(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.)

સફળ જીવન જીવવા માટે માનવીને શાંતિ અને આનંદની જરૂર છે. આનંદ અને શાંતિ માટે મૂલ્યલક્ષી કેળવણી આવશ્યક છે. મૂલ્યવિહોણી કેળવણી એ શિક્ષણના શૂન્યાવકાશ કરતાં વધુ ભયંકર છે. મૂલ્યલક્ષી કેળવણી ત્રણ બાજુવાળો ત્રિકોણ છે. ત્રિકોણના પાયાની બે બાજુમાંથી એક બાજુએ વિદ્યાર્થી અને બીજી બાજુએ શિક્ષકો છે. માબાપ તો એના સર્વોચ્ચકોણ પર સ્થાન ધરાવે છે. એટલે કે માતપિતા વિના મૂલ્યલક્ષી કેળવણી શક્ય નથી. સંસદ કે ધારાસભા ગમે તેટલા કાયદા ઘડે પણ એનાથી કોઈ રાષ્ટ્ર કે પ્રજા ભલા કે મહાન બની શકતાં નથી. સરકાર સારા માણસો બનાવી શકતી નથી, પરંતુ સજ્જનો – પ્રબુદ્ધ નાગરિકોનો વિશાળ સમુદાય રાષ્ટ્રને સારું, સમૃદ્ધ અને મહાન બનાવી શકે. ત્રણ સ્રોત પ્રબુદ્ધ લોકો આપી શકે અને એ ત્રણ સ્રોત છે : માતા, પિતા અને શિક્ષક. આજનાં બાળકોને મૂલ્યલક્ષી કેળવણી મળતી નથી અને એ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે.

ઇતિહાસ આપણને કહે છે કે ધર્મને નામે જેટલું વધારે લોહી વહ્યું છે એટલું બીજા કોઈ ઉમદા કારણ માટે નથી વહ્યું. બધા ધર્મો શાંતિ અને સંવાદિતાનો ઉપદેશ આપે છે. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે લોકો ધર્મને નામે ઝઘડે છે અને લોહી વહાવે છે. બધા ધર્મો એક અંતિમ ધ્યેય તરફ દોરી જાય છે. પણ એના પથ જુદા જુદા છે. કાળ અને સમયથી પર એવી એક સત્યાનુભૂતિ સુધી આ વિવિધ પથો માનવને દોરી જાય છે. ભારત જેવા દેશમાં ધર્મોની બહુલતાની મોટી સમસ્યા છે. બધા ધર્મો એક સરખા મહાન છે એટલું જ કહેવાથી સમસ્યાનું સમાધાન થઈ ન શકે. એનું કારણ એ છે કે લોકો રૂઢિચુસ્ત અને અંધાનુકરણ કરનારી અંધશ્રદ્ધાવાળા છે. મહાત્મા ગાંધી અને સમ્રાટ અશોકે આપેલ અહિંસાનો સંદેશ તેમજ શ્રીરામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોની સંવાદિતાની અનુભૂતિ, આ બંને મૂલ્યો એવાં છે કે જે વિશ્વને સર્વવિનાશમાંથી બચાવી શકે. સુખદ આશ્ચર્યની વાત તો એ છે કે સમગ્ર વિશ્વ આ મંગલકારી સંદેશાઓને સાંભળવા કાન ધરીને બેઠું છે. અંધશ્રદ્ધા અને સાંપ્રદાયિકતા જ સમસ્યાની મૂળ જડ છે. આપણી સમસ્યાનું સમાધાન શોધવા આ મૂળ જડને જ દૂર કરવી પડે. મૂલ્યલક્ષી કેળવણી સર્વ ધર્મ પ્રત્યે સમભાવ કે સંવાદી વૃત્તિ જાગ્રત કરે છે. એનું કારણ એ છે કે આવી કેળવણી વિદ્યાર્થીઓમાં ‘બધા ધર્મો મહાન અને શાશ્વત સત્યો તથા ઉપદેશો ધરાવે છે’ એક એવો ખરો ખ્યાલ ઊભો કરે છે. એના દ્વારા બધા ધર્મો પ્રત્યે સમાદર વિકસાવે છે.

અધ્યાત્મભાવના અને ધર્મનો ઇન્કાર કરતા કે એને અવગણતા દંભી લોકોની બિનસાંપ્રદાયિકતા ધર્મધર્મ વચ્ચે સંવાદિતા સાધવામાં સહાયરૂપ નહિ બની શકે. આધ્યાત્મિકતા અને ધર્મનો તો પાઠ્યક્રમમાંથી છેદ ઉડાડી દીધો છે. આ એક ભૂલ ભરેલી અને ખોટી સંકલ્પના છે. બધા ધર્મોનાં મૂળભૂત સત્યો બાળકોમાં ઉતારી દેવાં જોઈએ. એને લીધે બધા ધર્મો વાસ્તવિક રીતે એક સરખા મહાન છે એનાથી બાળકો જાગ્રત બનશે. આવી પરિસ્થિતિમાં આતંકવાદને સ્થાન રહેશે નહિ. બધા ધર્મોની એકતા કે સંવાદિતાનો આ ભાવ બાળકોનાં મનહૃદયમાં ઉતારવો એ માબાપની સૌથી મોટી જવાબદારી છે.

