પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા લાગ્યો. રોજ સવારે નાહ્યા પછી, કુટિર પાસેના ઝાડ ઉપર એ પોતાનું કૌપિન સૂકવે. એક દહાડો, પોતાની ભિક્ષા માટે પાસેના ગામડેથી પાછા આવ્યા પછી એણે જોયું તો ઉંદરડાઓએ એના કૌપિનને કોરી ખાધું હતું. એટલે બીજે દિવસે એને નવું કૌપિન માગવા માટે જવું પડ્યું. થોડા દિવસ પછી, ઝૂંપડીને છાપ રે એ કૌપિન સૂકવવા લાગ્યો અને પછી ભિક્ષા માટે જવા લાગ્યો. પાછા વળતાં એણે જોયું કે ઉંદરોએ એના પણ લીરેલીરા કરી દીધા હતા. એ બહુ કચવાયો અને મનોમન વિચારવા લાગ્યો કે, ‘એક ચીંથરા માટે ફરી મારે ક્યાં માગવા જવું? કોની પાસે કૌપીન માગવું?’ છતાં, બીજે દહાડે એ ગ્રામવાસીઓને મળ્યો અને ઉંદરોએ કરેલા નુકસાનની વાત એણે તેમને કરી. એનું કહેવું સાંભળી ગ્રામજનો બોલ્યા : ‘મહારાજ, રોજરોજ તમને લુગડું કોણ આવશે? એક જ કામ કરો – એક બિલાડી પાળો.’ એટલે ઉંદરડા ભાગી જશે.’ સાધુએ તરત જ ગામમાંથી એક બચોળિયું મેળવ્યું અને, એને પોતાની કુટિરે લઈ ગયો. તે દહાડાથી ઉંદરોની તકલીફ દૂર થઈ ગઈ અને સાધુ રાજીનો રેડ થઈ ગયો. એ પેલા બચોળિયાનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યો અને એને પાવા માટે ગામમાંથી દૂધ માગવા લાગ્યો. થોડા દહાડા બાદ એક ગ્રામવાસીએ એને કહ્યું : ‘સાધુજી, તમારે રોજ દૂધ જોઈએ છે,’ તમે તો થોડા દિવસ માગી શકો; તમને રોજ દૂધ કોણ આપશે? એના કરતાં એક કામ કરો – એક ગાય રાખી લો. એનું દૂધ તમે પણ પી શકશો ને તમારી મીંદડીને પણ પાઈ શકશો.’ થોડા દિવસોમાં સાધુએ એક દૂઝણી ગાય મેળવી એને પછી દૂધ ભીખવું ન પડ્યું. પણ પછી ગાયને માટે વાસ માગવાનું શરૂ કરવું પડ્યું. એ માટે આજુબાજુનાં ગામોમાં એણે જવાનું શરૂ કર્યું પરંતુ, ગ્રામજનોને એને કહ્યું, ‘મહારાજ, તમારી ઝૂંપડીની અડખેપડખે ખૂબ વણખેડી જમીન છે. એને ખેડશો એટલે તમારી ગાય માટે તમને પૂરતું ઘાસ મળી રહેશે.’ આ સલાહ અનુસાર સાધુએ એ જમીનમાં ખેડ માંડી. ધીમે ધીમે ખેતર માટે એને દાડિયા રાખવા પડ્યા અને પેદાશ માટે કોઠારો બાંધવા પડ્યા. આમ સમય જતાં એ જમીનદાર થઈ ગયો. આખરે એના મોટા સંસારનું ધ્યાન રાખવા માટે એને પત્ની લાવવી પડી. હવે એ વ્યસ્ત જમીનદારની જેમ રહેવા લાગ્યો.

થોડા સમય પછી એના ગુરુ એને મળવા આવ્યા. આ બધા માલસામાનથી એને વીંટળાયેલો જોઈને ગુરુને નવાઈ લાગી અને એમણે એક નોકરને પૂછ્યું, ‘અહીં એક સાધુ રહેતો હતો; એ અહીંથી ક્યાં ગયો એ મને કહે.’ શો જવાબ આપવો તે પેલો નોકર જાણતો ન હતો એટલે ગુરુ જાતે ઘરમાં ગયા અને ત્યાં એમને પોતાનો શિષ્ય દેખાયો. ગુરુએ પૂછ્યું, ‘બેટા, આ બધું શું છે?’ ખૂબ શરમાઈ જઈ શિષ્ય ગુરુને ચરણે પડ્યો તે બોલ્યો, ‘ગુરુજી, આ બધું એક લુગડાને કારણે છે.’

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.