ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને કોઈ દેખાયું નહીં. પણ સોનાની કોઠીઓ આપવાની વાતે એનો લોભ જાગી ઊઠ્યો અને એ મોટેથી બોલી ઊઠ્યો : ‘હા, હું એ સાત કોઠી લઈશ.’ તરત જ જવાબ મળ્યો : ‘ઘેર પહોંચી જા, કોઠીઓ મેં તારે ઘેર પહોંચતી કરી દીધી છે.’ આ વિચિત્ર જાહેરાતની ખાતરી કરવાના ઈરાદાથી એ વાળંદ દોડતો ઘેર પહોંચ્યો. ઘેર પહોંચતાં વેંત એણે કોઠીઓ જોઈ. કોઠીઓ ખોલી એણે જોયું કે એ સોનાથી છલોછલ ભરેલી હતી, પણ છ પૂરી ભરેલી હતી અને એક અર્ધી ભરેલી હતી. એ સાતમીને પણ સોનાથી ઉભરાવી દેવાની જોરદાર ઇચ્છા એ વાળંદમાં જાગી; કારણ ત્યાં સુધી એ પૂરો સુખી ન હતો. એટલે એણે ઘરમાંનાં બધાં ઘરેણાં ભંગાવી તેને સોનાના સિક્કાઓમાં ફેરવ્યું અને એ મહોરો તેણે પેલી કોઠીમાં નાખી; પણ એ જાદુઈ કોઠી ઊણી જ રહી. આથી વાળંદની ધીરજ ખૂટી ગઈ. જાતે ભૂખ્યા રહીને અને ઘરનાંને ભૂખ્યાં રાખીને એણે થોડા વધારે પૈસા બચાવ્યા અને એ સોનાથી કોઠી ભરવા કોશિશ કરી. પણ કોઠી તો પહેલાંની જેમ અધૂરી જ રહી. એટલે એક દિવસ રાજાને પોતાનો પગાર વધારી દેવા નમ્ર્ર વિનંતી કરી કહ્યું કે મળતા પગારમાં પોતાનું ગુજરાન ચાલતું નથી. એ વાળંદ રાજાનો માનીતો હતો એટલે, એની વિનંતી સાંભળીને તરત જ રાજાએ એનો પગાર બમણો કરી દીધો. આ બધી આવક બચાવી એ પેલી કોઠી ભરવા મંડ્યો પણ, એ લોભણી કોઠી ભરાવાની નિશાની દેખાઈ જ નહીં. આખરે એ ઘેરઘેર ભીખ માગવા લાગ્યો અને એની ધંધાની તથા ભીખની આવક ભેગી કર્યા છતાંય, પેલી જાદુઈ કોઠીની તરસ છીપી જ નહીં. મહિનાઓ ને મહિનાઓ પસાર થયા અને એ દુ:ખી અને કંજૂસ વાળંદની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ચાલી. એની આવી દશા જોઈ રાજાએ એને પૂછ્યું : ‘અરે! તારો પગાર આજના કરતાં અર્ધો હતો ત્યારે, તું સુખી, આનંદ અને સંતુષ્ટ હતો; પણ તારો પગાર બેવડો કર્યા પછી તું મને ચિંતાતુર, ચડેલા મોઢાવાળો અને નાસીપાસ જોઉં છું. તને શું થયું છે? તને શું સાત કોઠીઓ મળી છે?’ આ સવાલથી વાળંદ ઘા ખાઈ ગયો અને બોલ્યો: ‘નામદાર, આ વાત આપને કોણે કહી છે?’ ‘જેને યક્ષ એ સાત કોઠીઓ આપે છે તે આમ પીડાય છે એ તું નથી જાણતો શું?’ રાજાએ કહ્યું. ‘એ મને પણ આ કોઠીઓ આપતો હતો પણ, મેં એને પૂછ્યું કે, ‘આ મૂડી વાપરી શકાય કે ખાલી કોઠીમાં જ રાખી મૂકવા માટે છે?’ આ સવાલ પૂછતાં ભેગો એ બોલ્યો :‘એ મૂડી કોઈ વાપરી શકતું નથી એ તને ખબર નથી શું? એ તો સંઘરો કરવાની તૃષ્ણા જ આણે છે.’ જા જલદી અને એ કોઠીઓ પાછી આપી આવ. આ સલાહથી વાળંદને પાછી સાન આવી અને પેલા ભૂતિયા ઝાડ પાસે જઈ એ બોલ્યો : ‘હે યક્ષ, લઈ લે તારું સોનું પાછું.’ યક્ષે કહ્યું, ‘ભલે.’ વાળંદ પાછો ઘેર આવ્યો, ત્યારે જે રહસ્યમય રીતે આવી હતી તે જ રીતે, પેલી કોઠીઓ અદૃશ્ય થઈ ગઈ અને એના ભેગી એની જિંદગીની બચત પણ તણાઈ ગઈ હતી.

સાચું ખર્ચ અને સાચી આવક વચ્ચેનો ભેદ સમજતા નથી તે લોકો ગાંઠનું પણ બધું ગુમાવે છે.

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.