માહિતી અને જ્ઞાનનાં ક્ષેત્રમાં મોટાં પરિવર્તનો અને વિકાસ જોવા મળે છે. આ માહિતી અને જ્ઞાનની પ્રૌદ્યોગિકીએ સમગ્ર વિશ્વને એક વૈશ્વિક ગ્રામ બનાવવામાં સહાય કરી છે. પરિણામે દેશ-દેશ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને માનવનાં મન-મન વચ્ચેનું અંતર વધ્યું છે. સંદેશા પ્રચાર-પ્રસાર પ્રોદ્યોગિકી કૂદકેને ભૂસકે વધતી રહી છે, પણ પરસ્પરના વિચાર-વિનિમયની ખાઈ ઊંડીને ઊંડી થતી જાય છે! એક કુટુંબના સભ્યોમાં પણ પરસ્પર વિચાર કે સંપર્ક-સંબંધ અને સમજણ જોવા મળતાં નથી. વિશ્વની સતત પરિવર્તિત થતી પરિસ્થિતિમાં પેઢી પેઢી વચ્ચેનું અંતર પણ વધતું જ જાય છે. એટલે જ માબાપની પોતાના બાળકના ઘડતરની ભૂમિકા વધારે ને વધારે મુશ્કેલ બનતી જાય છે. આજનાં બાળકોમાં ઉચ્ચ બુદ્ધિપ્રતિભા છે, જ્ઞાનમાહિતી છે, પણ તે બધાં અશિસ્તમય અને અહંભાવી બન્યાં છે. તેનો બુદ્ધિઆંક સરખામણીમાં ઊંચો છે અને એને લીધે આજનાં બાળકો વધારે ચપળ, તેજસ્વી અને થોડા ઊર્મિશીલ બન્યાં છે. આજના દિવસોમાં બાળકોને જાળવવાં-સાચવવાં કપરું બની ગયું છે.

પોતાનાં સંતાનોની વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો આજનાં માતપિતાએ કરવો પડે છે. જ્ઞાન માહિતીના પ્રૌદ્યોગિકી અને પ્રચાર-પ્રસારનાં વિવિધ માધ્યમોને પરિણામે બાળકો કેટલાંય અનિષ્ટ પરિબળોની જાળમાં ફસાતાં જાય છે. એટલે જ આજનાં માતપિતાને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનું સમાધાન શોધવું કે ઉકેલ કરવો મુશ્કેલ છે. ઉપર્યુક્ત બંને પરિબળોની અભાવાત્મક અસરને લીધે યુવાન પેઢી અને વરિષ્ઠોની પેઢી વચ્ચેનું અંતર વધ્યું છે. બાળકો તો જાહેર પ્રચાર-પ્રસારનાં ઉપર્યુક્ત માધ્યમોના પ્રવાહમાં ખેંચાતા જાય છે અને ફસાતા જાય છે અને એટલે જ તેઓ અવળે રસ્તે ચડી ગયા છે. બંને પરિબળોના પોતપોતાના ફાયદા-લાભ પણ છે પણ એમના દ્વારા થતી અભાવાત્મક અસરનો ઇન્કાર કોઈ ન કરી શકે. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિધારા જ બાળકોને બચાવી શકે તેમ છે. પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણી સરકારે એની અવગણના કરી છે અને આંખ આડે કાન ધર્યાં છે. પાઠ્યક્રમમાં આવી ઉદાત્ત ભાવધારાનો સમાવેશ થયો નથી. ચારિત્ર્ય ઘડતર અને મૂલ્યલક્ષી કેળવણી એ સૌથી વધારે અગત્યનાં પાસાં છે. દુર્ભાગ્યે આજની શૈક્ષણિક સંસ્થાઓને તો વિદ્યાકીય ઉત્કૃષ્ટતા કે ઉત્તમ પરિણામો અને કેળવણીના વ્યાપારીકરણની જ પડી છે.

આજનાં અનિષ્ટકારી પરિબળોમાંથી બાળકોને બચાવવા હોય અને એને સારું સુરક્ષાકવચ આપવું હોય તો ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિની ભાવધારાને જાળવવી રહી અને બાળકોમાં એને સીંચવી રહી. અત્યાર સુધીમાં ઘણી મોટી હાનિ થઈ ચૂકી છે અને જો એને નાથવા કોઈ પ્રયત્ન નહિ થાય તો પાછું ફરીને જોવાનો દિવસ નહિ આવે. પશ્ચિમના દેશોમાં અનેક વિશેષાધિકારો હોવા છતાં ઘણાં લગ્નોનો વિચ્છેદથી કરુણ અંત આવે છે. પવિત્ર લગ્નના જીવનથી આવતી સ્થિરતા કરતાં લોકોને હવે પૈસા રળી લેવા અને ગમે તેની સાથે સગવડિયું સહજીવન જીવી લેવું એ વધારે અગત્યનું બની ગયું છે. આપણા ભારતીય જીવનનાં દરેક ક્ષેત્રમાં પશ્ચિમનો જબરો પ્રભાવ જોવા મળે છે. આજે સંતાનો પોતાનાં વૃદ્ધ માતપિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યાં છે. નૈતિક અને માનવીય મૂલ્યોમાં મોટું અધ:પતન થયું છે. બાળકોમાં આ મૂલ્યોને સુયોગ્ય રીતે શીખવવામાં કે ઉતારવામાં નથી આવ્યાં. માબાપ તો ભૌતિક સુખ-સાધનોમાં એટલાં બધાં રચ્યાંપચ્યાં રહે છે કે બાળકો માટે એને સમય જ ક્યાં મળે છે!

