(શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યાક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલા હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક સાધના’ ગ્રંથમાંથી એક પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

કર્તવ્ય એટલે શું?

આપણે અનેક કાર્યોમાં વ્યસ્ત રહીએ છીએ. એ બધાંને આપણે પ્રાય: કર્તવ્ય એવું નામ આપીએ છીએ અને સામાન્ય રીતે આ કાર્યો કેવળ દુ:ખ અને અશાંતિ જ નિપજાવે છે. જો આ સત્ય હોય તો કર્તવ્ય વિશે આપણી ધારણામાં ક્યાંક ખામી છે ખરી. આપણે ‘કર્મ’ કરીએ છીએ, પરંતુ સામાન્યત: આપણે એને યોગ રૂપે એક આધ્યાત્મિક સાધના તથા આત્મસાક્ષાત્કારના રૂપે પરિણત કરવાનું જાણતા નથી. જરા જુઓ, સ્વામીજી કર્મયોગ વિશે શું કહે છે :

‘આ સ્વાર્થનું વળગણ ઊભું કરનારી વૃત્તિનો નાશ કરો. સ્વાર્થને નિયમનમાં રાખવાની શક્તિ કેળવો. તમારા મનને સ્વાર્થના માર્ગમાં લપટાવા ન દો. કર્મયોગનો આ ઉપદેશ છે. આટલું થયા બાદ તમે જગતમાં જાઓ. તમારાથી થાય તે કાર્ય કરો. બધે હળોમળો, જવું હોય ત્યાં જાઓ. તમને અનિષ્ટનો પાશ લાગશે નહિ. જળમાં કમળ હોય છે; જળ તેને સ્પર્શી કે વળગી શકતું નથી. તમે જગતમાં જળકમળવત્‌ રહો. આનું નામ ‘વૈરાગ્ય’, નિર્લેપતા અથવા અનાસક્તિ. અનાસક્તિ વગર કોઈ પણ પ્રકારનો યોગ સંભવી શકે નહિ. બધા યોગોનો મૂળ પાયો અનાસક્તિ છે. કોઈ માણસ ઘરબાર છોડે, સારાં વસ્ત્રો પહેરવાનું છોડે, સારો ખોરાક ખાવાનું છોડે, અને રણમાં જાય, છતાં કદાચ ખૂબ જ આસક્ત હોય. એની એક માત્ર સંપત્તિ જે એનો પોતાનો દેહ, એને મન સર્વસ્વ બને. અને જીવે ત્યાં સુધી દેહને ખાતર એ મથ્યા કરે. અનાસક્તિ એટલે કેવળ આપણા બાહ્ય દેહ સંબંધમાં જે કંઈ કરીએ તે નથી; અનાસક્તિ માત્ર મનમાં જ છે. ‘હું અને મારું’ની લોખંડી સાંકળ મનમાં રહેલી છે. દેહ સાથેની ઇન્દ્રિયગમ્ય બાબતો સાથેની આ સાંકળ આપણામાં ન હોય, તો આપણે ગમે ત્યાં કે ગમે તે હોઈએ છતાં, અનાસક્ત છીએ. એક માણસ સિંહાસન પર બેઠો હોય છતાં એ સાવ અનાસક્ત હોય. બીજો સાવ ચીંધરેહાલ હોય છતાં ખૂબ આસક્ત હોય. પ્રથમ આપણે આ અનાસક્તિની સ્થિતિ મેળવવાની છે અને પછી સતત કાર્ય કરવાનું છે. થોડી કઠિન હોવા છતાં અનાસક્તિ કેળવવાની રીત કર્મયોગ આપણને બતાવે છે. (૩.૮૧-૮૨)

