શ્રીરામકૃષ્ણ – જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે.

સંસારીનો સત્ત્વગુણ કેવો હોય તે જાણો છો ? મકાનમાં અહીંતહીં ફાટ પડી હોય, પણ એ બધું સમું કરાવવાની કાળજી નહિ. ઓસરીમાં પારેવાં ચરકતાં હોય, આંગણામાં લીલ બાઝી ગઈ હોય પણ તેનો એને ખ્યાલ નહિ. રાચરચીલું જૂનું, ટાપટીપ કરવાનો પ્રયાસ નહિ. કપડાં સાદાં, ગમે તેવાં હોય તોય ચાલે. માણસ ખૂબ શાંત, શિષ્ટ, દયાળુ, મળતાવડા સ્વભાવનો, કોઈનું જરાય બૂરું કરે નહિ.

સંસારીના રજોગુણનાં લક્ષણો પણ છે : ઘડિયાળ, ઘડિયાળનો અછોડો, હાથમાં બે-ત્રણ વીંટી. ઘરનો સરસામાન ખૂબ ટીપટાપ, ક્વીનનો ફોટો, ભીંતે રાજકુટુંબના ફોટા, મોટા માણસના ફોટા. ઘર ચૂનાબંધ સાફ, ક્યાંય ડાઘ સરખોય નહિ. જાતજાતનાં સારાં સારાં કપડાં, નોકરચાકરોના સારા પોશાક, એવું એવું બધું.

અને સંસારીના તમોગુણનાં લક્ષણ : નિદ્રા, કામ, ક્રોધ, અહંકાર એ બધાં.

‘તેવી જ રીતે ભક્તિનો સત્ત્વગુણ છે. જે ભક્તમાં સત્ત્વગુણ હોય તે ધ્યાન કરે અતિ ગુપ્ત રીતે. કાં તો રાતે મચ્છરદાનીની અંદર બેઠો બેઠો ધ્યાન કરે, સૌ સમજે કે ભાઈ સૂતા છે અને રાત્રે બરાબર ઊંઘ નહિ આવી હોય એટલે સવારે ઊઠતાં વાર લાગે છે. આ બાજુ શરીરની સંભાળ કેવળ નિર્વાહ પૂરતી, ભોજનમાં એકાદું શાકભાજી હોય એટલે ચાલે. પોશાકમાં ઝાઝો આડંબર નહિ, રાચરચીલામાં ઝાકઝમાક નહિ અને સત્ત્વગુણી ભક્ત કોઈ દિવસ ખુશામત કરીને પૈસો ન લે.

‘ભક્તિનો રજોગુણ જેનામાં હોય એ ભક્ત મોટું તિલક કાઢે. રુદ્રાક્ષની માળા પહેરે, એ માળાની વચ્ચે વચ્ચે વળી એકાદો સોનાનો દાણો ! (સૌનું હાસ્ય). પૂજા કરવા બેસે ત્યારે રેશમી પીતાંબર પહેરે. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ : ૧, પૃ. ૧૧૫-૧૧૬)

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.