અત્યારે લોકોમાં એવો ખોટો ખ્યાલ ઘર કરી ગયો છે કે એચ=એમ થઈ ગયું છે. એટલે કે સુખાનંદ જોઈતા હોય તો પૈસા જ રળો. પૈસો અને માત્ર પૈસો જ સુખાકારી અને આનંદ આપી શકતો નથી. અલબત્ત, ધનની આવશયકતા છે પણ ધન સર્વ કોઈ નથી. આર્થિક વિકાસ કે ઉન્નતિ ઇચ્છનીય છે અને સારી પણ છે. પણ માત્ર ધનથી શાંતિ કે સુખાકારી મેળવી શકાતી નથી. શાંતિ અને સાચી સુખાકારી માટે કારકિર્દી વિકાસ અને ચારિત્ર્ય ઘડતરનું કાર્ય સમાંતર રીતે થવું જોઈએ. ભીતરની શાંતિ અને સુસંવાદિતા ભરેલા સંપર્ક-સંબંધ ઘણા અગત્યના છે; આધ્યાત્મિક સંસ્કૃતિના પરિશીલન સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાચી સુખાકારી અને શાંતિ તરફ દોરી જાય છે. બાળકોને આ બધુ શીખવવું જોઈએ. માતપિતાએ બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યો અને ચારિત્ર્ય ઘડતરનાં મૂલ્યો ભરપૂર ભરી દેવાં જોઈએ. આ માટે માતપિતાએ મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ અને બાળકોને કાળજીપૂર્વક પાળવાં પોષવાં જોઈએ.

બાળકો અત્યંત સંવેદનશીલ છે. એટલે અહીં આપેલી કેટલીક બાબતો બાળકોને પાળવા-પોષવા માટે માતપિતાએ અનુસરવી જોઈએ.

(૧) માતપિતાએ પોતાનાં બાળકોની બીજાનાં બાળકો સાથે સરખામણી ન કરવી જોઈએ. દરેક બાળક એક અનોખાપણું ધરાવે છે. એને વિશિષ્ટ બુદ્ધિશક્તિ અને કૌશલ્ય પ્રભુએ બક્ષેલાં છે. માતપિતાએ તેના વ્યક્તિત્વને મહત્ત્વ આપવું જોઈએ. બાળકોને તેમની પોતાની રીતે અને ગતિએ ઉછરવા અને વિકસવા દેવા જોઈએ. બાળકને ઉછેરવું એ છોડને ઉછેરવા જેવું જ કાર્ય છે. માતપિતાએ એના કુદરતી વિકાસમાં આડે ન આવવું જોઈએ. માતપિતા તો છોડ માટેની જમીન જેવા છે. જો માતપિતા સારા હશે તો બાળકો પણ સારાં થવાનાં. જો બાળકો નઠારાં હોય તો માબાપમાં કંઈક ગંભીર ઊણપ છે, એમ કહી શકાય. પશ્ચિમની સંકલ્પના એવી છે કે બાળકની કેળવણી જન્મથી જ શરૂ થવી જોઈએ. પરંતુ ભારતની સંકલ્પના તો એથીયે આગળ વધીને કહે છે કે બાળકની કેળવણી તો માતાના ગર્ભમાંથી જ આરંભાય છે. બાળકો જેવાં દેખાતાં હોય એ માટે માતપિતા જ સંપૂર્ણ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર્ય અહીં આપેલા ચાર પાસાંથી ઉત્ક્રાંત થાય છે.

(અ) ગતજીવન

(બ) માતપિતા (આનુવંષિકતા અને વલણ વર્તનની કુટુંબની રીતભાત)

(ક) શિક્ષક

(ડ) બાહ્ય વાતાવરણનો પ્રભાવ

પ્રથમ ચાર વર્ષમાં બાળકના વ્યક્તિત્વને ઘડવામાં માતા સૌથી મહત્ત્વનું પાસું છે; ૪ થી ૮ વર્ષની ઉંમરમાં પિતા મહત્ત્વનું પાસું બને છે. શિક્ષક ૮ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકના ઘડતરનું મહત્ત્વનું પાસું છે. ૧૪ વર્ષથી ઉપરના તરુણોનું ચારિત્ર્ય બાહ્ય પ્રભાવથી આકાર લે છે. આ પછીની ઉંમરમાં બાળકની પ્રકૃતિ અને ટેવોનું પરિવર્તન કરવું મુશ્કેલ બની રહે છે.

