‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ  – એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને દર્શાવેલા સાચા સ્વરૂપ સાથે ક્યાંક ને ક્યાંક અવશ્ય સાંકળતી હોવી જ જોઈએ. અર્થાત્ આપણે વ્યાવહારિક જીવનમાં જે કોઈ ભાત અપનાવીએ, તે ભાતના આધારરૂપ આપણું ‘દર્શન’’ હોવું જોઈએ. આપણી જીવનરીતિનો પાયો આપણું ‘દર્શન’ હોવુું જોઈએ.

જો વ્યાવહારિક જીવન સાથે આપણા ‘દર્શનને – આપણા તત્ત્વદર્શનને – કશો સંબંધ જ ન હોય તો એ દર્શનો કેવળ કપોળકલ્પિત વાણીવિલાસ અને બૌદ્ધિક વ્યાયામમાત્ર જ બની રહે! તો તો પછી પશ્ચિમની ‘ફિલોસોફી’ અને ભારતના ‘દર્શન’ વચ્ચે કશો જ ફરક રહે નહિ. કારણ કે પશ્ચિમની ‘ફિલોસોફી’નો વ્યુત્પત્તિગમ્ય અર્થ કેવળ ‘વિદ્યાનુરાગ’ થાય છે અને ભારતમાં ‘દર્શન’નો અર્થ ‘સાક્ષાત્કાર’ એવો થાય છે, સાક્ષાત્કાર એેટલે અનુભૂતિ. કશીક પ્રાપ્તિ, ઉપલબ્ધિ. એમાં કશુંક ‘લક્ષ્ય’ સાધવાનું હોય છે.

દરેક દર્શન પોતે માનેલી જે લક્ષ્યસિદ્ધિ છે એને મેળવવા મથે છે અને એ માટે પોતાની આગવી જીવનશૈલી ઘડે છે. આ રીતે ભારતનુું એકેએક દર્શન જીવનલક્ષી છે – એ આરામ ખુરશી પર બેસીને કરાતી બુદ્ધિની કસરત નથી. ભારતના દરેક દર્શને પોતાની તાત્ત્વિક દૃષ્ટિને અનુલક્ષીને પોતાની ધ્યેયસિદ્ધિ માટે જુદી જુદી જીવનરીતિઓ – જુદા જુદા નીતિધર્મો ઘડ્યા છે. એથી ભારતીય સમાજની જીવનરીતિ ભાતીગળ થઈ છે. એ વૈવિધ્ય એકસૂત્રે ગુંથાયું છે. ભારતીય સમાજની આ વૈવિધ્યમાં જણાતી એકતા તે ‘એકસૂત્રિત’ છે, ‘એકરૂપી’ નથી. એ ખ્યાલ રાખવું જોઈએે. એેકસૂત્રતામાં શોભા છે, એકરૂપતામાં સંકરદોષ છે, એકસૂત્રતામાં આધુનિક મનોવિજ્ઞાનનાં સિદ્ધાંતની બહાલી છે, ‘એકરૂપતા’માં વિજ્ઞાનની અવગણના છે. અને વિવિધતાની આ એકસૂત્રતા જ ભારતની શાન-શોભા-વિશિષ્ટતા-ગૌરવ જે કહો તે છે. સ્વામી વિવેકાનંદ ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ – સૌને એનો ધર્મ છોડીને એકરસ કરવા માગતા ન હતા, પણ સૌ સૌને પોતપોતાનો ધર્મ સાચવીને ‘માનવ્ય’ના એક ‘સૂત્રે’ બાંધવા ઇચ્છતા હતા.

ભારતીય દર્શનોએ ઘડેલી આ ભાતીગળ જીવનશૈલીઓ ‘માનવ્યના’ આ સૂત્રમાં પરોવાયેલી અને  તેથી ઐક્ય અનુભવતી, સ્વમતસ્વાતંત્ર્યને પોષતી, વિલસી રહી છે. આ ‘માનવ્યનું’ સૂત્ર સર્વ સમાવેશક છે, સર્વસંરક્ષક છે. સ્વસ્થ સમાજ – શાશ્વત – સ્થાયી સમાજના પાયારૂપ છે. ભારતનાં દર્શનોએ ક્યારેય એ છોડ્યું નથી.

અધ્યાત્મપ્રધાન ભારતમાં પાંગરેલું ચાર્વાક દર્શન પણ એનો અપવાદ નથી. ભલે એ દર્શન આધિભૌતિક સુખવાદી દર્શન હોય, ભલે એને આધ્યાત્મિકતા સાથે કશી લેવાદેવા ન હોય, છતાં એને એના વિરોધીઓએ પણ ‘દર્શન’ તરીકે માન્યું છે એનું કારણ એ લાગે છે કે ચાર્વાકો પાસે પણ માનવજીવન વિષયક કોઈક જવાબદાર વિચારસરણી તો અવશ્ય હતી. જો કે આજે એનો પ્રમાણભૂત એકેય ગ્રંથ મળતો નથી. છતાં વિરોધીઓએ પણ આપેલા ‘દર્શન’ તરીકેના ગૌરવથી આપણે એવું ચોક્કસ કહી શકીએ. ભારતીય દર્શનશાસ્ત્રનાં વિશ્વવિખ્યાત વિદુષી ડૉ. એસ્તેર એ. સોલોમન કહે છે કે :- ‘અત્યારના સમાજતત્ત્વચિંતકોમાં અને ચાર્વાકોમાં કોઈ ખાસ અંતર નથી. કોઈપણ જાતના વાદમુક્ત સુઘડ સુખી જીવનનો, કોઈ બુદ્ધિશાળી માણસ આ જ રીતે વિચાર કરી શકે.. ચાર્વાકો સમાજમાં અંધાધૂધી ફેલાય એમ તો ઇચ્છતા ન હતા. ચાર્વાકોએ દંડનીતિનું મહત્ત્વ તો સ્વીકાર્યું જ છે. દંડનીતિ એટલે કાયદાકાનૂન અને સમાજવ્યવસ્થા! કૌટિલ્ય કહે છે કે, ‘બૃહસ્પતિ – ચાર્વાકમતના સ્થાપક, માત્ર વાર્તા – કૃષિ, વાણિજ્ય, પશુપાલન અને દંડનીતિને વિદ્યા તરીકે સ્વીકારે છે.’ સર્વ સિદ્ધાંત સંગ્રહમાં લોકાયતિક – ચાર્વાકમતના પ્રકરણમાં કહ્યું છે કે –

‘કૃષિગોરક્ષવાણિજ્ય દણ્ડનીત્યાદિભિર્બુધ: ।
દૃષ્ટૈરેવ સદોપાયૈ ર્ભોગાનનુઝવેદ્ ભુવિ ॥’

અર્થાત્, ‘ખેતી, ગોપાલન, વાણિજ્ય અને કાનૂન વ્યવસ્થા વગેરે દેખીતું ફળ આપનાર ઉપાયો દ્વારા શાણા માણસે આ પૃથ્વી પર ભોગો ભોગવવા જોઈએ.’

આમાં, આપણી હાલની સામાજિક વિચારસરણીઓ કરતાં આ ચાર્વાકમત (લોકાયતિકમત) જરાયે હાસ્યાસ્પદ લાગે છે ખરો? જરાય નકારવાલાયક લાગે છે ખરો? તાત્પર્ય એ છે કે ચાર્વાકોએ ઘડેલી જીવનતરાહ અન્ય દર્શનોએ ઘડેલી જીવનતરાહોની આડે આવતી નથી, પણ એની સાથે માળાના મણકા સાથે પરોવાઈને રહી શકે તેવી છે. ચાર્વાકોનો સંબંધ અર્થશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્રના બૃહસ્પતિ અને ઉશનસ્ જેવા આચાર્યો સાથે છે. એમને આ જીવનદૃષ્ટિ અને જીવનશૈલી સ્વસ્થ, વ્યવહારુ અને અન્ય જીવનશૈલીઓ સાથે રહી શકે તેવી લાગી હશે. આવા ભૌતિક વિચારો ખાસ કરીને રાજકીય વિચારસરણીઓની શાખાઓમાંથી જન્મે છે. એ અહીં નોંધવા લાયક વાત છે.

