આધુનિકતાવાદીઓનો વિચાર

આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા લોકોએ આધુનિક સભ્યતાની સાથે જ તાલ મેળવીને ચાલવા તરફ ધ્યાન દેવું જોઈએ. માતપિતાના સ્વેચ્છાચારે નવી પેઢી પર કેવો દુષ્પ્રભાવ પાડ્યો છે એ દર્શાવીને અમેરિકાના ‘ટાઈમ’ સામાયિકના જુલાઈ ૧૯૭૭ના અંકમાં આવું લખ્યું છે ‘સંયુક્ત રાજ્ય અમેરિકામાં બધા ગંભીર અપરાધો (હત્યા, બળાત્કાર, જાનલેવા હુમલા, લૂંટફાટ, તસ્કરી, ચોરી, કારચોરી વગેરે)માંથી અડધાથી વધારે ૧૦ થી ૧૭ વર્ષની વચ્ચેના કિશોરોએ કર્યા છે.’ એના સાત વર્ષ પછી એક બીજા રિપોર્ટમાં આ દુઃખદ ઘટનાઓમાં ઘણો મોટો વધારો દર્શાવ્યો છે.

અમેરિકાના વિદ્યાલયોમાં થતી હિંસા કે હત્યાઓની વિરુદ્ધ ત્યાંના તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગને એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનું આહ્‌વાન આપ્યું હતું. ૧૯૭૮માં થયેલા એક અધ્યયન પ્રમાણે દર મહિને લગભગ ૩૦ લાખ બાળકો અને એમાંય વિશેષ કરીને શાળાએ જનારા બાળકો શહેરોમાં હિંસક આક્રમણના ભોગ બન્યાં છે. શિક્ષકોની દશા તો વધારે ખેદજનક છે. મહિલાઓને જે અમાનવીય રીતે હિંસાનો ભોગ બનાવાય છે એનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા અમને લાગતી નથી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં અત્યંત ઝડપી ગતિએ થતી ઉન્નતિ જોવા મળે છે, આમછતાં પણ પ્રજામાં કેટલું નૈતિક પતન પણ છે!

ઈતિહાસનો બોધપાઠ

પ્રાચીનકાળમાં પરમ સત્ય કે ઈશ્વર કે આધ્યાત્મિક આદર્શાેમાં વિશ્વાસ જ ભારતવાસીઓના ઉચ્ચનૈતિક માનદંડો માટે આધારરૂપ બન્યાં છે. આધ્યાત્મિકતા સદૈવ ભારતીય રાષ્ટ્રિય જીવનનો મેરુદંડ રહ્યો છે. આ એક ઐતિહાસિક તથ્ય છે.

ભૂતકાળમાં વિદેશી યાત્રીઓ અને પર્યટકોએ ભારતીય લોકોની નૈતિક ઉત્કૃષ્ટતા માટે અત્યંત પ્રશંસા કરી છે. આજના મોટાભાગના શિક્ષિત યુવાનોને આ ઈતિહાસનું જ્ઞાન નથી. એમણે આવાં કથનો પર વિચાર કરીને તેની પ્રશંસાનો આધાર શોધવો જોઈએ. લગભગ ૨ હજાર વર્ષ પહેલાં એરિયને કહ્યું હતું, ‘ક્યારેય કોઈ ભારતવાસીના મિથ્યાવાદી હોવાની ફરિયાદ સાંભળવા મળતી નથી.’ લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં પૂર્વભારતની યાત્રાએ આવેલ બૌદ્ધધર્મી ચીની યાત્રી હ્યુ એન સંગે મગધ રાજ્યની અદ્‌ભુત સમૃદ્ધિ અને ત્યાંના લોકોના ઉચ્ચ નૈતિકજ્ઞાનની ઘણી પ્રશંસા કરી છે. યુનાની રાજદૂત મેગસ્થનિસની ભારતયાત્રાના સમયે લોકો પોતાના ઘરને તાળાં ન મારતા. સંસ્કૃત ભાષામાં ‘તાલા’ એ શબ્દના અર્થ જેવો કોઈ શબ્દ જ ન હતો. મેગસ્થનિસે લખ્યું છે ‘આ લોકો કહે છે કે એમણે ક્યારેય દુષ્કાળ કે ભૂખમરો જોયાં નથી, વિશ્વના બીજા ભાગોમાં યુદ્ધ જાહેર થાય એટલે સામાન્ય રીતે શત્રુની ભૂમિનો સર્વનાશ કરવામાં આવે છે, જેથી એમાં કોઈ પાક ઉગાડી ન શકાય. પરંતુ આ ભારતદેશમાં અન્નના ઉત્પાદકોને માનની નજરે જોવાય છે. એમને ક્યારેય કોઈ નુકસાન કરાતું નથી. આજુબાજુ યુદ્ધ ચાલતાં હોય ત્યારે પણ ખેડૂતો પોતાનાં ખેતરોમાં કામ કરતા રહે છે. એક સૈનિક કોઈ શત્રુદળના બીજા સૈનિકને મારી શકે છે પણ એ સૈનિક કોઈ ખેડૂતને હાથેય અડાડતો નથી. શત્રુની વસ્તુઓમાં ક્યારેય આગ લગાડાતી નથી, કોઈ ઝાડને કાપવામાં આવતાં નથી.’