તો પછી કર્તવ્યનો અર્થ શો છે? કર્તવ્ય અને જવાબદારી એ બે શબ્દમાંથી જવાબદારી શબ્દમાં વિશેષ તથા તાત્કાલિક બાધ્યતાનો સંકેત મળે છે. દા.ત. એક વ્યક્તિ પર પોતાની વૃદ્ધ વિધવા માતાના ભરણપોષણની જવાબદારી છે. એનાથી ભિન્ન કર્તવ્ય શબ્દમાંથી તાત્કાલિક પરિસ્થિતિઓને કારણે ઉપસ્થિત કર્મની બાધ્યતા કરતાં નૈતિક કે આચાર વિષયક પ્રભાવનો વધારે અર્થ ધ્વનિત થાય છે. અંગ્રેજી કવિ વડઝવર્થ કર્તવ્યને ‘ઈશ્વરીય આદેશની કઠોર કન્યા’ની સંજ્ઞા આપે છે. આપણે બધા જાણીએ છીએ કે ક્યારેક ક્યારેક કેવી રીતે આપણને કર્તવ્ય તથા વ્યક્તિગત સ્વાર્થના પરસ્પર સંઘર્ષનો સામનો કરવો પડે છે. આપણે ભલે એને કોઈ નામ આપીએ કે ન આપીએ, આપણા જેવા અજ્ઞાની જીવો માટે કર્તવ્યનો અર્થ અમુક હદ કે મર્યાદા સુધી બાધ્યતા અને બંધન છે.

જ્ઞાની પુરુષની વાત જુદી છે. ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં આપણને કહે છે:

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि । (३.२२)

‘હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કંઈ કર્તવ્યકર્મ નથી. કે કંઈ ન મેળવેલું મેળવવાનું પણ નથી. છતાં હું કર્મમાં વર્તું જ છું.’ ઈશ્વરીય અવતાર અને મુક્તપુરુષ મુક્તિમાં પ્રતિષ્ઠિત થઈને દુ:ખી માનવજાતિ પ્રત્યે પ્રેમથી પ્રેરિત બનીને કર્મ કરતાં રહે છે.

દૈવીપુરુષમાં કામનાઓનો સંઘર્ષ થતો નથી. અત: કર્તવ્યનો પણ દ્વન્દ્વ થતું નથી. એને માટે કાર્ય કરવાનો એક જ માર્ગ હોય છે અને તે છે ઈશ્વરીય માર્ગ. અજ્ઞાનને કારણે આપણે કર્તવ્ય તથા તેની પૂર્તિના માર્ગ વિશે ભ્રમણમાં પડી જઈએ છીએ.

કર્તવ્ય અને સ્વાર્થપરતા

સ્વામી વિવેકાનંદ કેટલી બધી માર્મિક રીતે આપણને એ બતાવે છે કે આપણું કહેવાતું કર્તવ્યનું જ્ઞાન પ્રાય: એક રોગ બની જાય છે :

‘કર્તવ્યની આ ભાવના ઘણીવાર દુ:ખનું કારણ પણ બને. રોગની પેઠે આપણને કર્તવ્ય વળગે છે, આગળ ઘસડી જાય છે, અને પકડમાં લે છે. કેટલીક વાર આપણું આખું જીવન દુ:ખી બનાવે છે. માનવજીવનનું એ મોટું સંકટ છે. કર્તવ્યની આ ભાવના ખરા બપોરના તાપની જેમ માનવજાતના અંતરને બાળી નાખે છે. કર્તવ્યના બંદા ગુલામ બનેલા તરફ જરા નજર તો નાખો! કર્તવ્ય એમને પ્રાર્થનાનો સમય રહેવા દેતું નથી, નાહવા-ધોવાનો વખત રહેવા દેતું નથી. એમની ઉપર એ હંમેશાં સવાર હોય છે. તેઓ બહાર જઈને કાર્ય કરે છે, ને કર્તવ્ય એમના પર ચડી બેસે છે; તેઓ પાછા ઘરે આવે છે ત્યારે પણ બીજા દિવસના કામનો વિચાર કર્યા કરે છે : કર્તવ્યનું દબાણ! એ ગુલામ જીવન છે, છેવટે ભાડૂતી ગાડીના ઘોડાની જેમ કામ કરતાં કરતાં રસ્તામાં ઢળી પડી એને મરવાનું છે. માણસો આને જ કર્તવ્ય સમજે છે. ખરું કર્તવ્ય અનાસક્ત બનવામાં, સ્વાધીન રીતે કાર્ય કરવામાં, અને સર્વ કાર્ય પરમાત્માને અર્પણ કરવામાં રહ્યું છે. આપણા સર્વ કર્તવ્ય તે એનાં જ છે.’ (૩.૮૩)

