રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે આપણા ભારતનાં એવાં બે મહાકાવ્યો છે : રામાયણ અને મહાભારત.

ભારતનાં આ બંને મહાકાવ્યો એના સ્વરૂપ અને વિષયવસ્તુમાં એકબીજાથી અલગ પડે છે પણ એનું ‘સત્ત્વ’ ‘મહા’ છે, અને એનું કદ પણ ‘મહા’ છે અને ‘પદ્યબંધ’ હોઈ બંનેનું ‘મહાકાવ્ય’ નામ અન્વર્થક બને છે. આ બંને મહાકાવ્યો ભારતના રાષ્ટ્રિય આદર્શો અને ભારતની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના લોકો એને વેદની કક્ષાએ સમ્માને છે, અને પ્રમાણે છે. ભારતીય જનોના જીવનમાં આ બંને કાવ્યો મોટાં પ્રેરક પરિબળો છે. એટલું જ નહિ આ બંને મહાકાવ્યો ભારતીય ઇતિહાસ અને ભારતીય સાહિત્યમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

આ બંને મહાકાવ્યો, એના પછી રચાયેલી કેટકેટલી કૃતિઓનાં ઉપજીવ્ય રહ્યાં છે. રઘુવંશ અને કિરાતાર્જુનીય જેવાં શ્રેષ્ઠ કાવ્યો અને અન્ય કેટલાંય નાટકો અને અન્ય સાહિત્યપ્રકારોની કૃતિઓ આ બંને કાવ્યોની ઉપજીવક છે.

ભારતમાં ભાગ્યે જ કોઈ એવાં સ્ત્રીપુરુષો હશે કે જે આ બે મહાકાવ્યોની કથાઓથી જરાપણ પરિચિત ન હોય! ભારતની વિવિધ ભાષાઓ, વિવિધસ્તરનાં મનુષ્યો બધામાં આ મહાકાવ્યોની કથાઓ વ્યાપકરૂપે જાણીતી જોવા મળે છે. ગ્રામ્યજનોને આ રામકથા અને કૃષ્ણ કથા – મહાભારત ભજનો, લોકોક્તિઓ વગેરેમાં જીભને ટેરવે રમતાં દેખાય છે.

બંને મહાકાવ્યોની કેન્દ્ર કથા શૌર્ય અને ઉમદા કાર્યોથી રચેલી છે. વૈદિક સાહિત્યમાં આપણને કેટલીક ગાથાઓ, આખ્યાયિકાઓ, ઇતિહાસ વગેરે નામે ઓળખાતી કેટલીક વાર્તાઓ મળે છે. આ બધી વાર્તાઓના કેન્દ્રબિંદુમાં ભૂતકાલીન રાજાઓ કે દેવોનાં મહાન અને ભવ્ય પરાક્રમો વર્ણવેલાં દેખાય છે. એવી રીતે રામાયણ અને મહાભારતમાં પણ આપણા રાષ્ટ્રિય આદર્શો અને ઉદાત્ત કાર્યથી વણેલી કથાઓ વર્ણવવામાં આવી છે.

એ જમાનામાં કોઈ યજ્ઞ થતો હોય ત્યારે અથવા વિદ્વાનોની સભાઓ મળતી, ત્યારે અવકાશના સમયમાં આવી કથાઓ ગાવાનો રિવાજ હતો અને એ માટે વ્યાવસાયી એવો એક વર્ગ પણ ઊભો થયો હતો. આજની હરિકથા કે આપણા જૂના કવિ પ્રેમાનંદ કે શામળની પેઠે એ ગાયકોનો વર્ગ બધે જતો અને ઉપર્યુક્ત પ્રસંગોએ આવી પ્રેમ-શૌર્ય-ભક્તિ-આદિથી ભરપૂર ગાથાઓ શ્રોતાઓને સંભળાવતો. આપણા ગુજરાતમાં એક જમાનામાં આવા હરિકથાકારોની સંસ્થા ગામડે ગામડે ઘૂમી હરિકથા કરતી. હજુ પણ એના ક્યાંક ક્યાંક અવશેષો જોવા મળે છે. રામના અશ્વમેધ યજ્ઞમાં લવ અને કુશે આ રામકથા દરબારમાં ગાઈ હોવાની વાત આપણે રામાયણમાં વાંચીએ છીએ. એ બંને રામપુત્રો રામાયણના રચયિતા વાલ્મીકિના શિષ્યો હતા. અને એ રીતે મહાભારત પણ જન્મેજયના નાગયજ્ઞમાં વૈશમ્પાયને ગાયું હતું અને ફરી વખત પણ નૈમિષારણ્યમાં શૌનકના બાર વરસના યજ્ઞમાં ગવાયું હતું. રામાયણ ‘આખ્યાન’ પ્રકારની કથા છે, જ્યારે મહાભારત ‘સંહિતા’ પ્રકારની કથા છે. જો કે કોઈકવાર રામાયણને પણ ‘સંહિતા’ કક્ષા અપાઈ છે. અને મહાભારતને પણ સંહિતા ઉપરાંત પુરાણ, ઉપાખ્યાન, કથા વગેરે નામો અપાયાં છે. પણ આવાં બધાં વર્ગીકરણો ખૂબ પાતળાં અને કેટલીકવાર સમજમાં ન આવે એવાં છે.

