેશવસેનને કહી હતી.

કહે છે કે કળિયુગમાં એક દિવસ ને એક રાત ઈશ્વર માટે રુદન કર્યે ઈશ્વર-દર્શન થાય. 

મનમાં ગુમાન રાખવું અને કહેવું ‘ભગવાન, તેં મને પેદા કર્યો છે, માટે દર્શન દેવાં જ પડશે!’

સંસારમાં રહો કે ગમે ત્યાં રહો, ઈશ્વર મન જુએ. વિષયભર્યું મન જાણે કે ભિંજાયેલી દીવાસળી જેવું. ગમે તેટલી ઘસોને, એ સળગે નહિ. એકલવ્યે માટીના દ્રોણાચાર્ય (એટલે કે પોતાના ગુરુની મૂર્તિ) સામે રાખીને બાણ-વિદ્યા મેળવેલી.

‘આગે બઢો!’ કઠિયારાએ આગળ વધતાં જોયું કે ચંદનનાં લાકડાં, રૂપાની ખાણ, સોનાની ખાણ, એથીયે આગળ વધીને જોયું તો હીરા માણેક!

‘જેઓ અજ્ઞાની છે, તેઓ જાણે કે માટીની ભીંતોવાળા ઘરની અંદર રહેલા છે. ઘરમાં એટલો સારો પ્રકાશ નહિ, તેમ જ બહારની કોઈ વસ્તુને પણ દેખી શકતા નથી. જ્ઞાન-પ્રાપ્તિ કરીને જે સંસારમાં રહે તે જાણે કે કાચના ઓરડાની અંદર છે. અંદરેય પ્રકાશ ને બહાર પણ પ્રકાશ. અંદરની વસ્તુય દેખી શકે, અને બહારની વસ્તુય દેખી શકે.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ભાગ-૧, પૃ.૨૨૮-૯)

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.