આપણે કર્તવ્યના ગુલામ બનીને પોતાના સમગ્ર જીવનને દુ:ખપૂર્ણ બનાવી દઈએ છીએ. આપણું કર્તવ્ય શું છે તથા એને કેવી રીતે પૂરું કરવું જોઈએ, એ વિશે આપણને વધુ સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. કેટલીક વખત આપણને જોવા મળે છે કે આપણી પોતાની જ સમસ્યાઓનો ઉકેલ મેળવવાનું શીખતાં પહેલાં જ પ્રેમથી પ્રેરાઈને નહિ પરંતુ આપણી આત્મસંતુષ્ટિ માટે આપણે બીજાની મદદ કરવા માંડીએ છીએ. બીજાની સેવા કરવામાં તત્પર નિ:સ્વાર્થ વ્યક્તિ તો છે જ, પરંતુ જેને આપણા એક વરિષ્ઠ સ્વામીજીએ ‘ભગવાનના વિરાટ પાગલખાના’ની સંજ્ઞા આપી છે એવા આ વિચિત્ર સંસારમાં કેટલાક બહુ એવા તોફાની વ્યક્તિઓ છે કે જે જીવનમાં અસફળતા અને હતાશાનો શિકાર બની જાય છે અને આવા લોકો નિકટનાં સામાન્ય કાર્યો પણ કરવા ઇચ્છતા નથી. આવા લોકો પોતાના અહંકારને સંતોષવા બીજા પર પોતાની જાતને પરાણે લાદે છે. અહં કેન્દ્રિત વ્યક્તિ ‘એમને મારા પ્રેમપ્રેરિત સેવાની આવશ્યકતા છે’ એમ કહે છે. આપણે માનવીઓ એટલા બધા સ્વાર્થી છીએ કે આપણે બીજાને જેટલા નથી ચાહતા એટલા જ બીજા લોકો પણ આપણને નહિ ચાહતા હોય, એની કલ્પના પણ નથી કરતી શકતા. એક મનોવૈજ્ઞાનિકે જ્યારે આ વાત કેટલીક છોકરીઓને કહી તો એ સાંભળીને એમને ઘણું આશ્ચર્ય થયું, કારણ કે પોતાના પ્રત્યેના પ્રેમને કારણે કોઈ આપણને હૃદયથી નથી ચાહતું, આ વિચારને સ્વીકાર કરવો એ ઘણું મુશ્કેલ છે.

એક બીજા પ્રકારના અહંકેન્દ્રી માણસો હોય છે. આવા લોકો બીજાને સુખી કરવા માટે જરૂર કરતાં પણ વધારે ચિંતિત રહે છે અને એમને ધ્યાન અને પ્રાર્થના માટે સમય પણ મળતો નથી. આવા લોકો ક્લબ, સંગઠન, બ્રિજ પાર્ટી, ભોજન સમારોહ, રાજનૈતિક સમિતિઓમાં સંમિલિત થઈને જગતનો ઉદ્ધાર કરવા વ્યગ્ર રહે છે. આને લીધે એવા લોકોને થોડા સમય માટે આત્મસમ્માન તો મળી રહે છે, પરંતુ જ્યારે એમાં નવીનતા ક્ષીણ થઈ જાય છે કે કાર્ય કે ચર્ચા-વિચારણા થોડાં શાંત થઈ જાય છે ત્યારે એ બધાં તત્કાળ દુ:ખી અને અસંતુષ્ટ બની જાય છે. મૃદુભાષાનો ઉપયોગ કર્યા વિના સ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે : 

‘પરાધીનતાને કર્તવ્ય તરીકે લેખવાનું કાર્ય કેટલું સરળ છે! શરીર ઉપરની આસક્તિના ગાંડપણભર્યા ખ્યાલને કર્તવ્ય માનવું! માણસો જગતમાં કામ કરવા બહાર પડે છે અને દ્રવ્ય માટે અગર જેના પ્રત્યે આસક્તિ હોય એવા અન્ય કશા માટે મથામણ કરે છે, લડે છે. આમ નાહક શા માટે કરો છો એમ તમે એમને પૂછશો તો તેઓ કહેશે, ‘અમે અમારું કર્તવ્ય બજાવીએ છીએ.’ ખરું તો એ સુવર્ણ અને કીર્તિનો ગાંડપણભર્યો લોભ છે – માત્ર લોકો તેને થોડાં સુંદર વાણીનાં ફૂલોથી ઢાંકી દેવા મથે છે.’ (૩.૮૩)