રામાયણના રચયિતા વાલ્મીકિ ભારતના ‘આદિકવિ’ અને તેમનું રચેલું મહાકાવ્ય ‘રામાયણ’ આદિ મહાકાવ્ય મનાય છે. રત્નાકર નામનો લૂંટારો તપશ્ચર્યાથી પ્રબુદ્ધ ઋષિ વાલ્મીકિ થયો. એ કથા તો સારી રીતે જાણીતી છે. તમસાને તીરે કામક્રીડા કરતા ક્રૌંચ યુગલમાંથી પારધિને હાથે એકને હણાતું જોઈને મુનિની કરુણા – શોક – કાવ્યત્વને પામી, એ વાત પણ સૌ જાણે છે. નારદના ઉપદેશથી તેમણે રામચરિત લખ્યું, વાલ્મીકિને મન રામ એક આદર્શ મહામાનવ હતા.

આ મહાકાવ્ય સાત કાંડોમાં (ભાગોમાં) વહેંચાયેલું છે. એના ૨૪૦૦૦ શ્લોકો છે. આદર્શ રાજા અને આદર્શ માનવ તરીકે રામચંદ્રનું ચરિત્ર ચિત્રણ એ એનો કેન્દ્રિય વિષય છે. દરેક કાંડમાં રામના જીવનની જુદી જુદી ઘટનાઓ વર્ણવાઈ છે. કાંડોનાં નામ આદિ, બાલ, અયોધ્યા, કિષ્કિંધા, સુંદર, યુદ્ધ અને ઉત્તર – એવાં છે.

વિદ્વાનો એવું માને છે કે આ સાત કાંડોમાંના પહેલા અને સાતમા કાંડમાં કાળાંતરે કેટલાંક ઉમેરણો થયાં છે. વાલ્મીકિના મનમાં તો રામ એક આદર્શ મહામાનવ અને આદર્શ રાજા પણ હતા પણ પહેલા અને સાતમા કાંડમાં એને ભગવાન પુરુષોત્તમ તરીકે માનવામાં આવ્યા છે, એને વિષ્ણુ ભગવાનના અવતાર લેખવામાં આવ્યા છે.

રામાયણના કાલનિર્ણય વિશે વિવાદ પ્રવર્તે છે. મહાભારત અને જાતકકથાઓમાં એનો ઉલ્લેખ હોવાથી તે બેની પહેલાં તો તે લખાયું છે પણ પશ્ચિમી વિદ્વાનો એને ઈ.પૂ. છઠ્ઠી સદીથી જૂનો ગણતા નથી. કારણ કે ભારતની સંસ્કૃતિની પ્રાચીનતા કરતાં તેમને પોતાની સંસ્કૃતિની પ્રાચીનતા પુરવાર કરવાનો પૂર્વગ્રહ છે.

રામ ભારતના આદર્શ રાજવી હતા, સીતા આદર્શ પત્ની અને મહિલા હતાં; ભરત-લક્ષ્મણ આદર્શ બંધુઓ હતા, હનુમાન આદર્શ મિત્ર-સેવક હતા. આ મહાકાવ્યનાં આ બધાં ચરિત્રો ખરેખર આપણા રાષ્ટ્રિય આદર્શો છે.

ભારતીય સાહિત્ય પર રામાયણ – મહાભારતની બહુ ભારે અસર છે. અહીં કેટકેટલાં કાવ્યો, નાટકો, નૃત્યો, ગીતિઓ, વેશભૂષાઓ, શિલ્પો, ચિત્રો, જુદી જુદી ભાષાઓમાં આખાયે ભારતમાં સર્વત્ર નિર્માયેલાં, ચીતરેલાં, કોતરેલાં નજરે પડે છે! આજે પણ રામકથા એટલી જ તાજગીભરી છે, આજે યે રામલીલા સૌ ભાવથી જુએ છે અને માણે છે. રામાયણની ટીવી સિરિયલનો પ્રભાવ સૌ જાણે છે. વિદેશોમાં પણ રામાયણ ઘણું લોકપ્રિય છે. શ્રીલંકા, ઈંડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા, વગેરે દેશોને આકર્ષી રહ્યું છે. સાહિત્ય, નાટક, નૃત્ય, ગીતો વગેરે આજે પણ રામાયણને અવલંબીને એ દેશોમાં લખાઈ રહ્યાં છે.

રામાયણ ભારતીય જીવનની દીવાદાંડી છે, વેદો જેવું એનું માન છે, ધર્મભાવના અને ભક્તિભાવનાની એ ગંગોત્રી છે. એમાં સાહિત્ય, ઇતિહાસ અને શાસ્ત્રનો ત્રિવેણીસંગમ છે. વાલ્મીકિના મનમાં રામ ભલે આદર્શ માનવ કે આદર્શ રાજા જ રહ્યા, પરંતુ સર્વસામાન્ય ભારતીય જને તો એને વિષ્ણુ ભગવાનના અવતારનું રૂપ આપી જ દીધું છે! અધ્યાત્મ રામાયણ, યોગવસિષ્ઠ રામાયણ, અદ્‌ભુત રામાયણ વગેરે વાલ્મીકિની જ ગણાતી કૃતિઓમાં રામને પરબ્રહ્મ જ ગણવામાં આવ્યા છે અને એમના જીવનની બધી ઘટનાઓને એ જ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવેલ છે.

આ રામકથા, મહાભારતમાં, રામતાપની ઉપનિષદમાં અને અઢાર પુરાણોમાં ઉદ્ધૃત થઈ છે. ભારતની બધી જ ભાષાઓમાં વિવિધ સંદર્ભોમાં મળે છે. ભારતના કેટલાક રાજકીય પક્ષો રામનામનો આશરો લે, તે કંઈ નિષ્કારણ નથી – રામ ભારતના આદર્શ રાજા હતા.

વિશ્વના વિવિધ ભાગોમાં મંદિરો, તીર્થો વગેરે રામનામ સાથે જોડાયાં છે. ‘જ્યાં સુધી આ ધરતી પર પર્વતો અને નદીઓ રહેશે ત્યાં સુધી જગતના જનોમાં રામકથા પ્રચલિત રહેશે.’ એ સાચું જ છે.

આ રામાયણની પેઠે જ મહાભારત પણ ભારતના રાષ્ટ્રિય આદર્શોને દર્શાવતું બીજું મહાકાવ્ય છે. ભારત અને મહાભારત તો જાણે કે પર્યાયવાચી શબ્દો બની ગયા છે. કહ્યું છે કે જે આમાં છે, તે જ સર્વત્ર છે અને જે અહીં નથી તે ક્યાંય નથી.

મહાભારતને પાંચમો વેદ ગણ્યો છે. એ શાસ્ત્ર પણ છે, કાનૂન પણ છે, ઇતિહાસ પણ છે અને એક શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિ પણ છે. એ ખરેખર ‘મહા’ ભારત છે. કદમાંયે મોટું અને વિષયોમાંયે મોટું! ભારતમાં અને વિદેશોમાં વિવિધ ભાષાઓમાં હજારો સાહિત્ય રચનાઓનો મૂળ સ્રોત આ મહાભારત છે. એનાં પાત્રો રાષ્ટ્રિય આદર્શો સમાં છે.

