ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી.

શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને) – જોયું ને, હું માનું નામ લઉં છું એટલે આ બધી ચીજો ખાવા મળે છે. (હાસ્ય).

‘પરંતુ ભગવાન દૂધી, પતકાળાંરૂપી ફળ ન આપે, એ તો અમૃતફળ આપે, જ્ઞાન, પ્રેમ, વિવેક, વૈરાગ્ય વગેરે આપે.’

‘એટલામાં ઓરડામાં એક છ સાત વરસનો છોકરો આવ્યો. ઠાકુર શ્રીરામકૃષ્ણની બાલક-અવસ્થા. એક છોકરું જેમ બીજા છોકરાંથી ખાવાનું સંતાડી દે, વખતે એ ખાઈ જાય તો, તેમ ઠાકુરનીયે બરાબર એવી અપૂર્વ બાલક જેવી અવસ્થા થઈ રહી છે. એ જલેબીની છાબડીને હાથ ઢાંકીને સંતાડી રહ્યા છે. પછી તેમણે છાબડીને બાજુ પર ખસેડી મૂકી.

પ્રાણકૃષ્ણ સંસારી ગૃહસ્થ ખરા. પરંતુ એ વેદાન્ત-ચર્ચા કરે; કહેશે કે બ્રહ્મ-સત્ય, જગત મિથ્યા, હું જ એ પરમાત્મા – સોહમ્. ઠાકુર એમને સમજાવે કે કળિયુગમાં અન્નમય જીવન, એટલે કલિકાળમાં નારદીય ભક્તિ સારી.

‘અરે એ તો ભાવનો વિષય, અભાવે શું કો’થી પકડાય !’-

નાના છોકરાની પેઠે હાથ ઢાંકીને મીઠાઈ સંતાડતાં સંતાડતાં ઠાકુર સમાધિમગ્ન થયા.

ઠાકુર સમાધિમગ્ન. કેટલીય વાર સુધી ભાવમગ્ન સ્થિતિમાં બેસી રહેલા છે. દેહ તદ્દન સ્થિર, અચલ, નયન પલકહીન, શ્વાસ ચાલે છે કે નહિ તે સમજી શકાતું નથી. કેટલીય વાર પછી ઠાકુરે ઊંડો શ્વાસ લીધો, જાણે કે ઇન્દ્રિયોના રાજ્યમાં પાછા ફરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણને) – પરમાત્મા એકલા નિરાકાર જ નથી, એ સાકાર પણ છે. એમના રૂપનાં દર્શન થઈ શકે. ભાવ, ભક્તિ વડે એમના એ અવર્ણનીય રૂપનાં દર્શન થઈ શકે. મા ભગવતી વિવિધરૂપે દર્શન દે.

(ગૌરાંગદર્શન – રતિની માના વેશમાં શ્રીજગજ્જનની)

‘કાલે માને જોયાં. તેમણે ભગવું પહેરણ પહેરેલું, વાળેલી સિલાઈ ન હતી, મારી સાથે વાત કરી રહ્યાં છે.’

‘બીજે એક દિવસે મુસલમાનની છોકરીનું રૂપ લઈને મારી પાસે આવ્યાં હતાં. કપાળે તિલક, પરંતુ દિગંબર. મા છ સાત વરસની છોકરીરૂપે મારી સાથે સાથે ફરવા લાગી અને અટકચાળાં કરવા લાગી.’

‘હૃદુને ઘેર જ્યારે હતો ત્યારે ગૌરાંગનાં દર્શન થયેલાં. તેમણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું.’

‘હલધારી કહેતો કે પરમાત્મા ભાવ-અભાવથી અતીત. મેં માતાજીને જઈને કહ્યું, ‘મા, હલધારી તો આમ વાત કરે છે, તો પછી રૂપબૂપ બધાં શું ખોટાં?’ મા રતિની માને વેશે મારી પાસે આવીને બોલ્યાં : ‘તું (ઈશ્વરી) ભાવમાં જ રહે.’ મેંય હલધારીને એ જ કહ્યું.’ ‘કોઈ કોઈ વાર એ વાત ભૂલી જાઉં એટલે કષ્ટ થાય. ભાવ-અવસ્થામાં ન રહેવાથી (પડી જઈને) દાંત ભાંગી ગયો. એટલે દેવ-વાણી યા પ્રત્યક્ષ દર્શન ન થાય તો હું ભાવ-અવસ્થામાં જ રહેવાનો, ભક્તિ લઈને જ રહેવાનો. શું કહો છો ?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧.૧૫૫-૫૬)

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.