ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ આવું જ એક સાધન છે. ભક્તિ એ ભાવની સાધના છે. તેનું કેન્દ્ર હૃદય છે. ભક્ત પોતાના ભાવ દ્વારા ભગવાન સુધી પહોંચે છે. ભક્તિના પાયામાં ભગવત્ પ્રેમ રહેલો છે. જેમ ભૌતિકજગતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે તેમ અધ્યાત્મજગતમાં પ્રેમાકર્ષણનો નિયમ કામ કરે છે. ભક્ત પ્રેમના તાંતણે બંધાઈ, પ્રભુને સમર્પિત થઈ, સંસારનાં બંધનોથી મુક્તિ પામે છે.

ભગવાન શ્રીરામને વનવાસકાળ દરમિયાન શબરીને મળવાનું થયું. શબરી બાળપણથી વૃદ્ધ મતંગ ઋષિની સેવા કરતી હતી. જ્યારે મતંગ ઋષિ પરમધામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે શબરી પણ તેમની સાથે જવા તૈયાર થઈ, પરંતુ ઋષિએ તેને કહ્યું, ‘ તું અહીં જ રહે. તને ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામનાં દર્શન થશે.’ ઋષિના મુખેથી આવું વચન સાંભળી, શબરી રોમહર્ષિત થઈ ઊઠી. શ્રીરામની રાહ જોતાં જોતાં તેના ચિત્તમાં વિશુદ્ધ પ્રેમનું ઝરણું ફૂટી નીકળ્યું. કેટલાંય વર્ષોની પ્રતીક્ષા પછી સીતાની શોધમાં ફરતાં ફરતાં ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે શબરીના દ્વારે આવી ઊભા, ત્યારે શબરી ભાવાવેશમાં આવી ગઈ. તેની વર્ષોની તપસ્યા ફળી. તેણે શ્રીરામને કહ્યું : ‘પ્રભુ! હું તો અત્યંત જડ બુદ્ધિવાળી છું. હું ક્યા પ્રકારે આપની સ્તુતિ કરું? ’

ત્યારે ભગવાન શ્રીરામે તેને નવ પ્રકારની ભક્તિનો ખ્યાલ આપતાં કહ્યું, ‘પહેલી ભક્તિ છે સંતોનો સંગ. બીજી ભક્તિ છે મારી કથાના પ્રસંગોમાં પ્રેમ. ત્રીજી ભક્તિ અભિમાન રહિત થઈ ગુરુના ચરણ સેવવામાં છે. ચોથી ભક્તિ કપટ છોડી મારા ગુણસમૂહોનું ગાન કરવું તે છે. મારા મંત્રનો જાપ અને મારામાં દૃઢ વિશ્વાસ એ પાંચમી ભક્તિ છે. છઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોને વશ કરી, ઉત્તમ ચરિત્ર કેળવી, કર્મોથી વૈરાગ્ય અને નિરંતર સત્પુરુષોના ધર્માચરણમાં લાગ્યા રહેવું તે છે. સાતમી ભક્તિ જગતભરને સમભાવે મારામાં ઓતપ્રોત જોવું અને સંતોને મારા કરતાં પણ અધિક માનવા તે છે. આઠમી ભક્તિ જે કંઈ મળે એમાં સંતોષ રાખવો અને સ્વપ્નમાં પણ બીજાના દોષો ન જોવા તે છે. નવમી ભક્તિ સરળતા અને સર્વની સાથે કપટરહિત રીતે વર્તવું તે છે. હૃદયમાં મારો ભરોસો રાખવો અને કોઈપણ અવસ્થામાં હર્ષ કે શોક ન કરવો. આ નવમાંથી જેનામાં એક પણ ભક્તિ હોય તે સ્ત્રી, પુરુષ, જડ, ચેતન-કોઈપણ હોય, પરંતુ હે ! ભામિની, તે મને અત્યંત પ્રિય છે. તારામાં તો આ બધી, નવેય પ્રકારની ભક્તિ દૃઢ છે. એથી જ જે ગતિ યોગીઓને પણ દુર્લભ છે તે તારા માટે સુલભ થઈ છે. તારું ભાગ્ય સર્વ પ્રકારે મોટું છે કેમ કે મારાં ચરણમાં તારો પ્રેમ છે.’ ભગવાન શ્રીરામનાં આવાં વચનો સાંભળી શબરી ધન્ય થઈ.

શ્રીમદ ભાગવત્માં પણ નવધા ભક્તિનો ઉલ્લેખ થયેલો છે.

श्रवणं कीर्तनं विष्णो: स्मरणं पादसेवनम् ।

अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥

અર્થાત્ શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવત્ પાદસેવન, ભગવત્ પૂજા, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન- એમ નવ પ્રકારની ભક્તિ છે.

ભગવત્ ગુણ, ભગવત્ લીલા, ભગવત્ સ્વરૂપ, ભગવન્નામ, ભગવત્ કથા આદિનું શ્રવણ, કીર્તન, સ્મરણ તથા નિત્ય સેવન કરતાં ભક્ત અવશ્ય ભગવાનને પામે છે. ભક્ત હનુમાન, સ્વામી રામદાસ, મીરા વગેરેની ભક્તિ દાસ્યભક્તિ હતી જ્યારે સુદામા, અર્જુન, દ્રૌપદી, રાધા, ગોપબાળોએ સખ્યભક્તિથી શ્રીકૃષ્ણને ભજ્યા છે. ભક્તિરસના કવિ નરસિંહ મહેતાએ આત્મનિવેદન ભક્તિ દ્વારા કુંવરબાઈના મામેરાથી માંડી શેઠ શામળશાની હુંડી સુધીના પ્રસંગો પાર પાડ્યા હતા. તેમણે પોતાનું જીવન ભગવાનનાં ચરણોમાં સમર્પિત કર્યું હતું.

આમ ભક્તિ એટલે ઈશ્વરનાં ચરણમાં મન-બુદ્ધિનું  સમર્પણ. પ્રભુને મન-બુદ્ધિ અર્પણ કરવાં એટલે જીવનના તમામ સંકલ્પ-વિકલ્પો એમને સોંપી દેવા. ભક્તિ એ બાહ્ય પ્રદર્શન નથી, પરંતુ આંતરદર્શન છે. ભક્તિ અને જ્ઞાનના સંયોગથી મનુષ્યની યાત્રા અંધકારમાંથી પ્રકાશ તરફ થાય છે.

ભક્તિ વિના માનવમનનું વિશુદ્ધિકરણ શક્ય નથી. ભક્ત કવિ નરસિંહ મહેતા એ ગાયું છે : ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે!’

આમ, ભક્તિ ઈશ્વરને પામવાનો સર્વોચ્ચ માર્ગ છે. ભક્તિનો પ્રતિસાદ આપવામાં પ્રભુ કદી મોડા કે પાછા પડતા નથી. મીરાના ઝેરને અમૃત કરનાર કે પ્રહ્‌લાદ માટે અગ્નિસ્તંભમાંથી પ્રગટનાર પ્રભુ આપણા માટે પણ એટલા જ હાજરાહજૂર છે. આપણે માત્ર એમના કૃપાપાત્ર બનવું જોઈએ. શરણાગતિના ભાવથી ઈશ્વરી અનુગ્રહનાં દ્વાર આપણા માટે પણ ખૂલી જાય છે.

ચાલો, ભક્તિના નવ માર્ગ, નવધા ભક્તિ પૈકી ગમે તે માર્ગ અપનાવીએ, એ માર્ગ આપણને ઈશ્વર સન્મુખ ખડા કરી દેશે.

Total Views: 447

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.