(જાન્યુઆરી ૦૯ થી આગળ)

પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ નવી ઓળખાણને બધી પ્રણાલીગત વફાદારીઓને ફગાવી દઈને માણે છે. યુવાનોને સમજવા માટે આપણા સૌમાં હૃદયની વિશાળ ઉદારતા, વિચારોની સ્પષ્ટતા અને વિનોદવૃત્તિ હોવાં જરૂરી છે. યુવાનો સત્યમ્‌ શિવમ્‌ અને સુંદરમ્‌નાં સ્વપ્નને પોતાના હૃદયમાં પાળેપોષે છે. એ હૃદય પર પડતા બહારની વિચિત્ર લાગણીઓના અવરોધને ભેદવા માટે સારા એવા પ્રમાણમાં શાંતિ અને સ્થિરતાની જરૂર પડે છે. જે યુવાનો પોતાની અખંડતાને પણ બગાડી મારતા હોય તેને કોઈ અલગ કે વિકૃત ગણવા ન જોઈએ, અને આવા કદાચ લાખોની સંખ્યામાં હોય તો પણ યુવાનોમાં હૃદયની ભલમનસાઈ હોતી નથી એવું સાબિત ન કરી શકીએ. જેવા યુવાનો પોતાના જીવનની ભ્રમણ કક્ષામાં જગતત્રાતાઓ કે પયગંબરોનાં કાર્યોને સંરક્ષવાનું અને તેને વધારે ઉજ્જ્વળ કરવા માંડે છે કે તરત જ પેલી હૃદયની ભલમનસાઈનો અભાવ દૂર થઈ જાય છે.

યુવાનોએ શું સમજવું જોઈએ

સર્વ પહેલાં આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આ યુવાનો એ કોઈ આપણા જેવું ટોળું નથી. એ તો હંમેશાં શક્તિના ઝરણાની જેમ પરિવર્તન પામતું રહે છે. ગઈકાલે જે લોકો યુવા આંદોલનમાં અગ્રણી હતા તેઓ આજે પાછળ દૃષ્ટિ કરનારા, હારેલા-થાકેલા અને નવરાનાથ બની ગયા છે. તેઓ બધા ઊંચી ખુરશીઓ પર બિરાજમાન થઈને આધુનિક યુવાનની આ અતિશક્તિની ટીકા કરે છે. 

વરિષ્ઠો અને યુવાનો એવી બે પૂર્ણપણે વહેંચાયેલી છાવણીઓ ન જ હોય. વાસ્તવિક રીતે યુવાનો તો બાકીની બીજી બધી દુનિયાનો સામનો કરે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એની સાથે સાથે તેઓ પોતાનું વિશ્વ રચે છે અને આવી પ્રક્રિયાને કારણે સામુહિક પ્રતિઆક્રમણ પણ થતાં હોય છે. યુવાનો તો હાલની જીવનપ્રક્રિયાની પ્રતિચ્છાયા છે. વડીલો પર અવરોધક પરિબળ રૂપે જે કંઈ આવે છે તે એમની થોડી કેન્દ્રિત થયેલ જીવનની કુપમંડુકતામાંથી ઉદ્‌ભવે છે. વડીલો પોતાને વરિષ્ઠ વિભાગના ગણે છે અને યુવાનોને કનિષ્ઠ વિભાગના ગણે છે. એક રીતે જોઈએ તો એ બંને એકબીજાના પૂરક છે.

યુવાનો ભલે થોડા વછેરા જેવા લાગે તો પણ એમનાથી કંઈ ડરવાથી જરૂર નથી. જો એમની પ્રવૃત્તિઓ આ દુનિયામાં ખંડનાત્મક પરિણામવાળી રહે તો વડીલો કરતાં યુવાનોએ જ એનાં પરિણામોનો મોટો ભાગ ઝીલવો પડે છે. એ મહાસાગરને આપણે મોજાં મારતો રોકી શકતા નથી તેમ યુવાનોને પણ પોતાની રીતે પ્રવૃત્તિઓ કરતા રોકી શકતા નથી. જો કે આ મોજાંવાળા પ્રવાહમાં જીવનનૌકાને કુશળતાથી ચલાવવાનું અશક્ય નથી.