સ્વાર્થપરાયણતાને ફૂલોથી ઢાંકીને આપણે અનાસક્તભાવે સાચું કર્તવ્યપાલન કરીને એને આધ્યાત્મિક જીવનનું અભિન્ન અંગ બનાવી શકતા નથી. અહંકેન્દ્રી કર્તવ્ય આપણા માટે કેટલીયે સમસ્યાઓ અને નવાં બંધનોનું નિર્માણ કરી શકે છે.

અહંકારનાં વિભિન્ન રૂપ

માનવ વિભિન્ન ભાવોનો વિચિત્ર સમૂહ છે. વિલિયમ જેમ્સના મતાનુસાર મોટા ભાગના લોકો જેટલા ભિન્ન ભિન્ન જનસમૂહોના મતાભિપ્રાયનો સમાદર કરે છે તેમને તેટલાં સામાજિક વ્યક્તિત્વ હોય છે. એટલે કે આપણે બે નહિ પણ અનેક વ્યક્તિત્વ ધરાવીએ છીએ. વ્યવસાયમાં આપણું એક રૂપ હોય છે, ગિરિજાઘરમાં બીજું, અને પોતાના ઘરમાં ત્રીજું. પોતાના વ્યક્તિગત જીવનમાં આપણે જે કાર્ય હસતાં હસતાં કરીએ છીએ તે આપણે સમાજમાં કરતાં અચકાઈએ છીએ. આપણાં આવાં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ કેટલીયે વાર એક બીજા સાથે મેળ ખાતાં નથી, એટલે જ આપણા માટે અનંત આંતર્દ્વન્દ્વોની સૃષ્ટિ ઊભી કરી દે છે. એક દુકાનદારની વાત છે. પોતાના પરિવાર સાથે ધાર્મિક પુનર્જાગરણની સભામાં જતો. ધર્મ પરિવર્તન કરતાં પહેલાં દર રવિવારને દિવસે પણ દુકાન ખૂલી રાખતો હતો. ધર્મ પરિવર્તન કર્યા પછીના રવિવારે કોઈ એક પાડોશીએ બાળકને માટે દૂધ લેવા બારણું ખખડાવ્યું એટલે દુકાનદારની નાની છોકરીએ ઉપરની બારીમાંથી જોઈને કહ્યું: ‘તમને ખબર નથી, અમે ગયા સપ્તાહથી જ ખ્રિસ્તી બની ગયા છીએ? હવે જો તમારે રવિવારને દિવસે દૂધ ખરીદવાનું હોય તો તમારે પાછલા દરવાજે આવવું પડશે.’ 

આવી રીતે સામાન્ય લોકો જ પોતાની જાતને છેતરે છે એવું નથી, ઉચ્ચ સ્થાને બિરાજેલા મોટા ભાગના લોકો પણ આવું બેવડું જીવન જીવે છે. સમ્રાટના મતદાનમાં વિશેષ અધિકાર મેળવનાર જર્મનીના કોલંગ નગરના એક રાજકુમાર કે જે મુખ્ય ખ્રિસ્તી ધર્માધ્યક્ષ પણ હતા, એમને વિશે એક કથા કહેવાય છે. એક દિવસ એણે એક ખેડૂત સામે અધાર્મિક શબ્દનો પ્રયોગ કર્યો. એ સાંભળીને ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો. પોતાની જાતને સાચા સાબિત કરવાના પ્રયત્નમાં એમણે કહ્યું: ‘ભલાભાઈ, મેં તને આ અપશબ્દ ધર્મગુરુના રૂપે નથી કહ્યો પણ એક રાજકુમાર તરીકે કહ્યો છે.’ ખેડૂત બુદ્ધિશાળી હતો. એણે કહ્યું: ‘પરંતુ શ્રીમાન્‌ રાજકુમાર જ્યારે નરકમાં જશે ત્યારે ધર્માધ્યક્ષનું શું થશે?’