માર્કાેપોલોએ કહ્યું હતું, ‘ભારતના વેપારીઓ વિશ્વમાં સર્વાેત્તમ અને સૌથી વધારે સત્યનિષ્ઠ છે, કોઈ પણ કારણે તેઓ ક્યારેય ખોટું બોલતા નથી.’ અગિયારમી સદીના મુસલમાન યાત્રી ઈદ્રિસીએ કહ્યું હતું, ‘ભારતવાસી પોતાની નૈતિક સત્યનિષ્ઠા અને ઈમાનદારી માટે જાણીતા છે.’

૩૦૦ વર્ષ પહેલાં પૂર્વભારતમાં આવનારા પોર્ટુગીઝ લોકોએ કહ્યું હતું, ‘હિંદુ લોકો ઘોષણા કર્યા વિના યુદ્ધ કરતા નથી. તેઓ વીર છે પણ શત્રુ પ્રત્યે ઘૃણા દાખવતા નથી. યુદ્ધ વિરામ દરમિયાન તેઓ એક જ નદીમાં સ્નાન કરે છે અને પાનસોપારીનું આદાન-પ્રદાન પણ કરે છે. તેમને મન અપમાનનું જીવન મૃત્યુથી પણ વધારે ખરાબ છે. પોર્ટુગલના અધિકારીઓ ભારતીય કેદીઓને એમના દૂર આવેલા ગૃહનગરોમાં ઘરમાંથી કોઈનું અપહરણ કરીને એનેે એના બદલામાં નાણાં પડાવવાનાં કાર્યો માટે મોકલતા. કેટલાક આવું ધન લાવી શકતા પણ બીજું કંઈ નહીં. એમને ભાગી છૂટવા માટે બધી તકો હતી, પરંતુ પોતાની સત્યનિષ્ઠાને કારણે કે વચનભંગ થાય એટલે ખોટું ક્યારેય બોલતા નહીં. આ ભાવનાને લીધે તેઓ ધર્માંતરણ કે મૃત્યુદંડની સજાનું જોખમ માથે લઈને પણ પાછા આવી જતા. આ લોકોની સત્યનિષ્ઠા અને બળને જોઈને પોર્ટુગલના લોકો આશ્ચર્યચકિત બની જતા.’