મહાભારતની કેન્દ્રવર્તી કથા કૌટુંબિક કલહની આસપાસ ગુંથાયેલી છે. ધૃતરાષ્ટ્રના એ પુત્રો – કૌરવો અને પાંડુના પાંચ પુત્રો – પાંડવો વચ્ચે રાજગાદીનો એ પારિવારિક વિખવાદ હતો. મહાભારતનું એક બીજું મધ્યવર્તી પાત્ર શ્રીકૃષ્ણ છે. એમણે કુરુક્ષેત્રના મહાયુદ્ધને કાબૂમાં રાખવા પ્રયત્ન કર્યો અને છેવટે ભારતના રાજકીય અને સામાજિક જીવનમાં કાયદા અને વ્યવસ્થાની સ્થાપના કરી. આ મહાયુદ્ધમાં ભારત વર્ષના તમામ રાજાઓ કાં તો પાંડવોના પક્ષમાં અથવા તો કૌરવોના પક્ષમાં ભળી ગયા હતા. આ રીતે મહાભારત કથાનો બહારનો વિષય તો કુટુંબકલહનો નીવેડો લાવવા માટેના યુદ્ધનો જ છે; પરંતુ એની ભીતરનું સત્ત્વ – સાચો હેતુ તો અસત્ય અને આસુરી બળો સામે સત્ય અને દૈવી બળોના – સદ્ધર્મના સ્થાપનનો જ હતો. ‘यतो धर्मस्‍ततो जयः’ – જ્યાં ધર્મ ત્યાં જય’ અને ‘सर्वं सत्‍ये प्रतिष्ठितम्‌’ – બધું સત્યમાં જ પ્રતિષ્ઠિત છે’ એમ એનો સંદેશ છે. આ બધા ભારતના વૈશ્વિક આદર્શો મહાભારતમાં ખલનાયકોની સૃષ્ટિ કરીને ઉપસાવવામાં આવ્યા છે! ‘શાંતિ માટે ધર્મયુદ્ધ’ – આ સિદ્ધાંતના સર્વોત્તમ ઉદાહરણ રૂપે મહાભારત ઝળકી રહ્યું છે. પાંડવો કશી સત્તા વગરના, કશી સંપત્તિ વગરના હતા. છતાં ભારે કપરા સંજોગોમાં કેટલાય અવરોધો વચ્ચે ધર્મને વળગી રહ્યા અને છેવટે વિજયી થયા! અહીં નીતિનો મહિમા ગવાય છે અને એનું પર્યવસાન અંતે ત્યાગ અને શાંતિમાં થાય છે.

મહાભારત કોઈ એક જ ગ્રંથ નથી. જાણે ઘણા ગ્રંથોનો સંગ્રહ કર્યો હોય એવો એ ગ્રંથ લાગે છે. કૌરવ-પાંડવોની મૂળ કથા સાથે અન્ય અનેકાનેક કથાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે એમાં વણાઈ ગયેલી છે. અને એ પણ કોઈ એક જ સમયે એમાં ગૂંથેલી નથી એનું ઉમેરણ થતાં થતાં સેંકડો વરસો લાગ્યાં હશે, અને ત્યાર પછી એ ગ્રંથ આજે મળે છે, તેવો બન્યો હશે. આગળ કહ્યા પ્રમાણે મહાકાવ્યની કથાઓ રાજસભાઓમાં અને મહાયજ્ઞોના અવકાશ સમયે મળતી સભામાં વ્યવસાયી લોકો દ્વારા ગવાતી. એટલે આવા દરેક વખતે મૂળમાં કશુંક ઉમેરણ થતું જ રહ્યું, આધ્યાત્મિક અને સાંસારિક કથાઓ ઉમેરાતી ગઈ. આ રીતે ગાયકો-પાઠકોએ મહાભારતમાં પુરુરવા-ઉર્વશી, નળ-દમયંતી, દુષ્યંત-શકુંતલા વગેરેની વાર્તાઓ ઉમેરી દીધી. વળી ભગવદ્‌ ગીતા અને હરિવંશ જેવા મહાન ગ્રંથો પણ આ મહાકાવ્ય મહાભારતમાં સામેલ કરાયા છે.આ રીતે આજે પ્રાપ્ત થતું મહાભારત એક લાખ શ્લોકવાળું (શતસાહસ્રી સંહિતા) થયું છે.

