ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું જોઈએ. ઘર-સંસારથી બહાર એકલા જઈને ભગવાનને માટે જો માત્ર ત્રણ દિવસ વ્યાકુળતાથી રુદન કરી શકાય તો પણ સારું. અરે, જો તક મળતાં જ એક દિવસ પણ નિર્જનમાં તેનું ચિંતન કરી શકાય તો તે પણ સારું. માણસો સ્ત્રી-પુત્રાદિ સારુ ઘડો ભરીને આંસુ પાડે, પણ ઈશ્વરને માટે કોણ રડે છે, કહો ? અવારનવાર નિર્જન સ્થાનમાં રહીને ભગવત્પ્રાપ્તિ કરવા સારુ સાધના કરવી જોઈએ. શરૂઆતની અવસ્થામાં સંસારની અંદર, કામકાજની વચ્ચે રહીને મન સ્થિર રાખવામાં ઘણાં વિઘ્ન આવે. જેમ કે રસ્તાની બાજુએ વાવેલું ઝાડ, જ્યારે તે નાનો રોપો હોય ત્યારે આસપાસ વાડ ન કરી લઈએ તો ગાય-બકરું ખાઈ જાય. એટલા માટે શરૂઆતમાં વાડ જોઈએ. થડ મોટું થઈ જાય એટલે પછી વાડની જરૂર રહે નહિ. પછી તો તેના થડ સાથે મોટો હાથી બાંધી દો તોય કાંઈ થાય નહિ.

રોગ છે વિકાર, તેમાં વળી જે ઓરડામાં વિકારનો રોગી, એ જ ઓરડામાં પાણીનું માટલું અને અથાણાં-આંબલી. જો વિકારના રોગીને સાજો કરવો હોય તો એ ઓરડામાંથી તેની પથારી ફેરવી નાખવી જોઈએ. સંસારી જીવ છે જાણે કે વિકારનો રોગી, વિષયો જાણે કે પાણીનું માટલું, વિષયભોગની તૃષ્ણા એ પાણીની તરસ. અથાણાં-આંબલીનો વિચાર કરતાં જ મોઢામાં પાણી છૂટે, નજીક લાવવાં પડે નહિ. એવી ચીજ પણ ઘરમાં રહેલી છે, સ્ત્રી-સંગ. એટલા માટે એકાંતમાં સારવારની જરૂર.’

‘વિવેક-વૈરાગ્ય પ્રાપ્ત કરીને સંસારમાં રહેવું’

સંસાર-સમુદ્રમાં કામ, ક્રોધ વગેરે મગર રહેલા છે, પણ શરીરે હળદર ચોપડીને પાણીમાં ઊતરીએ તો મગરની બીક રહે નહિ. વિવેક-વૈરાગ્ય એ હળદર. સત્-અસત્ના વિચારનું નામ છે વિવેક. ઈશ્વર સત્, નિત્ય-વસ્તુ; બીજું બધું અસત્, અનિત્ય, બે દિવસને માટે, એ જ્ઞાન. અને ઈશ્વરમાં અનુરાગ, તેના પ્રત્યે આકર્ષણ, પ્રેમ. ગોપીઓનો કૃષ્ણ ઉપર જેવો પ્રેમ હતો તેવો.

ઠાકુર અશ્રુપૂર્ણ નેત્રે ગીત ગાતાં ગાતાં કેશવ વગેરે ભક્તોને કહેવા લાગ્યા : ‘રાધાકૃષ્ણને માનો કે ન માનો પણ તેમનો આ પ્રેમ લો. ભગવાનને માટે કેમ કરીને એ વ્યાકુળતા આવે તેનો પ્રયાસ કરો. વ્યાકુળતા આવતાં જ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય.’

Total Views: 139
By Published On: February 1, 2014Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram