નોંધ : પ્રો. જ્યોતિબહેન થાનકીએ ભગિની નિવેદિતા ગ્રંથમાળા શ્રેણીમાં લખેલ અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘પૂર્વવાહિની’માંથી. – સં.

શિક્ષણ

પ્રેમાળ પિતાના અવસાનથી માર્ગરેટનું સમગ્ર જીવન બદલાઈ ગયું. તેના જીવનપ્રવાહનું વહેણ તો બદલાયું પરંતુ હૃદયના ઊંડાણમાં સ્થિત થઈ ગયેલાં ધર્મનાં ઝરણાં કદી સુકાયાં નહિ. પિતાએ રોપેલાં બીજ તેની હૃદયભૂમિમાં વવાઈ ચૂક્યાં હતાં જે યોગ્ય સમયે અંકુરિત થયાં. પરંતુ તે સમયે તો માર્ગરેટના જીવનમાં પરિવર્તન આવ્યું જ હતું. કારણ કે હવે તેને નાનાજીની છત્રછાયા હેઠળ જીવવાનું હતું.

તેના પિતાએ ધર્મના સંસ્કાર આપ્યા હતા, તો નાનાજીએ દેશભક્તિના સંસ્કાર સિંચ્યા. આમ ધર્મની પ્રીતિ, દેશભક્તિનો જુસ્સો અને રાષ્ટ્રની સ્વતંત્રતાની ઝંખનાનું સ્વપ્ન તેમના શૈશવકાળમાં જ દૃઢ રીતે અંકિત થઈ ગયું.

આયર્લેન્ડમાં જ તેણે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યંુ. કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા હતી. ગહન વિષયોને આત્મસાત્ કરવા હતા. જ્ઞાનનો વ્યાપ વિસ્તૃત કરવો હતો. તેને કોલેજનું શિક્ષણ લેવું અત્યંત જરૂરી લાગતું હતું.

કોલેજમાં ભણવા માટે તે હેલિફેક્સ ગયાં. આ કોલેજ ચર્ચ દ્વારા સંચાલિત હતી. સાથે છાત્રાલય પણ હતું. તેમાં રહેવાની સગવડ પણ હતી. આથી માર્ગરેટ છાત્રાલયમાં રહી કોલેજમાં અધ્યયન કરવા લાગી. કોલેજમાં તેની કુશાગ્ર બુદ્ધિને વિકસવાને ક્ષેત્ર મળ્યું. તેની તીવ્ર જિજ્ઞાસા સંતોષવા માટે વિસ્તૃત વાતાવરણ મળ્યું. એના જીવનમાં વિકાસ માટે પૂરી અનુકૂળતા મળી અને માર્ગરેટ ખીલવા લાગી.

જો કે છાત્રાલયનું જીવન એકધારું નીરસ હતું. પણ માર્ગરેટે આવા જીવનનો પણ વિકાસ માટે ઉપયોગ કર્યો. પોતાને મળેલા સમયનો તેણે સંપૂર્ણ ઉપયોગ કર્યો. એક એક ક્ષણને સાચવી, પ્રગતિ માટે પ્રયોજી. તે પોતાનું કાર્ય અત્યંત ઝડપથી આટોપી લેતી. તેથી ઘણો સમય બચી જતો. આ સમયમાં તે વધારે ગંભીર અધ્યયન કરતી. એકાગ્રતા અને ખંત આ બંને ગુણોએ તેના માટે જ્ઞાનનાં દ્વારો ખોલી આપ્યાં. જીવન અને જગત વિષે તે વધારે ને વધારે જાણતી થઈ. જેમ જેમ તે વધારે જાણતી ગઈ તેમ તેમ તેની આધ્યાત્મિક ભૂખ વધારે સતેજ થઈ. ઉપરાંત આ સમયગાળામાં તેણે પોતાના શોખના વિષયો સંગીત, ચિત્રકલા અને પ્રાકૃતિક વિજ્ઞાનનું પણ અધ્યયન કર્યું. આમ સત્તર વર્ષની વય સુધીમાં તો તેણે કોલેજ-શિક્ષણ પૂરું કર્યું અને જ્ઞાનના જગતમાં પ્રવેશ કર્યો. મુગ્ધ બાલિકા માર્ગરેટ હવે પ્રતિભાશાળી તરુણી બની ગઈ.