મહાભારત અઢાર પર્વો (ભાગો)માં વહેંચાયેલું છે. કથા વિષય પ્રમાણે એ પર્વોને નામ અપાયાં છે. દરેક પર્વ જાણે કે એક સ્વતંત્ર ગ્રંથ જેવો છે. આદિ, સભા, વન, વિરાટ, ઉદ્યોગ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય, સૌપ્તિક, સ્ત્રી, શાંતિ, અનુશાસન, અશ્વમેધિક, મૌસલ, મહાપ્રસ્થાન અને સ્વર્ગારોહણ – આ એનાં નામો છે.

આ મહાભારતના સંગ્રાહક-સંપાદક કૃષ્ણદ્વૈપાયન વ્યાસ છે. એના શિષ્ય વૈશમ્પાયને જન્મેજયના નાગયજ્ઞમાં આખા મહાભારતનું ગાન કર્યું હતું અને એના પછી નૈમિષારણ્યમાં શૌનકના બાર વરસના યજ્ઞ વખતે લોમહર્ષણના ઋષિના પુત્ર ઉગ્રશ્રવા (સૌતિ ઋષિ)એ એનું ગાન (પઠન) કર્યું હતું. મહાભારતના મૂળ સંગ્રાહક-સંપાદક વ્યાસ પછી પણ કેટલાક ગાયકો-પાઠકો એ મૂળમાં ઠીક ઠીક ઉમેરણ કરતા ગયા હશે. અત્યારે આપણી પાસે એ બધી જ ઉમેરણકથાઓ સહિતનું મહાભારત જ છે. ભીષ્મપર્વમાં ભગવદ્‌ગીતા અને હરિવંશનો મહાભારતમાં થયેલો ઉમેરો ખરેખર સંપાદકની જબરી જમા બાજુ ગણાવી જોઈએ. એ શ્રેય વ્યાસને છે. ખરેખર તો એક કરતાં વધુ વ્યાસ હશે; વ્યાસ એક વ્યાવસાયિક વર્ગ હોવો જોઈએ. એવી કલ્પના કેટલાકની છે.

સૌ પહેલાં મહાભારત ક્યારે રચાયું, એ વિવાદનો વિષય છે. વિન્ટર નિત્ઝ હાલના મહાભારતને ઈ.પૂ. ચોથી સદીથી વહેલું અને ઈ.સ.ની ચોથી સદીથી મોડું માનતા નથી. મેકડોનલ મૂળ મહાભારતને વધારે મોડું ઈ.પૂ. પાંચમી સદીનું ગણે છે. ભારતીય વિદ્વાનોની પરંપરા એને ઈસુના જન્મથી ૩૦૦૦ વર્ષ પહેલાંનું પ્રાચીન ગણે છે. મહાભારતના કેટલાક ભાગો નિ:શંક રીતે પ્રાચીન છે, પણ અત્યારે ઉપલબ્ધ મહાભારત અને એની કેટલીક ઘટનાઓ તો ઈ.પૂ. ચોથી કે પાંચમી સદી દરમિયાન જ પ્રચલિત થયેલ હશે એમ વિવિધ સાહિત્યિક, ભાષાકીય, ઐતિહાસિક અને અભિલેખીય પુરાવાઓનાં તારણો સૂચવે છે.

ભારતીય વિદ્વાનોના પરંપરિત અભિપ્રાય પ્રમાણે મહાભારત કરતાં રામાયણ નિ:શંક રીતે વધારે પ્રાચીન છે. રામ અને કૃષ્ણ – બંને ભગવાન વિષ્ણુના અવતાર હતા. રામ ત્રેતાયુગમાં અને કૃષ્ણ દ્વાપર યુગમાં જન્મ્યા હતા. એટલે તાર્કિક રીતે રામાયણ વધારે પ્રાચીન જ હોય. એ સ્વાભાવિક છે. વળી મહાભારતમાં ત્રણ સ્થળે રામાયણની કથાઓ ટાંકવામાં આવી છે; જ્યારે રામાયણમાં તો મહાભારતનો ક્યાંયે ઉલ્લેખ નથી. હા, એવું ક્યાંક લાગે છે કે મહાભારતમાંનાં અમુક લખાણોવાળા ભાગો રામાયણ કરતાં વધુ પ્રાચીન હશે, પણ આખા રામાયણની વાત કરીએ તો એ મહાભારત કરતાં પ્રાચીન છે જ, એમાં શંકાને સ્થાન નથી.

