(ગતાંકથી આગળ)

લક્ષ્યપ્રાપ્તિ માટે પોતાનામાં મહાન ઉત્સાહ જાગ્રત થાય પછી આપણે એ પ્રયાસ માટે આવશ્યક શક્તિ મેળવીને પૂરો પરિશ્રમ કરી શકીએ છીએ. અધ્યાત્મ જગતમાં પ્રાય: અવ્યવસ્થિત મસ્તિષ્કવાળા લોકો જોવા મળે છે. એ લોકો કોઈ સુનિશ્ચિત પદ્ધતિનું અનુસરણ કરવાની પરવા કરતા નથી. સાથે ને સાથે પોતાની ભાવનાઓ તથા મનોવેગના અસીમ સાગરમાં વહેતા રહેવા ઇચ્છે છે. એટલે સાચી રીતે જોઈએ તો તેઓ કંઈ પ્રાપ્ત કરતા નથી અને પૂરેપૂરા સાંસારિક મનોવૃત્તિ વાળા લોકો જેવા જ મહદંશે જોવા મળે છે. અવ્યવસ્થિત મસ્તિષ્કવાળી કોઈ પણ વ્યક્તિ સંસારમાં સફળ થઈ શકતી નથી. આધ્યાત્મિક જગતમાં તો એનાથીયે ઓછા પ્રમાણમાં સફળ થઈ શકે. તમે શું ઇચ્છો છો, એ સદાને માટે સુનિશ્ચિત કરી લો. પ્રાય: આપણે સૌ શાંતિ ચાહીએ છીએ. આમ છતાં પણ આપણે એવા પથનું અનુસરણ કરીએ છીએ કે જેના પરિણામે અંતે અશાંતિ અને કષ્ટ આવી પડે છે. બંગાળમાં એક કથન છે – ‘કેટલાક લોકો એવા હોય છે કે જવા ઇચ્છે છે પૂર્વમાં અને પશ્ચિમ તરફ આગળ વધે છે. વળી કોઈ એનું કારણ પૂછે તો કહેવાના કે હું તો ઉત્તર તરફ જવા ઇચ્છું છું.’

સત્યની કસોટી

પ્રેમી પોતાના પ્રેમાસ્પદની કલ્પનામાં એવી વાતો કલ્પે છે કે જેનું અસ્તિત્વ જ નથી. પાગલ માણસ પણ જે સત્ય નથી એવી વાતોની કલ્પના કરતો રહે છે. આધ્યાત્મિક જગતમાં મનોવિભ્રમ કે કલ્પનાઓને સ્થાન નથી. આપણે સાધનાની એક સુનિયોજિત વિધિનો આધાર લઈને સત્યની એક ઝલક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આવી ઝલક અણચિંતવી પ્રાપ્ત થઈ જાય અને આપણે દીર્ઘ, નિયમિત સાધના દ્વારા એના માટે તૈયાર ન હોઈએ તો તેની તીવ્ર પ્રતિક્રિયા આવી શકે છે. સાથે ને સાથે આપણને સમગ્ર જીવન માટે અસ્થિર પણ બનાવી શકે છે. એટલે સર્વ પ્રથમ તો આપણે આવી ઝલકોના અધિકારી બનવાનું શીખવું જોઈએ. એને લીધે આપણે એને સદાને માટે પોતાની બનાવી શકીએ છીએ. પ્રારંભમાં આધ્યાત્મિક વિકાસ સાધક માટે સુખપ્રદ નથી હોતો, પરંતુ અત્યધિક કષ્ટદાયી હોય છે. મધ્ય અવસ્થાઓમાં એનું જીવન ઘણું કઠિન બની જાય છે. ત્યારે સંસાર પ્રત્યે એનામાં વાસ્તવિક રુચિ રહેતી નથી અને આત્મ સાક્ષાત્કાર પણ થતો નથી. એ એની પહોંચની બહાર રહી જાય છે. એ તો જાણે વચ્ચે આકાશમાં લટકી રહેવા જેવું છે. ન તો ઉપર જઈ શકે કે ન નીચે.