વડીલો તો વિશ્વને દમન, અન્યાય કે શોષણમાંથી છૂટકારો અપાવવાનું કાર્ય કરે છે અને જ્યારે વડીલો આવું કાર્ય કરી રહે ત્યારે તેઓ યુવાનોનો સામનો કરી શકે. સાથે ને સાથે દબાયેલા આક્રોશ વિના તેઓ કહેવાનું બધું યુવાનોને કહી પણ શકે. પછી તો વડીલો યુવાનોને ખુલ્લા મને જીવનના ગંભીર-વ્યવહાર-વ્યાપારમાં ભાગ લેવા નોતરી પણ શકે. યુવાનો પર વિશ્વાસ રાખો અને તેઓ વિશ્વાસુ બની જશે. યુવાનોને ખભે જવાબદારી ઝીંકો અને તેઓ જવાબદાર બની જશે. યુવાનોને ચાહતા થાઓ અને તેઓ ચાહતા બની જશે. યુવાનોની દુનિયામાં જ્યારે કોઈને પોતાની જ નવી પ્રતિકૃતિનો સામનો કરવાનો આવે ત્યારે આપણે વેપલો ન માંડવો જોઈએ. સાથે ને સાથે યુવાનોએ પણ પોતાના વર્તનભાવમાં ઉત્તમતા સાબિત કરવાની આવશ્યકતા રહે છે. વડીલો એમના દુશ્મનો નથી એવી અનુભૂતિ એમને થવી જોઈએ. વાસ્તવિક રીતે એમના દુશ્મનો તો છે, એમણે પોતે સર્જેલી અડચણો કે મૂંઝવણો જ. એમને છાજે એવું મળતું રહે છે.

યુવાનો જે કંઈ આ વિશ્વમાં રચવા કે કરવા માગે છે તે બધું એમની પોતાની વ્યક્તિગત પ્રતિભામાં રહેલ શક્તિઓને કાર્યાન્વિત કરવાથી જ થઈ શકે, એ વાત યુવાનોએ સમજવી જરૂરી છે. એ બધાં પરિબળોને તમારી મેળે સંયત કર્યા સિવાય કાર્યાન્વિત કરવાનો બીજો કોઈ માર્ગ નથી. જ્યાં સુધી તમને (યુવાનોને) લાગેવળગે છે ત્યાં સુધી જે વિશ્વ તમારી સાથે ઊઘડે કે શરૂ થાય તે જ સાચું વિશ્વ બની રહે છે. એટલે જ તમારા પોતાના પરિવર્તન સાથે જ વિશ્વના પરિવર્તનનું ચક્ર ચાલે છે. જો તમે કોઈ પણ બાબત પર સંયમનિયમ સાથે અભ્યાસ કરો તો તમને શક્તિ મળશે. તમે તમારા મનને સંયતનિયત બનાવો તો તમને શાણપણ મળશે. આ શક્તિ અને શાણપણથી યુવાનો સમગ્ર જગતને ઉત્ક્રાંત કરી શકે છે.

