“મિસ્ટિસિઝમ’ અર્થાત્ “અપરોક્ષ અનુભૂતિ’ અને એના સાધનપથને ખ્રિસ્તી ધર્મ તથા ઇસ્લામ ધર્મનાં આવશ્યક તથા મહત્ત્વપૂર્ણ અંગ ક્યારેય માનવામાં આવ્યાં નથી. અનેક ખ્રિસ્તી અધ્યાત્મવાદીઓને ખ્રિસ્તીધર્મ સંઘ દ્વારા કરાયેલ દંડને સહન કરવો પડ્યો છે. સત્તરમી સદીમાં “ક્્વાયટિસ્ટ’ નામના કહેવાતા શાંતિવાદી આંદોલનનું કઠોરતાપૂર્વક દમન કરવામાં આવ્યું હતું. અઢારમી અને ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી ધર્મસંઘની બહાર અને ભીતર અધ્યાત્મવાદ વિરોધી આંદોલનો એટલાં પ્રબળ હતાં કે વર્તમાન અડધી સદીના પ્રારંભ સુધી ખ્રિસ્તીધર્મે પોતાની મહાન અધ્યાત્મવાદની પરંપરાને લગભગ વિસારે પાડી દીધી. ઇસ્લામમાં અધ્યાત્મવાદને “સૂફીધર્મ’ કહેવાય છે. ઇસ્લામના કટ્ટરવાદીઓના વિરોધ તથા ધર્માંધોની ક્રૂરતાને કારણે ઈશ્વરના અભિલાષી એવા અનેક સાધકો મૃત્યુ પામ્યા હતા કે એમણે દંડ સહન કરવો પડ્યો હતો. આમ છતાં પણ ઇસ્લામે ઘણી મોટી સંખ્યામાં અનુભૂતિસંપન્ન ઓલિયા આપ્યા છેે. એમાંથી કેટલાકે ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિઓ મેળવી હતી.

ભારતમાં અને એમાં વિશેષ કરીને હિન્દુ ધર્મમાં આપણને આધ્યાત્મિક સ્વતંત્રતા તથા અનુભૂતિઓની બહુલતા જોવા મળે છે. હિન્દુ ધર્મ પ્રમાણે પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ મુક્તિ માટે અતિ આવશ્યક છે. હિન્દુ ધર્મમાં મુક્તિનો અર્થ છે – દુ :ખ અને અજ્ઞાનમાંથી સંપૂર્ણ છુટકારો. જ્યાં સુધી માનવ મુક્તિ નામની આ ઉચ્ચતમ સ્વતંત્રતાને મેળવી નથી લેતો ત્યાં સુધી તેને ફરી ફરીને જન્મ લેવો પડે અને જીવનનાં કડવાં-મીઠાં ફળોને ચાખવાં પડે. હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક પૂર્ણતાના ભિન્ન ભિન્ન માર્ગાેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું હતું. સાથે ને સાથે તેના એક વિજ્ઞાનનો વિકાસ થયો હતો. અપરોક્ષ અનુભૂતિના ચાર માર્ગ હિન્દુ ધર્મમાં દર્શાવાયા છે. તેને યોગ કહે છે. હવે આપણે એક પછી એક યોગની સંક્ષેપમાં ચર્ચા કરીશું.

કર્મયોગ

સર્વ પ્રથમ છે કર્મયોગ. તેમાં ઇચ્છાને કર્મફળથી પૃથક્ કરવા પર અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. એને નિષ્કામ કર્મ કહે છે. કેટલાક લોકો સમજે છે એટલું એ સરળ નથી. તેને માટે મહાન ઇચ્છાશક્તિની આવશ્યકતા રહે છે. પરંતુ પોતાનાં કર્મોનાં ફળોથી પોતાની જાતને અલગ કરવાનો એક અને સહજ સરળ ઉપાય છે. એ છે, ફળોને ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરવાં. ઈશાવાસ્ય ઉપનિષદની સર્વપ્રથમ અત્યંત સુંદર પંક્તિ તમને યાદ હશે : “ઈશા વાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્.’ અર્થાત્ આ પરિવર્તનશીલ સમગ્ર જગતને ઈશ્વર દ્વારા ઢાંકી દેવું જોઈએ. આખું જગત ભગવાનનું છે. એ જાણીને બધી વાસનાઓને ત્યજી દેવી જોઈએ. કઠિન વિપત્તિઓ અને કસોટીઓને સહન કરતાં કરતાં બાઈબલના “ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ના જોબ નામના એક હિબ્રુ સંતે કહ્યું હતું, “પ્રભુએ દીધું અને પ્રભુએ જ પાછું લઈ લીધું છે- પ્રભુના નામની જય હો.’ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે, “અનાસક્તિ અને શરણાગતિ દ્વારા જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે અંતરાત્મા ધીરે ધીરે પ્રકાશિત થવા લાગે છે.’

