* બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની સલાહથી ચાલવા જતાં પૂરી ગરબડ થવાનો સંભવ. એમ ઈશ્વરને પામવા માટે, એ પંથના જાણકાર ગુરુનું માર્ગદર્શન શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવાનું.

* શતરંજની રમત વેળા, ખેલાડીઓના કરતાં, એ રમત જોનારા ખરી ચાલ કઈ તે સમજી શકે. સંસારીઓ જાતને ખૂબ ચતુર માને છે પણ, પૈસો, માન, ઇન્દ્રિયસુખ આદિ સંસારી ચીજોમાં તેઓ આસક્ત હોય છે. રમતમાં પોતે ભાગ લેતા હોઈ ખરી ચાલ એ વિચારી શકતા નથી. સંસારત્યાગી સંતોને એવી આસક્તિ નથી. તેઓ શતરંજની રમતના પ્રેક્ષકો જેવા છે. સંતો વસ્તુમાત્રને તેમના સાચા સ્વરૂપમાં જોઈ શકે છે. અને સંસારીઓ કરતાં વધારે વિવેકપૂત હોય છે. એટલે, પવિત્ર જીવન જીવવા ઇચ્છનારે ઈશ્વરનું ધ્યાન કરનાર અને તેનો સાક્ષાત્કાર કરનારના શબ્દોમાં જ વિશ્વાસ મૂકવો જોઈએ. તમારે કાનૂની સલાહ જોતી હોય તો, તમે ધંધાદારી વકીલોની સલાહ નહીં લો? તમે ચોક્કસ રસ્તે ચાલતા આમ આદમીની સલાહ નહીં લો.

* ઈશ્વરનું રહસ્ય સમજવાને તમે ખરા આતુર હો તો, એ પોતે જ તમારી પાસે સદ્‌ગુરુ મોકલશે. ગુરુ શોધવાની કડાકૂટમાં તમારે પડવાની જરૂર નથી.

* ઈશ્વર પાસે જે નિષ્ઠાથી, આતુર પ્રાર્થનાથી, અને ઊંડી વ્યાકુળતાથી જાય એને ગુરુની જરૂર નથી. પણ અંતરની આવી વ્યાકુળતા જવલ્લે જ જોવા મળે છે, માટે ગુરુની આવશ્યક્તા. ગુરુ એક જ છે પણ, ઉપગુરુઓ ઘણા હોઈ શકે. જેની પાસેથી કંઈ પણ શીખવા મળે તે ઉપગુરુ. મહાન અવધૂત દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા.

* જ્યાં ભક્તિ સાચી છે ત્યાં, અતિ સામાન્ય વસ્તુઓ ભક્તને ઈશ્વરનું સ્મરણ કરાવે છે અને, પોતાની જાતને ભગવાનમાં અર્પી દે છે. ‘આ માટીમાંથી ખોલ બને છે’, એ વિચારમાત્રથી ચૈતન્યદેવ સમાધિમાં સરી પડ્યા હતા, એ તમે સાંભળ્યું છે ને? એક વેળા તેઓ એક ગામડા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને ખબર પડી કે એ ગામના લોકો ખોલ બનાવીને રોજી રળતા હતા. એ જાણી તરતજ તેઓ બોલી ઊઠ્યા હતા: ‘આ માટીમાંથી ખોલ બને છે.’ એમ બોલતાંવેંત સમાધિમાં સરી પડ્યા હતા. કારણ એમને લાગ્યું કે આ માટીમાંથી જે ખોલ બને છે તે સંકીર્તન વખતે વપરાય છે અને, એ સંકીર્તનમાં પ્રભુના ગુણ ગવાતા હોય છે; એ પ્રભુ જ આપણો અંતરાત્મા છે, અને પ્રાણપ્રિય છે. આમ એક વિચારમાળા એમને સ્ફુરી અને એ તરત પ્રભુમય બની ગયા. એ રીતે, પોતાના ગુરુ પ્રત્યે માણસની સાચી ભક્તિ હોય તો, ગુરુના કોઈ કુટુંબીને નિહાળી એને ગુરુનું સ્મરણ થાય છે. એટલું જ નહીં ગુરુના ગામના લોકો એને મળે તો પણ, એના વિચાર ગુરુ ભણી જ વળે છે. એ લોકોને એ દંડવત્‌ પ્રણામ કરે છે, એમની ચરણરજ પોતાને શિરે ચડાવે છે, એમને પેટ ભરીને જમાડે છે અને એમની સેવા સર્વ પ્રકારે કરે છે. 

* મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર તરે છે જેથી સ્વાતિનું બિંદુ અંદર ઝિલાય. પછી એ પાછી તળિયે ચાલી જાય છે અને એ વર્ષાબિંદુ સુંદર મોતી થાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. એ જ રીતે સદ્‌ગુરુ પાસેથી મંત્ર મેળવવા લોકો એક સ્થળેથી બીજે એ માટે ભટકે છે કે એમને ચિર શાંતિ લાધે; અને પોતાની ધગશ ભરી શોધને અંતે માણસને સદ્‌ભાગ્યે આવો ગુરુ મળે અને એની પાસેથી એ ઝંખતો હતો તે મંત્ર મળે તો એનાં બધાં બંધન ભાંગી જાય અને એ તરત સંસાર તજીને પોતાના અંતરના ઊંડાણમાં ખોવાઈ જાય ને શાશ્વત શાંતિ લાધે ત્યાં સુધી એ ત્યાં જ સતત પ્રયત્ન કરતો રહે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પૃ. ૧૪૧-૪૨)

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.