શિક્ષણના વ્યવસાયમાં

અધ્યયનકાર્ય પૂરું થયું. માર્ગરેટ સમક્ષ જીવનનાં અનેક ક્ષેત્રો ખૂલતાં હતાં. પ્રખર મેધાવિની, વિદુષી માર્ગરેટને માટે કાર્યક્ષેત્રની પસંદગી કંઈ અઘરી બાબત નહોતી. પરંતુ તેમણે શિક્ષણક્ષેત્રને પસંદ કર્યંુ. શિક્ષણકાર્ય એમનું અત્યંત પ્રિય કાર્ય હતું. અધ્યાપનમાં એમને ગાઢ પ્રીતિ હતી. આ કાર્ય તો વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું કાર્ય હોઈ શ્રેષ્ઠ કાર્ય છે એમ તેઓ માનતાં. આ ક્ષેત્રમાં તો અધ્યયન અને અધ્યાપન નિરંતર થતાં જ રહે. વળી સદાય મુગ્ધ એવાં બાળકોની સાથે જ કામ કરવાનું, તેથી તો બાળકોના તેમના જીવનના વિકાસની સાથે સાથે પોતાના જીવનનોય વિકાસ થતો રહે, એવું ઉમદા આ શિક્ષણકાર્ય જ છે, એમ માનીને આ કાર્યને તેમણે પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારી લીધું.

પરીક્ષા પૂરી કરી તેઓ કેસ્વિકની એક નિશાળમાં શિક્ષિકા તરીકે જોડાઈ ગયાં. પૂરા ખંતથી અને નિષ્ઠાથી તેમણે કાર્યનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ૧૮૮૬માં તેઓ વ્રેકસહૈમની નિશાળમાં ગયાં. અહીં તેમના કાર્યનો વિસ્તાર વધ્યો. પિતાએ આપેલો સેવામંત્ર અને દરિદ્રો પ્રત્યેનો પ્રેમ આ વિસ્તારમાં અંકુરિત થયો, કારણ કે અહીં તો ખાણોમાં કામ કરતા અસંખ્ય મજૂરો બેહાલ દશામાં જીવતા હતા. માર્ગરેટ એમની વચ્ચે જઈ કામ કરતાં, રજાના દિવસોમાં એમની સેવા કરતાં, એમને આશ્વાસન આપતાં. આ રીતે દરિદ્રનારાયણની સેવા કરવાનું પિતાનું કાર્ય પુત્રીએ ચાલુ રાખ્યું.

અહીં તેમને એક સાથીદાર મિત્ર પણ મળ્યો. વ્યવસાયે તે એન્જિનિયર હતો પણ બંનેના વિચારોમાં સામ્ય હતું. ભાવનાઓ સમાન હતી. જીવનનું ધ્યેય પણ સમાન હતું. બંનેને સાથે મળી સેવા કરવાની અને કાર્ય કરવાની તીવ્ર ઇચ્છા હતી. આથી બંનેની મૈત્રી ગાઢ બનવા લાગી. ધીમે ધીમે તેમાંથી પ્રણયભાવના જાગી. તેઓ બંનેએ સહજીવન માટેની યોજના પણ વિચારી અને લગ્ન માટેની મંજૂરી પણ મેળવી લીધી. પરંતુ વિધિની યોજના જુદી જ હતી. સગાઈ થાય તે પહેલાં જ ટૂંકી માંદગીમાં તે એન્જિનિયર મિત્રનું અકાળ અવસાન થયું.

માર્ગરેટને આ બીજો કારમો ઘા લાગ્યો. અત્યંત નિકટનો સાથી આ રીતે અકાળે ચાલ્યો જતાં તેઓ ભાંગી પડ્યાં, જીવનમાં એકલતા અનુભવવા લાગ્યાં. સહજીવનની યોજના હતી. સેવાયજ્ઞનાં સ્વપ્નાં હતાં. સત્યની શોધમાં સાથીદાર મળ્યાની રાહત હતી. આ બધું જ વેરવિખેર થઈ ગયુું. તેમનું મન અકળાવા લાગ્યું. તેમના હૃદયમાં ઉદાસીનતા અને અને નિરાશા વ્યાપી ગયાં. હવે તે સ્થળમાં રહેવું અકારું થઈ પડયું, તેથી તેમણે અત્યંત વ્યથિત હૃદયે પોતાનું ક્ષેત્ર છોડ્યું અને માન્ચેસ્ટર રહેવા આવી ગયાં.