સત્યની કસોટી આ છે : એક બાજુએ સાંસારિક વસ્તુઓ અને સાંસારિક સંબંધોમાં તમે ક્યારેય પણ શાશ્વત સુખ કે સંતોષ મેળવી શકતા નથી. તો બીજી બાજુએ અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવનમાં સમસ્ત બાહ્ય વસ્તુઓથી નિરપેક્ષ સંતોષ મેળવી શકો છો. અત: મહાન ઋષિ નારદ ભક્તિસૂત્ર ૧.૪માં કહે છે : ‘યલ્લબ્ધ્વા પુમાન્‌ સિદ્ધો ભવતિ, અમૃતો ભવતિ, તૃપ્તો ભવતિ’ એટલે કે ભગવદ ભક્તિ મેળવીને મનુષ્ય સિદ્ધ, અમર અને તૃપ્ત બની જાય છે.

જે વ્યક્તિને ખરેખર તરસ લાગે છે તે પાણી જ ઝંખે છે. પરંતુ જે તરસ્યા નથી તેઓ લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. એક સાચો નિષ્ઠાવાન સાધક બધા પ્રાપ્ત નિર્દેશોનું પાલન કરશે. પરંતુ લોકો એટલા ઢીલાઢફ અને ઓછી નિષ્ઠાવાળા હોય છે કે આપેલ નિર્દેશોનું પાલન કરવાની એમને કોઈ વ્યગ્રતા નથી હોતી.

વળી આપણે શુદ્ધતમ પાણી ઇચ્છીએ છીએ. મિલાવટવાળું કે ભયંકર રીતે ગંદુ નહિ. આપણામાં સાચી પિપાસા હોવી જોઈએ, પરંતુ જે શુદ્ધ અને શુભ ન હોય એવી કોઈ વસ્તુનો સ્વીકાર પણ ન કરવો જોઈએ.

સંઘર્ષ વિના સત્યનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. ખરેખર આખું જીવન એક સંઘર્ષ છે. પ્રત્યેક વ્યક્તિ કંઈકને કંઈક મેળવવા સંઘર્ષરત રહે છે, પણ આધ્યાત્મિક સંઘર્ષ એક ઉચ્ચતર કોટિનો સંઘર્ષ છે. એક ચેતનાનો સંઘર્ષ છે. સંઘર્ષ, સંઘર્ષ, સંઘર્ષ, એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. આપણે સંઘર્ષથી ભયભીત થવું ન જોઈએ.

સત્યની શક્તિ

સામાન્યત: પ્રારંભમાં ભગવાન માટે વ્યાકુળતા થવી બહુ કઠિન છે, કારણ કે ભગવાન આપણને સત્ય જણાતા નથી હોતા. આપણામાંથી મોટા ભાગના માટે આ દેહ જ આપણો આત્મા છે અને આ દેહના ભૌતિક સ્તર પર સુખભોગ માટે આપણે અત્યંત ચિંતિત રહીએ છીએ, ભલેને આ અત્યંત સ્થૂળ પ્રકારના ભોગ કેમ ન હોય! આપણામાંથી મોટા ભાગના લોકો માટે ધર્મ અત્યધિક શોખની વસ્તુ છે. સાથે ને સાથે તે વિવિધ પ્રકારની ફેશનની જેમ એક ફેશન થઈ જાય છે. પરંતુ જો આપણા આધ્યાત્મિક પ્રયાસોથી કોઈક દિવસ આપણને ભગવાન સત્ય લાગવા માંડે તો આપણને એવો અનુભવ થશે કે આપણું સમગ્ર વ્યક્તિ એ પરમસત્તા પ્રત્યે આકર્ષાઈ રહ્યું છે તેમજ એને માટે લાલાયિત છે. જો જગત આપણા માટે સત્ય છે તો તે આપણું પૂરેપૂરું ધ્યાન પોતાની તરફ જ ખેંચી લે છે. અને વળી બીજું કોઈ સત્ય પ્રતીત થાય તો તે એ જ કરશે. જેને આપણે સત્ય સમજીએ છીએ તે આપણને એ સમય માટે પ્રભાવિત કરે છે; આપણી ભાવનાઓને ઉદ્વેલિત કરે છે; આપણી ઇચ્છાશક્તિને આકર્ષે છે અને સમગ્ર બુદ્ધિ પર છવાઈ જાય છે. વસ્તુત: આપણી સમગ્ર સત્તા એ સત્યને અનુરૂપ ક્રિયાકર્મ કરે છે.

