અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે એમણે સૃષ્ટિ રચતાં પહેલાં તપસ્યા કરવાનો વિચાર કર્યો. તેમણે ઘોર તપસ્યા કરી. એમના તપનું લક્ષ્ય સંતાનોત્પત્તિ ન હતું. તેમનું લક્ષ્ય તો આ જ આંખે ભગવાનનાં દર્શન કરવાનું હતું. એ બન્નેની શ્રદ્ધા અને ભક્તિભાવ ભરેલી દીર્ઘકાળની નિરંતર સાધના, તપસ્યા અને પ્રેમભક્તિથી આકર્ષાઈને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવ એમની સમક્ષ પ્રગટ થયા. આ ત્રિદેવ જ્યારે એમની સમક્ષ પ્રગટ થયા ત્યારે તેઓ ઈશ્વરચિંતનમાં એટલા મગ્ન હતા કે ત્રિદેવના પ્રાકટ્યનો એમને ખ્યાલ ન આવ્યો. જ્યારે આ ત્રણેય દેવોએ એમને ધ્યાનમાંથી જાગ્રત કર્યા ત્યારે તેઓ એમનાં ચરણોમાં પડી ગયા અને ગદ્ગદ કંઠે તેઓ એમની સ્તુતિ કરવા લાગ્યા. તેમના પ્રેમ, સત્યતા અને નિષ્ઠાને જોઈને ત્રણેય દેવો ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું.

આગળ જોયું તેમના મનમાં હવે સંસારના સુખોપ-ભોગોની જરાય કામના ન હતી. આમ છતાં પણ બ્રહ્માની આજ્ઞા સૃષ્ટિ રચવાની હતી અને તેઓ પણ આ સમયે એમની સામે પ્રગટ થયા હતા. પરિણામે એમણેે બીજું કોઈ વરદાન ન માગતાં એ ત્રણેયને પુત્રરૂપે માગી લીધા. તેઓેની ભક્તિથી પ્રસન્ન અને અધીન થઈને ભગવાને એમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ‘એવમસ્તુ- એમ જ થજો’ એમ કહી દીધું.

આ ત્રણેય દેવોએ સમય જતાં એમના પુત્રરૂપે અવતાર ગ્રહણ કર્યો. વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો અને બ્રહ્માના અંશથી ચંદ્રમા તેમજ શંકરના અંશથી દુર્વાસાનો જન્મ થયો. જેમની ચરણરજ માટે મહાન યોગીઓ અને જ્ઞાનીઓ તલસતા રહે છે, એ જ ભગવાન અત્રિના આશ્રમમાં બાળક બનીને રમવા લાગ્યા અને આ બન્ને પતિ-પત્ની એમનાં દર્શન અને વાત્સલ્ય સ્નેહથી પોતાનું જીવન સફળ અને સાર્થક કરવા લાગ્યાં. અનસૂયાને તો હવે બીજી કોઈ વાત સૂજતી ન હતી. તેઓ તો દિન-રાત પોતાનાં આ ત્રણેય બાળકોના પાલનપોષણમાં વિતાવી દેતાં. સતી અનસૂયાના પતિવ્રતાપણા અને સતીત્વથી પ્રસન્ન થઈને પોતાના વનગમન સમયે સ્વયં ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે એમના આશ્રમે પધાર્યા હતા અને સતી અનસૂયાને જગજ્જનની શ્રીમા સીતાને ઉપદેશ આપવાનું ગૌરવ પ્રદાન કર્યું હતું.

અનેક વાર મહાન પ્રાકૃતિક આપત્તિના સમયે મહર્ષિ અત્રિએ આ જગતનું રક્ષણ કર્યું હતું. પુરાણોમાં એવી વાત આવે છે કે એક વાર રાહુએ સૂર્ય પર આક્રમણ કર્યું. સૂર્ય પોતાના સ્થાનેથી ચ્યુત થયા અને પડી ગયા. એ સમયે મહર્ષિ અત્રિના તપોબળથી અને તેમના શુભસંકલ્પથી સૂર્યનું રક્ષણ થયુું અને જગતનું જીવન પ્રકાશથી શૂન્ય થતાં બચી ગયું. ત્યારથી મહર્ષિઓએ અત્રિનું નામ પ્રભાકર પાડ્યુું.

એક વાર જ્યારે તેઓ સમાધિમાં મગ્ન હતા, ત્યારે દૈત્યોએ એમને ઉપાડીને શતદ્વાર-યંત્રમાં નાખીને અગ્નિ પ્રગટાવી દીધો. આ રીતે એમનો નાશ કરવાનો પ્રયત્ન દૈત્યોએ કર્યો, પરંતુ એમને એ વાતનો ખ્યાલ પણ ન આવ્યો. એ સમયે ભગવાનની પ્રેરણાથી અશ્વિનીકુમારોએ આવીને તેમને બચાવી લીધા. મહર્ષિ અત્રિની દૃષ્ટિ એટલી શીતળ, અમૃતમયી હતી કે ત્યાં જ મૂર્તિમંત બનીને ચંદ્રમારૂપે જગતને શીતળતા, અમૃત અને શાંતિનું પ્રદાન કરી રહી છે.

ધર્મશાસ્ત્રોમાં અત્રિ સંહિતા એક મુખ્ય સ્મૃતિગ્ર્રંથ છે જે આપણાં કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય કરવા માટેનું અમૂલ્ય ગ્રંથરત્ન છે. મહર્ષિ અત્રિના વિસ્તૃત અને પવિત્ર જીવનની ચર્ચા બધા આર્ષગ્રંથોમાં જોવા મળે છે.

Total Views: 299

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.