ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો  તેમની સાથે બેઠેલા છે. સમય આશરે બપોરના ત્રણ. આજ શનિવાર, ૨૨ ભાદ્ર ૧૨૯૧, ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ઈ.સ.૧૮૮૪. ભાદરવા વદ એકમ.

ભક્તો ઠાકુરને પ્રણામ કરે છે. માસ્ટરે પ્રણામ કરી લીધા એટલે ઠાકુર અધરને પૂછે છે કે ‘નિતાઈ ડૉક્ટર આવવાના નથી ?’

શ્રીયુત્ નરેન્દ્ર ગીત ગાવાના છે, તેની તૈયારી થઈ રહી છે. તાનપૂરો સૂરમાં મેળવવા જતાં તાર તૂટી ગયો. ઠાકુર બોલી ઊઠ્યા, ‘અરે, એ શું કર્યું ?’ નરેન્દ્ર હવે તબલાં મેળવે છે. ઠાકુર કહે છે, ‘તારી તબલાં પરની થાપ એટલે જાણે, કે ગાલ પર પડેલી થપાટ !’

કીર્તનમાં ગવાતાં ગીતો વિષે વાત થાય છે. નરેન્દ્ર કહે છે કે ‘કીર્તનમાં તાલ, સમ વગરે નથી હોતાં એટલે આટલાં લોકપ્રિય !’

શ્રીરામકૃષ્ણ – એ શું બોલ્યો ! કીર્તનોમાં કરુણ રસ હોય છે એટલે લોકોને એ એટલાં બધાં ગમે છે.

નરેન્દ્રે બીજાંય એક બે ગીત ગાયાં.

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ભાવમગ્ન થઈને બોલે છે ‘આહા ! આહા ! હરિ હરિ બોલો !’

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર સમાધિ-મગ્ન થયા. ભક્તો ચારે બાજુ બેઠા છે અને દર્શન કરી રહ્યા છે. ઓરડો માણસોથી ભરાઈ ગયો છે.

કીર્તનિયાએ એ ગીત પૂરું કરીને નવું ગીત ઉપાડ્યું: ‘શ્રી ગૌરાંગ સુંદર નવનટવર તપત-કાંચન કાય’…

કીર્તનિયો જ્યાં ઉથલો આપે છે કે ‘હરિ-પ્રેમના પૂરમાં ખેંચાયે જાય’ ત્યાં ઠાકુર ઊભા થઈ જઈને નૃત્ય કરવા લાગ્યા ! પાછા બેસી જઈને હાથ લાંબા કરી કરીને ઠાકુર પૂર્તિ બોલે છે : (એક વાર હરિ બોલો રે !)

ઠાકુર વળી પાછા ઊભા થયા છે અને કીર્તનકારની સાથે (પ્રેમે મતવાલા થઈને રે) એ પૂર્તિ બોલીને નાચી રહ્યા છે.

એ અપૂર્વ નૃત્ય જોઈને નરેન્દ્ર વગેરે ભક્તો પછી વધુ વાર સ્થિર રહી શક્યા નહિ. સૌ ઊભા થઈ જઈને ઠાકુરની સાથે નાચવા લાગ્યા.

નાચતાં નાચતાં ઠાકુર ક્યારેક ક્યારેક સમાધિ-મગ્ન થતા જાય છે. એ વખતે અંતર્દશા. મુખેથી એક શબ્દેય નહિ. શરીર આખું સ્થિર. ભક્તો એ વખતે તેમને વીંટળાઈને નાચી રહ્યા છે.

થોડી વાર પછી અર્ધ-બાહ્યા દશા, કે જેવી ચૈતન્યદેવને થતી હતી. તરત ઠાકુર સિંહશૌર્ય સમું નૃત્ય કરવા લાગ્યા. એ વખતે પણ મુખમાં શબ્દ સરખોય નહિ. પ્રેમમાં ઉન્મા જેવા !

જેવા સહેજ સ્વસ્થ થાય છે કે તરત જ ક્યારેક ક્યારેક ગીતની પૂર્તિ બોલવા લાગે છે.

આજે અધરનું દીવાનખાનું શ્રીવાસનું આંગણું થયું છે. હરિ-નામનો અવાજ સાંભળીને રાજમાર્ગ પર અસંખ્ય લોકો એકઠા થઈ ગયા છે.

Total Views: 159
By Published On: November 1, 2016Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram