શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો હોય, એટલે એ છોડીને નીકળી શકે નહિ; તેમાં જ મોત થાય. તેમ જ જાણે કે વાંસ-જાળમાંની માછલી. જે માર્ગે જાળમાં પેઠી છે તે જ માર્ગેથી બહાર આવી શકે. પરંતુ પાણીનો મીઠો અવાજ અને બીજી માછલીઓની સાથે ક્રીડા, એનાથી એ ભૂલી રહે, બહાર આવવાનો પ્રયાસ કરે નહિ. છોકરા-છોકરીની કાલીકાલી બોલી જાણે કે જળકલ્લોલનો મીઠો અવાજ. માછલી એટલે જીવ, બીજી માછલીઓ એટલે જીવોનો પરિવાર. પણ તોય તેઓમાંથી એકાદ-બે દોડીને ભાગે. તેમને કહે મુક્તજીવ.

શ્રીરામકૃષ્ણ ગીત ગાઈ રહ્યા છે :

‘એવી મહામાયાની માયા,

રાખ્યો છે શો ભેદ કરી;

બ્રહ્મા-વિષ્ણુ ભાન ભૂલ્યા,

જીવો તે શું જાણી શકે ?

ખાડો કરી પાંજરું મૂકો, મત્સ્ય તેમાં પ્રવેશ કરે,

નીકળવાનો માર્ગ છતાં મીન નવ નાસી શકે.

રેશમનો કીડો કોશ કરે, ધારે તો તે શકે છૂટી,

મહામાયાથી બદ્ધ કીડો

પોતાની જાળમાં પોતે મરે.’

ઠાકુર વળી પાછા બોલે છે – ‘જીવો જાણે કે અનાજના દાણા; ઘંટીની અંદર પડ્યા છે; પિસાઈ જવાના. પરંતુ જે કેટલાક દાણા વચલા ખીલડાને વળગી રહે, તેઓ પિસાઈ જાય નહિ. એટલા માટે ખીલડાના એટલે કે ઈશ્વરના શરણાગત થવું જોઈએ. ઈશ્વરને સ્મરો, એનું નામ લો, ત્યારે મુક્ત થવાય. નહિતર કાળરૂપી ઘંટીમાં પિસાઈ જવાના.’’

શ્રીરામકૃષ્ણ ફરીથી ગાય છે :

મા ભવસાગરે પડીને દેહનૌકા ડૂબે છે મારી, માયામોહ આંધી અધિકાધિક વધે

છે શંકરી.

એક અનાડી મનનાવિક, તેની સાથે છે છ મૂરખા,

કુવિચારનો ચડ્યો વંટોળ,

હાલકડોલક થાય દેહનૈયા.

ભાંગ્યો છે ભક્તિકૂવાથંભ,

ફાટ્યો છે શ્રદ્ધાનો પાલ,

હોડી વહી મોજાં માંહે શોધ્યો ન જડે કોઈ હલ ?

ઉપાય ન રહેતાં કંઈ વિમાસે બનીને અકિંચન,

દુર્ગાનામનો લઈ તરાપો

ઝંપલાવે સાગરે એ જન.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૨૭-૧૨૮)

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.