ધર્મનું પ્રદાન

આજની સંકુલ અને વિષમ પરિસ્થિતિમાં શાશ્વત ધર્મ જ ઉપયોગી માર્ગ બતાવી શકે તેમ છે. ઉદ્‌ભવેલ ઊર્જા અને શાણપણ એકબીજા સાથે કેવાં સંલગ્ન છે અને એના સર્જનાત્મક ઉપયોગની વાત આવશ્યક ધર્મની પ્રવૃત્તિ શીખવે છે. એટલે જ યુવાનોનાં મેધાવી અને વિચારક વૃંદ આ ધર્મતત્ત્વને અવગણી શકે નહિ. એનું કારણ એ છે કે આ અનિવાર્ય ધર્મમાં એમને પ્રબળ જોડાણ સાંપડે છે. જો તેઓ મન વિનાના ઉજ્જડ બનવા ઇચ્છતા હોય તો તેમણે માત્ર પોતાની ઘેલછાભરી સંવેદનાઓને જ અનુસરવું રહ્યું. પરંતુ એમના પછી એમની પોતાની ગાંડી ઘેલછાની નિષ્પત્તિ-સંતતિ કે ફળો પણ આવવાનાં જ, આટલું એમણે યાદ રાખવું જોઈએ.

આજના વિશ્વના યુવાનો સમક્ષ એક ભવ્ય પસંદગી અને મહાનતમ તક સાથે એક ગંભીર અને વિચારનીય પડકાર રહેલો છે. જો તેઓ પસંદગી કરે તો જેને વિશ્વનો ભવ્ય અને અમૂલ્ય વારસો ગણે છે તેને પોતાનામાં ઉતારશે અને જ્યારે યુવાનો પૂરેપૂરા ઉત્કટ અને શાણપણવાળા હોય ત્યારે તેઓ કદીયે સત્ય અને મુક્તિની બાબતમાં બાંધછોડ કરશે જ નહિ. યુવાનોના પ્રામાણિક હેતુની આ મૂળભૂત કસોટી છે.

માંસ-ચામડીને ઉખેડીને હાડકાં સુધી પહોંચવામાં પોતાની ઓળખાણની શોધના નથી. પોતાની સાચી ઓળખાણ કે સાચું સ્વરૂપ તો દરક્ષણે પરિવર્તનશીલ પદાર્થોમાંથી મળતું નથી; એ તો જ્ઞાનની દૃષ્ટિએ બધાં પરિવર્તનો ઓળંગી જાય છતાંય અપરિવર્તનશીલ સાચી શેષ રહેતાં તત્ત્વમાં – ઈશ્વરમાં મળે છે. એ પછી કોઈ પણ વ્યક્તિને આટલું સ્પષ્ટપણે જોવા મળે છે કે તે તો વિશાળ મહાસાગરમાંના એક બિંદુની જેમ આ વિશ્વમાં રહે છે. પોતાના અસલ સ્વરૂપની શોધ અડધેરસ્તે અટકી જવી ન જોઈએ. ફરી ફરીને ચકરાવાની જેમ જીવનમાં એ સ્થળે પહોંચવું એ ઘણું આકર્ષક લાગે પણ મૂળ સ્થાન તો હજી ઘણું દૂર જ છે.

એક ‘હું’ જ સર્વત્ર રહે છે, બાકીનાનું કોઈનું જાણે કે અસ્તિત્વ નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પૂરેપૂરું જાણે અને એવી અનુભૂતિ કરે કે બીજા બધા ભિન્ન ભિન્ન અસ્તિત્વ તો એક જ તત્ત્વ (બ્રહ્મ)ના છે. આમ જોઈએ તો યુવાનો વડીલોની ઉંમરમાં નાની આવૃત્તિ જેવા છે અને વડીલો યુવાનોની વરિષ્ઠ આવૃત્તિ જેવા છે. વાસ્તવિક રીતે તો પિતા પુત્ર રૂપે જ જન્મે છે, આ ઈન્કાર ન કરી શકાય એવી જૈવિક પ્રક્રિયા છે. એટલે પિતા અને પુત્રનું લડવું-ઝઘડવું એ પોતાની સાથે લડવા-ઝઘડવા જેવું છે, અને એ એક ગાંડપણભર્યું કાર્ય છે. આ ઉપરાંત વ્યક્તિને વારસારૂપે જે કંઈ મળે છે એના ઘડતરમાં એમનો પોતાનો ફાળો નથી, એમ કહેવું બરાબર નથી. વાસ્તવિક રીતે દરેક માનવી પોતાના યુગના વાતાવરણનો ઘડવૈયો છે. જો કોઈ પણ વ્યક્તિ આ બાબત સમજી ન શકે તો એણે કાર્યકારણની અસરના તર્કશાસ્ત્રને સ્વીકારવું પડે.