નિરાશા

 

માર્ગરેટનું હૃદય વેદનાથી પરિપૂર્ણ હતું. હજુ તો એમના જીવનમાં સમજણનો પ્રારંભ જ થયો ત્યાં વહાલસોયા પિતા ગુમાવ્યા. કાર્યની શરૂઆત કરી ત્યાં પ્રિય સાથીદારે અંતિમ વિદાય લીધી. આવાં દુ :ખ અને આઘાતોથી જ માનવજીવન ઘડાય છે. એ દ્વારા જ માનવ સત્યની, માનવજીવનના રહસ્યની શોધ પ્રત્યે વળે છે. માર્ગરેટમાં તો નાનપણથી જ ધર્મના દૃઢ સંસ્કારો હતા, ઈસુ પ્રત્યેની ભક્તિ હતી. સત્યની શોધ માટેનો તીવ્ર તલસાટ હતો, પરંતુ આ સમયે તો હૃદય નિરાશાથી ભરાઈ ગયું હતું. તેમને ક્યાંય આશાનું કિરણ પણ દેખાતું ન હતું. આ વિષે તેઓ પોતાની રોજનીશીમાં લખે છે.

‘મારા બાળપણમાં મને લાગતું કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ તરફ ધસ્યે જતી હતી, પરંતુ ૧૭ થી ૨૧ વર્ષની વયે ચોક્કસ સત્ય, નિશ્ચિત અને ઐતિહાસિક રીતે વિશ્વનીય હોય તે મારી અંદર મૃત :પ્રાય થઈ ગયું છતાં એ જ ઉત્સુકતાથી સત્યની શોધ મેં ચાલુ રાખી.’

આમ ૧૭ થી ૨૧ વર્ષનો ગાળો તેમના તીવ્ર મનોમંથન અને સંઘર્ષનો ગાળો છે, શ્રદ્ધા અને સંશયના યુદ્ધનો ગાળો છે, બુદ્ધિના સાર્વભૌમ વર્ચસ્વનો ગાળો છે. આ સમયમાં બુદ્ધિ પરિપકવ બનતી ગઈ તેમ તેમ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાં શંકા જાગવા લાગી, એમાં શ્રદ્ધા ઘટી ગઈ અને શંકા દૃઢ બની. તેમની ઉદ્ધિનતા વધી, બેચેની વધી, નિરાશાની માત્રા વધતી ગઈ. એટલે સુધી કે દેવળમાં જવાનુંય તેમણે બંધ કરી દીધું. જ્યાં શ્રદ્ધા ન જાગે ત્યાં જઈને કરવુંય શું? પણ તેમ છતાં અંતરનો અજંપો ઓછો ન થયો. સત્યને પામવાની ઝંખના તો સળગતી જ રહી, એ એમના અંતરને જંપવા દે તેમ ન હતી. શાંતિની ઉપાસના સફળ નહોતી થતી એટલે ફરીથી તેઓ દેવળમાં દોડી જતાં. અત્યંત આકુળવ્યાકુળ બની શાંતિ માટે ભગવાન ઈસુને પોકારતાં રહેતાં. સર્વ લોકોને તેઓ દેવળમાં અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરતાં જોતાં પણ તેમના હૃદયમાં એવી ભક્તિ ક્યાં હતી ! ત્યાં તો અશાંતિની આગ જ ભભૂકતી હતી. સત્યની ઝંખનામાં ભટકતા આત્માને ક્યાંય વિરામ ન હતો, ક્યાંય શાંતિની પ્રાપ્તિ ન હતી. આ દશામાં તેમણે ઘણો સમય પસાર કર્યો પણ એમાંથી બહાર નીકળાતું જ ન હતું. આથી તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનના અભ્યાસમાં મન પરોવ્યું. તેમણે માન્યું કે કુદરતના કાયદાઓનો અભ્યાસ કરતાં કરતાં સત્ય ઝંખતા હૃદયને સત્યની પ્રાપ્તિ થશે. તેમણે જગતની ઉત્પત્તિના ઈતિહાસમાં મન એકાગ્ર કર્યું. તેમાંથી તેમને એક નવું જ દર્શન થયું. તે એ હતું કે પ્રકૃતિના નિયમોમાં સુસંગતિ છે, જેનો ખ્રિસ્તી ધર્મમાં અભાવ છે. પરંતુ પ્રાકૃતિક વિજ્ઞાનના અધ્યયને પણ એમના હૃદયને શાંતિ ન આપી, સત્યનું સંપૂર્ણ દર્શન ન આપ્યું, વિક્ષુબ્ધતાઓનો અંત ન આણ્યો.

