સ્વામીજીના જીવનમાં ગહન આધ્યાત્મિક પ્રેરણાથી સભર અમરનાથ અને ક્ષીરભવાનીનું વિશેષ સ્થાન રહેલું છે. આ મહાપુરુષનું સ્મરણ કરતાં આ બંને સ્થળોની ઘટનાઓ સહજપણે જ મનઃચક્ષુ સમક્ષ જાગૃત થઈ જાય છે. આ બંને દેવાલયોમાં થયેલી આધ્યાત્મિક અનુભૂતિઓ અને દૈવી સંકેતોએ એમના પાછળના જીવન પર ઘણો પ્રભાવ પાડ્યો હતો.

અમરનાથનાં દર્શન માટે સ્વામીજી પણ બીજા બધા સાધુઓની જેમ જ ચાલી રહ્યા હતા – એમની સાથે હળીભળીને – તીર્થયાત્રીઓના બધા જ કે એનાથી પણ વધારે નિયમો અને આચારસંહિતાનું નિષ્ઠાપૂર્વક પાલન કરતાં કરતાં બીજા સાધુઓએ પણ તેમનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યાે અને રસ્તામાં તથા છાવણીમાં એમને ઘેરીને એમની સાથે વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ કરતા. સ્વામીજી દિવસમાં એક જ વાર ભોજન લેતા. મંત્રજપમાં ઘણો સમય વીતાવતા, પ્રથા મુજબ સ્નાન વગેરે કરતા.

ક્યારેક સદ્ ચર્ચા કરતા તો ક્યારેક મૌન રહેતા. પહેલગામમાં જ્યારે તંબુ લગાવવાની બાબતમાં મતભેદ સર્જાયો ત્યારે પણ અમે જોયું કે આખરે સ્વામીજીએ બીજા સાધુઓની વાતને સ્વીકારી લીધી હતી. તેઓ પોતે કંઈ તોડવા માટે નહીં, પણ પૂર્ણ કરવા માટે આવ્યા હતા.’

જ્યારે આ આચાર-વિચારને લઈને અનેક લોકોનો ધર્મભાવ વ્યક્ત થયા કરતો હોય, જ્યારે લોકો ધર્મને આ (પ્રથા) આચારસંહિતાના માધ્યમ દ્વારા જ સમજતા હોય અને એની સહાયથી ઉચ્ચતમ અનુભૂતિઓ પણ પ્રાપ્ત થતી હોય ત્યારે જો પોતાનું પણ કંઈ કહેવું કે શીખવવાનું હોય તો એ બધાથી વિપરીત વર્તન કરવાનો અર્થ એ કે એ લોકોના વર્તુળની બહાર ચાલ્યા જવું અને એ પરિમાણમાં અસફળતાનો સ્વીકાર કરવો. આથી સ્વામીજીએ પોતાના ભાવોની અભિવ્યક્તિ માટે પશ્ચિમના જગતમાં જેમ પાશ્ચાત્ય જીવનને જ સ્વીકાર્યું હતું, એ જ રીતે પૂર્વના જગતમાં તેમણે પૂર્વના જીવનને તેના ગુણદોષોની સાથે જ સ્વીકારીને એમાં નવીનભાવનો સંચાર કર્યાે. તીર્થયાત્રા દરમિયાન પણ એમની આ સામાન્ય કાર્યપદ્ધતિમાં કોઈ અવરોધ આવ્યો ન હતો.

