મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને સંપ્રદાય આજે પણ લોકપ્રિય છે. જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ, તુકારામ અને બીજા કેટલાય સંતભક્તોએ આ ભક્તિપ્રવાહનું અમૃત-ઝરણું વહાવ્યું છે. આવા ભક્તો નિમ્નવર્ગમાંથી પણ આવ્યા છે. જેને આપણે અભદ્ર લોકો કહીએ છીએ એ સમાજે પણ કેટલાય ત્યાગી, વૈરાગી અને ભક્તિભાવથી નીતરતા ભક્તો આપ્યા છે.

આવા અનેક ભક્તોમાં રંકા અને બંકા ભક્તદંપતીનું નામ આજે પણ લોકપ્રિય છે.

રંકા અને તેમનાં પત્ની બંકા મહારાષ્ટ્રના પંઢરપુર નગરમાં રહેતાં હતાં. તેઓ નિમ્ન જાતિનાં, અભણ અને અત્યંત નિર્ધન હતાં એટલે બધા લોકો તેમના પ્રત્યે તિરસ્કારનો ભાવ રાખતા હતા. પરંતુ તેમનામાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ હતાં. “જાતિ-પાંતિ પૂછે ન કોઈ, હરિ કો ભજે સો હરિ કો હોઈ’ એ જાણી-સમજીને ભક્તિના પથે ચાલતાં આ દંપતી પર એમની હરિભક્તિને કારણે જ ભગવાન તેમના પર ઘણા પ્રસન્ન હતા. “પ્રેમ રસ ઐસો હૈ ભાઈ, જો પીએ સો અમર બની જાય’- ની જેમ આ પતિ-પત્નીને તો હરિભક્તિની ગજબની લગની લાગી હતી.

જાત કઠિયારાની. એ સમયમાં ધંધા-રોજગાર મેળવવાં કપરાં હતાં એટલે તેઓ દરરોજ જંગલમાં જાય અને સૂકાં લાકડાં એકઠાં કરે અને સાંજના તેનો ભારો બાંધીને બજારમાં આવે. શીરામણ કે ભોજનનું ભાતંુ સાથે લઈને જવું પડે. પણ પરસેવો પાડીને એ લાકડાંનો ભારો વેચે. લાકડાંની તે વળી કઈ મોટી કિંમત મળવાની હતી! કળતર જેવું વળતર મેળવીને પણ આ દંપતી રાજીનાં રેડ. જે મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરે અને પ્રેમ અને સંતોષથી જીવે.

મહેનત કરતાં કરતાં પણ હરિનામ-સ્મરણ અને કીર્તન ચાલતાં રહે. બાકીના સમયે ચાલતી રહેતી આ હરિનામની રટણામાં પોતાનાં થાક, દુ :ખ, સંતાપ વિસરાઈ જાય. આવું ચાલે છે રંકા-બંકાના જીવનનું ગાડું. દુ :ખ અધિક અને સુખ અલ્પ એવા જીવનમાં પણ તેઓ ભક્તિભાવથી તરબોળ થઈને અમીનો ઓડકાર ખાય છે.

એ દિવસોમાં પંઢરપુરમાં નામદેવ નામના એક સંત રહેતા હતા. ભક્ત રંકા-બંકાની અભાવ અને દુ :ખભરી અવસ્થા જોઈને તેમનંુ હૃદય પીગળી ગયું. એમના પ્રત્યેના કરુણાભાવને લીધે નામદેવે એમનાં દુ :ખ-દર્દને દૂર કરવા પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. નામદેવે ભગવાનની દેવવાણી સાંભળી, “નામદેવ! રંકા અને બંકા ત્યાગી અને તીવ્ર વૈરાગી છે. ગમે તે કરીશું તો પણ તેઓ પરાયા ધનનો સ્વીકાર કરશે નહીં. જો તમને મારા આ શબ્દો પર વિશ્વાસ ન હોય તો તેઓ જંગલમાં લાકડાં કાપવા જાય ત્યારે ત્યાં જઈને તમે સાચી વાત જાણી લેજો.’

પછીના દિવસે નામદેવ તો ઊપડ્યા જંગલમાં. ભગવાન આ ભક્ત દંપતીના ત્યાગ-વૈરાગ્યની કસોટી કરવા ઇચ્છતા હતા. એટલે એમણે રસ્તામાં વચ્ચે વચ્ચે સોનામહોરો વેરી દીધી. થોડી વાર પછી આ જ રસ્તેથી એ દંપતી લાકડાં એકઠાં કરવા પસાર થયાં. આગળ આગળ રંકા ચાલે છે અને એની પાછળ પત્ની બંકા ચાલે છે. ચાલતાં ચાલતાં બંકા થોડાં પાછળ રહી ગયાં. રસ્તામાં વેરાયેલી સોનામહોરો જોઈને પતિ રંકાના મનમાં વિચાર આવ્યો, “અરે, મારી પત્ની બંકા મારી પાછળ પાછળ આવશે. ન કરે નારાયણ અને જો તે આ સોનામહોરો જોઈ જાય અને એનું મન એમાં લલચાઈ જાય, તો અમારાં ત્યાગ, વૈરાગ અને ભક્તિમાં મોટી અડચણ આવી જાય. અને ભક્તિ છૂટે, તો અમારું સર્વસ્વ ધન ચાલ્યું જાય!’ ભક્તિધન ગુમાવવાના ભયથી એણે રસ્તા પરની ધૂળ ખોબામાં લઈને ભોંયે પડેલી સોનામહોરને ધૂળથી ઢાંકી દીધી. રંકાનું આ કામ ચાલુ હતું ત્યાં જ બંકા ત્યાં આવી પહોંચી. તેણે પોતાના પતિને પૂછ્યું, “ખોબામાં ધૂળ લઈને તમે આ શું કરો છો?’