આપણે બધાએ એ યાદ રાખવું જોઈએ કે જો આપણે પોતાના અંગત જીવન અને સામાજિક જીવનને અલગ કરતાં કે માનતાં રહીએ અને એને માટે વિપરીત નીતિનિયમો અપનાવીએ તો આપણે અશાંતિ અને બેવડા-બંધનના રૂપે ઘણો મોટો દંડ ભરવા બાધ્ય થવું પડશે. ખરેખર તો આપણે પોતાના જીવનમાં એક નરકનું નિર્માણ કરી રહ્યા છીએ અને અશુભ પરિણામોની એક શૃંખલાનો પ્રારંભ પણ કરી નાખીએ છીએ. 

વાસ્તવિક કર્તવ્યની જેમ જૂઠાં કર્તવ્ય પણ હોય છે. આપણા જીવનમાં કયાં કાર્યો સારાં છે અને કયાં કાર્યો સારાં નથી એ નક્કી કરવું હંમેશાં સરળ હોતું નથી. શાંતિના કાળમાં કોઈની હત્યા કરવી એ કાનૂનની દૃષ્ટિએ ગુન્હો છે. પણ યુદ્ધકાળમાં વધારે ને વધારે શત્રુઓને મારવા બધા વિશેષ કરીને સેનામાં દાખલ થાય છે અને એ એનું કર્તવ્ય બની જાય છે. હિંદુધર્મ પ્રમાણે ગૌહત્યા પાપ છે, કારણ કે એને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એક મુસલમાન માટે વિશેષ તહેવાર વખતે ગાયનો વધ એ પાપ નથી. એનાથીયે વધારે એક તરફ જ્યાં હિંદુઓએ અહિંસા તેમજ કોઈને કષ્ટ ન પહોંચાડવાનું એક કર્તવ્યના રૂપે સદા આચરણ કર્યું છે, તો બીજી બાજુએ કાફીરોની હત્યા મુસલમાનોમાં પ્રશંસાને પાત્ર ગણાય છે. મધ્યયુગમાં ખ્રિસ્તી ન્યાયાધિકારી ઈસાઈ ધર્મની રક્ષા માટે વિધર્મીઓને ખિલે બાંધીને બાળી નાખતા અને એને પોતાનું કર્તવ્ય સમજતા.

આ રીતે કેટલાંય પ્રકારનાં વિરોધી કર્તવ્યો છે. સ્વામી વિવેકાનંદ આ વિશે આમ કહે છે :

‘આ રીતે જોતાં, કર્તવ્યની શાબ્દિક વ્યાખ્યા આપવી એ સાવ અશક્ય છે. તેમ છતાં કાર્ય કરનારની દૃષ્ટિમાં કર્તવ્યનો આદર્શ હોય છે. જે કાર્યથી આપણી ગતિ ઈશ્વર ભણી થાય તે કાર્ય શુભ, એ આપણું કર્તવ્ય; જે કાર્યથી આપણું પતન થાય તે કાર્ય અશુભ, અને તે અકર્તવ્ય.’ (૩.૫૧-૫૨)

મહાન હિંદુ દાર્શનિક રામાનુજના મત પ્રમાણે જેનાથી આત્માનો વિસ્તાર થાય તે શુભ છે અને જેનાથી આત્મા સંકુચિત થાય તે અશુભ છે.