રાજયોગ

ત્યાર પછી આવે છે ધ્યાનનો માર્ગ, તેને રાજયોગ કહે છે. એમાં ઇન્દ્રિય-વિષય સંબંધી વિચારોને મનમાં ઉત્પન્ન ન થવા દઈને મનને ઉચ્ચતર દિશામાં પ્રવાહિત કરવા ખાસ પ્રયત્ન કરવામાં આવે છે. મોટા ભાગના લોકો માટે આ સાવ અસંભવ કાર્ય છે. પૂર્વતૈયારી કર્યા વિના તેનો પ્રયાસ કરનાર પર તીવ્ર પ્રતિક્રિયા થઈ શકે છે. એટલે એના મુખ્ય પ્રણેતા પતંજલિએ તેને એક ક્રમબદ્ધ સાધનાનું રૂપ આપ્યું છે. સર્વ પ્રથમ છે યમ અને નિયમ- અર્થાત્ સામાન્ય અને વિશેષ નૈતિક આચરણ. વ્યકિતએ સર્વદા અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેયનું આચરણ કરવું જોઈએ. પોતાના પગ પર ઊભા રહેતાં શીખો. સ્વચ્છતા અને સંતોષનો અભ્યાસ કરો. અધ્યયન કરો અને ગહન ચિંતન કરીને આદર્શાેને આત્મસાત્ કરો. ગુરુઓના પણ ગુરુ પરમાત્માને બધું સમર્પિત કરી દો. આ બધાંમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી આસન-વિશેષમાં બેસવાનો તથા શ્વાસ-ઉચ્છ્વાસના નિયંત્રણનો અભ્યાસ કરી શકાય છે. એનો અર્થ એ છે- દેહ અને મનની પ્રાણશક્તિના પ્રવાહને નિયંત્રિત કરવો. એને પ્રાણાયામ કહે છે. કેટલાક લોકો એને ઘણું વધારે મહત્ત્વ આપે છે, પરંતુ તેઓ મોટે ભાગે પોતાની ભીતર ક્રીડા કરતી શક્તિઓને નિયંત્રિત કરવામાં અસમર્થ નીવડે છે. તેને પરિણામે મસ્તિષ્ક સ્થાયી અથવા અસ્થાયીરૂપે વિક્ષિપ્ત-અસ્થિર થઈ શકે છે. પતંજલિએ પોતાની સાધનાપદ્ધતિમાં પ્રાણાયામને બહુ ઓછું મહત્ત્વ આપ્યું છે. રાજયોગમાં એના પછીનાં બે સોપાન પ્રત્યાહાર અને ધારણા છે. અર્થાત્ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી હટાવવી અને મનને કોઈ આધ્યાત્મિક વિષયમાં લગાડવું. આ આંતરિક એકાગ્રતા ગહન-ગાઢ થતાં વ્યક્તિ “પુરુષ’ કે આત્મારૂપે સાક્ષાત્કાર કરે છે.

ભક્તિયોગ

ત્રીજો માર્ગ છે ભક્તિયોગ. આમાં પણ અનુશાસનની આવશ્યકતા છે, પરંતુ પોતાના મનોવેગોને ભગવાન તરફ વાળવા પર સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે. સંસાર પ્રત્યેની આસક્તિને ભગવત્-પ્રેમમાં પરિણત કરવી જોઈએ. ઘૃણાને બદલે વૈરાગ્ય હોવો જોઈએ. ભયને સ્થાને ભગવાનની શરણાગતિ હોવી જોઈએ. તેની સાથે નિરંતર ભગવત્-સ્મરણ કરતાં રહેવું જોઈએ. એને માટે ભક્ત શબ્દપ્રતિકો કે મંત્રોની સહાયતા લે છે. મંત્ર રહસ્યમય નાના શબ્દસમૂહ હોય છે. પછી એનાથી પણ લાંબી સ્તુતિઓ અને ભજન પણ હોય છે. એની મદદથી ભક્તે સદા ભગવત્-સ્મરણ જાળવી રાખવું જોઈએ. ત્યારે ભગવાનની કૃપાથી એ આધ્યાત્મિક જીવનની બધી આડખીલીઓને પાર કરીને ભગવાનનાં દર્શન કરે છે.

જ્ઞાનયોગ

જ્યારે આપણે જ્ઞાનયોગ પર આવીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તેમાં સાધક માટે આત્મસાક્ષાત્કાર કે આત્માનુભૂતિ નામના આધ્યાત્મિક પથ પર આગળ ધપવા ઉચ્ચતર યોગ્યતા, ઉચ્ચતર નૈતિક સ્તરની આવશ્યકતા રહે છે. એણે સંયત, અસીમ ધૈર્યવાન, શ્રદ્ધાવાન તથા ધ્યાનપરાયણ બનવું જોઈએ. તેણે નિત્ય અને અનિત્યના વિવેકમાં સમર્થ બનવું જોઈએ તેમજ આ જન્મ તથા પરજન્મમાં ભોગની બધી ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ અને તેમાં મુમુક્ષુત્વ અર્થાત્ બધાં બંધનોમાંથી મુક્ત થવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. આ બધા સદ્ગુણો હોવા કે કેળવવા સરળ નથી.

જ્ઞાનનો અર્થ પુસ્તકિયું જ્ઞાન નહીં. ઉપનિષદોમાં બે પ્રકારની વિદ્યાઓનો ઉલ્લેખ છે. પહેલી છે અપરા એટલે કે નિમ્ન પ્રકારની વિદ્યા અને બીજી પરા એટલે કે ઉચ્ચ પ્રકારની વિદ્યા. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત પ્રત્યક્ષ તથા અનુમાન દ્વારા પ્રાપ્ત વિદ્યાને અપરા વિદ્યા કહે છે. અધ્યયન એની અંદર આવી જાય છે. ચરમ સત્યની અપરોક્ષ-પ્રત્યક્ષ અનુભૂતિ એ પરા વિદ્યા છે. જ્ઞાનયોગનો સમગ્ર ઉદ્દેશ આ અતિચેતનાવસ્થાનો સાક્ષાત્કાર કરવાનો છે, દાર્શનિક વિષયો પર મોટે ભાગે બને છે તેમ સૂક્ષ્મ તર્ક-વિતર્કમાં મંડ્યા રહેવું તેવો એનો ઉદ્દેશ નથી. (ક્રમશ 🙂

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.