નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો કારણ, એ મારો સંનિષ્ઠ ભક્ત છે.’ નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂ હતો. એ વહેલો ઊઠતો અને એક જ વાર હરિનું નામ બોલી, હળ લઈ ખેતરે ઉપડી જતો અને આખો દહાડો એ ખેડ કરતો. રાતે ફરી વાર હરિનામ બોલી એ ઊંઘી જતો. નારદ મનમાં વિચારવા લાગ્યા : ‘આ ગામડિયો ભગવાનનો મહાન ભક્ત શી રીતે હોઈ શકે? હું એને આખો દહાડો સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું. અને એનામાં પવિત્રતાનું કોઈ ચિહ્ન જોવા મળતું નથી.’ પછી નારદજી ભગવાન પાસે પાછા ગયા અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું. એટલે ભગવાને નારદના હાથમાં તેલ ભરેલો એક પ્યાલો આપી કહ્યું : ‘નારદ આ તેલનો પ્યાલો લઈ આ નગરની પ્રદક્ષિણા કરી લાવો. પણ તેલનું એક ટીપુંયે ઢોળાઈ નહીં એનું બરોબર ધ્યાન રાખજો.’ નારદે કહ્યા પ્રમાણે કર્યું અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને એમને પૂછ્યું : ‘વારુ, નારદ, તમે નગર ફરતે જતા હતા ત્યારે તમે મને કેટલી વાર યાદ કર્યો હતો? ‘એક વાર પણ નહીં, પ્રભુ’, નારદે કહ્યું, ‘આ તેલ છલછલતા પ્યાલાનું ધ્યાન રાખવાનું હોય ત્યાં, તમને સ્મરવાનું શી રીતે બને?’ એટલે ભગવાન બોલ્યા : ‘આ એક તેલના પ્યાલાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભૂલી જ ગયા. પણ પેલો ગામડિયો જુઓ. કુટુંબ અને સંસારનો ભાર વેંઢારતો એ રોજ મને બે વાર સ્મરે છે.’

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.