(૨) વાસ્તવિક રીતે બાળકો માબાપના નથી પરંતુ એમને ઉછેરવા માટે ઈશ્વરે આપેલી ભેટ છે. બાળકના સારા ઉછેર પછી માતપિતાની ભૂમિકા પૂરી થાય છે. ભલે બાળકો માતપિતા દ્વારા જન્મતા હોય પણ તે તેમની મિલકત નથી પરંતુ થાપણ છે. સ્નેહસંબંધને ઉછેરવો એ એક છોડને ઉછેરવા જેવું છે. સારી અને ફળાઉ જમીનની જેમ માતપિતા ઉત્તમ પરિણામ મળે એવાં સારાં હોવાં જોઈએ. છોડને રોપવો અને ઉછેરવોએ મહત્ત્વની પ્રક્રિયા છે. એનું બીજું સોપાન છે, એને પૂરતું ખાતર પૂરું પાડવાનું. વિવિધ પ્રકારની સારી ઓરણીથી બાળકોને ઉછેરવા જોઈએ. માતાનું બાળકના ઉછેર અને ઘડતરમાં ઘણું મહત્ત્વનું પ્રદાન છે. એટલે જ ઈશ્વરને આપણે માતા કહીએ છીએ. છોડના ઉછેરમાં છેલ્લી પ્રક્રિયા જંતુનાશકો છાંટવાની છે. બાળકના દુર્ગુણો અને દુષ્પ્રભાવોને સંયમિત કરીને અને દરરોજ પ્રાર્થનાથી એને દૂર કરવા જોઈએ. વળી, છોડ પાણી વિના ઉછરતો નથી. એ જ રીતે આ વિશ્વમાં ઝઝુમવા અને ટકી રહેવા માટે બાળકોને માતપિતાના પ્રેમની આવશ્યકતા છે. માતપિતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોવો જોઈએ. સ્વાર્થભર્યો પ્રેમ બાળકોના વિકાસને રુંધે છે અને એનું દમન કરે છે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ – આધ્યાત્મિક આંક તો માનવીઓને ઈશ્વરની કૃપા રૂપે મળ્યો છે. એટલે જ માતપિતાએ નિર્ભેળ વસ્તુલક્ષી અભિગમ રાખવો જોઈએ.

જો આપણે પશ્ચિમની સંસ્કૃતિ કે તેના પ્રભાવથી ભારતીય પારિવારિક સંસ્કૃતિ-સંસ્કાર કે પ્રણાલીઓનું આપણે રક્ષણ કરીશું નહિ તો તે પોતાની સ્થિરતા અને ગુણમૂલ્યો ગુમાવશે. આધ્યાત્મિક સંસ્કૃતિ જ ભારતીય બાળકોને બચાવશે. એટલે બાળકોના ઉછેરમાં અહીં આપેલા કેટલાંક સોપાનો આપણે ચડવાં રહ્યાં.

(૧) બાળકો જેવાં હોય તેવાં અને જેવાં એમને મળેલાં હોય એ અવસ્થામાં તેમને માતપિતાએ પ્રેમથી સ્વીકારવા જોઈએ. બાળકો તો ઈશ્વરનું અમૂલ્ય પ્રદાન કે ભેટ છે. એની સરખામણી કોઈ સાથે હોઈ ન શકે. દરેકેદરેક માનવી અદ્વિતીય છે. દરેકેદરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ અને ક્ષમતાઓ રહેલી છે.

(૨) માતપિતાનાં વલણ-વર્તનનો જબરો પ્રભાવ બાળક પર પડે છે. ઉપદેશ કરતાં આચરણ વધારે મહત્ત્વનું અને પ્રભાવક છે. પોતાનાં બાળકો જે મૂલ્યો શીખે અને આચરણમાં મૂકે એમ ઇચ્છતા માબાપે સૌ પ્રથમ તો એ મૂલ્યોને પોતાનાં જીવનમાં જીવી બતાવવાં જોઈએ.

(૩) અરસપરસનો વિચાર-વિનિમય એ ઘણો મહત્ત્વનો અને પ્રભાવક છે. એને લીધે સંબંધો સઘન બને છે. પ્રેમ જ નવાઈનું જગત સર્જે છે. માતપિતાએ આ પરસ્પરના પ્રેમ-સંબંધોના ઉછેરને વધારે મહત્ત્વ આપવું જોઈએ. સાથે ને સાથે એમની અને પોતાની વચ્ચેના પ્રેમબંધનને વધારે ને વધારે પ્રબળ બનાવવું જોઈએ. બાળકોના પૂર્ણ વિકાસ અને ઉછેર માટે પાલક-રક્ષક બનવું આવશ્યક છે. પણ જેવું બાળક મોટું થાય કે તરત આ રક્ષકપણું ગાયબ થવું જોઈએ. બાળક વિમુખતામાં સરી પડતું અટકે એટલે એટલી સ્વતંત્રતા એમને મળવી જોઈએ. જેમ છોડને પોતાના વિકાસ માટે હવા અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે તેવી જ રીતે બાળકોને પણ બાહ્યવાતાવરણના પ્રભાવમાં આવવા દેવા જોઈએ. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આવશ્યક લાગે ત્યારે માતપિતાએ સ્વતંત્રતાની દોરીને ઢીલ દેવી જોઈએ. એટલે કે બાળકોને સ્વતંત્રતાનો સ્વાદ લેવા દેવો જોઈએ. પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે ત્યાં માતપિતાએ મક્કમ રહીને એમની સ્વતંત્રતા પર થોડો કાપ પણ મૂકવો જોઈએ. ચારિત્ર્ય સાથે ક્યારેય બાંધછોડ ન થઈ શકે. માતપિતાએ પોતાનાં બાળકો તરફ પ્રેમ અને ઉષ્માભરી નજર રાખવી જોઈએ. પરસ્પર વિચારોની આપલેના અભાવે ગેરસમજણો ઊભી થાય છે. બાળકોને એવી રીતે શિસ્તબદ્ધ અને પ્રબળ બનાવવા જોઈએ કે જેથી તેઓ પોતાનું સ્વયંભૂ જીવન જીવી શકે.