વળી એ સ્વામીજીના જીવનવિકાસના એક સ્વપ્રેરિત દૃષ્ટાંત રૂપે છે, નહીં કે એમના ઉદ્દેશના સાધન રૂપે. જો તેને ઉદ્દેશ્યની પૂર્તિના ઉપાય તરીકે ગણવામાં આવે તો તે ઘણી મોટી ભૂલ ગણાશે. કેમકે તેઓ યોજનાઓ બનાવીને ક્યારેય કંઈ કરતા નહીં. તેમનો માર્ગ તો દૈવી પ્રેરણાથી જ નિશ્ચિત થતો હતો. આ સંદર્ભમાં એક દિવસ તેમણે નિવેદિતાની વ્યાવહારિક બુદ્ધિમાંથી નીકળેલા આયોજનના ઉત્તરમાં નારાજ થઈને કહ્યું હતુંઃ ‘યોજનાઓ! યોજનાઓ! એટલે તો તમે, પશ્ચિમના લોકો ક્યારેય એક ધર્મનું સર્જન કરી શકતા નથી. જો તમારામાંથી કોઈએ ક્યારેય પણ કંઈ કર્યું છે, તો તે માત્ર કેટલાક કૅથોલિક સંતોએ જ, જેની પાસે કોઈ જાતની યોજનાઓ નહોતી. યોજના બનાવનારાઓ દ્વારા ક્યારેય કોઈ ધર્મપ્રચાર થયો નથી અને થશે પણ નહીં. (Master As I Saw Him)

લગભગ બે ત્રણ હજાર યાત્રાળુઓ સાથે, તેમનામાં એક બનીને સ્વામીજી સાધુઓની સાથે દેવદર્શને જઈ રહ્યા હતા. બધાનાં મનમાં ઊંડો ભક્તિભાવ હતો. એ લોકોની હિલચાલ, સજાવટ વગેરે સુંદર હતી અને વાતચીત પણ મધુર હતી. યાત્રાળુઓમાં અલગ અલગ સંપ્રદાયના સેંકડો સાધુ-સંન્યાસીઓ હતા. એમના તંબુ પણ ભગવા રંગના હતા. તેમાંના કોઈ કોઈએ તો મસ્તક ઉપર ભગવા રંગનું મોટું છત્ર પણ ધારણ કરેલું હતું.

આખો દિવસ ચાલ્યા પછી જ્યારે કોઈ સપાટ ખાલી જગ્યામાં પડાવ પડતો તો ત્યાં જાણે અલાદૃીનના જાદુઈ ચિરાગના સ્પર્શની જેમ એકાએક એક નગર ખડું થઈ જતું. વચ્ચે પહોળો રસ્તો રાખીને બંને બાજુ તંબુઓ અને દુકાનો લાગી જતાં. આ દુકાનોમાં યાત્રાળુઓ માટેની જરૂરી વસ્તુઓ, ખાદ્યસામગ્રી, મેવો, દૂધ, દાળ-ચોખા વગેરે વસ્તુઓનું વેચાણ થતું. એક સરસ, સ્વચ્છ પણ બીજા લોકોથી જરા જુદી જગ્યાએ તહેસીલદારનો પડાવ નંખાતો. તેની એક બાજુ સ્વામીજીનો અને બીજી બાજુ નિવેદિતાનો તંબુ નખાતો. સાધુઓમાં જે વિદ્વાન સાધુઓ હતા તેઓ તંબુમાં આવતા અને સ્વામીજીની આજુબાજુ બેસી જતા. પછી એમની સાથે અનેક વિષયો પર ચર્ચા કરતા. સવારે યાત્રા ફરી શરૂ થતાં એ નગર સાવ અશ્ય થઈ જતું, તેનું નામનિશાન ન રહેતું.

ફક્ત ચૂલાઓની રાખ રહી જતી! વિશ્રામના સ્થળે કોઈ કોઈ સાધુ ધ્યાન-જપમાં સમય ગાળતા તો કોઈ મૌન પાળતા, તો કોઈ વળી શાસ્ત્ર પર ચર્ચા કરતા, તો વળી કોઈ કોઈ શરીર પર ભસ્મ લગાવીને ધૂણીની પાસે બેસીને ભગવાનનું સ્મરણ કરતા. ક્યાંક ક્યાંક અંધકારને દૂર કરતી મશાલો સળગતી અને તેના અજવાળામાં કોઈ ભક્ત પરિવાર પોતાનાં બાળકો સાથે રસોઈ બનાવતો જોવા મળતો કે પછી તેઓ ભોજન કરતા જણાતા. પછી રસ્તે ચાલવાનું પણ ખૂબ જ આનંદપ્રદ બની રહેતું.