નૈતિક ઉત્સાહ

ભારતીય રાષ્ટ્રિય કાઉન્સિલના તત્કાલીન અધ્યક્ષ આલ્ફ્રેડ વેબે કહ્યું હતું, ‘સીવણયંત્ર પૂરાં પાડનાર એજંટોના અનુભવ પ્રમાણે બીજા દેશોમાં દેણદારોમાંથી ૧૦% લોકો લેણું ચૂકવતા નહીં. ભારતમાં આવા લોકોની સંખ્યા માત્ર ૧% હતી અને એ પણ ભારતમાં રહેનારા યુરોપના લોકોને કારણે આ થતું. ભારતના દરજીઓ પોતાનું કરજ ચૂકવવા સજાગ અને તત્પર રહેતા અને કરજ ચૂકવવામાં નિષ્ફળ રહે તો તેઓ હંમેશાં સીવણયંત્ર પાછું આપી દેતા. આનાથી પણ વધારે આશ્ચર્યજનક તત્ત્વ એ હતું કે બજાર, દુકાન-રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએ વેપારીઓ, સોદાગરો પોતાની સામે ખુલ્લી પેટીમાં રૂપિયા રાખીને બેસતા અને એને ક્યારેય કોઈ હાથ ન લગાડતું. યુરોપમાં કોઈ આવું કરવાનું વિચારી પણ ન શકે.’ કર્નલ સ્લિમેનનું કથન પણ ઉલ્લેખનીય છે, ‘મારી સમક્ષ એવા સેંકડો મામલા આવ્યા છે જેમાં કોઈ ભારતીયએ સંપત્તિ, સ્વતંત્રતા કે જીવનની આજીવિકા માટે ખોટું બોલવાનો સાફ ઈન્કાર કરી દીધો.’

ચાલ્સ વોર્સેલેસે કહ્યું હતું, ‘મેં ભારતમાં ૨૨ વર્ષ વીતાવ્યાં છે અને ત્યારપછી ૧૭ વર્ષ ઈંગ્લેન્ડમાં રહી ચૂક્યો છું. હું જેમ જેમ મારા દેશવાસીઓને જોતો રહું છું તેમ તેમ મને ભારતીય લોકો વધારે સારા લાગે છે.’ ડાૅ. ગ્રેહામે કહ્યું છે, ‘હિંદુ લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે ત્યાંના લોકોનું આધ્યાત્મિક સ્તર સુધાર્ર્યું છે.’

સર જ્યોર્જ બર્ડવુડે કહ્યું છે, ‘હિંદુ નારીઓ પવિત્ર અને પતિવ્રતા હોય છે. સ્વચ્છતામાં ભારતીય લોકો સંસારના બીજા બધા દેશવાસીઓથી મહાન છે.’ આ બધા કથન આપણા ભૂતકાળના ભારતીય લોકોની નૈતિક નિષ્ઠાનું પ્રમાણ છે.

કૌટિલ્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ હતા. તેમણે પોતાને મહેલોના વૈભવ વિલાસથી દૂર રાખીને એક નાની એવી ઝૂંપડીમાં નિવાસ કર્યાે. સમ્રાટ અશોક મહાનવીર હતા, પણ કલિંગ યુદ્ધના ભયંકર વિનાશક દૃશ્ય અને વિધવાઓ અને અનાથોના હૃદયવિદારક આર્તનાદે એના હૃદયને પીગળાવી દીધું. એમણે યુદ્ધનો ત્યાગ કર્યાે અને ત્યાગ અને સેવાના આદર્શાે સ્વીકાર્યા. એમણે અનુભવ્યું કે ધર્મ અને અધ્યાત્મના પથ પર ચાલવું એ જ સાચો વિજય છે. એમણે પોતાના જીવનમાં ધર્મ અને આધ્યાત્મિકતાના ઉચ્ચ આદર્શાેને સ્વીકારીને બધા સદ્વિચારવાળા લોકો દ્વારા ઘણાં મોટાં માન-આદર પ્રાપ્ત કર્યાં હતાં. એમણે કહ્યું છે, ‘કોઈ પણ દેશના નાગરિકોએ સહાનુભૂતિ, ઉદારતા, સત્યનિષ્ઠા, સ્વચ્છતા, દયા અને સજ્જનતા જેવા સદ્ગુણો જીવનમાં અપનાવવા જોઈએ. એમણે રાજાના આદેશને કારણે નહીં પણ પોતાની ઇચ્છાથી જ ભલાઈના પથે ચાલવું જોઈએ. બહારના દબાણના આધારે આરોપિત ભલમનસાઈને અપનાવવાના બદલે પોતે જ પસંદ કરેલા ભલાઈના પથે ચાલવું વધારે સારું છે.’

