શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.)

‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા જેવા થવું જોઈએ. ભગવાનને ઓળખવા હોય તો ભગવતી જેવા થવું જોઈએ. ભગવતીએ જેમ શિવને માટે કઠોર તપશ્ચર્યા કરી હતી તેવી રીતે તપશ્ચર્યા કરવી જોઈએ. પુરુષને જાણવા માટે પ્રકૃતિ-ભાવનો આધાર લેવો જોઈએ, સખી-ભાવ, દાસ-ભાવ, માતૃભાવ. મેં સીતાનાં દર્શન કર્યાં હતાં. જોયું તો તેમનું સમગ્ર મન રામમાં જ લીન. હાથ, પગ, શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરે કશાયમાં નજર નહિ. જાણે કે જીવન જ રામમય! રામ નહોય તો, રામ ન મળે તો, પ્રાણ ટકે નહિ?’

મણિ- જી હા, જાણે કે પાગલ!

શ્રીરામકૃષ્ણ- પાગલ! હા ઈ-ઈ-ઈ- પાગલ! ઈશ્વરને પામવો હોય તો પાગલ થવું જોઈએ!

‘કામિની-કાંચનમાં મન હોય તો ચાલે નહિ. કામિની સાથે રમણ, એમાં તે શું સુખ છે! ઈશ્વર-દર્શન થયે રતિસુખ કરતાં કરોડો ગણો આનંદ થાય. ગૌરી પંડિત કહેતો કે ‘‘મહાભાવ આવ્યે શરીરનાં બધાં છિદ્રો, રુંવાડાંનાં છિદ્રો સુદ્ધાં મહાયોની થઈ જાય. એક એક છિદ્રમાં આત્માની સાથે રતિસુખનો અનુભવ થાય.’

‘આતુર થઈને ઈશ્વરને પોકારવો જોઈએ. ગુરુને મોઢેથી સાંભળી લેવું જોઈએ, કે કેમ કરીને ઈશ્વરને પમાય! ગુરુ પોતે પૂર્ણ જ્ઞાની હોય, તો જ માર્ગ બતાવી શકે પૂર્ણજ્ઞાન થયે વાસના જાય, પાંચ વરસના બાળક જેવો સ્વભાવ થાય. દત્તાત્રેય અને જડભરત, એમનો બાળક જેવો સ્વભાવ થયો હતો.’

મણિ- એમના વિષે તો જાણવામાં આવ્યું છે; પણ એ ઉપરાંત પણ એમના જેવા બીજા કેટલાય જ્ઞાનીઓ થઈ ગયા છે!

શ્રીરામકૃષ્ણ- હાં! જ્ઞાનીની બધી વાસનાઓ જાય. જે થોડી નજીવી રહી હોય તેનાથી કશું નુકસાન થાય નહિ. પારસમણિને અડવાથી તલવાર સોનાની થઈ જાય, ત્યારે પછી એ તલવારથી મારવાકાપવાનું કામ થાય નહિ. તે પ્રમાણે જ્ઞાનીનાં કામ, ક્રોધાદિનો આકાર માત્ર રહે, નામમાત્ર; તેથી કશું નુકસાન થાય નહિ.

મણિ – આપ જેમ કહો છો કે જ્ઞાની ત્રણે ગુણોથી અતીત થાય તેમ. સત્ત્વ, રજ, તમ એ ત્રણમાંથી એકેય ગુણને જ્ઞાની વશ નહિ. એ ત્રણેય ગુણો લૂંટારા.

શ્રીરામકૃષ્ણ- એ બધાંની મનમાં ધારણા થવી જોઈએ.

મણિ- પૂર્ણ જ્ઞાની, મને તો લાગે છે કે દુનિયામાં ત્રણ ચારથી વધારે નહિ હોય.

શ્રીરામકૃષ્ણ- કેમ ભલા? પશ્ચિમ તરફના મઠોમાં કેટલાય સાધુ-સંન્યાસીઓ જોવામાં આવે છે!

મણિ-જી, એવો સંન્યાસી તો હુંય થઈ શકું.

એ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ થોડી વાર સુધી મણિને એકી નજરે જોઈ રહે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને)- શું બધું છોડીને?

મણિ માયા ગયા વિના શું વળે? માયાને જીતી ન શકાય તો એકલા સંન્યાસી થયે શું વળે? બધાય પળવાર ચૂપ બેસી રહ્યા છે.

મણિ – જી, ત્રિગુણાતીત ભક્તિ કોને કહે?

શ્રીરામકૃષ્ણ- એ ભક્તિ આવ્યે બધું ચિન્મય દેખે. ચિન્મય શ્યામ, ચિન્મય ધામ, ભક્ત પણ ચિન્મય. બધુંય ચિન્મય. એવી ભક્તિ જૂજ માણસમાં આવે.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખંડ-૧૬, અધ્યાય-૧૧માંથી)

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.