ભગવદ્‌ ગીતા અને હરિવંશ જેવા મહાગ્રંથોનો મહાભારતમાં સમાવેશ કરાયો છે. ભગવદ્‌ ગીતા ભીષ્મપર્વમાં છે, એના અઢાર અધ્યાયો છે. અને સાતસો શ્લોકો છે. ભગવદ્‌ ગીતા ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રાણતત્ત્વ છે, એના વક્તા કૃષ્ણ અને શ્રોતા અર્જુન છે. મહાભારતકાળ પહેલાં ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન જાણીતું હતું તો પણ ભગવદ્‌ ગીતાએ એ આદર્શોને તાત્ત્વિક, સરળ અને ઉદાર સ્વરૂપ આપ્યું. ગીતાગાયક કૃષ્ણ અવતારી પણ હતા અને આદર્શ માનવ પણ હતા. માનવજીવનના બધાં ક્ષેત્રોમાં એમણે યથાતથ કર્તવ્યપાલન કર્યું હતું. છતાં કોઈ કામના-આસક્તિ રાખ્યા વિના જ એ બધું કર્યું હતું. ગીતાના નિષ્કામ કર્મયોગનું એ પોતે જીવંત ઉદાહરણ હતા.

હરિવંશ મહાભારતનું પરિશિષ્ટ (દિલ) છે. એમાં ૧૬૩૭૪ શ્લોકો છે. એમાં હરિ (કૃષ્ણ) અને એમના વંશનાં જીવન અને કાર્યો વર્ણવાયાં છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે : (૧) ભગવાન (હરિ)ના વંશને વર્ણવતો – હરિવંશ પર્વ (૨) કૃષ્ણ લીલા વર્ણવતો – વિષ્ણુ પર્વ (૩) પૌરાણિક વાતોનો પ્રકીર્ણ સંગ્રહ – ભવિષ્યત્પર્વ.

હરિવંશ એક અલગ જ ગ્રંથ છે. મહાભારત સાથે એનો સંબંધ તો નહિવત્‌ જ છે. વૈશંપાયને એને પણ ગાયો છે જો કે એના કર્તા પણ વ્યાસ જ મનાય છે, છતાં એવું દેખાય છે કે એક કરતાં વધારે કર્તાઓએ આ ગ્રંથની રચના કરી છે.

આ મહાકાવ્યના કથાવસ્તુની, સાહિત્યિક ગુણવત્તાની કે તત્ત્વજ્ઞાનની ગમે તેવી અસરો અને પ્રભાવ માનવજાત પર ભલે પડે, પણ એનો મધ્યવર્તી સંદેશ તો ‘મનુષ્યનું લક્ષ્ય પૂર્ણ માનવ્યની પ્રાપ્તિ છે’ – એ જ છે – ‘न मानुषा च्‍छ्रेष्ठतरं हि किञ्जत्‌’ – માણસાઈથી વધુ ઉત્તમ કશું જ નથી.’ (શાંતિપર્વ, ૨૯૯-૨૦)

રામાયણની પેઠે જ મહાભારત પણ પછીનાં ઘણાં કાવ્યોનું, નાટકોનું, નૃત્યોનું, સંગીતનું, શિલ્પોનું અને અન્ય કળાઓનું મોટું પ્રેરક પરિબળ રહ્યું છે. અને એ પણ કેવળ ભારતમાં જ નહિ, દક્ષિણપૂર્વના એશિયાઈ દેશોમાં પણ એટલું જ પ્રેરક રહ્યું છે.

આ રામાયણ અને મહાભારત – એ મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિની મહામૂલી મૂડી છે. ભારતના સમગ્ર સાંસ્કૃતિક વારસા ઉપર એનો ખૂબ મોટો પ્રભાવ છે. જો વેદોને આપણે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિની ગંગોત્રી ગણીએ તો આ બંને મહાકાવ્યો ભારતીય ઝંખનાના જીવનનાં જીવતાં ઉદાહરણો રૂપ છે. એમ નિ:સંદેહરૂપે કહી શકાય.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.