જો આપણે પોતાના તથા સંતોના જીવનનું સચેતતાથી અધ્યયન કરીએ તો આપણને એક મહાન અંતર કે ભેદ જોવા મળશે. બંનેનાં મન સત્ય દ્વારા પ્રભાવિત થાય છે, પરંતુ સંત માટે જે સત્ય છે તે આપણા જેવા સામાન્ય લોકોના સત્યથી ભિન્ન છે. આપણા માટે આ જગત સત્ય છે અને સંતો માટે અધ્યાત્મ જગત જ સત્ય છે. પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરવો, ભગવાનની બૌદ્ધિક અથવા અસ્પષ્ટ ધારણાને બદલે ભગવાનની સત્ય પ્રતીતિ કેવી રીતે પ્રાપ્ત કરવી એ માટે એમનું સમગ્ર જીવન આ એક ભાવ દ્વારા પરિપૂર્ણ રહે છે. જો આપણે સંતો દ્વારા જેને સત્ય કહેવાયું છે એ સત્યને હૃદયંગમ કરી શકીએ તો આપણે એ પણ હૃદયમાં ઊતારી શકીએ કે ઈશ્વર સાક્ષાત્કાર માટે તેઓ પોતાના જીવનનો ત્યાગ કરવા માટે સદા તત્પર શા માટે રહે છે? પરંતુ આપણે સંતોનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. એમનું આચરણ કેટલીક રૂઢિવિરુદ્ધ અને અજબગજબનું હોઈ શકે. પરંતુ આપણે કહ્યું છે તેમ એમની બધી ભગવદ્‌ પિપાસા સત્યની સ્પષ્ટ ધારણાનો આધાર હોય છે. આપણામાંથી જે લોકો માટે આ ઈંદ્રિયગમ્ય જગત જ એક માત્ર સત્ય છે, એમણે પોતાના આધ્યાત્મિક સંઘર્ષમાં સાવધાન રહેવું જોઈએ. આપણી સફળતા મહદંશે આપણી દૈનંદિન સાધનાની નિયમિતતા અને ઉત્કટતા પર આધારિત હોય છે. પ્રાય: આ વિશે આપણે ઘણા અસાવધાન હોઈએ છીએ. સતત અભ્યાસ વિના આધ્યાત્મિકજીવનમાં કંઈ મેળવી શકાતું નથી. આધ્યાત્મિકજીવન પરમાત્મા પ્રત્યે સમર્પણનું, આત્મત્યાગનું, ત્યાગ અને એકાગ્ર નિષ્ઠાનું જીવન હોય છે. એટલે જ આપણે પોતાના કલ્યાણ માટે તથા બીજા લોકોના કલ્યાણાર્થે પોતાના વિચારો વિશે વધારે સતર્ક અને સજગ બનવું જોઈએ. આને માટે આપણાં કામ, ક્રોધ, લોભ આદિના વિચારો ઝેરિલા ગેસથી પણ વધારે હાનિકારક બની શકે છે. વસ્તુત: આપણે પોતાના અપવિત્ર વિચારો દ્વારા જે વિનાશ સર્જીએ છીએ તે પેલા ઝેરિલા ગેસ દ્વારા થયેલા વિનાશથી પણ વધારે ખરાબ છે. પોતાના અપવિત્ર વિચારો દ્વારા આપણે એવા લોકોને પ્રભાવિત કરીએ છીએ કે જે અપવિત્રતા વિશે કંઈ જાણતા જ નથી. પરંતુ પોતાના પવિત્ર વિચારોથી આપણે બીજાની પવિત્રતા માટે એમના પ્રયાસોમાં મદદ કરીએ છીએ.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.