વિવિધ પ્રાન્તોનાં, અલગ અલગ વેષભૂષા ધારણ કરેલાં સ્ત્રી-પુરુષો, બાળકો-બાલિકાઓ, બધાં એક જ ઉદ્દેશથી એક દિશામાં જઈ રહ્યાં હતાં. ક્યાંક શંખ વાગતો હતો, તો ક્યાંક રણશિંગુ ફૂંકાતું હતું અને વારંવાર ‘હર હર બમ બમ’ના નારાથી આકાશ ગુંજી ઊઠતું હતું. ભગવાન અમરનાથે બધાંનાં હૃદયમાં વિરાજીને બધાંને એકસૂત્રમાં બાંધી દીધાં હતાં.’ જાણે સંઘબદ્ધ રૂપે કાર્ય કરવું તેમનો સ્વભાવ જ ન હોય!’ અને દરેક પડાવે તંબુ લગાવવાનું અને દુકાનો ઊભી કરવાનું કામ અદ્‌ભુત રીતે તીવ્ર ગતિથી થતું હતું (એજન…)

૨૯મી જુલાઈએ એકાદશીનું વ્રત કરવા માટે એ લોકો પહેલગામમાં જ રોકાઈ ગયા. ૩૦મી જુલાઈએ સવારે નાસ્તા પછી સ્વામીજી અને નિવેદિતા અમરનાથ જવા નીકળ્યાં. એમની પહેલાં જ તેમની આજુબાજુના યાત્રાળુઓ તંબુ સમેટીને નીકળી ગયા હતા.

અહીં આગળ તેમને છેલ્લી માનવ વસ્તીની નિશાની રૂપે એક પુલ, ખેડૂતોનાં ઘરની સાથે જોડાયેલાં ખેતરો અને છૂટી છવાઈ કેટલીક ઝૂંપડીઓ જોવા મળી અને એમણે જોયું કે બાકીના યાત્રાળુઓના તંબુઓ ત્યારે પણ લીલીછમ હરિયાળીવાળા એક ટીંબા પર લાગેલા હતા.

અવર્ણનીય સુંદર દૃશ્યોની વચ્ચે થઈને ત્રણ હજાર યાત્રીઓ સામે આવેલી ખીણ તરફ આનંદપૂર્વક આરોહણ કરવા લાગ્યા. ધીમે ધીમે તેઓ તે દિવસે (૩૦મી જુલાઈ) પડાવસ્થાને – ચંદનવાડી આવી પહોંચ્યા. અહીં આગળ એક ઊંડી પગદંડીની ધાર પર પડાવ નખાયો. એ દિવસે બપોર પછી વરસાદ થયો હતો અને સ્વામીજી પાંચ મિનિટ માટે નિવેદિતાની ખબર પૂછવા આવ્યા હતા. પણ નિવેદિતાને કોઈ જ તકલીફ પડી ન હતી કેમકે નોકરો અને અન્ય યાત્રાળુઓ તેમની સાથે પ્રેમપૂર્વક વર્તી રહ્યાં હતાં.

પછીનો રસ્તો પહેલાં કરતાં વધારે મુશ્કેલ હતો. એવું લાગતું હતું કે જાણે તેનો ક્યારેય અંત નહીં આવે. ચંદનવાડી પાસે સ્વામીજીએ કહ્યું કે સામેની હિમનદી નિવેદિતાએ ખુલ્લા પગે પાર કરવી પડશે કેમકે એ એમની બરફ સાથેની પહેલી મુલાકાત હતી. એ સાથે તેઓ જાણવાલાયક પ્રત્યેક વસ્તુની વિસ્તૃત માહિતી પણ નિવેદિતાને આપતા રહેતા હતા. એ પછી કેટલાય હજાર ફૂટ ઊંચું ચઢાણ શરૂ થાય છે. એ પછીનો રસ્તો સાંકડી પગદંડીઓ રૂપે પહાડોમાં આમતેમ ફરતો ચાલ્યો જાય છે અને અંતે એક વધુ ઊભું ચઢાણ છે.

