થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે :

‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા ભક્તો આવે છે, પણ એના જેવો એક પણ નથી. ક્યારેક ક્યારેક બેઠો બેઠો વિચાર કરું. તો જોઉં કે બીજાં પદ્મોમાં કોઈ દશ-દલ, કોઈ ષોડ્શ-દલ, કોઈ શતદલ. પરંતુ પદ્મમાં તો નરેન્દ્ર તો સહસ્રદલ.

બીજાઓ લોટો, બહુ તો ઘડો વગેરે થઈ શકે, પણ નરેન્દ્ર તો મોટી કોઠી! ખાબોચિયાં, તળાવડાં વગેરે જળાશયોની અંદર નરેન્દ્ર મોટું સરોવર! જાણે કે હાલદારપુકુર! માછલીઓમાં લાલ આંખવાળી મોટી માછલી. બાકીની તો બીજી બધી નાની નાની માછલીઓ. ખૂબ મોટો આધાર. ઘણી બાબતો ધારણ કરી શકે. જાણે કે ઘણી જાડાઈવાળો વાંસ!

નરેન્દ્ર કશાયને વશ નહિ. એ આસક્તિ કે ઇન્દ્રિયસુખને વશ નહિ. જાણે કે નર-પારેવું. નર-પારેવાની ચાંચ પકડો તો ચાંચ તાણીને છોડાવી લે, જ્યારે માદા-પારેવું ચૂપ બેઠું રહે. બેલઘરિયાના તારકને બીજી મોટી માછલી કહી શકાય. નરેન્દ્ર પુરુષ, એટલે ગાડીમાં જમણી બાજુએ બેસે. ભવનાથનો માદા-ભાવ, એટલે એને બીજી બાજુએ બેસવા દઉં. નરેન્દ્ર સભામાં રહે તો મને જોર ચડે.’

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ-૩, પૃ. ૧૨૦-૨૧૨)ની વધુ એક ઘટના ઉલ્લેખનીય છે :

‘‘એક દિવસે મહામતિ શ્રીયુત કેશવચંદ્ર સેન, શ્રીયુત વિજયકૃષ્ણ ગોસ્વામી વગેરે પ્રતિષ્ઠાવાન બ્રાહ્મનેતાઓ ઠાકુરને મળવા આવીને ભેગા થઈને બેઠા હતા. યુવક નરેન્દ્ર પણ ત્યાં બેઠા હતા… નરેન્દ્રનાથ તરફ નજર ખેંચાતાં જ એમના ભાવિ જીવનનું ઉજ્જવળ ચિત્ર એમના માનસપટ ઉપર અચાનક અંકાઈ ગયું અને એ ચિત્રની જોડે કેશવ વગેરે વ્યક્તિઓનાં જીવનની તુલના કરીને તેઓ અત્યંત સ્નેહથી નરેન્દ્રનાથને નિહાળવા લાગ્યા.

ત્યાર બાદ સભા વિખરાઈ ગયા પછી બોલ્યા કે ‘(મેં) જોયું કે કેશવ જે પ્રકારની એક શક્તિના ઉત્કર્ષ વડે જગતવિખ્યાત બન્યા છે, એ જાતની અઢાર અઢાર શક્તિઓ નરેન્દ્રમાં પૂર્ણમાત્રામાં વિદ્યમાન છે! અને વળી જોયું કે કેશવ અને વિજયનાં અંતર દીપકની જ્યોતના જેવા જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યાં છે; ત્યાર પછી નરેન્દ્રના તરફ નજર કરીને જોયું કે એની અંદર જ્ઞાનસૂર્યે ઉદિત થઈને માયામોહનો અણસાર સુદ્ધાં ત્યાંથી હટાવી દીધો છે!’

અંતર્દૃષ્ટિવિહોણા કોઈક નબળા મનના માણસને શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી આવી પ્રશંસા સાંપડી હોત તો, અભિમાનથી ફુલાઈ જઈને સાનભાન ખોઈ બેઠો હોત. પણ નરેન્દ્રના મનમાં એનાથી તદ્દન ઊલટું જ પરિણામ આવ્યું… અને પોતાને એ જાતની પ્રશંસા પ્રાપ્ત કરવાને માટે અયોગ્ય જોઈને ઠાકુરના શબ્દો સામે તીવ્ર વિરોધ દાખવતા તેઓ બોલી ઊઠ્યા, ‘મહાશય આ શું કરો છો તમે? લોકો આપની આવી વાતો સાંભળશે તો આપને નક્કી ગાંડા ખપાવશે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તેલી! ક્યાં જગપ્રસિદ્ધ કેશવ તથા મહામના વિજય અને ક્યાં મારા જેવો એક કશી ગણના વગરનો નિશાળિયો! આપ એમની જોડે સરખામણી કરીને ફરી કદી પણ આવી વાત મોઢેથી કાઢશો નહિ.’

એ સાંભળીને ઠાકુર એમના ઉપર રાજી થઈને બોલ્યા, ‘શું કરું રે, તને એમ લાગે છે કે હું એ પ્રમાણે બોલ્યો છું, માએ (શ્રીજગદંબાએ) મને એ રીતનું બતાવ્યું, એટલે તો મેં કહ્યું; મા તો મને સાચું છોડીને કદી પણ જૂઠું બતાવતાં નથી, એટલે તો બોલ્યો.’’

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.