 પ્રશ્નોત્તરી

પ્રશ્ન : પોતાનાં સંતાનો ઉચ્ચતર અભ્યાસક્રમ માટે કે નોકરી ધંધાર્થે પરદેશ કે બીજા મોટાં શહેરોમાં જાય છે. એ વખતે માતપિતા એમને જવા દેવા કેમ અચકાતા હોય છે?

ઉત્તર : સર્વ પ્રથમ તો માતપિતાએ પોતાના બાળકના યોગક્ષેમની રીતે વિચારવું જોઈએ. એમાં લાગણીવેડાને સ્થાન ન હોવું જોઈએ. નિ:સ્વાર્થ પ્રેમભાવ બાળકને પોતાની રીતે ઉન્નત થવા દેશે પણ માતપિતાનો સ્વાર્થભર્યો પ્રેમ એની પ્રગતિને અવરોધે છે. બાળકો ક્યારેય એનાં માતપિતા માટે બોજો નથી હોતા. માતપિતાએ પોતાનાં સંતાનોને પોતપોતાની કારકિર્દી કે ધંધારોજગારમાં પ્રગતિ કરે એ માટે પૂરા મનથી પરવાનગી આપવી જોઈએ અને તેઓ આર્થિક રીતે સ્વાવલંબી અને સમૃદ્ધ બને એ પણ જોવું જોઈએ. એમાંય પરદેશગમન બાળકને પોતાની વિદ્યાકીય કારકિર્દીની ઉન્નતિમાં સહાયક નીવડતી હોય તો માતપિતાએ એમને રાજીખુશીથી જવા દેવા જોઈએ. ત્યાં એમના જીવનનો પણ વિકાસ થશે. પણ બાળકનાં શિક્ષણ અને ભાવિ કારકિર્દીને લગતો મૂંઝવણ ભરેલો નિર્ણય લેવાનો હોય ત્યારે આ ક્ષેત્રના નિષ્ણાતની સલાહ પણ માતપિતા લઈ શકે. માતપિતાએ ક્યારેય પોતાની વણપૂરેલી ઇચ્છા કે મહત્ત્વકાંક્ષાઓ પોતાના બાળક પર લાદવી ન જોઈએ. બાળકો કંઈ માતપિતાની વિસ્તૃતિ નથી, પરંતુ તે પણ એક આગવાં લક્ષણવાળી વ્યક્તિ છે. જો ભારતમાં અમુક અભ્યાસક્રમો પ્રાપ્ય ન હોય તો એમને વિદેશ મોકલવા જોઈએ. આવી બાબતમાં જેમ છોડ મોટો થાય એટલે એના પરનું પીંજરું કે વાડ દૂર કરી દઈએ છીએ તેમ આપણે આપણું વાલીપણું દૂર કરીને એમને પોતાની મેળે ચાલતાં કરવા જોઈએ. સ્વામી વિવેકાનંદ ઘણા પ્રગતિશીલ વિચારવાળા હતા અને એટલે જ તેઓ ભારતના તત્કાલીન યુવાનો પ્રગતિશીલ જપાનની મુલાકાત લે એમ ઇચ્છતા હતા. બીજા દેશોની આવી મુલાકાતથી થતો વિકાસ એમને માટે એક આંખ ઉઘાડનારી ઘટના બની જશે. બાળકો જે કોઈ વિશેષ અભ્યાસક્રમ પસંદ કરે તે પહેલાં એમણે એ ચકાસી લેવું જોઈએ કે તે અભ્યાસક્રમ માટે એની પાસે રસરુચિ-વલણ છે કે નહિ? પરદેશમાં મોકલવાનું કાર્ય કંઈ આંધળા-અનુકરણ જેવું નથી. નવા અભ્યાસક્રમો હવે ધીમે ધીમે વધુ ને વધુ પ્રમાણમાં આવતા થયા છે અને જૂના અભ્યાસક્રમોને જાણે કે પાછળ ધકેલી દે છે. બાળકનાં રસરુચિ અને વલણ પ્રમાણે અભ્યાસક્રમની પસંદગી થવી જોઈએ અને એ અભ્યાસક્રમ ખરેખર સારો અને ઉન્નતિશીલ હોવો જોઈએ. આવા નવા અભ્યાસક્રમોની પસંદગી વખતે ભવિષ્યના વિકાસની ક્ષિતિજો અને માતપિતાની આર્થિક ક્ષમતા પણ નજરમાં રાખવી જોઈએ. જો ભારતમાં આવા અભ્યાસક્રમો પ્રાપ્ય હોય તો ભારતમાં જ આવું ઉચ્ચતર શિક્ષણ મેળવવું જોઈએ. આજે આપણા દેશમાં કેટલીયે મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે.