ભારત અધ્યાત્મવાદી ભૂમિ છે. એક ચાર્વાક સિવાયનાં બધાં જ દર્શનો આધ્યાત્મિકતાના પાયા પર ચણાયેલાં છે અને તે મોક્ષને પોતાના જીવનનું લક્ષ્ય માને છે. વેદોને માને કે ન માને, આસ્તિક હોય કે નાસ્તિક પરંતુ દરેક દર્શન મોક્ષને – બંધન મુક્તિને જ પોતાના જીવનનું લક્ષ્ય માને છે. એ મોક્ષ સૌ પોતપોતાની રીતે કલ્પે છે અને એ રીત જુદી જુદી હોવાથી દરેક દર્શનાનુયાયીની જીવનની ભાત પણ એ દર્શનમાં જ ચણાયેલી હોવાથી જુદી જુદી છે.

ભારતીય દર્શનોના વૈવિધ્યે વિવિધરૂપ બનેલી આ બધી જીવનરાહો ઘણું કરીને વ્યક્તિનિષ્ઠ જ રહી છે છતાં એને સમાજમાં વિનિયોગ થતાં સમાજનું સૌંદર્ય અને સ્વાસ્થ્ય વધુ રમણીય બને છે, એમાં કશી શંકા નથી. કારણ કે એ બધી ભાતોમાં જીવનલક્ષિતા- જીવનનો સ્વીકાર તો છે જ. એ ન હોત તો સાધનાનો કશો અર્થ જ રહેત નહિ. આ જીવનાભિમુખતાના માનવ્યના સૂત્રે સૂત્રે બધી જીવનભાતો સ્વયંમુક્ત રહીને પરોવાઈને માળાની જેમ ભારતમાં શોભી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની જ આ વિશેષતા છે. વિભિન્નતામાં એકતા એ આનું નામ.

બૌદ્ધદર્શન વેદપ્રામાણ્યને ભલે ન સ્વીકારે, ભલે એ એથી નાસ્તિકદર્શન કહેવાતું હોય, પણ મૂલત: એ દર્શન ક્લેશબહુલ પ્રપંચને પાર કરવા માટે સરલ આચાર માર્ગ પ્રસ્તુત કરવાના ધ્યેયને વરેલું હતું. ચાર આર્યસત્યો પૈકીના ચોથા આર્ય સત્ય, ‘દુ:ખ નિરોધયામિની પ્રતિપત્’માંથી ‘અષ્ટાંગિકમાર્ગ’ની જીવન ભાત નીપજી છે. આ આર્ય અષ્ટાંગયોગ માનવના વ્યક્તિત્વને ઘડનારું પરિબળ છે : (૧) સમ્યક્ જ્ઞાન (પ્રાપ્ત વસ્તુની સાચી ઓળખ), (૨) સમ્યક્ સંકલ્પ (સારા શુદ્ધ દૃઢ વિચારો), (૩) સમ્યક્ વચન (સાચી મધુરવાણી), (૪) સમ્યક્ કર્મ (સારા નિષ્પાપ સદાચાર), (૫) સમ્યક્ આજીવ (ન્યાયપૂર્ણ આજીવિકા), (૬) સમ્યક્ વ્યાયામ (બુરાઈઓ ઉત્પન્ન ન થાય અને ભલાઈનું સાતત્ય રહે તે માટેનો પરિશ્રમ), (૭) સમ્યક્ સ્મૃતિ (અશુચિ લોભ સંતાપાદિથી દૂર રહેવું), (૮) સમ્યક્ સમાધિ (શુદ્ધ ચિત્તની નૈસર્ગિક એકાગ્રતા). આમ તો ઉપનિષદો જેવી જ આ જીવનરીતિ છે. આ જીવનરીતિને સહજ બનાવવા માટે પંચશીલ પ્રબોધ્યાં છે. અહિંસા, અસ્તેય, સત્યભાષણ, બ્રહ્મચર્ય અને નશો ન કરવો તે. જનસાધારણનો બુદ્ધપ્રબોધ્યો આ નીતિધર્મ છે. ભિક્ષુકો માટે થોડી જુદી તરાહ એમણે બતાવી છે. એમને માટે બીજાં પાંચ શીલો મળીને કુલ દસ શીલોની જીવનશૈલી છે. બૌદ્ધદર્શનની એક નોંધપાત્ર વિલક્ષણતા એ છે કે ભારતનાં અન્ય આધ્યાત્મપ્રધાન દર્શનો બહુધા વ્યક્તિલક્ષી છે. જ્યારે બૌદ્ધદર્શન સમષ્ટિ લક્ષિતાનો પુરસ્કાર કરે છે.

