(ગતાંકથી આગળ…)

કેનોપનિષદમાં કહ્યું છે,

‘યદિ મન્યસે સુવેદેતિ દભ્રમેવાપિ

નૂનં ત્વં વેત્થ બ્રહ્મણો રૂપમ્ —।। ૨.૧

– ‘જો એવું લાગે કે તમે બ્રહ્મને સારી રીતે જાણી ગયા છો, તો એ બ્રહ્મ વિશે ઘણું જ ઓછું જાણી શક્યા છો.’ ઋષિ બાળક એમના તત્ત્વને સમજીને કહે છે, ‘હું એ પણ નથી કહેતો કે હું બ્રહ્મને જાણું છું અને એમ પણ નથી કહેતો કે એને નથી જાણતો.’ હું એને જાણું પણ છું અને જાણતોય નથી. એને જાણું છું એટલે એને જ્ઞાનનો વિષય બનાવીને જાણું છું, એવું પણ નથી. એવી રીતે હું બ્રહ્મને જાણી ન શકું. ‘હું બ્રહ્મને જાણું છું.’ એટલે કે પોતાના સ્વરૂપમાં તન્મય બની જવું – આ થયું બ્રહ્મને જાણવો – ઓળખવો. આવા સ્વરૂપની અનુભૂતિ જેમને થઈ છે, તે એને ભાષામાં-શબ્દોમાં વ્યક્ત ન કરી શકે. કારણ કે જ્યાં સુધી આપણે ભાષાના રાજ્યમાં છીએ, ત્યાં સુધી આપણે મનના રાજ્યની સીમામાં છીએ. આ મનના રાજ્યમાં પણ બધી વાતો ભાષામાં પ્રગટ કરી શકાતી નથી. તો પછી જે તત્ત્વ મનના રાજ્યની બહાર છે, એને આપણે ભાષાના માધ્યમથી વળી કેવી રીતે વ્યક્ત કરી શકીએ ? ભાષામાં જે કંઈ અભિવ્યક્ત થાય છે, તે પહેલાં વિચારરૂપે આવે છે, પછી એને શબ્દોમાં વ્યક્ત કરીએ છીએ. પરંતુ બ્રહ્મને મનથી પણ અતીત કહેવાયું છે. શા માટે ? ‘તત્ર મન : અમનો ભવતિ’ ત્યારે મન મન રહેતું નથી, એ બ્રહ્મસ્વરૂપ બની જાય છે.

આ ઘણી ગંભીરતાપૂર્વક અનુભવવાની વાત છે. શબ્દો કે શાસ્ત્ર દ્વારા અથવા વિચાર દ્વારા એને સમજી ન શકાય. એવું એટલા માટે કે જે બુદ્ધિની મદદથી આપણે વિચારીએ છીએ, તે બુદ્ધિ જડ-રાજ્યનો જ એક અંશ છે. બુદ્ધિ-મન કે અંત :કરણની જ એક અભિવ્યક્તિ છે. આ અંત :કરણ જડ-વસ્તુનું જ એક રૂપ માત્ર છે; તે જડ સિવાય બીજું કશું નથી. અંત :કરણ ચૈતન્યની આભાથી આલોકિત ન થવાથી તેની અભિવ્યક્તિ થતી નથી. આ વાત વિશેષરૂપે વિચારવા જેવી છે; અન્ત :કરણ, મન, બુદ્ધિ – બધું જ જડ છે. તેની પાછળ ચૈતન્યની જ્યોતિ છે. તેથી જ તે પ્રકાશી રહી છે. જેમ આ ઘર વગેરે બધું છે, પરંતુ પ્રકાશ ન હોય તો એ બધું અંધકારમાં ડૂબેલું રહે છે. ખૂબ જ આલોક-પ્રકાશ શૂન્ય બની રહેશે. બરાબર એ જ રીતે આપણી બધી મનોવૃત્તિઓ બ્રહ્મ કે ચૈતન્યની પ્રભાથી પ્રકાશિત ન થાય, તો એ પણ અપ્રકાશિત રહે છે. એટલે કહેવામાં આવ્યું છે કે આ બધું મનથી પર છે. ‘યન્મનસા ન મનુતે’ – જેનું મન દ્વારા મનન અથવા ચિંતન થઈ શકતું નથી. ‘યેન આહુ : મનો મતમ્’ (કેન ઉપનિષદ : ૧.૬) – જેના દ્વારા મન જ્ઞાત થાય છે. એ મનને પ્રકાશિત કરે છે, મન એમને પ્રકાશિત કરી શકતું નથી. તેઓ નિત્ય-પ્રકાશ-સ્વરૂપ છે, એમને વળી બીજું કોણ પ્રકાશિત કરે ? સૂર્યને દીવાથી અજવાળી ન શકાય. સૂર્યના પ્રકાશમાં દીવો તો ઝાંખોઝપટ થઈ જાય છે. એવી જ રીતે આપણી બુદ્ધિ બ્રહ્મને પ્રકાશિત કરી ન શકે, બુદ્ધિ પોતાને પણ પ્રકાશિત કરી શકતી નથી. મન દ્વારા બ્રહ્મનું મનન ન થઈ શકે. શાસ્ત્રની આ ગહન અને તાત્પર્યપૂર્ણ ઉક્તિ વેદાન્તની મૂળ વાત છે.