યુવાનોએ એટલું જાણી લેવું જોઈએ કે જીવન એ કોઈ આયા નથી, પણ એ તો નિષ્ઠુર બનીને કાર્ય કરાવનાર માલિક છે. તે ક્યારેય કાર્યકારણ અને તેના પ્રભાવના નિયમોમાં નરમાઈ દાખવતો નથી. અશિસ્ત એ મુક્તિ નથી પણ બંધન છે. અસહિષ્ણુતા એ સામર્થ્ય નથી પણ એ છે બેચેની ભરેલી નિર્બળતા. હિંસા એ વીરતાનું કાર્ય નથી, પણ તે સ્પષ્ટ રીતે દેખાતી ભાંગી પડનારી અવદશા છે. સાધનોની પવિત્રતા પ્રત્યે ચિંતા ન સેવવી એ કોઈ વિકાસ કે ઉન્નતિની નિશાની નથી, પરંતુ એ તો છે માંદલા વિચારની નિષ્પત્તિ. પરવાનગી કે છૂટ મેળવવાની વૃત્તિ સભ્યતામાં કરેલી પ્રગતિ નથી પણ એ તો છે નીચલી કક્ષાને તાબે થવાની વાત.

યુવાનો સામેના પડકારો

દરેકેદરેક માનવ માટે પોતાની ઉન્નતિની પૂર્તિ અર્થે આવશ્યક સહાય પૂરી પાડે અને એમને માટે આવશ્યક બધાં ક્ષેત્રો ખુલ્લાં મૂકે એવી આર્થિક અને રાજકીય પ્રણાલી તેમજ આવશ્યક સામાજિક માળખું રચવાનો પડકાર સમગ્ર માનવજાત અને એમાંય વિશેષ કરીને મુખ્યત્વે યુવાન સામે રહેલો છે. પોતાના ઇતિહાસના અનુભવો અને પ્રયોગો દ્વારા માનવજાત પોતાના દૈવને ઉત્ક્રાંત કરવાના માર્ગે આગળ ને આગળ ધપી રહી છે. માનવજાત માટે કોઈ પણ ઐતિહાસિક અનુભવ અંધારિયો નથી હોતો કે એમને માટે નકામા કચરા જેવો પણ નથી હોતો, કારણ કે એ ઇતિહાસના અનુભવે જ એમને માટે સામાન્ય રીતે એક ઉપયોગી કેળવણી લાવી આપી છે. માનવ એક માનવ છે એટલે જ પ્રબુદ્ધ વિશ્વના જાહેર ચૌટામાં ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે દરેકેદરેક માનવના અસલ સ્વરૂપને આપણામાંથી મોટા ભાગના લોકો આજે સ્વીકારે છે. જ્યાં અત્યંત ગહન અંધશ્રદ્ધાઓ અને અનુદાર વિચારસરણીઓ માનવજાતને જુદી જુદી દિશામાં અલગ અલગ બાંધીને રાખતી હોય ત્યાં કાર્યો અને સંવેદનોવાળા જીવનના દરેક સ્તરે આ મનોવૃત્તિને લઈ જવી જોઈએ. યુવાનો આ ઐતિહાસિક મહાકાર્યમાં જે કંઈ પણ ફાળો આપે તેનાથી તેમનું સર્જનાત્મક સામર્થ્ય નક્કી થશે. માનવ સમાજના વિશાળ અને વધુ વિશાળ સમૂહ સાથે પોતાની પહેચાન ઊભી કરવાનું સ્વયંભૂ મનોવલણ યુવાનોમાં વરિષ્ઠો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, આ એક વાસ્તવિક શક્યતા છે. એમની વિચારસરણી મર્યાદિત વર્તુળને બદલે વૈશ્વિક વધારે હોય છે. અંગીકાર કે સ્વીકાર માટે વિચારોની રાષ્ટ્રિય અસ્મિતાનું બંધન હોતું નથી. કોઈપણ વિચારસરણીનો એક વખત યુવાનોના મનમાં જેવો સ્વકીય વિચાર રૂપે સ્વીકાર થાય ત્યારે આ સમગ્ર યુવાજગત વિશ્વમાં જે લોકો એ રીતે વિચારતા હોય એમની સાથે એકત્વનો અનુભવ કરે છે. ભલે એમને સમુદ્રની સીમાઓથી અલગ પાડી શકાતા હોય પણ તેઓ તો પાડોશીના જેવી જ લાગણી અનુભવે છે. પરંતુ જે લોકો આવી જ વિચારસરણીમાં નથી માનતા તેઓ એક જ છત્ર છાયા નીચે રહેવા છતાં પણ એક વિદેશી કે પારકા બની જશે.

