ઠાકુર – ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ કાંઈ નહિ. મંદિરની દીવાલે પીપળો તથા બીજાં ઝાડપાન વગેરે ઊગી ગયેલાં. મંદિરની અંદર ચામાચીડિયાંના માળા, જમીન પર ધૂળ અને ચામાચીડિયાંની હગાર. મંદિરમાં માણસોની અવરજવર નહિ.

‘એક દિવસ સંઘ્યા થયા પછી થોડી વારે ગામના લોકોને શંખનો અવાજ સાંભળવામાં આવ્યો. મંદિરની બાજુએથી શંખનો અવાજ આવી રહ્યાો છે ભોં ભોં કરતો ને ! ગામના માણસોએ ધાર્યું કે કદાચ કોઈએ દેવતાની મૂર્તિ પધરાવી હશે, તે સંઘ્યા આરતી થાય છે. એટલે નાનાં મોટાં સ્ત્રીઓ, પુરુષો સૌ દોડતાં જઈને મંદિરે પહોંચ્યાં, ઠાકોરજીનાં તથા આરતીનાં દર્શન કરવા. તેમનામાંથી એક જણે મંદિરનાં બારણાં હળવે હળવે ઉઘાડીને જોયું તો પેલો પદ્મલોચન એક બાજુએ ઊભો રહીને ભોં ભોં કરીને શંખ વગાડે છે. દેવતાની પ્રતિષ્ઠા થઈ નથી, મંદિર વાળીચોળીને સાફ કર્યું નથી. ચામાચીડિયાંની હગાર એમની એમ પડેલી છે. એ બધું જોઈને પેલો માણસ બૂમ પાડી ઊઠ્યો :

‘મંદિરમાં તવ નહિ માધવ, પોદિયા શંખ ફૂંકી તેં કીધી ગરબડ,

તેમાં ચામાચીડિયાં અગિયાર જણાં, અહોરાત્ર મારે ફેરા.’

‘જો હૃદયમંદિરમાં માધવ-પ્રતિષ્ઠા કરવાની ઇચ્છા હોય, જો ભગવત્પ્રાપ્તિ કરવા ઇચ્છો, તો માત્ર ‘ભોં ભોં’ કરીને એકલો શંખ ફૂંક્યે શું વળે ? પહેલાં ચિાશુદ્ધિ થાય, મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે. ચામાચીડિયાંની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહિ. ચામાચીડિયાં એ અગિયાર ઇન્દ્રિયો : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને મન. પ્રથમ માધવ-પ્રતિષ્ઠા થાય, ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન, લેકચર આપો ને. ‘પ્રથમ ડૂબકી મારો, ડૂબકી મારીને રત્ન કાઢો, ત્યાર પછી બીજું કામ.

કોઈ ડૂબકી મારવા તૈયાર નહિ ! સાધના નહિ, ભજન નહિ, વિવેક-વૈરાગ્ય નહિ; કેવળ બેચાર વાતો શીખ્યા કે તરત જ લગાવ લેકચર, કર ભાષણ !

ઉપદેશ આપવો એ કઠણ કામ છે… ભગવાનનાં દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવે તો લોકોને ઉપદેશ આપી શકે. (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૮૪-૮૫)

Total Views: 166
By Published On: June 1, 2013Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram