(ગતાંકથી આગળ…)

સ્વામીજી અને ગિરીશ બાબુનો મત

સ્વામી વિવેકાનંદ એમને સમજાવતાં કહે છે, ‘તેઓ ઈશ્વર અને મનુષ્યની વચ્ચે છે.’ સ્વામીજીએ જે સમયે આ કહ્યું ત્યાં સુધી સંભવત : એમનો સંશય પૂરેપૂરો ગયો ન હતો. એમનામાં જે સંશય હતો, તે સમજમાં આવે છે. શ્રીરામકૃષ્ણે પોતાના અંતિમ દિવસોમાં કહ્યું હતું, ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા, તેઓ જ આ વખતે રામકૃષ્ણ થયા છે. પણ તમારા વેદાંતની દૃષ્ટિએ નહીં.’ આ સંશયને દૂર કરવા સ્વામીજીને કહેલી શ્રીરામકૃષ્ણના આ અંતિમકાળની વાણી છે.

અહીંયાં સ્વામીજી વિજ્ઞાનનું દૃષ્ટાંત આપી સમજાવે છે, ‘જેવી રીતે ઉદ્ભિજ્જ અને જીવજંતુની વચ્ચે એક અવસ્થા છે એવી જ રીતે મનુષ્ય અને દેવતાની વચ્ચે પણ એક અવસ્થા છે.’

પછીથી સ્વામીજીએ આ ભાવને પાર કર્યો હતો. કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ એક મુઠ્ઠી ધૂળથી લાખો વિવેકાનંદની સૃષ્ટિ કરી શકે છે.’ આ શક્તિ મનુષ્યમાં નથી હોતી. આપણા માટે વિવેકાનંદની જ કલ્પના કરવી કઠિન છે. તો પછી જે એક મુઠ્ઠી ધૂળથી લાખો વિવેકાનંદ સર્જી શકે છે એની ભલા કલ્પના કેવી રીતે કરીશું? સ્વામીજીનું આવું કથન અતિશય ગુરુભક્તિ માત્ર નથી, તેઓ પોતાની અનુભૂતિથી આ ઈશ્વરીશક્તિની વાત કહે છે.

ગિરીશબાબુએ ભક્તિની સહાયતાથી આ વાત સમજી છે. એટલે તેઓ કહે છે કે જેમણે મને આ સંસાર સમુદ્રના સંદેહસાગરમાંથી પાર ઉતાર્યો છે તેમને ઈશ્વર સિવાય બીજું શું કહું? વિશ્વાસ અને ભક્તિ દ્વારા પ્રાપ્ત અનુભૂતિને એમણે આ રીતે વ્યક્ત કરી છે. એમણે યુક્તિ કે તર્કનો ઉપયોગ કર્યો નથી. તેઓ કહે છે, ‘શ્રીરામકૃષ્ણ સ્વયં ઈશ્વર છે. આપણા પ્રત્યેની કરુણાવશ તેમણે સ્વયંને સીમિત રૂપે પ્રગટ કર્યા છે. તેઓ આપણાં બંધન તોડીને આપણો ઉદ્ધાર કરી રહ્યા છે, એમને ઈશ્વર ન કહીએ તો પછી કોને ઈશ્વર કહીશું?’ આ જ એમનો ભાવ છે. અસીમ કેવી રીતે સીમાની ભીતર પ્રગટ થઈ શકે છે, એ સમજાવવાની શક્તિ આપણામાં નથી અને હોય તો પણ એને માટે ભાષાનો પ્રયોગ કરવો બુદ્ધિહીનતા છે. એટલે જ કહેવામાં આવ્યું છે – ઈશ્વરની અચિંત્ય શક્તિ અઘટન – ઘટન પટિયસી માયા છે.

આચાર્ય શંકર અને અવતાર – તત્ત્વ

આચાર્ય શંકર જેવા ચૂસ્ત અદ્વૈતવાદીએ પણ પોતાના ગીતાભાષ્યમાં કહ્યું છે, ‘જાણે ઈશ્વરે જન્મ લીધો છે, જાણે દેહ ધારણ કર્યો છે, એ રીતે લોક પ્રત્યે અનુગ્રહ કરીને તેઓ વિરાજે છે.’ લોક પ્રત્યે એમણે અનુગ્રહ કર્યો છે તેની આપણે સાક્ષાત્ અનુભૂતિ કરી રહ્યા છીએ. ભાગવતમાં છે, ‘અજે જન્મ ગ્રહણ કર્યો’ અજ એટલે જેનો જન્મ નથી, એમણે જન્મ ગ્રહણ કર્યો છે. કેવી રીતે એમનું આસ્વાદન કરાય એ દેખાડવા માટે લોકો પર અનુગ્રહ કરીને એમણે જન્મ ગ્રહણ કર્યો છે.