વિશ્વના ઈતિહાસકાર એચ.જી. વેલ્સે આમ લખ્યું છે, ‘વિશ્વના નરેશો અને સમ્રાટોના નભોમંડળમાં સમ્રાટ અશોકનું નામ ધ્રુવતારાની જેમ ચમકે છે.’ એમના આ કથનમાં જરાય અતિશયોક્તિ નથી. સમ્રાટ અશોકનો પ્રેમ અને એમની સહાનુભૂતિ વિશ્વના ખૂણેખૂણે પ્રસરી ગઈ હતી. સમગ્ર વિશ્વના ઈતિહાસમાં અશોકની જોડે ઊભો રહે એવો બીજો કોઈ સમ્રાટ મળી શકે ખરો? એમની આ ઉક્તિ એમના મન અને હૃદયની એક ઝલક પ્રસ્તુત કરે છે, ‘મેં રસ્તાની બંને બાજુએ વટવૃક્ષ વાવ્યાં છે, જેથી મનુષ્ય અને પશુઓને એની શીતળ છાયડી મળી શકે. મેં રસ્તાની બંને બાજુએ આંબાના બગીચા પણ ઊભા કર્યા છે, દર માઈલે એક કૂવો ખોદાવ્યો છે. અને લોકોને રોકાવા રહેવા માટે ધર્મશાળાઓનું નિર્માણ કર્યું છે. માતપિતાની સેવા સત્કર્મ છે. પશુઓને મારવાં નહીં કે એને નુકશાન ન પહોંચાડવું એ પણ સત્કર્મ છે. ઓછું ખર્ચ કરીને ભવિષ્ય માટે કંઈ બચાવી રાખવું એ પણ સત્કર્મ છે.’

સમ્રાટ અશોક ‘દેવાનામ્ પ્રિય પ્રિયદર્શી’ અશોકના નામે પ્રસિદ્ધ બન્યા. એમણે કહ્યું છે, ‘હું ભોજન કરતો હોઉં રાણીવાસ કે અંતઃપુરમાં હોઉં કે પછી પશુશાળા, પાલખી કે ઉદ્યાનમાં ગમે ત્યાં હોઉં પણ લોકો મારી પાસે આવીને પોતાની સમસ્યાઓ વિશે મને કહી શકે છે. હું એમની બધી સમસ્યાઓને જાણવા ઈચ્છું છું.’

‘હું ‘દેવાનામ્ પ્રિય પ્રિયદર્શી’ ઉપહાર અને આદર સાથે દરેક ધર્મના લોકો, બધા ભિક્ષુઓ, સંન્યાસીઓ, બધા ગૃહસ્થોનો સત્કાર કરું છું. બીજા ધર્મના લોકોનું સર્વદા સન્માન કરવું જોઈએ. એનાથી આપણો પોતાનો ધર્મ સુદૃઢ બને છે અને બીજા બધા ધર્માેને મદદ મળે છે. આમ ન થાય તો બંને ધર્માેને નુકસાન જ થવાનું. જે લોકો પોતાના ધર્મના ઉત્થાનના ઉત્સાહમાં આવીને કેવળ પોતાના ધર્મનું જ સન્માન કરીને બીજા ધર્મની નિંદા કરે છે તે પોતાના ધર્મને જ નુકશાન પહોંચાડે છે. અરસપરસનો મેળ મિલાપ સદૈવ લાભકારી બને છે. પરસ્પર હળીમળીને રહેવાથી બીજા ધર્માે વિશે જાણકારી મળે છે અને એમાં એમને પણ સહાય મળે છે. ‘દેવાનામ્ પ્રિય પ્રિયદર્શી’ની આ ઇચ્છા છે. બધા ધર્માેના લોકોને સાચું જ્ઞાન અને સાચી સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ. પોતાના વિશેષ ધર્મ પ્રત્યે નિષ્ઠા રાખનારાના મનમાં આ વાત બરાબર બેસાડી દેવી પડશે. બધા ધર્માે ફુલેફાલે. ‘દેવાનામ્ પ્રિય પ્રિયદર્શી’ના મતે ઈશ્વરની ઉપાસના કે દાન આપવા કરતાં બીજા ધર્માેનું સન્માન કરવું વધારે સારું છે અને વધારે મહાન કાર્ય છે.

