(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા)
વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું જોયું અને એક તીર તે તરફ તાક્યું. તે નિશાન ચૂકી ગયો અને વિષાક્ત બાણ એક મહાન વૃક્ષમાં ખૂંપી ગયું. ભીષણ વિષથી ઈજા પામેલ તે મહાવૃક્ષ સુકાઈ ગયું અને પરિણામ સ્વરૂપે તેનાં પર્ણો અને ફળો ખરી પડ્યાં. જંગલના દેવથી રક્ષિત એક સાધુચરિત પોપટ તે વૃક્ષના થડની બખોલમાં જીવનપર્યંત આશ્રય લઈને રહેતો હતો. તે પોપટનો વૃક્ષ પ્રત્યે એટલો પ્રગાઢ પ્રેમ હતો કે તે હવે સુકાઈ ગયું હોવા છતાં તેના પર રહેલા માળાનો ત્યાગ કરવા માગતો નહોતો. શાંત અને ગમગીન, નિશ્ર્ચેષ્ટ અને ભૂખ્યો-તરસ્યો, કૃતજ્ઞ અને સદ્ગુણી પોપટ વૃક્ષની સાથે ને સાથે કૃશ થઈ ગયો.
નીચે પૃથ્વી પર નજર નાખીને, સુખ અને દુ:ખમાં સમાનપણે વફાદાર ઉમદા પક્ષીનાં નિષ્ઠાભક્તિ અને અપૂર્વ નિશ્ચય પ્રત્યે વિસ્મય પામતાં, ઇન્દ્રપદ ઉત્તેજિત થઈ ઊઠ્યું. ઇન્દ્રે વિચાર્યું, ‘નિમ્નકક્ષાનાં પ્રાણીઓમાં ન જોવા મળે તેવી ભાવનાઓ આ પક્ષી કેવી રીતે ધરાવી શકે? છતાંય, સંભવ છે; આ એટલું અજુગતુ નથી કેમ કે પ્રત્યેક પ્રાણી અન્ય પ્રત્યે દયાળુ અને ઉદાર હોય છે.’ પછીથી ઘટનાને વિશેષ ચકાસવાના હેતુથી ઇન્દ્રે પવિત્ર બ્રાહ્મણનું રૂપ લીધું અને વૃક્ષ સમીપ ઉપસ્થિત થયો. ઇન્દ્રે કહ્યું, ‘ઓ સજ્જન પક્ષી! આ સુકાયેલા વૃક્ષનો તું કેમ પરિત્યાગ કરતું નથી?’ પોપટે નમન કર્યું અને ઉત્તર આપ્યો, ‘દેવરાજ તમારું સ્વાગત હો! મારા સદાચરણના ગુણને કારણે હું તમને ઓળખું છું.’ હજાર નેત્રોવાળા ઇન્દ્રે પક્ષીના જ્ઞાનથી વિસ્મય પામીને આશ્ચર્યચકિત થઈ કહ્યું, ‘ઘણું સારું.’ ફરી પાછું ઇન્દ્રે પૂછપરછ કરી, ‘કોઈપણ પક્ષીના આશ્રય માટે અયોગ્ય એવા આ પાંદડાં વિનાના વૃક્ષને શા માટે વળગી રહ્યું છે? તું તેનો અવશ્ય ત્યાગ કર અને જંગલમાં ચોતરફ ઘણાં સારાં સારાં વૃક્ષો છે તેને આશ્રયરૂપે પસંદ કર.’ પછીથી પોપટે નિસાસો નાખીને કહ્યું, ‘હું તો તમારો દાસ છું. જુઓ, આની પાછળનું કારણ છે- આ જ વૃક્ષમાં મેં જીવન વિતાવ્યું, મારી પાસે જે જ્ઞાનસમૃદ્ધિ છે તે મેં અહીંયાં જ ઉપાર્જિત કરી, અહીં જ મને દરેક જાતના શત્રુ તરફથી રક્ષણ મળ્યું. તમે મને આ સન્માર્ગથી શા માટે ચ્યુત કરો છો? હું તો કરુણાવાન અને કૃતજ્ઞ છું. મને આ વૃક્ષનો ત્યાગ કરવાની સલાહ ન આપશો; જ્યાં સુધી તે વૃક્ષ જીવિત હતું ત્યાં સુધી તે મારા રક્ષકરૂપે રહ્યું. હવે હું તેનો ત્યાગ કેમ કરીને કરી શકું?’ તત્પશ્ચાત્ ઇન્દ્ર અત્યંત રાજી થયો અને સદ્ગુણી પક્ષીને તેની ઇચ્છાનુસારનું વરદાન આપ્યું. પોપટે માગેલું વરાદાન આ હતું, ‘આ વૃક્ષ પુનર્જીવિત થાઓ.’ ત્યારબાદ ઇન્દ્રે વૃક્ષ પર જીવનદાયક જળ છાંટ્યું અને તે વૃક્ષ જીવનરસથી ભરપૂર થઈ ગયું અને નવાં પાંદડાં અને પાંગરણ ફૂટી નીકળ્યાં.
આમ પોપટના સદ્ગુણને કારણે વૃક્ષ પુનર્જીવન પામ્યું અને પોપટે પણ, જીવનના અંતે, સ્વર્ગમાં સ્થાન મેળવ્યું. જેમ વૃક્ષે પોપટ સાથેની મૈત્રી દ્વારા પોતાનું ઇચ્છિત વરદાન મેળવ્યું તેમ મનુષ્યો પણ સદ્ગુણી અને પવિત્ર પુરુષો સાથે મૈત્રી કેળવે તો પોતાનું ઇચ્છિત મેળવી શકે.
One Comment
Leave A Comment
Your Content Goes Here
👌🏻