જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર નાખો, તો હું તમારાં દર્શન કરું.

તેમ ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ ! જ્ઞાનનો પ્રકાશ એક વાર તમારા પોતાના ઉપર નાખો કે જેથી હું તમારાં દર્શન કરું.

ઘરમાં જો દીવો ન હોય તો એ દારિદ્ર્યનું ચિહ્ન. હૃદયમાં જ્ઞાન-દીપક પ્રકટાવવો જોઈએ. ‘જ્ઞાનદીપ પ્રકટાવી ઘરમાં, બ્રહ્મમયીનું મુખ દેખોને.’

વિજય પોતાની સાથે દવા લાવેલ છે, તે ઠાકુરની સામે જ પીવી છે. દવામાં પાણી ભેળવીને પીવાની છે એટલે ઠાકુરે પાણી મગાવી આપ્યું. ઠાકુર અહૈતુક-કૃપાસિંધુ. વિજય ગાડીભાડું, હોડીભાડું ખરચીને આવી શકે નહિ, એટલે ઠાકુર સમયે સમયે કોઈ માણસ મોકલી દે અને આવવાનું કહે. આ વખતે બલરામને મોકલ્યા હતા. બલરામ ભાડું આપશે. વિજય બલરામની સાથે આવેલા છે. સંધ્યા સમયે વિજય, નવકુમાર અને વિજયના બીજા સોબતીઓ બલરામની હોડીમાં પાછા બેસી ગયા. બલરામ બાગબજારના ઘાટ સુધી પહોંચાડી દેશે. માસ્ટર પણ એ જ હોડીમાં બેઠા.

હોડી બાગબજારના અન્નપૂર્ણા ઘાટે આવી પહોંચી. જ્યારે બલરામના બાગબજારના બંગલાની પાસે તેઓ પહોંચ્યા, ત્યારે જ્યોત્સ્ના સહેજ ઊગી છે. આજે અજવાળિયાની ચોથ તિથિ. શિયાળો છે, એટલે જરા ઠંડી લાગે છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના અમૃત સમાન ઉપદેશનું સ્મરણ કરતાં કરતાં તેમની આનંદમૂર્તિ હૃદયમાં ધારણ કરીને વિજય, બલરામ, માસ્ટર વગેરે પોતપોતાને ઘેર પાછા ફર્યા.

ઈશ્વર બધું કરી રહ્યો છે એ જ્ઞાન જો થઈ ગયું, તો તો જીવન્મુક્ત ! કેશવ સેન શંભુ મલ્લિકની સાથે આવ્યો હતો. મેં તેને કહ્યું કે ઝાડનું પાંદડું સુદ્ધાં ઈશ્વરની ઇચ્છા વિના હલે નહિ. સ્વતંત્ર ઇચ્છા (Free Will) ક્યાં

છે ? સર્વ કોઈ ઈશ્વરાધીન. નાગાજી (સ્વામી તોતાપુરી) એવડા મોટા જ્ઞાની, તેય પાણીમાં ડૂબી મરવા ગયેલા. અહીંયાં એ અગિયાર માસ રહ્યા હતા; પેટના રોગની વેદનાથી આકુળવ્યાકુળ થઈને ગંગામાં ડૂબી મરવા સારુ ગયેલા ! ઘાટની પાસેથી જેમ જેમ પાણીમાં આગળ જાય તેમ તેમ ગોઠણભરથી વધુ પાણી થાય નહિ. ત્યારે પછી એ સમજ્યા (કે ઈશ્વરની ઇચ્છા વિના મરી પણ શકાતું નથી); સમજીને એ પાછા ફરી આવ્યા. મને એકવાર ખૂબ વાયુરોગ થયેલો, એટલે ગળામાં છરી ખોસી દેવા તૈયાર થયેલો ! એટલે કહું છું કે ‘મા, હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર; હું રથ, તમે રથ હાંકનાર; જેમ ચલાવો તેમ ચાલું, જેમ કરાવો તેમ કરું.’

ઈશ્વરનું કાર્ય શું સમજી શકાય કે એ કયા હેતુથી શું કરે છે ? એ સર્જન, પાલન, સંહાર બધુંય કરે છે. એ શા માટે સંહાર કરે છે એ આપણે સમજી શકીએ ? હું તો કહું કે મા, મારે એ સમજવાનીયે જરૂર નથી, તમારાં ચરણ-કમલમાં ભક્તિ આપો. માણસના જીવનનો ઉદ્દેશ આ ભક્તિપ્રાપ્તિ. બીજું બધું મા જાણે. આંબાવાડિયામાં કેરીઓ ખાવા આવ્યા છીએ, તે તેમાં કેટલાં ઝાડ, કેટલા હજાર ડાળીઓ, કેટલાં કરોડ પાંદડાં, એ બધો હિસાબ બેઠાં બેઠાં ગણવાની મારે શી જરૂર ! હું તો કેરી ખાઉં, ઝાડ પાંદડાંની ગણતરીની મારે જરૂર નહિ.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧.૧૪૯-૫૧)

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.