ભારતમાં બૌદ્ધદર્શનથી પણ પુરાણી પરંપરાવાળું વેદ બાહ્ય નાસ્તિક જૈનદર્શન માનવ જીવનના ધ્યેય તરીકે તો મોક્ષને જ લેખે છે. એની અને બૌદ્ધદર્શનની જીવનશૈલીમાં ઝાઝો તફાવત જણાતો નથી. એટલું જ નહિ શ્રૌતદર્શન – ઉપનિષદોનો ઓછાયો પણ એમાં પડતો જણાય છે. અને એ સ્વાભાવિક પણ છે કારણ કે કેટલાક વિદ્વાનોને મતે બૌદ્ધ અને જૈનદર્શનનો ઉદ્ભવ શ્રોતદર્શનની કેટલીક બાબતો સામેની જ પ્રતિક્રિયા માત્ર હતી. એટલે એનાથી ભારતના ચિંતનની મૂળ તાસીર તો એવી જ રહી. જૈનદર્શને સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર્યના ‘રત્નત્રય’નો નીતિધર્મ ઘડ્યો. અને કહ્યું કે સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ દર્શનની ચરિતાર્થતા સમ્યક્ ચારિત્ર્યમાં જ સમ્પન્ન થાય છે. એટલે ભદ્ર-શિષ્ટ જીવનશૈલી બૌદ્ધદર્શનની પેઠે જૈનદર્શનમાં પણ પોતાની આગવી વિશિષ્ટતા કાયમ રાખીને સહચારી બની. જૈનદર્શનના સમ્યક્ ચારિત્ર્યમાં પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – એમ પાંચનો સમાવેશ થાય છે.

હવે આપણે આસ્તિક દર્શનોની આચારમીમાંસા તરફ વળીએ : વેદપ્રામાણ્યને માનનાર દર્શન ‘આસ્તિક દર્શન’ છે. એની સંખ્યા છ ગણાય છે. ‘ષડ્દર્શન’ એવું એને નામ અપાયું છે. આ દર્શનોએ દર્શાવેલી જીવનશૈલીનો વિચાર કરતાં એક વાત ખાસ ખ્યાલમાં રાખવાની એ છે કે આગળ બતાવેલાં જૈન અને બૌદ્ધદર્શનો સાથે એનો એક ધર્મ – એક સંપ્રદાય, એક સંસ્થા એક જનસમુદાય ઊડીને આંખે વળગે એ રીતે જોડાયેલો હતો એટલે તે તે દર્શન-ધર્મના અનુયાયીઓની જીવનની રીતભાત, હલનચલન, વ્યવહાર વગેરે પ્રત્યક્ષ જોઈને કહી શકાતાં, જ્યારે આ છ વૈદિક દર્શનો પૈકી, ન્યાય વૈશેષિક, સાંખ્ય વગેરે સાથે કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ખાસ જનસમુદાય, કોઈ સંસ્થા જોડાયેલ નથી. તેથી બાહ્યાચાર માત્રથી તે ક્યા દર્શનનો અનુયાયી હશે, તે જાણી શકાતું નથી. હરિભદ્રસૂરિના સર્વદર્શન સંગ્રહમાં અને એની બૃહતી ટીકામાં લોકોના જીવનધર્મો – નીતિધર્મો – આચારોના થોડા ઈશારા આપ્યા છે. છતાં આપણે તો ભારતીય ચિંતન તાસીરના એકસૂત્રમાં મણિગણોને પરોવવા છે અને આપણું તે કામ તે તે દર્શનના અંત:સાક્ષ્યથી જ પૂરું પડશે. ઉદાહરણ તરીકે ન્યાયદર્શન લઈએ. ન્યાયભાષ્ય ૧/૧/૨ અને ન્યાયમંજરી, સૂ. ૧/૧/૧૭માં જણાવ્યું છે કે ‘પાપિકા અને પુણ્યા એમ બે પ્રકારની પ્રવૃત્તિ છે. એ બન્ને પ્રવૃત્તિઓ કાયિક, વાચિક અને માનસિક ભેદથી ત્રણ પ્રકારની હોય છે. પાપવશ થઈને મનુષ્ય શરીરથી હિંસા, ચોરી વગેરે કરે છે, વાણીથી ખોટું કઠોર બોલે છે, મનથી દ્રોહ – ઈર્ષ્યાદિ કરે છે, આ પ્રવૃત્તિ અધર્માત્મક છે, પુણ્યા પ્રવૃત્તિ ધર્માત્મક હોય છે. એમાં મનુષ્ય દેહથી દાનરક્ષણાદિ, વાણીથી સત્ય હિતાદિ અને મનથી દયાશ્રદ્ધાદિ આચરે છે એ ધર્મવૃદ્ધિ કરે છે.’

