શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે જઈ શકાય.
બધી નદીઓ જુદી જુદી દિશાઓમાંથી આવે છે. પરંતુ બધી નદીઓ સમુદ્રમાં જ જઈને મળે છે. ત્યાં બધી એક બની જાય.
અગાસીમાં અનેક રીતે જવાય. પાકી સીડી, લાકડાની સીડી, વાંસની સીડી, અને કેવળ એક દોરડીની મદદથી પણ ચડી શકાય. પણ ચડતી વખતે ગમે તે એકનો સહારો લઈને ચડી શકાય – બે-ત્રણ સીડીમાં પગ રાખીને અગાસીમાં જઈ ન શકાય. છતે પહોંચ્યા પછી દરેક પ્રકારની સીડીએથી ઊતરી શકાય અને ચડી પણ શકાય.
એટલે જ પ્રથમ તો એક ધર્મનો આશ્રય કરવો જોઈએ. ઈશ્વરપ્રાપ્તિ થયા પછી એ વ્યક્તિ બધા ધર્મના પથ પર આવજા કરી શકે. જ્યારે હિંદુધર્મમાં રહે ત્યારે બધા એને હિંદુ સમજે છે. જ્યારે ઈસ્લામ સાથે રહે ત્યારે બધા એને મુસલમાન કહે છે. વળી જ્યારે ખ્રિસ્તીઓને મળે ત્યારે બધા સમજે છે કે એ ખ્રિસ્તી છે.
બધા ધર્મોના લોકો એકને જ પોકારે છે. કોઈ કહે છે ઈશ્વર, કોઈ કહે રામ, કોઈ હરિ, કોઈ અલ્લાહ, કોઈ બ્રહ્મ – નામ અલગ અલગ પણ વસ્તુ એક.
એક તળાવને ચાર ઘાટ છે. એક ઘાટે હિંદુ જળ લે છે, તે કહે છે ‘જળ’. બીજા ઘાટે મુસલમાન, તે કહે છે ‘પાની’. વળી ત્રીજા ઘાટે ખ્રિસ્તી, તે કહે ‘વોટર’. વળી અન્ય ઘાટે કેટલાક લોકો કહે છે ‘એક્વા’. (સૌનું હાસ્ય) વસ્તુ એક – જળ, નામ અલગ અલગ. તો પછી ઝઘડવાની શી જરૂર ? બધા એક ઈશ્વરને જ પોકારે છે અને બધાય એની પાસે જ જશે.
જો ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન થાય તો બરાબર કહી શકાય. જેણે દર્શન કર્યાં છે તે બરાબર જાણે કે ઈશ્વર સાકાર તેમજ નિરાકાર. એ ઉપરાંત ઈશ્વર કેટલા રૂપે છે તે કહી શકાય નહિ.

Total Views: 347

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.