શ્રીરામકૃષ્ણ – અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે વચ્ચે તો મને દેવ-ભાવ મોટે ભાગે થયા જ કરતો, પૂજા કર્યા વિના મને શાંતિ જ વળતી નહિ.

હું યંત્ર, એ (ભગવાન) યંત્ર ચલાવનાર. એ જેમ કરાવે, તેમ કરું, જેમ બોલાવે તેમ બોલું.

પ્રસાદ કહે ભવસાગરમાં, તરાપો તરતો મૂકીને બેઠો છઉં; ભરતી આવતાં ઊંચે ચડું, ઓટ આવતાં નીચે જાઉં.

વંટોળિયામાં ઊડતું એઠું પાતળ ક્યારેક ઊડીને સારી જગ્યામાં જઈને પડે, તો ક્યારેક વળી પવનના સપાટાથી ગટરમાં જઈ પડે. પવન જે બાજુએ લઈ જાય તે બાજુએ જાય.

વણકર કહે, રામની મરજીથી ચોરી થઈ, રામની મરજીથી મને પોલીસે પકડ્યો અને વળી રામની મરજીથી મને છોડી મૂક્યો.

હનુમાન કહે, ‘હે રામ, હું શરણાગત, શરણાગત. એવો આશીર્વાદ આપો કે તમારાં ચરણે શુદ્ધ ભક્તિ આવે અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં !

(રામ-વનવાસમાં) મોટો દેડકો મરણતોલ અવસ્થામાં કહે છે, ‘રામ, જ્યારે સાપ મને પકડે, ત્યારે તો ‘હે રામ, બચાવો’ એમ પોકાર કરું, પરંતુ અત્યારે તો રામના જ ધનુષની અણીથી વીંધાઈને મરી રહ્યો છું, એટલે પછી ચૂપ બેઠો છું.’

પહેલાં પ્રત્યક્ષ દર્શન થતાં, આ ખુલ્લી આંખે, આ જેમ તમને દેખું છું તેમ. હવે ભાવ-અવસ્થામાં દર્શન થાય.

ઈશ્વર-પ્રાપ્તિ થાય એટલે બાળક જેવો સ્વભાવ થઈ જાય. જે જેનું ચિંતન કરે, તે તેનો સ્વભાવ પામે. ઈશ્વરનો સ્વભાવ બાળકના જેવો. બાળક જેમ રમતમાં માટીની ઘોલકી બનાવે, ભાંગી નાખે, વળી ફરી બનાવે, તેમ ઈશ્વર પણ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કર્યે જાય છે. બાળક જેમ કોઈ પણ ગુણને વશ નહિ તેમ ઈશ્વર પણ સત્ત્વ, રજ, તમ – એ ત્રણે ગુણોથી અતીત.

બ્રહ્મ અને શક્તિ અભિન્ન. શક્તિને ન માનો તો જગત મિથ્યા થઈ જાય. હું, તમે, ઘરબાર, કુટુંબ-પરિવાર, બધું મિથ્યા. આ આદ્યશક્તિ છે એટલે તો જગત ટકી રહ્યું છે.

વિષયવાસનાનો ત્યાગ કર્યા વિના ચૈતન્ય-પ્રાપ્તિ થાય જ નહિ, ભગવત્પ્રાપ્તિ થાય નહિ. વિષયવાસના હોય એટલે લુચ્ચાઈ આવે જ. સરલ થયા વિના ઈશ્વરને પામી શકાય નહિ.

ઐસી ભક્તિ કર ઘટ ભીતર, છોડ કપટ ચતુરાઈ;

સેવા, વંદના ઔર અધીનતા, સહજ મિલે રઘુરાઈ.

જેઓ સંસાર વહેવાર કરે, ઓફિસનું કામ કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. સત્ય બોલવું એ કળિયુગની તપશ્ચર્યા !

કંઈક સ્વસ્થ થઈને ઠાકુર બોલવા લાગે છે – રાખાલને જોઈને ઉદૃીપન શા માટે થાય છે ? જેમ જેમ (સાધક) આગળ વધે તેમ તેમ ઐશ્વર્યનો ભાગ ઓછો થતો જાય. સાધકને પહેલાં દર્શન થાય દેવી દશભુજાનાં, ઈશ્વરી-મૂર્તિનાં. એ સ્વરૂપમાં ઐશ્વર્યનો વધુ પ્રકાશ. ત્યાર પછી દર્શન થાય દ્વિભુજ-દેવીનાં, તેને દશ હાથ નહિ, એટલાં અસ્ત્ર-શસ્ત્રોય નહિ. ત્યાર પછી ગોપાલ સ્વરૂપનાં દર્શન, એમાં ઐશ્વર્ય જરાય નહિ, માત્ર નાના બાળકનું સ્વરૂપ. એથીયે આગળ છે, કેવળ જ્યોતિદર્શન.

(શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧.૧૫૬-૫૮)

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.