પત્નીને સાચી વાત કહેવી પડે એવી પળ આવી ગઈ. તેણે પોતાના મનની બધી વાત પત્નીને કહી. એ સાંભળીને સાચા વૈરાગ્યભાવથી જીવતી પત્ની બંકા ખડખડાટ હસી પડી. થોડી વાર પછી તેણે કહ્યું, “અરે ભગતજી! સોનામહોર અને ધૂળમાં વળી ભેદ શો? મારે મન તો બન્ને સરખાં! તમે નકામી આ માટીને માટીથી ઢાંકી દીધી છે!’ આ છે કાંચનત્યાગની પરાકાષ્ઠા.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે મારે મન તો “ટાકા માટી, માટી ટાકા’ એટલે કે મારે મન તો રૂપિયા-પૈસા માટી સમાન છે.

પોતાની પત્નીના મુખે “માટીથી માટીને ઢાંકવી’ની વાણી સાંભળીને રંકાનું હૃદય આનંદથી છલકાઈ ગયું. પત્નીની વૈરાગ્યવૃત્તિથી અભિભૂત થઈને તેણે કહ્યું, “તારા વૈરાગ્ય સામે મારો વૈરાગ્ય તો કંઈ ન કહેવાય!’

સંત નામદેવ તો પતિ-પત્નીનાં આ મહાન ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિને જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, “હે પ્રભુ! જેમના પર આપની અમીદૃષ્ટિ વરસે એમને આ જગતનાં તો શું પણ ત્રણેય લોકનાં ધન-સંપત્તિ કે વૈભવ-વિલાસ ધૂળ સમાન બની જાય. એમને કોઈ લલચાવી ન શકે. એમને તો તમારી લગની લાગી જાય છે અને તમારી પ્રાપ્તિ સિવાય બીજું કંઈ ખપતું નથી. મીરાંની જેમ “મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’, એ ઈશ્વરપ્રાપ્તિ જ ઝંખે છે. જેમણે તમારા દિવ્ય પ્રેમનું અમૃત ચાખ્યું હોય એમને સંસારનો ગોળ ખાવાની ઇચ્છા ન થાય, એ વાત સ્વાભાવિક છે.’

સ્વપુરુષાર્થથી મેળવેલી સંપત્તિથી જીવનનિર્વાહ કરવો અને એમાં પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવવાં એવી રંકા-બંકાની શ્રદ્ધા સંત નામદેવને વધુ દૃઢ લાગે એ માટે ભગવાને રસ્તામાં સૂકાં લાકડાંનો એક મોટો ભારો તૈયાર કરીને રાખ્યો. રસ્તામાં પડેલો આ ભારો જોઈને એ દંપતીએ વિચાર્યંુ કે આ તો કોઈ બીજાએ એકઠાં કરેલાં લાકડાંનો ભારો છે. આપણે એને હાથ પણ ન અડાડી શકીએ. તેઓ જંગલમાં ગયાં પણ તે દિવસે સાંજ સુધીમાં સૂકાં લાકડાં મળ્યાં નહિ. તેઓ બન્ને હરિનામ લેતાં લેતાં ખાલી હાથે ઘેર પાછાં ફર્યાં. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યાં, “અરે! આજે સવારના પહોરમાં આ સોનામહોરો જોઈ અને આપણે ઉપવાસ કરવાનો વારો આવ્યો! અને જો એ સોનામહોરો લઈ લીધી હોત તો કોણ જાણે કેવી કેવી આફત આવી પડત!’

પ્રભુએ ભક્તદંપતીને ખૂબ તાવ્યાં. નામદેવને પણ ખાતરી થઈ કે આ બન્ને છે તો નખશિખ ત્યાગી, વૈરાગી અને ભક્ત. અંતે પ્રભુએ પ્રસન્ન થઈને એ બન્નેને દર્શન આપ્યાં અને એમનું જીવન ધન્ય બનાવ્યું.

ત્યાગ, વૈરાગ અને ભક્તિ જેમના જીવનનું ધન હોય, એને પ્રભુનો સથવારો સદૈવ મળતો રહે છે. (સાભાર ઉદ્ધૃત : વિવેક જ્યોતિ, માર્ચ ૨૦૧૩.)

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.