હિંદુધર્મમાં કર્તવ્યની સંકલ્પના-વર્ણાશ્રમધર્મ

હિંદુધર્મમાં સમાજને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ ચારેયમાંથી દરેકનાં કર્તવ્ય પણ સ્પષ્ટ રૂપે નિર્ધારિત કરવામાં આવ્યાં છે. વિકાસની અવસ્થા પ્રમાણે આ બધાંનું વિશેષ દાયિત્વ પણ છે. જેમ કે બ્રહ્મચારી અથવા વિદ્યાર્થી, ગૃહસ્થ, સક્રિય જીવનમાંથી નિવૃત્ત વાનપ્રસ્થાશ્રમી, તેમજ સંન્યાસી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આ બધી જીવનપ્રણાલીઓ પૃથક્‌ રીતે અને સ્પષ્ટ રૂપે નિશ્ચિત થઈ છે. પરંતુ આધુનિક યુગમાં પાશ્ચાત્ય સામાજિક અને રાજનૈતિક વિચારો તેમજ પ્રૌદ્યોગિકીએ આ બધું બદલી નાખ્યું છે. હવે અધિકાર અને કર્તવ્ય વિશે વિભ્રાંતી, અસ્પષ્ટતા જોવા મળે છે. પોતે કયા વર્ગના છે અને એમણે શું કરવું જોઈએ એ ન જાણનારા લોકોની સંખ્યા વધતી જ જાય છે. પ્રત્યેક વ્યક્તિનો એક ધર્મ કે આચારસંહિતા છે જે એને ઈશ્વર તરફ આગળ લઈ જાય છે, આવું હિંદુધર્મનું શિક્ષણ છે. ધર્મજીવનનું એ વ્યાપક, સર્વતોમુખી વિધાન કે નિયમ છે. એ માનવના સમગ્રજીવન દરમિયાન સમાજ અને વ્યક્તિના માધ્યમથી અભિવ્યક્ત થાય છે અને ગહન સાર્વભૌમિક લય સાથે સામંજસ્ય સ્થાપિત કરે છે. અનંત અભિવ્યક્તિઓ સાથે આત્માનું એકત્વ તો છે જ.

‘એક વ્યક્તિ સમાજનું અંગ હોવાની સાથે એક અખંડ સાર્વભૌમિક સત્તાનું પણ અંગ છે’ ભગવદ્‌ ગીતા તથા અન્ય ધર્મ શાસ્ત્રોનો મહાન ઉપદેશ છે. પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં વિરાટ પુરુષનું પ્રતીકાત્મક વર્ણન જોવા મળે છે. એના મુખમાંથી પવિત્રતા, જ્ઞાન, ધર્મ અને સંયમથી યુક્ત બ્રાહ્મણની; બાહુઓમાંથી ક્ષત્રિયની; ઊરૂમાંથી જીવનનિર્વાહની સામગ્રી તથા અન્ન ઉત્પન્ન કરનાર કૃષક તેમજ વૈશ્યની; પગમાંથી સંસારમાં કઠિન પરિશ્રમ કરનારા મજૂરની ઉત્પત્તિ થઈ છે. (પુરુષસુક્ત, ઋગ્વેદ, ૧૦.૯૦.૧૨) માનવદેહની જેમ સમાજના બધા વર્ગ કે વર્ણ એક પૂર્ણના અવિભાજ્ય અને અનિવાર્ય અંગ છે. વિદ્યાર્થી તેમજ ગૃહસ્થ જીવનની પરિસમાપ્તિ પછી જીવનમાંથી નિવૃત્ત થવાનો સમય આવે છે. સંભવત: ત્યાર બાદ બધાં બંધનોમાંથી મુક્ત થઈને એકાંત ધ્યાન કરતાં કરતાં સંન્યાસી જીવનનો પણ અવસર આવે છે.

જો પ્રત્યેક વ્યક્તિ જીવનની બધી અવસ્થાઓમાં અંતર્નિહિત સાર્વભૌમ વિરાટ સત્તાના લય સાથે સમાયુક્ત અને સમરસ બની જાય તો પોતાનું જ નહિ પણ પોતાની પાસે રહેલા બધાનું કલ્યાણ સાધી શકે. આ જ આપણા બધાનું પરમ કર્તવ્ય છે. વિરાટ પુરુષનું કેટલીયે વાર અનેક હાથપગવાળા પુરુષ રૂપે ચિત્રણ કરવામાં આવ્યું છે. એનાથી આપણને એ પરમ અદ્વિતીયની અનેક પ્રકારની અભિવ્યક્તિઓ યાદ આવી શકે છે. પ્રત્યેક વ્યક્તિ વિશ્વની આ નાટકશાળાનો અભિનેતા છે. એણે પોતાની ભૂમિકા ઘણી સારી રીતે નિભાવવાનું શીખવું જોઈએ. આપણામાંથી કોઈ પણ બેની ભૂમિકા એક જ સરખી નથી.

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.