ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨, ૨૬મી નવેમ્બર.

થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ વિજય વગેરે ભક્તોને કહે છે, ‘ભક્તિ જ સાર વસ્તુ. ઈશ્વરનું નામ, ગુણકીર્તન હમેશાં કરતાં કરતાં ભક્તિ-પ્રાપ્તિ થાય. અહા, શિવનાથની શી ભક્તિ ! જાણે કે ચાસણીમાં નાખેલું માવાનું જાંબુ ! એમ ધારવું એ સારું નહિ કે મારો ધર્મ જ સારો ને બીજાના બધાના ધર્મો ખોટા. બધા માર્ગાેએ થઈને ઈશ્વરને પામી શકાય. હૃદયની વ્યાકુળતા હોય તો બસ. અનંત પથ, અનંત મત.’

‘જુઓ, ઈશ્વરને જોઈ શકાય. વેદમાં તેને અવાઙમનસગોચરમ્ કહ્યા છે. એનો અર્થ એ કે એ વિષયાસક્ત મનથી અગોચર. વૈષ્ણવચરણ કહેતો કે ઈશ્વર શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિથી ગોચર (મન : એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયો : । બન્ધાય વિષયાસંગિ મોક્ષે નિર્વિષયં સ્મૃતમિતિ ।। – મૈત્રાયણી ઉપનિષદ્, ૬.૩૪) -એટલે સાધુ-સંગ, પ્રાર્થના, ગુરુનો ઉપદેશ એ બધાંની જરૂર. ત્યારે ચિત્તશુદ્ધિ થાય. ત્યાર પછી ઈશ્વરનાં દર્શન થાય. ડહોળાં પાણીમાં ફટકડી નાખવાથી સાફ થાય ત્યારે તેમાં મોઢું દેખાય. મેલા અરીસામાં મોઢું દેખાય નહિ.’

‘ચિત્તશુદ્ધિ થયા પછી, ભક્તિ-પ્રાપ્તિ કર્યા પછી ઈશ્વર કૃપાથી તેનાં દર્શન થાય. દર્શન થયા પછી તેનો આદેશ મળે, ત્યારે લોકોપદેશ કરી શકાય. એ પહેલાં જ લેકચર દેવાં એ સારું નહિ. એક ગીતમાં છે કે :

‘વિચારો છો શું મન એકલા બેસી…

રાતદિ’ થાણું નાખી પડ્યાં.’

‘માટે પ્રથમ હૃદય-મંદિર સાફ કરવું જોઈએ, દેવ-પ્રતિમા લાવવી જોઈએ, પૂજાની તૈયારી કરવી જોઈએ. આ તો કશી તૈયારી નહિ ને અમથો ભોં ભોં કરીને શંખ વગાડવો! એથી શું વળે ?’…

ભગવાન તો આપણાં માબાપ ! તેમને કહો કે પ્રભુ, મેં પાપ કર્યાં છે, પણ હવે કદી નહિ કરું અને ભગવાનનું નામ લો, તેનું નામ લઈને સૌ કોઈ દેહ, મન પવિત્ર કરો, જીભ પવિત્ર કરો.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૩૨-૧૩૩)

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.