આમાં સમગ્ર ભારતની માનવતાભરી ચિંતન પ્રકૃતિનો જ પડઘો પડે છે :

‘અષ્ટાદશપુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ્ ।
પરોપકાર: પુણ્યાય પાપાય પરપીડનમ્ ॥’

ન્યાય ભાષ્યના ઉપરના વિધાનમાં સમાજ લક્ષિતાનો અણસાર પણ વરતાય છે. વ્યક્તિત્વવિકાસ માટે ન્યાયદર્શન યોગશાસ્ત્રની જીવન પદ્ધતિ સ્વીકારે છે.

વૈશેષિક દર્શને પ્રબોધેલ નીતિધર્મ પણ ન્યાયદર્શને બતાવેલા ઉપર્યુક્ત નીતિધર્મ જેવો જ છે. આપણે ત્યાં છ આસ્તિક દર્શનોમાં બબ્બેની ત્રણ જુગલબંધી છે. ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ અને પૂર્વ-ઉત્તર મીમાંસા. એ જુગલબંધીઓ, તે બંને દર્શનો વચ્ચેની કેટલીક સમાનતાને ધોરણે કલ્પાઈ છે. એટલે આચારમીમાંસામાં ન્યાય-વૈશેષિકમાં પણ જીવનના નીતિધર્મની સમાનતા છે – જીવનશૈલીની સમાનતા છે. વૈશેષિક દર્શન મુક્તિના સાધનરૂપ ધર્મના બે પ્રકારો કહે છે : સામાન્ય અને વિશેષ. એમાં સામાન્યધર્મમાં- સર્વ સાધારણમાં શ્રદ્ધા, અહિંસા, પ્રાણીહિતસાધન, સત્યવચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અનુપધા – (ભાવશુદ્ધિ), અક્રોધ, સ્નાન, પવિત્ર દ્રવ્યસેવન, વિશિષ્ટ દેવભક્તિ, ઉપવાસ અને અપ્રમાદને ગણાવેલ છે અને ખાસ વર્ણ અને ખાસ આશ્રમના ધર્મો મનુસ્મૃતિ (૨.૬)માં બતાવ્યા પ્રમાણે પાળવાનું સૂચવ્યું છે. આ દર્શન માને છે કે સકામ કર્માચરણ તે તે ફળો જન્માવે છે, પણ નિષ્કામકર્માચરણ ભાવપ્રસાદ – ચિત્તશુદ્ધિ દ્વારા ધર્મોત્પત્તિ કરે છે કે જે ધર્મથી મોક્ષ મળે છે. પણ ‘અભ્યુદય અને નિ:શ્રેયસ રૂપ ધર્મની વ્યાખ્યા કરવાને બદલે આ દર્શન માત્ર પદાર્થ વિવેચનમાં પડ્યું રહ્યું એને ઘણા વિદ્વાનો વિચિત્ર વાત માને છે.

ન્યાય – વૈશેષિક દર્શનોની પેઠે જ સાંખ્યદર્શન સાથે પણ કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ સંસ્થા કે કોઈ જનસમુદાય વિશિષ્ટ જીવનધોરણ ધરાવતો જોડાયો નથી. પણ એની સાથે જુગલબંધીમાં જોડાયેલા યોગદર્શનના સાધકોનું જૂથ રાજયોગની સાધના કરતું હોય એવું જોવા-જાણવા મળે છે. ખરું કહેવાય છે કે સાંખ્ય એ સિદ્ધાંત છે અને યોગ એની પ્રયોગશાળા છે. તત્ત્વદર્શન તો બન્નેનાં સમાન જ છે. ઈશ્વરતત્ત્વનો સ્વીકાર જ યોગદર્શનની વિશેષતા છે. એટલે યોગદર્શનની આચારપ્રણાલી જ સાંખ્યની આચારપ્રણાલી થઈ ગઈ છે.

