શ્રીરામકૃષ્ણ – જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ ! જો ઈશ્વરકૃપાથી ‘હું અકર્તા’ એવું જ્ઞાન થઈ ગયું, તો પછી એ વ્યક્તિ તો જીવન્મુક્ત થઈ ગઈ. પછી તેને ડર નહિ.

આ માયા અથવા અહંતા જાણે કે વાદળા જેવી. એક સાધારણ નાના સરખા વાદળાને લીધે પણ સૂર્યને દેખી શકાય નહિ. વાદળું હઠી જાય તો જ સૂર્યને જોઈ શકાય. જો ગુરુ-કૃપાથી એક વાર અહંતા નીકળી જાય, તો ઈશ્વર-દર્શન થાય.

અઢી હાથને અંતરે શ્રીરામચંદ્ર, કે જે સાક્ષાત્ ઈશ્વર; વચમાં સીતારૂપી માયાની આડશ છે, એટલે લક્ષ્મણરૂપી જીવ એ ઈશ્વરને જોઈ શકતો નથી. આમ જુઓ, હું આ અંગૂછાથી મારા મોઢા સામે આડ કરું છું. હવે તમે મને દેખી શકતા નથી, છતાં હું આટલો નજીક છું. એ પ્રમાણે ભગવાન સૌથી વધુ નજીક છે, તોય આ માયાના આવરણને લીધે તેને દેખી શકતા નથી. બધા જીવ છે તો મૂળે સચ્ચિદાનંદ સ્વરૂપ, પણ આ માયા અથવા અહંકારને લીધે તેમને જુદી જુદી જાતની ઉપાધિ આવી પડી છે અને તેથી તેઓ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે.

જુદી જુદી ઉપાધિ આવે અને એ સાથે જીવનો સ્વભાવ બદલાતો જાય. જેણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું હોય તેને જોજો કે તેના મોઢામાં એકાદું નાટકનું ગાયન આવી જ જાય. એ ઉપરાંત ગંજીફે રમવાનું, ફરવા જતાં હાથમાં સોટી, એવું એવું આવીને વળગે. એકાદો દૂબળો માણસ પણ જો બૂટ મોજાં પહેરે, તો તરત તે મોઢેથી સીટી વગાડવા લાગે, દાદરો ચઢતાં સાહેબ લોકોની પેઠે છલાંગ મારીને ચઢે. માણસના હાથમાં જો કલમ આવે તો કલમનો જ એવો પ્રભાવ, કે તરત એકાદો કાગળ-બાગળ હાથમાં લઈને તે તેના પર સડ્ સડ્ કરતોને લીટા તાણવા લાગે.

પૈસા પણ એક મોટી ઉપાધિ. પૈસાવાળો થતાં જ માણસ જુદા પ્રકારનો થઈ જાય. એનો એ માણસ ન રહે. અહીં એક બ્રાહ્મણ આવજા કરતો. બહારથી સારો વિનયી હતો. થોડાક દિવસ પછી અમે કોન્નગર ગયા. હૃદય પણ સાથે હતો. અમે હોડીમાંથી જેવા ઊતર્યા કે તરત જ દેખાયું કે એ બ્રાહ્મણ ગંગાને કિનારે બેઠો છે.

એમ લાગ્યું કે હવા ખાતો હશે. અમને દેખીને બોલ્યો, ‘કેમ ઠાકુર, કેમ છો ?’

તેના બોલવાની રીત જોઈને મેં હૃદયને કહ્યું, ‘અરે હૃદુ ! આની પાસે પૈસા ભેગા થયા છે, એટલે તેનું બોલવાનું આવી રીતે છે.’ હૃદય પણ હસવા લાગ્યો.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૪૨-૧૪૩)

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.