નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.’ નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત હતો. એ વહેલો ઊઠતો અને એક જ વાર હરિનું નામ બોલી, હળ લઈ ખેતરે ઉપડી જતો અને આખો દિવસ એ ખેડ કરતો. રાતે ફરી વાર હરિનામ બોલી એ ઊંઘી જતો. નારદ મનમાં વિચારવા લાગ્યાઃ ‘આ ગામડિયો ભગવાનનો ભક્ત શી રીતે હોઈ શકે? હું એને આખો દિવસ સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું. અને એનામાં પવિત્રતાનું કોઈ ચિહ્ન જોવા મળતું નથી.’

પછી નારદજી ભગવાન પાસે પાછા ગયા અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું. એટલે ભગવાને નારદના હાથમાં તેલ ભરેલો એક પ્યાલો આપી કહ્યુંઃ ‘નારદ આ તેલનો પ્યાલો લઈ આ નગરની પ્રદક્ષિણા કરી લાવો. પણ તેલનું એક ટીપુંયે ઢોળાય નહીં એનું ધ્યાન રાખજો.’ નારદે કહ્યા પ્રમાણે કર્યું અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને એમને પૂછ્યુંઃ ‘વારુ, નારદ, તમે નગર ફરતે જતા હતા ત્યારે તમે મને કેટલી વાર યાદ કર્યાે હતો?’ ‘એક વાર પણ નહીં, પ્રભુ’, નારદે કહ્યું, ‘આ તેલથી છલછલતા પ્યાલાનું ધ્યાન રાખવાનું હોય ત્યાં તમને સ્મરવાનું શી રીતે બને?’ એટલે ભગવાન બોલ્યાઃ ‘આ એક તેલના પ્યાલાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભૂલી જ ગયા. પણ પેલો ગામડિયો જુઓ. કુટુંબ અને સંસારનો ભાર વેંઢારતો એ રોજ મને બે વાર સ્મરે છે.’

-(શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – પૃ. ૧૧૦-૧૧)

Total Views: 444

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.