‘જે વાંચશે તે આગળ વધશે, જે લખશે તે વધુ આગળ વધશે અને જે ગણશે તે સૌથી વધુ આગળ વધશે.’ જો આ સૂત્ર આપણે અપનાવી લઈએ તો પ્રગતિ આપણો હક બની રહેશે.

મિત્રો, આપણે સહુએ પ્રથમ સમજી લેવું જોઈએ કે વાંચવું એટલે શું? વાંચવાનો ખરો અર્થ છે ઉકેલવું.

પ્રથમ તો વાંચનમાં આવે છે પ્રત્યેક અક્ષરને ઉકેલવા. શું આપણે પ્રત્યેક અક્ષરને, જોડાક્ષરને બરાબર ઉકેલી શકીએ છીએ ખરા? પ્રત્યેક અક્ષર વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ ખરા? પ્રત્યેક અક્ષરનું આપણી ભાષામાં મહત્ત્વ શું છે તે જાણીએ છીએ ખરા? આપણી ભાષામાંના સ્વર અને વ્યંજન વચ્ચેના પાયાગત તફાવતની ખબર છે ખરી? આ બધા પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો પ્રત્યેક અક્ષરનું સ્વરૂપ સહજસાધ્ય થઈ જાય. શાળાકીય શિક્ષણમાં આ બાબતે જો સઘનપણે કાર્ય અને અનુકાર્ય થાય તો આપણી માતૃભાષાનું સ્તર ઘણું ઊંચું આવી શકે તેમ છે. ભાષાકીય શિક્ષણને જે હળવાશથી લેવાય છે તે લાંબા ગાળે આપણા સહુને માટે અહિતકર બને તો નવાઈ નહીં. અક્ષરને ઉકેલવા બાદ આવે છે, શબ્દને વાંચવાની વાત. શબ્દ એક શક્તિનું સ્વરૂપ છે, તે પ્રથમ તો ઉચ્ચારમાં પ્રગટવી જોઈએ. શબ્દોના યોગ્ય સંકલનથી વાક્યો અને મહાવાક્યો રચાતાં હોય છે. આ રચનામાં વિવિધ ચિહ્નો પણ તેટલાં જ અગત્યનાં છે.

વિદ્યાર્થીઓએ પ્રથમ તો પોતાના અભ્યાસક્રમમાં વાંચન ઉપર ભાર આપવો પડે. શાળામાં અપાયેલું ગૃહકાર્ય પૂરું થયું એટલે નિરાંત, એ મનોવૃત્તિ હવે પાલવે એમ નથી. વાંચન એ વિદ્યાર્થીજીવનમાં આગળ વધવાની પ્રથમ શરત છે. પહેલી વખતના વાંચનથી તો માત્ર જિજ્ઞાસા સંતોષાય છે. વધારે વખત વાંચન કરવાથી જ સારગ્રહણ થાય છે. વારંવારનું વાંચન ક્યારેક કંટાળાજનક પણ બને, તેમ છતાં બહારથી આવીને, અગાઉ કરેલા વાંચનને યાદ કરીને, ચિંતન કરતાં મનબુદ્ધિને કંઈક મેળવ્યાના આનંદનો અનુભવ થાય છે.

સામાન્ય રીતે વિદ્યાર્થીના પ્રારંભકાળમાં વાંચનમાં બે રીત જોવા મળે છે. (૧) મોટેથી-મોઢેથી બોલીને વાંચવું. (૨) મનમાં શાંત રહીને વાંચવું. આ બન્ને રીતે અવારનવાર વાંચતા રહેવાથી આગળ વધી શકાય છે. મોટેથી બોલીને વાંચવાથી વાચા ફૂટે છે અને સ્વશ્રવણ પણ વધે છે. ઉપરાંત જે બીજા લોકો આપણું વાંચન સાંભળે છે તેની તરફથી સુધારા માટેનાં સૂચનો મળે છે અને તેનો અમલ કરવાથી વાંચનક્ષમતા વધે છે. મનમાં વાંચવાથી આપણી યાદશક્તિ અને એકાગ્રતા વધતાં રહે છે. વળી કેટલાકને સમૂહમાં, જૂથમાં કે એકલા વાંચવાની ટેવ હોય છે. જેને જે રીતે ટેવ વિકસાવવી હોય તેમાં આપણને પૂર્ણપણે સ્વાતંત્ર્ય છે.

મિત્રો, વાંચન એ એક પ્રકારની મનોયાત્રા છે અને તે થકી બૌદ્ધિકયાત્રા પણ છે. વાંચન એ વિચારશક્તિ વિકસાવવાનો અખૂટ સ્રોત છે. વાંચન વાચકને પ્રગતિશીલ બનવા માટે ઉદ્દીપકની ગરજ સારે છે. વાંચન પોતપોતાના ક્ષેત્ર અને રસરુચિને અનુરૂપ હોવી જોઈએ! મોટા ભાગે વાંચન અને તેના અનુભવ થકી જ આપણો માનસિક વિકાસ થતો હોય છે. વિદ્યાર્થીજીવનમાં વ્યક્તિત્વઘડતર માટે ઇતર વાંચન અનિવાર્ય છે. પરીક્ષા માટે જ વાંચવું અને વંચાવવું એ આજની શિક્ષણપદ્ધતિની ભારે વિડંબના છે. ઘટતું જતું વાંચન એ માત્ર વાદવિવાદનો મુદૃો ન બની રહેતાં તેના નિદાનાત્મક તબક્કે, તેના મૂળ સુધી, ઉપાયલક્ષી અને વ્યાવહારિક ઉકેલ દ્વારા વાંચનને વિદ્યાર્થીજગતમાં પ્રસરાવવાની જવાબદારી આપણા સહુની બની રહે છે.

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.