શિક્ષણમાં નવા પ્રયોગો

માર્ગરેટ હવે માન્ચેસ્ટરમાં રહેવા આવી ગયાં હતાં. તેમનાં નાનાં બહેન મે પણ લિવરપૂલ પાઠશાળામાં શિક્ષિકા હતાં, નાનો ભાઈ રીચમંડ લિવરપૂલમાં જ કોલેજમાં ભણતો હતો. માર્ગરેટ પણ રજાઓના દિવસોમાં ભાઈબહેન પાસે આવી જતાં. હવે બધાં પગભર હતાં, સ્વતંત્ર રીતે કમાઈ શકતાં હતાં. આથી, આયર્લેન્ડથી માતા મેરીને પણ ભાઈ બહેનોએ પોતાની પાસે બોલાવી લીધાં. હવે વર્ષો બાદ માતાની સાથે રહેવાનું મળ્યું. વર્ષોથી વિખૂટાં પડેલાં માતા અને બાળકો સાથે રહેતાં થયાં. કુટુંબમાં ફરીથી આનંદ, ઉત્સાહ, અને પ્રેમનો આવિર્ભાવ થયો, સહુએ કૌટુંબિક સુખ અને શાંતિનો અનુભવ કર્યો.

માન્ચેસ્ટરમાં રહીને માર્ગરેટે શિક્ષણમાં અનેક નવા પ્રયોગોનો પ્રારંભ કર્યો. તેઓ માનતાં હતાં કે ‘શિક્ષક માટે પહેલી જરૂરી વસ્તુ એ છે કે તેણે શિષ્યની ચેતનામાં પ્રવેશ કરવો અને તે ક્યાં છે, કઈ દિશા તરફ પ્રગતિ કરે છે તે જાણવું. આના સિવાય કોઈ પણ પાઠ શીખવી શકાય નહિ.’

નિશાળમાં જઈને પાઠ ભણાવી દેવો અને બાળક તે શીખી લે, આવી કેળવણીમાં તેમને લેશમાત્ર શ્રદ્ધા ન હતી. કેળવણી સર્વાંગી હોવી જોઈએ, બાળકેન્દ્રી હોવી જોઈએ, સર્વાંગી વિકાસ માટેની હોવી જોઈએ. આવી કેળવણી સ્થપાય એ માટે જ તેઓ શિક્ષણ જગતમાં અનેક નવા પ્રયોગો કરવા લાગ્યાં. થોડા સમયમાં જ તે પ્રગતિશીલ કેળવણીકાર તરીકે પ્રખ્યાત બની ગયાં.

તે સમયે નૂતન કેળવણી અંગે સ્વિસ અધ્યાપક પેસ્ટાલોજીએ કેટલાક સફળ પ્રયોગો કર્યા હતા. આ નવી પદ્ધતિમાં માર્ગરેટને રસ જાગ્યો. પેસ્ટાલોજીના જર્મન શિષ્ય ફ્રોયબુલે આ પદ્ધતિનો સારી રીતે વિકાસ કર્યો. આ પદ્ધતિ દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં કેળવણીનો પાયો વ્યાપક અને ઊંડો બનાવવા માર્ગરેટ અત્યંત ઉત્સુક હતાં. તે સમયે લંડનમાં નિસેજ ડી. લીઉવ નામની સ્ત્રીએ આ પદ્ધતિથી નિશાળ ચલાવવા માર્ગરેટને આમંત્રણ આપ્યું. અનાયાસે તક મળી, પ્રયોગ માટેનું વિશાળ ક્ષેત્ર મળ્યું. પસંદગીનું કાર્ય હતું. સફળતામાં શ્રદ્ધા હતી, કંઈક નવું કરવાની તમન્ના હતી, આથી તેઓ માન્ચેસ્ટર છોડી ૧૮૯૦માં લંડન જવા ઊપડી ગયાં.

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.