શ્રીરામકૃષ્ણ – જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય.

સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે માછલાં અને ઈશ્વર, કે જેની માયા આ સંસાર છે એ જાણે કે માછીમાર. માછીમારની જાળમાં જ્યારે માછલાં સપડાય ત્યારે કેટલાંક માછલાં જાળ તોડીને નાસી છૂટવાનો, એટલે કે મુક્ત થવાનો પ્રયાસ કરે. એમને મુમુક્ષુ જીવો જેવાં કહી શકાય. જેઓ નાસવાનો પ્રયાસ કરે તે બધાંય નાસી શકે નહિ. બેચાર માછલાં ધબાંગ ધબાંગ કરતાં નાસી છૂટે. ત્યારે લોકો બૂમ પાડી ઊઠે કે એ એક મોટું માછલું નાસી ગયું ! એવા બેચાર માણસો મુક્ત જીવ. કેટલાંક માછલાં પહેલેથી જ એવાં સાવચેત, કે જાળમાં ક્યારેય સપડાય નહિ. નારદ વગેરે નિત્ય-જીવો ક્યારેય સંસાર-જાળમાં સપડાય નહિ. પરંતુ મોટાભાગનાં માછલાં જાળમાં સપડાય. છતાં તેમને એટલું ભાન નથી કે જાળમાં પડ્યાં છીએ ને મરવાનાં! જાળમાં પડ્યાં પડ્યાં જાળ લઈને સીધાં દોટ મૂકે ને છેક તળિયે કાદવમાં જઈને શરીર છુપાવવાનો પ્રયાસ કરે.

જાળમાંથી બહાર નાસી છૂટવાનો કંઈ પણ પ્રયાસ નહિ, ઊલટાં ઊંડા કાદવમાં જઈને પડે. બદ્ધ જીવો એમના જેવા. કાળની જાળમાં પડ્યા છે, પણ મનમાં માને છે કે ત્યાં જ મજામાં છીએ, બદ્ધજીવ સંસારમાં કામ-કાંચનમાં આસક્ત થઈને રહે. કલુષના સાગરમાં ડૂબેલા છે, પણ મનમાં માને કે અહીં જ મજામાં છીએ. જેઓ મુમુક્ષુ અથવા મુક્ત, તેમને સંસાર કૂવા જેવો લાગે, ગમે નહિ. એટલે જ્ઞાનપ્રાપ્તિ બાદ, ભગવાનનાં દર્શન કર્યા પછી, કોઈ કોઈ શરીરનો ત્યાગ કરે. પણ એ જાતનો શરીરત્યાગ તો બહુ દૂરની વાત. બદ્ધ જીવને, સંસારી જીવને કોઈ રીતે હોશ આવે નહિ. આટલાં દુ :ખ, આટલી બળતરા ભોગવે, એટલી વિપદમાં પડે, તો પણ જાગ્રત થાય નહીં. ઊંટને કાંટાનાં ઝાંખરાં બહુ ભાવે. પણ જેમ જેમ તે ખાતું જાય તેમ તેમ મોઢેથી દડદડ લોહી નીકળતું જાય. તોય એ કાંટાનું ઝાંખરું જ ખાધા કરે, છોડે નહિ. સંસારી માણસ પણ આટલો શોક-તાપ પામે, તોય થોડાક દિવસ પછી પાછા પહેલાંના જેવા. વળી ક્યારેક ક્યારેક તો સાપે છછુંદર ગળ્યા જેવું થાય; ગળી પણ શકે નહિ ને છોડી પણ શકે નહિ. બદ્ધ જીવ કદાચ સમજે કે સંસારમાં કશો સાર નથી. તોયે ઈશ્વરમાં મન જાય નહિ.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૩૬-૧૩૭)

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.