બધા લોકો મારાં સંતાન છે, જેમ આ લોકમાં અને પરલોકમાં મારાં પોતાનાં સંતાનોની ઇચ્છા રાખું છું તેવી જ રીતે હું બધા લોકોના સુખ અને સમૃદ્ધિની કામના કરું છું. તમે લોકો કદાચ મારી બીજા લોકો પ્રત્યેની શુભકામનાની ઈંતેજારીને જાણતા નહીં હો.

ગાભણી ગાયો, ઘેટાં, સૂવર અને દૂધ આપતી બકરીઓને માંસ માટે મારવી નહીં. છ મહિનાથી નાના વાછડાને પણ ન મારવો. કૂકડાને પીડવા નહીં, જીવતાં પ્રાણીઓને અગ્નિમાં બાળવાં નહીં. વન્યપશુઓને બહાર કાઢવા કે કોઈ બીજા ઉદ્દેશ સાથે જંગલને બાળવા નહીં. કોઈ પશુના આહાર માટે બીજા કોઈ જીવિત પ્રાણી ન આપવાં.’ શું આ ઉક્તિઓ, સાચી આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ કે સાચા ધર્મભાવથી નિઃસ્વાર્થ પ્રેમની એવી ધારા નીકળે છે કે જે સમગ્ર સંસારનું હિત કરે છે, એ વાત પ્રમાણિત નથી કરતી?

સમ્રાટ હર્ષવર્ધન દર પાંચમે વર્ષે પોતાની બધી ધનસંપત્તિ વિદ્વાનો અને નિર્ધનોમાં વહેંચી દેતા. સમ્રાટ પુલકેશી બીજાના રાજ્યમાં આભૂષણો પહેરીને સ્ત્રીઓ નિર્ભય રીતે રસ્તા પર એકલી નીકળી શકતી. રાજા કૃષ્ણદેવ રાયે કવિ અલ્લસની પેદનાને પોતાને જ હાથે રત્નજડિત પાદુકા પહેરાવી હતી. રાજાએ પોતે જ શોભાયાત્રામાં એ કવિની પાલખી ચલાવી હતી. છત્રપતિ શિવાજીએ અનેક ભયંકર યુદ્ધો દ્વારા જીતેલા પોતાના સમગ્ર સામ્રાજ્યની માલિકી પોતાના ગુરુ સમર્થ રામદાસના ભિક્ષાપાત્રમાં અર્પણ કરી દેતાં જરાય ખચકાટ અનુભવ્યો નહોતો. જ્યારે એમના સૈનિક અધિકારીઓએ ઉપહારરૂપે એક સુંદર યુવતીને લાવીને એમને ભેટ ધરી ત્યારે શિવાજીએ તેનો અસ્વીકાર કરીને એ નારીને પૂરેપૂરા આદરમાન સાથે એના પતિ પાસે મોકલી દીધી. જો કે એમણે મુસલમાન બાદશાહોની ક્રૂરતા અને હિંસા જોઈ હતી. છતાંપણ એમણે ક્યારેય કોઈ મસ્જિદને નુકસાન કર્યું ન હતું અને કુરાનનો અનાદર પણ કર્યાે ન હતો. આ રીતે શિવાજીએ અન્ય ધર્માે પ્રત્યે સહિષ્ણુતાનો એક આદર્શભાવ પ્રગટ કર્યાે હતો. દુર્ગાદાસ રાઠોડ પોતાની પાસે બંદીના રૂપે રાખેલ ઔરંગઝેબની પૌત્રીને ભણાવવા માટે દૂર અજમેરથી એક મુસલમાન શિક્ષિકાને બોલાવી લાવ્યા હતા. રાજપૂત યોદ્ધાઓની વીરતા સમસ્ત સંસારમાં અજોડ હતી. આવી ઉત્કૃષ્ટ ભાવનાની પાછળ કયો પ્રભાવ સક્રિય રહ્યો? શું એ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરામાં રહેલ ઉચ્ચ આદર્શ ન હતો?

Total Views: 674

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.