વેદાંતમાં કહ્યું છે, ‘બ્રહ્મવસ્તુ સ્વયંપ્રકાશ છે, કોઈ જ્ઞાન, વિદ્યા કે ભાષા એને પ્રકાશિત ન કરી શકે.’ આ સમજી લઈએ તો બ્રહ્મજ્ઞાન વિશે થોડીઘણી ધારણા થઈ શકે. કેમ કે ‘તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ’ (કઠ ઉપનિષદ : ૨.૨.૧૬) એમના આલોકથી જ આ બધું પ્રકાશિત છે. આ બધું એટલે કે સંપૂર્ણ વિશ્વ-બ્રહ્માંડ અને આપણી બુદ્ધિ સુદ્ધાં આ બ્રહ્મજ્ઞાનની સારભૂત વાત છે. આપણે બુદ્ધિ દ્વારા જ્યારે બ્રહ્મ વિશે વિચારતા થઈએ ત્યારે શું કરીએ છીએ ? એ વખતે જ્ઞાનના કાંટાથી અજ્ઞાનના કાંટાને કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. બ્રહ્મના વિષયમાં જે અજ્ઞાન છે, એવું વિચારીને કરીને એના વિશે ધારણા કરવાની ચેષ્ટા કરીએ છીએ. આ જ ચેષ્ટા જાણે કે જ્ઞાનકાંટાથી અજ્ઞાનકાંટાનેને કાઢવાની ચેષ્ટા છે. કાંટો નીકળી જાય ત્યારે જ્ઞાનકાંટાને પણ ફેંકી દેવો પડે, એને રાખી ન શકાય. અર્થાત્ મનને શુદ્ધ કરતાં કરતાં જ્યારે મન કે બુદ્ધિ પૂર્ણરૂપે શુદ્ધ થઈ ગયાં ત્યારે તે બુદ્ધિ આ પરિભાષાથી પર-બહાર ચાલી જાય.

શ્રીરામકૃષ્ણની ભાષામાં ‘શુદ્ધ જ્ઞાન, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ આત્મા એક જ વસ્તુ છે.’ બુદ્ધિ પૂર્ણરૂપે શુદ્ધ થઈ જાય તો પછી શું રહી જાય છે ? કંઈ નહીં. તો શું શૂન્ય થઈ ગઈ ? ના, બુદ્ધિ જેના દ્વારા પ્રકાશિત થતી હતી તે જ રહી ગઈ. એ જ પ્રકાશરૂપ માત્ર જ બાકી રહી જાય છે અને બુદ્ધિનો લોપ થઈ ગયો. એ જ થયું, જ્ઞાનના કાંટાને પણ ફેંકી દેવો.