અને યોગદર્શનમાં તો યમ અને નિયમના પાલનની જીવનશૈલી પ્રસિદ્ધ જ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમો અન્યદર્શનોની જેમ અહીં પણ સર્વપ્રાણી પર સહાનુભૂતિ, મનવચનની યથાર્થતા, અન્યના ધન તરફ ઉપેક્ષા, ઈંદ્રિયસંયમ, સંગ્રહખોરીનો અભાવ – વગેરે પ્રબોધે છે તેમજ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન – આ પાંચ નિયમો સ્વચ્છતા, મનની નિખાલસતા, પ્રાપ્ત વસ્તુથી સંતોષ, સુખદુ:ખાદિની સહિષ્ણુતા, વ્રતપાલન, શાસ્ત્રાધ્યાયન, જપ, ઈશ્વરભક્તિ અને સમર્પણભાવ વગેરેનો નિર્દેશ કરે છે.

સાંખ્યદર્શન પણ યોગદર્શન દ્વારા નિર્દિષ્ટ જીવનધર્મો – નીતિધર્મોને અનુસરે છે. પરંતુ, સાંખ્યદર્શનની યોગદર્શન કરતાં આ બાબતમાં વિશેષતા એ છે કે એ સત્ય કરતાં પણ અહિંસાને વધારે મહત્ત્વ આપે છે. સાંખ્ય વૈદિક કર્મકાંડને પણ લૌકિક ઉપાયો જેવું જ આત્યંતિક દુ:ખ નિવૃત્તિ માટે નકામું જ ગણે છે. યજ્ઞમાં થતી હિંસાને એ પાપમય જ ગણે છે. એ દોષમય છે (સાંખ્યકારિકા ૨). યજ્ઞમાં થતી પશુ હિંસાના યાજ્ઞિકી બચાવને એ નકારી કાઢે છે. પશુ હિંસાથી યજ્ઞમાં થતી પુણ્યની અસમગ્રતાને – અપૂર્ણતમ એ ‘આવાપગમન’ એવું નામ વ્યાસભાષ્ય (૨/૧૩) આપે છે. સાંખ્યદર્શનનો નીતિધર્મ ભાગવત મત જેવો હોવાનું કારણ પણ સાંખ્યે માનેલ અહિંસાધર્મની સાર્વભૌમતા છે. સાંખ્યની નજરે સમસ્ત યમનિયમોમાં અહિંસા જ શીર્ષસ્થાનીય છે. સાંખ્યદર્શન ત્યાં સુધી અહિંસાનું મહત્ત્વ આંકે છે કે જ્યારે સત્ય અને અહિંસા પરસ્પર એકબીજાથી વિરુદ્ધમાં હોય, ત્યારે અહિંસાને જ મુખ્ય માનવી જોઈએ! સાંખ્યદર્શન કહે છે કે બધા જ યમનિયમો અહિંસામૂલક જ છે અને એનું પ્રતિપાદન અહિંસાની વિશુદ્ધિ (અવદાતતા) માટે જ કરવામાં આવ્યું છે. વ્યાસભાષ્ય – યો.સૂ.ર/૩૦માં સ્પષ્ટ લખ્યું છે કે –

‘એષા સર્વભૂતોપકારાર્થં પ્રવૃત્તા ન ભૂતોઘાતાય । યદિ ચૈવમપિ અભિધીયમાની ભૂતોપઘાતપરૈવ સ્યાત્, ન સત્યં ભવેત્, પાપમેવ ભવેત્તેન પુણ્યાભાસેન પુણ્યપ્રતિરુપેણ । કષ્ટં તમ: પ્રાપ્નુયાત્ । તસ્માત્પરીક્ષ્ય સર્વ ભૂતહિતં સત્યં બ્રૂયાત્ ॥’ તાત્પર્ય કે સર્વ ભૂતહિતને જાળવીને જ સત્ય બોલાય. જેનાથી સર્વભૂતહિત ન જળવાય, સર્વભૂતોપકારકતા ન સધાય, તે સત્ય પાપમય બની જાય છે. મહાભારતની સત્યમીમાંસા પણ આવી જ વાત કરે છે. તત્ત્વવૈશારદીમાં એક એવી કથા છે કે એક સત્યભાષી ઋષિએ લૂંટારુઓને વણઝાર કયે માર્ગે ગઈ છે તે બતાવી દીધું અને ઋષિને એ સત્યવચનનું પાપ લાગી ગયું! તાત્પર્ય એ છે કે અહિંસા એ સાંખ્યદાર્શનિકોના જીવનધર્મની આધારશિલા છે. ‘પ્રાણીઓની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસામય જ હોય એમ માનતું સાંખ્યદર્શન ભાગવતધર્મની નજીક આવે એમાં નવાઈ નથી’, એમ ગુણરત્ન સર્વદર્શન સમુચ્ચયમાં નોંધે છે.

પૂર્વમીમાંસાદર્શનની આચારસંહિતા ક્રિયાપ્રવર્તક વેદવિહિત વિપ્રકૃષ્ટ પદાર્થદર્શક ધર્મનું કેવળ કર્તવ્યબુદ્ધિથી થતું આચરણ પ્રબોધે છે. એમાં વિચારને કશો અવકાશ નથી. આમ છતાં અર્થસંગ્રહ અને મીમાંસાન્યાય પ્રકાશમાં કશુંક સ્વીકાર્ય લાગે તેવું યે લખ્યું છે કે – ‘ઈશ્વરાર્પણ બુદ્ધિથી આચરાતો કર્મયોગ કલ્યાણકારક છે. એનું પ્રમાણ ‘યત્કરોષિ..’ વગેરે ગીતાવચન પૂરું પાડે છે. ગીતા એક સ્મૃતિ હોવા છતાં શ્રુતિમૂલક જ છે.’ આવી ગળે ઊતરે એવી વાત ત્યાં જણાવી છે. આજે તો એ યજ્ઞપ્રધાન વૈદિક સમાજ રહ્યો નથી. છતાં એ કાળમાં પણ માનવકર્મોની આવી વિભાવના પ્રશસ્ય ગણાય. કારણ કે એ દર્શન ઈશ્વરમાં માનતું ન હોવા છતાં છેવટે ઈશ્વરપરાયણ બુદ્ધિનો સ્વીકાર એણે કર્યો છે અને છેવટે ‘પ્રભાકરવિજય’માં લખ્યું કે ‘ઈશ્વરને અનુમાનાદિ પ્રમાણો સિદ્ધ કરી શકતાં નથી તેથી કંઈ એનો નિરાદર ન થઈ શકે. ઈશ્વરના સમર્થન માટે વેદાંતનો આશરો લેવો.’

ઉત્તરમીમાંસા – વેદાંતનો વ્યાપક બનેલો કેવલાદ્વૈત મત જ્ઞાનને જ મોક્ષનું સાધન માનતો હોઈને જ્ઞાન-કર્મ-સમુચ્ચયને સ્વીકારતો નથી, કર્મસંન્યાસને પ્રાધાન્ય આપે છે ખરો, પણ છેવટે જબરા ઊહાપોહ પછી નિષ્કર્ષ તો એ જ નીકળે છે કે સત્ત્વશુદ્ધિ કે મલિન અંત:કરણને સ્વચ્છ કરવા માટે, આત્મજ્ઞાનને ગ્રહણ કરવા માટે સમર્થ બનાવવા માટે કર્મો કરવાં જ જોઈએ, બધી ફરજો બજાવવી જ જોઈએ, કર્મો વ્યર્થ નથી જ. વેદાંતશ્રવણ નો અધિકાર મેળવવા શમ, દમ, ઉપરતિ વગેરે યોગદર્શનમાં બતાવેલ બાબતોથી સજ્જ થવું જ છે. જ્ઞાન તો લક્ષ્ય છે અને એ લક્ષ્યને પહોંચવા શમ-દમાદિ ચારિત્ર્ય છે જ. શંકર સિવાય અન્ય ભક્તિશાખીય અને બીજા કેટલાક શંકરપૂર્વ અને શંકરાનુવર્તી વેદાંતીઓ જ્ઞાનકર્મસમુચ્ચયને સ્વીકારે છે જેમાં તિલક, સ્વામી વિવેકાનંદ વગેરેને ગણી શકાય.