બાળકોને સારા નેતૃત્વ માટે કેળવવા જોઈએ અને એને એવી તકો પૂરી પાડવી જોઈએ કે જેથી નેતૃત્વની ગુણવત્તા અને ક્ષમા કેળવવા શક્તિમાન બને. કાર્યકર સેવકનું નેતૃત્વ આજે ખૂબ પ્રચલિત બન્યું છે. આ નેતૃત્વ ઉપદેશને બદલે ઉદાહરણથી દોરવણી આપે છે. આવા નેતૃત્વમાં અહં, સ્વાર્થભાવ, દેખાડો કે દંભ ઓછામાં ઓછા પ્રમાણમાં હોવો જોઈએ અને સમર્પણભાવ તેમજ ઉદાહરણરૂપ બનવાની ભાવના હોવી જોઈએ. બાળકોને પણ આવા કઠિન માર્ગે ચાલવા તૈયાર કરવા જોઈએ. સમર્પણ કે બલિદાનના ભાવથી કોઈ પણ વ્યક્તિ પ્રેરણાનું સ્રોત બને છે. સફળ નેતા પ્રેમ અને સમર્પણભાવનું નિદર્શન કરે છે, તે લોકોને કડક હાથે હાંકતો નથી. હવે લોકો જ્ઞાનમૂલક કાર્યકર કે સેવક બન્યા છે. એટલે જ એમની પાસે તાકાત બતાવીને કામ કરાવવું શક્ય નથી. આજે માણસ જાણે કે એક હિતસંબંધ સાથેની જણસ બની ગયો છે અને એ જ રીતે એ વિચારે છે. એટલે જ સેવક ભાવના નેતૃત્વથી જ આપણે લોકોને જાળવી શકીએ.

આધ્યાત્મિક આંક કે બુદ્ધિઆંક અંતે તો પ્રતિભા જ છે. મજ્જાતંત્ર, શરીર વિજ્ઞાન, મનો વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની દૃષ્ટિએ આધ્યાત્મિક આંક (એસક્યૂ) એ બુદ્ધિઆંક અને સાંવેગિક આંકની આધારશિલા છે. બુદ્ધિઆંક કરતાં સાંવેગિક આંક વધારે મહત્ત્વનો છે. જીવનના ખેલ કેવી રીતે ખેલવા એ બુદ્ધિઆંક શીખવે છે અને સાંવેગિક આંક બદલતા સંજોગોની સાથે બદલેલી પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવનને ખેલવું એ શીખવે છે. પરંતુ અધ્યાત્મનો આંક આવા ખેલ કરવા કે ન કરવા એ શીખવે છે.

જીવનનો હેતુ કે અર્થ આપણા અંતિમ ધ્યેય સુધી પહોંચવાનો છે. મૃત્યુને સમયે જરાય વિષાદ ઉદ્વિગ્નતા ન હોય એ જીવનની પરમ સંતુષ્ટિ અને જીવનના હેતુની પ્રાપ્તિ દર્શાવે છે. હસતાં હસતાં આ જગતની વિદાય લેવી એ જ જીવનના હેતુની પૂર્ણતા દર્શાવે છે અને તે જ કોઈ પણ વ્યક્તિની ભીતર રહેલી દિવ્યતાને પ્રગટાવે પણ છે. માણસ ક્યાં જાય છે એ એનાં સત્કર્મો અને અસત્કર્મો નક્કી કરે છે.

પ્રશ્ન : આ આધ્યાત્મિકતાના આંકની કક્ષાને કેવી રીતે ઉન્નત બનાવી શકાય?

ઉત્તર : દરેક આત્મામાં દિવ્યતા રહેલી છે અને જીવનનું ધ્યેય આ દિવ્યતાનું પ્રગટીકરણ કરવાનું છે. આપણી બાહ્ય અને આંતરિક પ્રકૃતિને સંયમનિયમમાં રાખીને આ દિવ્યતાની અનુભૂતિ કરી શકાય. એને નિયમ-સંયમમાં લાવવા ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને કર્મયોગ જરૂરી છે. આ યોગોનું અનુસરણ કરીને માનવ અનંત જ્ઞાન અને અનંત આનંદ મેળવી શકે. કર્મયોગ એટલે કર્મને પૂજામાં પરિવર્તિત કરી દેવું. કોઈ પણ કર્મ કરવાની સાથે માનવમાં એ કર્મ તે ઈશ્વર પ્રિત્યર્થે કરે છે એવો ભાવ હોવો જોઈએ. એણે પોતાના કર્મનાં ફળ પણ પ્રભુને સમર્પિત કરી દેવાનાં છે. ભક્તિયોગ એટલે ઈશ્વરપ્રેમનો ધર્મ. આ પ્રેમનું નિદર્શન પૂજા ધ્યાન, ભક્તિભાવભર્યાં ભજનો-ગીતો અને પ્રાર્થનાથી કરી શકાય. રાજયોગ એટલે કેટલાક નૈતિક સિદ્ધાંતોનું અનુસરણ અને જ્ઞાનયોગ એટલે જેમાં જીવનનો મૂળ હેતુ પ્રતિબિંબિત થાય છે તેવું જ્ઞાન અને જ્ઞાન આપતાં શાસ્ત્રોનું વાચન. આવાં પ્રેરક પુસ્તકોનું વાચન આપણા અધ્યાત્મ આંકનું જ્ઞાન આપે છે. વાચન, ચિંતન, મનન અને સદ્વિચારોના શ્રવણથી ભીતરની દિવ્યતા પ્રતિબિંબિત થાય છે. આનો સતત અભ્યાસ કરવાથી અધ્યાત્મ આંકની કક્ષા ઉન્નત થશે અને એને લીધે સેવક ભાવનું નેતૃત્વ કેળવી શકીશું.

