એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’

શ્રીરામકૃષ્ણ – તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને. ભક્તને માટે સાકાર, પરંતુ જે વ્યક્તિ જ્ઞાની છે, એટલે જેને મન જગત સ્વપ્નવત્ ભાસે છે, તેને માટે નિરાકાર. ભક્ત માને કે હું એક વસ્તુ અને જગત બીજી વસ્તુ. એટલે ઈશ્વર ‘વ્યક્તિ’ (Personal God)રૂપે ભક્તને દર્શન દે. જ્ઞાની, જેવા કે વેદાંતવાદી, કેવળ ‘નેતિ, નેતિ’, એમ વિચાર કરે. વિચાર કરીને જ્ઞાનીને અંતરમાં બોધ થાય કે ‘હું મિથ્યા, જગત પણ મિથ્યા, સ્વપ્નવત્.’ જ્ઞાની બ્રહ્મને આત્મામાં અનુભવે, બ્રહ્મ શું છે એ મોઢેથી બોલી શકે નહિ.

એ કેવું તે જાણો છો ? જાણે કે સચ્ચિદાનંદરૂપી સમુદ્ર, ક્યાંય કિનારો નહિ, તેમાં ભક્તિરૂપી ઠંડીથી પાણી ઠેકાણે ઠેકાણે જામીને બરફ થઈ જાય. અર્થાત્ ભક્તની પાસે એ જ સચ્ચિદાનંદ ક્યારેક ક્યારેક વ્યક્તિ તરીકે સાકારરૂપ લે. જ્ઞાન સૂર્ય ઊગે એટલે તેનો બરફ જેવો સાકારભાવ ઓગળી જાય. એ વખતે પછી ઈશ્વરનો વ્યક્તિરૂપે અનુભવ થાય નહિ, તેના રૂપનું દર્શન થાય નહિ, એનું સ્વરૂપ કેવું તે મોઢેથી બોલી શકાય નહિ. બોલે કોણ ? બોલનાર જ ન મળે, તેનો ‘હું’ શોધ્યો જડે નહિ.

‘વિચાર કરતાં અંતે ‘હું’ જેવું કંઈ બાકી ન રહે. ડુંગળીનું ઉપલું લાલ ફોતરું ઉખેડ્યું, ત્યાર પછી ધોળું ફોતરું, એ પ્રમાણે છેક સુધી ફોતરાં ઉખેડતાં ઉખેડતાં અંદર છેવટે કંઈ જડે નહિ.

જ્યાં પોતાનો અહં શોધ્યો જડે નહિ-અને શોધેય કોણ ? – ત્યાં બ્રહ્મનું સ્વરૂપ અનુભવમાં કેવી રીતે આવે એ કહે કોણ!

એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ હતી. સમુદ્રમાં જેવી ઊતરી કે તરત જ ઓગળીને સમુદ્રમાં મળી ગઈ. પછી સમુદ્રના ખબર કોણ આપે ?’

વિચાર કરવાનું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ફડાફડ તર્ક ને દલીલો કરે. તે પૂરો થયે ચૂપ થઈ જાય. ઘડો પૂરો ભરાઈ જાય એટલે કે પૂર્ણ થયે, ઘડાનું જળ અને તળાવનું જળ એક થઈ જાય પછી અવાજ રહે નહિ. જ્યાં સુધી ઘડો પૂરો ન ભરાય ત્યાં સુધી જ અવાજ.’

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૧૭-૧૧૮)

Total Views: 382

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.