આ લોકાનુગ્રહનું આપણે આસ્વાદન કરી શકીએ છીએે, પરંતુ એમનો જન્મ કેવી રીતે થયો એ આપણી બુદ્ધિથી પરની વાત છે. શાસ્ત્રો કહે છે, ‘અચિંત્યા : ખલુ યે ભાવા ન તાંસ્તર્કેણ યોજયેત્ – તર્ક અથવા યુક્તિથી અતીત વસ્તુને તર્ક દ્વારા સમજવાની ચેષ્ટા ન કરો.’ આ તર્કનો પ્રયોગ કરવાનું ક્ષેત્ર નથી. એટલે હાર માની લેવી પડશે. વાક્ય મનથી અતીત વસ્તુને મન-બુદ્ધિથી ગોચર કરવાની ઇચ્છા થવા છતાં પણ આપણે એમ કરી શકીશું નહીં. ‘ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્-ગચ્છતિ નો મન : – નેત્ર, વાણી, મન ત્યાં જઈ શકતાં નથી. પરંતુ ન સમજીએ છતાં પણ શ્રદ્ધા-ભક્તિની સહાયથી દૃષ્ટાંત દઈને ધારણા કરી શકાય છે, એ અસંભવ નથી. ગિરીશની જેમ અગાધ વિશ્વાસ હોય તો વિશ્વાસની પ્રબળતાથી તત્ત્વની ઉપલબ્ધિ થઈ જાય છે. વિશ્વાસ જ્યારે મનુષ્યને નિ :સંશય કરી દે છે ત્યારે તેને ‘જાણવું’ કહેવાય છે. જ્ઞાન એ છે જ્યાં સંશયને કોઈ સ્થાન જ નથી. વસ્તુની ઉપલબ્ધિ વિશ્વાસના માધ્યમથી પણ થઈ શકે છે. એટલે શ્રીરામકૃષ્ણે ગિરીશના વિશ્વાસની ખૂબ પ્રસંશા કરી. ઉપનિષદ કહે છે, ‘શ્રદ્ધાવાન બનોે.’ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્ – જે શ્રદ્ધાવાન છે એને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે.’

અવતારની પૂજા

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આપણે એમને શ્રેષ્ઠ માનવના રૂપે પૂજીએ છીએ, જે મનુષ્યની પૂજા ઈશ્વર પૂજાને અનુરૂપ છે.’ તાત્પર્ય એ છે કે આપણે કઈ રીતે ઈશ્વરપૂજા કરીએ છીએ? આપણા લૌકિક જ્ઞાનમાં જે માનવીય ગુણ રહે તેને આધારે આપણે કોઈને પૂજ્ય માનીએ છીએ. એ બધા ગુણોને અનંત ગણા વધારી દેવાથી એનાથી વિભૂષિત વ્યક્તિની ઈશ્વરરૂપે ધારણા કરીએ છીએ. આપણા અનુભૂત ગુણોને અનંત ગણા વધારવાથી સંભવ છે કે એમને વિશે થોડી-ઘણી ધારણા બંધાય, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સ્વામીજી કહે છે, ‘આપણે એમને મનુષ્ય માનીને પૂજા કરીએ છીએ, પરંતુ તે માનવત્વ ઈશ્વરની સમીપવર્તી છે. અર્થાત્ એમના દ્વારા જ આપણે ઈશ્વરની કલ્પના કરી શકીએ છીએ, બીજો કોઈ ઉપાય નથી.’ આ સર્વસંમત સિદ્ધાંત છે. માનવના ચરમોત્કર્ષ – માનવીય ગુણ જ્યારે સીમા લાંઘી જાય ત્યારે તેને આપણે ‘ઈશ્વર’ કહીએ છીએ. તે ઈશ્વર માનવની સમીપવર્તી નથી, માનવત્વની ચરમ પરાકાષ્ઠા છે.

સ્વામીજીએ બીજે સ્થળે કહ્યું છે, ‘જો એક ગાય ઈશ્વર વિશે વિચાર કરે તો તેની એક મોટી ગાયના રૂપે જ કલ્પના કરશે.’ એ ઉપરાંત બીજું કંઈ વિચારી શકવું એને માટે સંભવ નથી. આ ઉપરાંત તે બીજી કોઈ ધારણા કેવી રીતે કરી શકે? ‘દેવો ભૂત્વા દેવં યજેત્ – દેવ બનીને જ દેવની ઉપાસના કરવી જોઈએ. એનો અર્થ શો છે? દેવત્વનું ચિંતન કરતાં કરતાં આપણી ભીતર વિકાસ થાય છે. જેટલો વિકાસ થાય છે તેટલો જ આપણી ભીતરનો આદર જાણે કે આપણી સમક્ષ પ્રસ્ફુટિત થતો જાય છે. આમ કરતાં કરતાં જ્યારે આપણો વિકાસ આદર્શની સાથે મળીને એક થઈ જાય છે તો એ જ અંતિમ વાત છે.

શંકરાચાર્યે વ્યાખ્યા કરી છે – ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે. મનુષ્ય ઉન્નત થઈને દેવત્વની શ્રેણીમાં પહોંચી જાય છે. ઈશ્વરની ઉપાસના કરતાં કરતાં ઈશ્વર બની જાય છે. માનવતાનું આ આવરણ ખસી જવાથી તે જે હતો તે જ અર્થાત્ ઈશ્વર બની ગયો. જીવ શિવ થઈ ગયો, પોતાના સ્વરૂપને પામી ગયો.
(ક્રમશ 🙂

Total Views: 361

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.