દર્શનોની ગણતરીમાં ગીતા લેવાતી ન હોવા છતાં એ પણ એક પૂર્ણ દર્શન જ છે. એણે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયનો સમન્વય કરીને એક અભિનવ જીવનમાર્ગ પ્રસ્થાપિત કર્યો છે. એના સાંપ્રદાયિક ટીકાકારોએ ભલે એના અર્થોને તાણીતૂસીને પોતાના સંપ્રદાયાનુસાર ઘટાવ્યા હોય છતાં એનો વ્યવહારપક્ષ ત્રણેય માર્ગની લક્ષ્ય તરફની સમાન્તર અને સંવાદી ગતિ જ ઉપદેશે છે અને એમાં કશા જ જલાભેદ્ય આવરણને સ્થાન નથી. મનુષ્ય પોતાની રુચિ અનુસાર લક્ષ્યસિદ્ધિ માટે ભલે ગમે તે માર્ગ પસંદ કરે તો પણ ત્રણેય માર્ગની સમાન્તરતાને લીધે પારસ્પરિક સંબંધ થયા વગર કે રાખ્યા વગર રહી શકે જ નહિ. લક્ષ્યનું કેવળ નિષ્ક્રિય જ્ઞાન વ્યર્થ હોવાથી એની સિદ્ધિ માટે કર્મ-સાધના કરવી જ પડે છે અને નિષ્ઠા વગરની સાધના નકામી હોવાથી એમાં નિષ્ઠા પણ રાખવી જ પડે છે. ત્રણેય માર્ગો સરખા મહત્ત્વના છે એ ગીતાનો નીતિધર્મ છે.

માનવીય જીવનમૂલ્યોના સંદર્ભમાં ઉપરનાં બધાં દર્શનોએ ઘડેલા માનવજીવનના નીતિધર્મોમાં કોઈ ખાસ ફરક જણાતો નથી. દરેકમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ વગેરે ધર્મો સમાનરૂપે પ્રબોધાયા છે. ભારતની ચિંતનરીતિની આ ખાસયિત વૈદિકકાળથી માંડીને આજ સુધી અકબંધ રહી છે. એવું જણાય છે આજેય મહાત્મા ગાંધીનાં અગ્યાર વ્રતોમાં એ ગવાય છે અને તૈતરીયોપનિષદના પ્રાચીનતમ ‘આચાર્યોપદેશ’માં પણ એ જ છે.

આ ઉપર્યુક્ત નીતિધર્મો, દર્શન – તત્ત્વજ્ઞાન જનિત મૂલ્યોમાંથી ફલિત થયાં છે. એટલે સામાન્ય દૈનંદિન વ્યવહારો અને સામાજિક રીતરિવાજોથી ઘણાં જુદાં છે. અને એટલાં માટે આ આચારો – જીવન ધોરણો પાછળ સ્થાયી મૂલ્યો ગૂઢ રીતે રહ્યાં છે. અને રહેશે – આ તો સમાજ વૃક્ષના થડ પર ઊગેલ કૂંપળો છે જે સૌ પહેલાં પ્રારંભે ઊગી છે, અને વૃક્ષના પ્રલય કાળે જ વિલય થશે. એ પહેલાં નહિ – આ કંઈ સમાજવૃક્ષની ડાળીએ ઊગેલાં પાંદડાં નથી કે જે દર વસંતે આવ્યા કરે અને પાનખરે ખરી જાય! આ તો ભારતીય જીવનની સંજીવની છે.

જે નીતિધર્મો કાલગ્રસિત છે તેવો એક બીજો લેખ માગી લે તેવું છે. તે કોઈકવાર ચર્ચીશું. આ દાર્શનિક મૂલ્યો સ્થાયી છે અને લગભગ સમગ્ર દર્શનોમાં સરખાં જ છે. ભેદ દેખાય છે, તે વ્યક્તિગત રુચિભેદને કારણે છે અને વ્યક્તિગત રુચિભેદનો સ્વીકાર તો એક મનોવૈજ્ઞાનિક સત્ય છે, એને સ્વીકારવું રહ્યું!

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.