પહેલો પર્વત ચઢ્યા પછી તે માર્ગ શેષનાગ (સરોવર)ને પાંચસો ફૂટ નીચે છોડી દે છે, જ્યાંથી શેષનાગનું જળ સ્થિર થયેલું જોવા મળે છે. સરોવરની ઉપર હિમશિખરોથી ઘેરાયેલા ૧૨૦૦૦ ફૂટ ઊંચે આવેલા એક ઠંડા અને ભેજવાળા (વાલજાન નામના) સ્થળે એમનો પડાવ પડ્યો. તે રાત્રે એ પછી નિવેદિતાએ સ્વામીજીને જોયા નહીં.

(૩૧મી જુલાઈ) પડાવમાં જુનીપાર લાકડાઓથી મોટું તાપણું કરવામાં આવ્યું. આ લાકડાં ઘણાં નીચે મળે છે. આથી બપોર પછી અને સધ્યા સમયે કૂલીઓને ઘણે દૂર સુધી તેને શોધવા જવું પડ્યું હતું.૧

એ પછી પંચ નદીઓનું સંગમ સ્થાન – પંચતરણી જવાનો માર્ગ તો એથી પણ વધારે સાંકડો હતો. ઘણી જ મુશ્કેલીઓ સાથે પગદંડીઓથી સીધા ઊભેલા પહાડોનાં ચઢાણ- ઉતરાણ કરતાં કરતાં પંચતરણી આવી પહોંચ્યા અને ત્યારે પડાવ નાખ્યો. એ સ્થળ શેષનાગ કરતાં નીચું હતું અને ત્યાંની હવા ઠંડી, સૂકી અને આહ્લાદક હતી. પડાવની સામે સૂકાઈ ગયેલી, કાંકરાઓથી ભરેલી નદીનો પટ હતો, જેમાં થઈને પાંચ ધારાઓ વહી રહી હતી. એમાંના પ્રત્યેક પ્રવાહમાં ભીનાં વસ્ત્રો પહેરીને સ્નાન કરવાની પરંપરા છે. સ્વામીજીએ પણ અન્ય લોકોની નજરથી બચીને આ પાંચેય નદીઓમાં એક એક કરીને સ્નાન કર્યું.

બીજી ઓગસ્ટે અમરનાથના મહોત્સવનો દિવસ હતો. રાત્રે બે વાગે જ યાત્રાળુઓની પ્રથમ મંડળીએ પડાવેથી પ્રયાણ કર્યું. થોડીવાર પછી સ્વામીજી વગેરે પણ ચંદ્રમાના પ્રકાશમાં અમરનાથનાં દર્શને જવા નીકળ્યા. અમરનાથની ગુફા જે પર્વતમાળામાં આવેલી છે, ત્યાં પહોંચતાં પહોંચતાં સૂર્યાેદય થઈ ગયો. આ માર્ગ પણ કઠિન હતો.

સીધા ઊભા પહાડ પર લઈ જતી એક પગદંડી બીજી બાજુ ઘાસથી છવાયેલી ભૂમિ ઉપર નાની સીડીની જેમ ઊતરતી હતી. કોઈપણ રીતે નીચે ઊતરીને યાત્રાળુઓને અમરનાથની ગુફા સુધી હિમનદીના કિનારે કિનારે માઈલો સુધી ચાલવું પડ્યું. ગુફાના એક માઈલ આગળથી બરફ દેખાતો બંધ થઈ ગયો અને ત્યાં વહેતી જલધારામાં યાત્રાળુઓ સ્નાન કરી રહેલા જોવા મળ્યા. ત્યારે પણ પથ્થરોની વચ્ચે થઈને એક કપરું ચઢાણ બાકી હતું.

એના પર ચઢ્યા પછી અપૂર્વ દૃશ્ય દેખાયું. સામેની પર્વતમાળા, તાજા જ પડેલા બરફને લઈને સુશોભિત બની ગઈ હતી અને એ રસ્તાના છેવાડે હતી ગુફા.

આ ગુફા કે જ્યાં સૂર્યનાં કિરણો ક્યારેય પ્રવેશ્યાં નથી, એના અંદરના ભાગમાં હિમલિંગ વિરાજમાન છે, જેનાં દર્શન માત્રથી મન-પ્રાણ ભક્તિરસ અને આનંદથી છલકાઈ જાય છે.

Total Views: 439

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.