શ્રવણ-મનન-નિદિધ્યાસન

આ વાતને આપણે બરાબર સમજી શકતા નથી. જ્યારે આપણે જાગતિક વિષયને સમજીએ છીએ ત્યારે એવું વિચારીએ છીએ કે મન દ્વારા જ એમને જાણી શકાય છે. હવે અહીં શાસ્ત્રો કહે છે કે એ સંભવ નથી. મન દ્વારા આ પ્રયાસ ચાલતો રહેશે. ‘શ્રોતવ્યો મન્તવ્યો, નિદિધ્યાસિતવ્ય : (બૃહ.૪-૫-૬) – શાસ્ત્રોનું શ્રવણ કરવું પડશે. એ શાસ્ત્રોમાંથી સંતમુખેથી સાંભળવું પડશે. જે એ પંથે ચાલે છે, જે વસ્તુનો અનુભવ કરી ચૂક્યા છે, તેમને સાંભળવા પડે.’ શ્રવણ પછી આવે છે, ‘મન્તવ્ય :’ મનમાં ને મનમાં વિચારવું પડશે. કેવળ સાંભળવાથી નહીં ચાલે. મન લગાડીને સાંભળવાથી અનેક પ્રકારના સંશયો ઊભા થવાના. આ સંશયોનો વિચાર કરતાં કરતાં એમને દૂર કરવા જે ચિંતન કરીએ છીએ એને ‘મનન’ કહે છે. પહેલાં શ્રવણ કરવું જઈએ. નહીં તો મન શેના પર વિચાર કરશે ? કેવળ સાંભળીએ અને વિચાર ન કરીએ તો અર્થ નહીં સરે. કાનમાં ઘણા શબ્દો ભરી દીધા હોય એનાથી કંઈ થવાનું નથી. શબ્દોની સાથે એનો મર્મ સ્પષ્ટ થતો નથી – પ્રવેશતો નથી. અંતરમાં પ્રવેશ કરાવવા એને ભીતરમાંથી લઈ જઈને સંશયના સ્તર સુધી પ્રવેશ કરાવવો જઈએ. સંશયનો માર્ગ રુંધાય તો સાધક તત્ત્વમાં પ્રવેશી શકતો નથી. એટલે મનન-ચિંતન નિતાંત આવશ્યક છે.

આ વિચાર કેવી રીતે કરવો ? આ વિશે શાસ્ત્રોમાં કહ્યું છે : ‘તત્ત્વને જાણવા વિચાર કરવો પડે, વિચારનો અર્થ પાંડિત્ય કે બીજાની યુક્તિનું ખંડન કરવું એ નથી. અહીં વિચાર શબ્દનો અર્થ છે ‘‘વાદ’’. વાદ એટલે તત્ત્વનો નિર્ણય કે તેની સ્થાપના માટેનો વિચાર. આ બાબતને વિશેષત : સમજવી પડશે. તત્ત્વનો અનુભવ કરવા શ્રીરામકૃષ્ણ વિચાર કરવા પર સૌને ખૂબ પ્રોત્સાહન આપતા.
વળી ક્યારેક વિચાર કરવાની ના પણ પાડતા. એનું કારણ એ છે કે બુદ્ધિતત્ત્વ નિર્ણાયક બનવાને બદલે આચ્છાદિક પણ થઈ જાય છે. આ જ બુદ્ધિ માનવને તત્ત્વ સુધી પહોંચાડી શકે છે. વળી એ જ બુદ્ધિ તત્ત્વથી વંચિત પણ કરી શકે. આવી સ્થિતિમાં બુદ્ધિ તત્ત્વ જિજ્ઞાસા માટે પ્રયુક્ત બનતી નથી, એ તો પાંડિત્ય દર્શન માટે પ્રયુક્ત થાય છે. બુદ્ધિ જો કૌશલ બતાવવા માંડે તો તે તત્ત્વલાભમાં મદદ કરવાને બદલે એનાથી ઊલટું કાર્ય કરી બેસે છે. એ તત્ત્વ પથમાં અડચણરૂપ બનીને ઊભી રહે છે. શ્રીરામકૃષ્ણે વિશેષ કરીને માસ્ટર મહાશયને વિચાર કરવાની ના કહી હતી. કદાચ શ્રીરામકૃષ્ણને એ બાબતની ચિંતા થતી હતી કે ક્યાંક શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણની વાતો પર વિચાર કરીને ક્યાંક પોતાના મત પ્રમાણે તેની વ્યાખ્યા ન આપી દે. તેઓ માસ્ટર મહાશયના માધ્યમથી પોતાના તત્ત્વને વિશુદ્ધ, અવિકૃતરૂપે પ્રગટ કરવા ઇચ્છતા હતા.

આમ તો પોતાનો ઉદ્દેશ્ય તેઓ પોતે જ જાણતા હશે. પરંતુ આટલા ભારપૂર્વક એમણે બીજા કોઈને આ વાત કહી હોય એવું સાંભળવા મળ્યું નથી. શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને ત્રણવાર સોગંદ લેવા માટે કહ્યું હતું. એક વાર એમના પાર્ષદો વચ્ચે ખૂબ વિચાર ચાલતો હતો. એ સમયે શ્રીરામકૃષ્ણે અનુભવ્યું કે આ બધી વાતો એક બીજાના મતને કાપવા માટે થઈ રહી છે. એટલે ત્યારે તેઓ કહે છે કે આ બધું સારું લાગતું નથી. (ક્રમશ 🙂

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.