પ્રશ્ન : અભાવાત્મક પ્રભાવ પાડતા બાહ્ય વાતાવરણને આપણે કેવી રીતે સંયમિત કરવું?

ઉત્તર : અભાવાત્મક પ્રભાવ પાડતા બાહ્ય વાતાવરણને સંયમિત કરવું એ આજના માતપિતાની ચિંતાનું મુખ્ય કારણ છે. સમાજમાં અદ્ભુત પરિવર્તન થયું છે. જાહેર પ્રચાર-પ્રસારનાં સાધનો અભાવાત્મક પ્રભાવ પાડે છે. એને લીધે કોઈ પણ વ્યક્તિની ઊર્જાની કક્ષા નીચે ઊતરી જાય છે. માનવની ઊર્જા ગુણવત્તાવાળા વિચારોથી વૃદ્ધિ પામે છે. લોકો વ્યક્તિગત રીતે સારા હોય છે. પણ દુષ્ટ પરિબળો સામે લડવા તેઓ એક સંપ થઈ શકતા નથી. સમાજમાં સિદ્ધાંત નિષ્ઠ બનીને એકલા જીવવું હોય તો એને માટે ઘણી હિંમત અને ધીરતાની જરૂર પડે છે. બાળકો તો માતપિતા પાસે આ હિંમતના બોધપાઠ ભણે છે. એની પૂર્તિ કરવા માટે માતપિતાએ પણ હિંમતવાન અને સુસજ્જ બનવું પડે. જે સિદ્ધાંતો કે નિયમો આપણે બાળકોને પાળવા કહીએ છીએ એનું અનુસરણ માતપિતાએ પહેલાં કરી લેવું જોઈએ. બધા સંજોગોમાં મૂલ્યનિષ્ઠ જીવન પદ્ધતિ ધારણ કરવા માટે ભોગ આપવો પડે અને સમર્પિત થવું પડે. માતપિતા પર દુષ્પરિણામ લાવનારાં પરિબળો તેમજ સમાજના પ્રવર્તમાન ધારાધોરણોની કાળી છાયા પડવી ન જોઈએ. આને લીધે માતપિતા પોતાનાં બાળકોને સાચી દિશામાં દોરી જવા સાધનસજ્જ ને સુસજ્જ બની શકશે.

પ્રશ્ન : બાળકોના આધ્યાત્મિક વિકાસમાં માતપિતા કેવી રીતે પ્રદાન કરી શકે?

ઉત્તર : માતપિતાએ કુટુંબમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવું જોઈએ. દેવદેવીઓની છબિઓની પૂજાધ્યાન માટે ઘરમાં થોડી જગ્યા ફાળવવી જોઈએ. સમૂહ પ્રાર્થના, પુષ્પ, સુગંધી દ્રવ્યો કે અગરબત્તીનો ઉપયોગ આધ્યાત્મિકતાને સર્વવ્યાપી બનાવે છે. સાથે ભોજન લેવાથી, સાથે પ્રાર્થના કરવાથી કુટુંબની સંવાદિતા વધે છે. પૂજાખંડ માટે જગ્યા ફાળવવાથી ઘરમાં મંદિર જેવું પવિત્ર સ્થાન સર્જાય છે. આધ્યાત્મિક મૂલ્યો ઘરને દિવ્ય અને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવી દે છે. સ્વચ્છતા, સુઘડતા આધ્યાત્મિકતાના સોનામાં સુગંધ ઉમેરે છે. સ્વચ્છતામાં પ્રભુતા સમાયેલી છે. આધ્યાત્મિકતાની વિસ્તૃતિ ઘણી અગત્યની છે અને એ ઘરમાં ઊભી થવી જોઈએ. આધ્યાત્મિક તરંગોથી ભરેલ ઘરના વાતાવરણથી થોડા સમયમાં કુટુંબમાં એક મોટું અને નિશ્ચિત પરિણામ આવશે.

પ્રશ્ન : માતપિતાની ફરજ ક્યારેય પૂરી થાય ખરી?

ઉત્તર : દૂરથી પોતાનાં સંતાનો પર માતપિતાએ નજર રાખવી જોઈએ અને એના સાર્વત્રિક પોષણ માટે ઉત્તમ કાળજી સેવવી જોઈએ. બાળકને નિ:સ્વાર્થ પ્રેમના નીરથી સીંચવા જોઈએ. બાળકની સર્વોત્કૃષ્ટ ઇચ્છાઓ માટે માતપિતાએ ઉત્તમ પ્રયાસો કરવા જોઈએ અને એનો બદલો ગમે તેવો નઠારો મળે છતાં એને માટે તૈયાર રહેવું જોઈએ. અપેક્ષાઓ દુ:ખની જનની છે. માતપિતાએ મૂલ્યલક્ષી ચારિત્ર્યઘડતર અને આધ્યાત્મિકતાની કેળવણીનાં બીજ વાવીને તેનાં અંકુરો પોતાનાં બાળકોમાં ફૂટવા દેવા જોઈએ. બાળકો આર્થિક રીતે પોતાના પગ પર ઊભા રહેતા થાય એટલે માબાપની ફરજ પૂરી થાય છે. પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓ પૂર્ણપણે નિભાવીને માતપિતાએ પોતાનો શેષકાળ આધ્યાત્મિકતાના જીવનમાં ગાળવો જોઈએ. આધ્યાત્મિક ઝંખનાની પૂર્તિ કેવી રીતે કરવી અને આધ્યાત્મિકતાના આંકને કેવી રીતે ઉન્નત કરવો તેમજ કેવી રીતે દિવ્યતાને પ્રાપ્ત કરવી એ શીખવાનું રહે છે. એને લીધે જીવનનું આપણું સાચું અને અંતિમ ધ્યેય પણ સિદ્ધ થાય છે.

પ્રશ્ન : અમે એક વ્યક્તિ તરીકે કેવી રીતે આ અનિષ્ટ પરિબળોના પ્રભાવને ખાળી શકીએ?

ઉત્તર : પોતાનું આરક્ષણ કરીને બાળકોને આવા દુષ્પ્રભાવથી રક્ષવા જોઈએ. કુટુંબમાં માતપિતા જ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી શકે. આ અનિષ્ટ પરિબળોના પ્રભાવને દૂર કરવા કે એનો સામનો કરવા માટે માતપિતાએ વ્યક્તિગત રીતે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવું જોઈએ તેમજ ભાવાત્મક ઈષ્ટ વસ્તુઓ બાળકો સમક્ષ રજૂ કરવી જોઈએ.

પ્રશ્ન : બાળકોમાં આવતી લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિને કેવી રીતે હાથ ધરવી?

ઉત્તર : લઘુતાગ્રંથિ માટે માતપિતાએ બાળકોને પોતાની પ્રતિભાને ઉન્નત કરવા તેમજ પોતા વિશેની મનમાં જામેલી છાપને દૂર કરવા ભાવાત્મક માનસિક અભિગમ અને વલણ અપનાવવાં જોઈએ. એમને પોતાના પર થયેલી અમીવૃષ્ટિઓ, એમને મળેલ વિશેષ અધિકારો, એમની પોતાની સ્વપ્રતિભા અને કોઈ પણ ક્ષેત્રનું કાર્યકૌશલ્ય એને સમજાય તે રીતે દર્શાવીને કે શીખવીને લઘુતાગ્રંથિમાંથી મુક્ત કરી શકાય. દરેકેદરેક માનવમાં અનંતશક્તિ અને જ્ઞાન રહેલ છે, એ એમને શીખવવું જોઈએ. એને લીધે એમના અસલ સ્વરૂપનો એમને ખ્યાલ આવશે. એને લીધે પોતાની ભીતરની દિવ્યતાને આવિષ્કૃત કરવાની શિક્ષણશક્તિ એમને સાંપડે છે. પોતે મેળવેલું જ્ઞાન કે કાર્યકૌશલ્યો બાળકોની લઘુતાગ્રંથિને દૂર કરવામાં ઉપયોગી થાય છે.

મિથ્યા અહંભાવને કારણે ગુરુતાગ્રંથિ ઉદ્ભવે છે. આ ગુરુતાગ્રંથિમાંથી બહાર લાવવા માટે બાળકોને એટલું યાદ અપાવવું જોઈએ કે એના સમકક્ષ અને એનાથી પણ ચડિયાતાં બીજાં ઘણાં છે અને રહેવાના. આ ધરતી પર તો તે એક સામાન્ય જીવ છે. જીવન તો ક્ષણભંગૂર છે અને આ દુનિયાના બધા પદાર્થો પણ અલ્પજીવી છે. પોતાના અલ્પજીવનમાં જે બીજાને માટે જીવે છે તે જ ખરેખર જીવે છે. સ્વાર્થી હેતુથી જીવતા લોકો જીવંત કરતાં મરેલા વધુ છે.

પ્રશ્ન : માબાપ સમક્ષ પોતાનાં બાળકો માટેના આદર્શો ઘણા ઉચ્ચ છે પરંતુ બાળકો એ આદર્શોને પ્રાપ્ત કરવા પૂરતો પુરુષાર્થ કરતા નથી. તો માબાપે શું કરવું?

ઉત્તર : આજની યુવાન પેઢી અત્યંત મહત્ત્વકાંક્ષી છે અને તત્કાલ રિઝર્વેશનની જેમ તત્કાલ સફળતા ઇચ્છે છે. સખત પરિશ્રમ કર્યા વિના એમને સફળતાનો સ્વાદ ચાખવો છે અને એની મજા માણવી છે! ભલે આપણી આકાંક્ષાઓ આકાશને આંબવાની હોય પણ એનો પ્રારંભ તો આ ભૂમિ પરથી જ થવો જોઈએ. ભલે એમની આંખો આકાશમાં મંડાણી હોય પણ એના પગ તો આ ભૂમિ પર સ્થિરધીર રહેવા જોઈએ. આજનું આપણું શિક્ષણ ખામીવાળું છે. એમાં આધ્યાત્મિકતાની કેળવણીને સ્થાન નથી. એટલે જ પોતાનાં બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યો ભરી દેવાં એ માતપિતાનું સાચું કર્તવ્ય છે. બાળકો સાથે સોટી કે ધાકધમકીનો વ્યવહાર ન ચાલે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.