કોઈ પણ વ્યક્તિના સામર્થ્યની કસોટી આ છે : જ્યારે તે સમૂહ કે ટોળાંથી દૂર એકલો હોય ત્યારે તે કેના જેવો હોય છે? અનેક લોકોનાં વધુ સારા કલ્યાણ અને સુખાકારી માટે સમગ્ર જગતની પરિસ્થિતિ સુધરી શકે તે માટે કામ કરે અને હિંમત અને ઉદારતાથી પોતાના વ્યક્તિગત હિતોનું બલિદાન આપવા તૈયાર થાય છે કે કેમ? જો આવું કરવા એ તૈયાર હોય તો તે વિશ્વના યોગક્ષેમ માટેની શક્તિ બની રહે છે. જો તે એમ ન કરી શકે તો તેનાં ક્રાંતિકારી કાર્યો પણ અભાવાત્મક પરિણામો સિવાય બીજું કંઈ ન લાવી શકે. કોઈ પણ વ્યક્તિની સાચી કસોટી આ છે. શું તમે તમારી જાત કે વિચારસરણી માટે સમગ્ર જગતની સામે થઈને ઊભા રહેવાની હિંમત ધરાવો છો? યુવાનોને ભીતરથી જે પ્રમાણમાં અસલામતીની અનુભૂતિ થાય છે તેનું નિદર્શન ટોળાશાહીની વીરતામાં જોવા મળે છે. એટલે જ સામુહિક રીતે આગે કદમ કરવાની ઝંખના રાખવી જોઈએ.

યુવા આંદોલનો

જો બીજી કોઈ દુર્બળતામાંથી છૂટકારો મેળવી શકાતો હોય તો યુવા આંદોલન સૌના ભલા માટે એક વધુ સારું બળ બની રહે છે. જ્યારે યુવાનો અસ્વીકાર કે વિરોધ કરવાનો પૂર્ણ હકનો દાવો કરતા હોય ત્યારે તેઓ પોતાના સહસાથીઓને પોતપોતાની કક્ષાએ એવો જ અધિકાર આપવા તૈયાર થતા નથી. જ્યારે યુવાનો પ્રવર્તમાન મતાભિપ્રાય વિશે મતભેદ અનુભવે છે ત્યારે વિશાળ બહુમતિ કે શક્તિશાળી લઘુમતિ સાથે તેઓ સામાન્ય રીતે વિરોધીઓને ધમકી કે હિંસા દ્વારા મૂગા બનાવી દે છે. જ્યારે સખત મનોવલણવાળો વિભાગ નિર્ણય લેશે ત્યારે ગમે તેવી શાણપણ ભરેલી વાત હોય તોયે વિચાર, વાણી કે વર્તનના સ્વાતંત્ર્યની પરવાનગી મળતી નથી. પરિણામે યુવા આંદોલનમાં એક લઘુમતિનું એકહથ્થુ શાસન જ સરળતાથી આવી જવાનું. જે લોકો બીજાના સ્વાતંત્ર્યને માન-આદર આપવા તૈયાર નથી તેમણે બીજાને દોરવણી આપવી ન જોઈએ. સાથે ને સાથે એમણે માનવીય બાબતોને ઘડવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ, કારણ કે આવાં કાર્યો તો સમાજને માત્ર અને માત્ર નુકશાન જ કરી શકે.

