શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને એક બેંચ ઉપર બેઠા. ઠાકુર આનંદથી બોલે છે, ‘વાહ, અહીંથી મજાનું જોઈ શકાય છે.’

સરકસમાં કેટલાય વાર સુધી તરેહ તરેહના ખેલો જોયા. ગોળ રીંગમાં ઘોડો દોડી રહ્યો છે. ઘોડાની પીઠ ઉપર છોકરી એક પગે ઊભેલી છે. વળી વચ્ચે વચ્ચે સામે મોટી મોટી લોઢાની રીંગો રાખી છે. રીંગની પાસે આવીને ઘોડો જયારે રીંગની નીચે થઈને દોડે છે, ત્યારે એ છોકરી ઘોડાની પીઠ પરથી કૂદકો મારીને રીંગની અંદર થઈને ફરી પાછી ઘોડાની પીઠ પર એક પગે ઊભી થઈ રહે છે. ઘોડો વારે વારે ચક્કર ચક્કર ફરતો એ ગોળ રીંગમાં દોડવા લાગ્યો. પેલી છોકરીયે પાછી પહેલાંની પેઠે લોઢાની રીંગમાંથી નીકળીને પાછી દોડતા ઘોડા ઉપર એક પગે ઊભી રહે છે.

સર્કસ પૂરું થયું. ઠાકુર ભક્તો સાથે ઊતરી આવીને મેદાનમાં ગાડીની પાસે આવ્યા. ટાઢ પડે છે એટલે અંગે લીલી બનાત ઓઢીને મેદાનમાં ઊભા ઊભા વાતો કરે છે. પાસે ભક્તો ઉભેલા છે. એક ભક્તના હાથમાં મુખવાસનો બટવો રહેલો છે, તેમાં મુખવાસનો મસાલો, ખાસ કરીને કબાબચીની છે.

શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘જોયું ને, છોકરી કેવી એક પગે ઘોડા ઉપર ઊભી હતી, અને ઘોડો જોસથી દોડયે જાય છે! કેટલું કઠણ! કેટલાય દિવસ સુધી અભ્યાસ કર્યો હશે ત્યારે એમ કરી શકતી હશે ને! જરાક ગાફેલ રહે તો હાથ-પગ ભાંગી જાય, વખતે મોત પણ આવે. સંસાર કરવોય એવો કઠણ. ખૂબ સાધન-ભજનકરીને કોઈ કોઈ ઈશ્વરકૃપાથી સંસાર ચલાવી શકયા છે. મોટાભાગના લોકો કરી શકે નહિ. સંસાર ચલાવવા જતાં ઊલટા વધુ બદ્ધ થઈ જાય, ઊલટા ડૂબે, મોતની વેદના થાય. કોઈ કોઈ, જેમ કે જનક વગેરેએ, કેટલીયે તપસ્યાને જોરે સંસાર ચલાવ્યો હતો. એટલે સાધનભજનની ખૂબ જરૂર છે, નહિતર સંસારમાં બરાબર રહી શકાય નહિ.

શ્રીરામકૃષ્ણ ગાડીમાં બેઠા. ગાડી બાગબજારમાં બસુપાડામાં બલરામના મકાનને બારણે ઊભી રહી. ઠાકુર ભક્તો સાથે બીજે માળે દીવાનખાનામાં જઈને બેઠા. સંધ્યા પછી દીવો પેટાવવામાં આવ્યો છે. ઠાકુર સર્કસની વાત કરી રહ્યા છે. કેટલાય ભક્તો એકઠા થયા છે. તેમની સાથે કેટલીય ઈશ્વરી વાતો થાય છે. મોઢે બીજી વાત નહિ, કેવળ ઈશ્વરની વાત.

જાતિભેદ સંબંધે પ્રસંગ નીકળ્યો. ઠાકુર બોલ્યા કે ‘એક ઉપાયે જાતિભેદ નીકળી જઈ શકે : એ ઉપાય ભક્તિ. ભક્તોને જાત નહિ. ભક્તિ હોય તો દેહ, મન, આત્મા બધું શુદ્ધ થાય. ગૌર-નિતાઈ હરિનામ બોલવા લાગ્યા, અને અસ્પૃશ્યો સુદ્ધાંને આલિંગન કરવા લાગ્યા. ભક્તિ ન હોય તો બ્રાહ્મણ એ બ્રાહ્મણ નહિ; ભક્તિ હોય તો અસ્પૃશ્ય એ અસ્પૃશ્ય નહિ. અસ્પૃશ્ય-જાતિયે જો ભક્તિ હોય તો શુદ્ધ, પવિત્ર થાય.

શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો હોય, એટલે એ છોડીને નીકળી શકે નહિ; તેમાં જ મોત થાય. તેમ જ જાણે કે વાંસ-જાળમાંની માછલી. જે માર્ગે જાળમાં પેઠી છે તે જ માર્ગેથી બહાર આવી શકે. પરંતુ પાણીનો મીઠો અવાજ અને બીજી માછલીઓની સાથે ક્રીડા, એનાથી એ ભૂલી રહે, બહાર આવવાનો પ્રયાસ કરે નહિ. છોકરા-છોકરીની કાલીકાલી બોલી જાણે કે જળકલ્લોલનો મીઠો અવાજ. બીજી માછલીઓ એટલે જીવોનો પરિવાર. પણ તોય તેઓમાંથી એકાદ-બે દોડીને ભાગે. તેમને કહે મુક્તજીવ.

ઠાકુર વળી પાછા બોલે છે : ‘જીવો જાણે કે અનાજના દાણા; ઘંટીની અંદર પડયા છે; પિસાઈ જવાના. પરંતુ જે કેટલાક દાણા વચલા ખીલડાને વળગી રહે, તેઓ પિસાઈ જાય નહિ. એટલા માટે ખીલડાના એટલે કે ઈશ્વરના શરણાગત થવું જોઈએ. ઈશ્વરને સ્મરો, એનું નામ લો, ત્યારે મુક્ત થવાય. નહિતર કાળ-રૂપી ઘંટીમાં પિસાઈ જવાના.’

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૧, પૃ. ૧૧૨ માંથી)

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.