જ્યાં સુધી યુવાનો પોતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓને સુગ્રથિત રીતે વિકસાવે નહિ ત્યાં સુધી વિશ્વના કોઈ પણ યુવાનો પર જે મૂળભૂત પડકારોનું મોટું ભારણ છે તે સર્જનાત્મક રીતે દૂર ન કરી શકાય. જે તે સમયના પડકારોને સફળતાપૂર્વક ઝીલી શકે તે માટે પ્રબળ શક્તિ, માર્ગદર્શન અને સહાયની અપેક્ષા વિશ્વ પાસે સેવનાર યુવાનોનું ઉત્ક્રાંતિનું આંદોલન સૂઝબૂઝવાળું આંદોલન બની શકે. આ ધ્યેય સુધી માત્ર વિરોધ કે પ્રતિરોધથી જ પહોંચી ન શકાય. એટલા માટે તો સુદીર્ઘકાળ સુધી ટકી રહેતી પ્રતિભા અને પ્રામાણિકતા અને નિષ્ઠાભરેલું લાંબા સમય સુધી ચાલતું કર્મ જરૂરી છે.

યુવાનોએ પોતાની ભીતર કાર્યાન્વિત પરિબળોની આજ્ઞાને પણ કેવી રીતે અમલમાં લાવવી એ શીખવું પડે. એને લીધે તેઓ સમગ્ર વિશ્વમાં કાર્યાન્વિત થયેલાં પરિબળોનું પણ સુપેરે સંચાલન કરી શકશે. આના માટે આત્મસંયમ ભરેલા શિસ્તની કળા આવશ્યક છે. જે યુવાનો પોતે સંયમિત રીતે શિસ્તબદ્ધ થયા નથી તેઓ તો એક મોટી ગરબડ જ ઊભી કરવાના. શાણપણની એમની ઊણપ ભયાનક વિનાશક શક્તિ ઊભી કરી શકે અને જો યુવાનો પોતાની જાતને શિસ્તબદ્ધ કર્યા વિના પોતાની સંતુષ્ટિના ધ્યેયે પહોંચવા ઇચ્છતા હોય કે એવી જ રીતે બીજાને મદદ કરવાનું ધારતા હોય તો એમને હાથ નિષ્ફળતા અને નિરાશા જ આવવાની છે. એનું કારણ એ છે કે તેઓ જેમને માટે ખરેખર કામ કર્યું નથી એવાં ફળ કે પરિણામની અપેક્ષાઓ સેવે છે.

સમાપન

પોતાના સામર્થ્યની ગણના કરવા જેવી સામાન્ય હકીકતનો સામનો આપણો સંક્રાંતિકાળ કરે છે એ વાત ખરેખર વિરોધાભાસ જેવી છે. જો આપણે ફળદ્રૂપ જમીન પર સારાં બીજ ન વાવીએ તો સારા પાકની અપેક્ષા રાખી ન શકીએ. યુવાનોએ પોતાની આંખોથી જોવું જોઈએ, પોતાના કાનથી સાંભળવું જોઈએ અને પોતાનાં હૃદયમનથી સમજવું જોઈએ. સાથે ને સાથે સદૈવ માનવજાતના ભાવિને આકાર આપતી સત્યની જ્યોતમાં એણે પરિવર્તિત કરી દેવું જોઈએ.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.