બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી પીઓ તો મજાનું સાફ પાણી મળે. વધુ નીચે હાથ ઘાલીને હલાવો તો પાણી ડહોળાઈ જાય. એટલે ભગવાનની પાસે ભક્તિ સારુ પ્રાર્થના કરો. ધ્રુવની ભક્તિ સકામ હતી. તેણે રાજ્યપ્રાપ્તિને માટે તપસ્યા કરી હતી. પરંતુ પ્રહ્‌લાદની ભક્તિ હતી નિષ્કામ, અહેતુકી ભક્તિ.

નિરાકાર, સાકાર બન્ને જોઈ શકાય. સાકાર ચિન્મય રૂપનાં દર્શન થાય. તેમ વળી સાકાર માણસમાંય એ પ્રત્યક્ષ. અવતારને જોવો એટલે જ ઈશ્વરને જોવો. ઈશ્વર જ યુગે યુગે માણસરૂપે અવતાર લે.

લજજા, ઘૃણા, ભય એ ત્રણ હોય તો ઈશ્વર ન મળે. આજ કેટલો આનંદ થશે. પરંતુ જે સાળાઓ હરિનામમાં મસ્ત થઈને નૃત્ય ગીત કરી શકશે નહિ, તેમને કોઈ કાળે ઈશ્વરલાભ થવાનો નથી. ઈશ્વરની વાતમાં લાજ શેની, બીક શેની ?

અરે ! સાધુ ! સાવધાન ! ક્યારેક એકાદ વાર જવું. બહુ વાર જઈશ નહિ. પડી જઈશ. કામ-કાંચન જ માયા. સાધુએ બાઈ-માણસથી ઘણે દૂર રહેવું જોઈએ. ત્યાં બધા ડૂબી જાય. ત્યાં બ્રહ્મા, વિષ્ણુય પડી જઈને ગોથાં ખાય !

એકલો શબ્દ હોવાથી તો ચાલે નહિ ને ? શબ્દનું પણ પ્રતિપાદ્ય કંઈક છે. તમારા એકલા નામથી શું મને આનંદ થાય ? તમને જોયા વિના સોળ આના આનંદ થાય નહિ.

ઋષિઓ રામચંદ્રને કહે કે ‘હે રામ, અમે તો જાણીએ છીએ કે તમે દશરથના પુત્ર. ભરદ્વાજ વગેરે ઋષિઓ ભલે તમને અવતાર માનીને પૂજા કરે. અમારે તો અખંડ સચ્ચિદાનંદ જોઈએ.’ રામ એ સાંભળીને હસતા હસતા ચાલ્યા ગયા.

જેની જેવી રુચિ, તેમ જ જેના પેટને જે અનુકૂળ. ઘઉંના લોટમાંથી મા છોકરાંઓને જુદી જુદી જાતની વાનીઓ કરી ખવરાવે. કોઈને લાડુ કરી આપે, કોઈને કંસાર કરી દે, કોઈને શીરો કરી દે, વળી કોઈને માત્ર રોટલી જ કરી આપે, જેના પેટને જે માફક આવે તે; તો વળી કોઈને પૂડલો કરી આપે, જેને જેવું ગમે.

ઋષિઓ જ્ઞાનમાર્ગી હતા. એટલે તેઓ અખંડ સચ્ચિદાનંદની અભિલાષા રાખતા હતા. તેમ ભક્તો વળી અવતારને ઇચ્છે, ભક્તિનો આસ્વાદ લેવા સારુ. ભગવાનનાં દર્શન થયે મનનો અંધકાર દૂર થાય. પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર જ્યારે સભામાં આવ્યા ત્યારે સભામાં જાણે કે સો સૂર્યનો ઉદય થયો ! તો પછી સર્વે સભાસદો બળી કેમ ન ગયા ? તેનો જવાબ એ કે તેમનો પ્રકાશ એ જડ પ્રકાશ નથી. સભા માંહેના સર્વ લોકોનાં હૃદય-પદ્મ ખીલી ઊઠ્યાં. સૂર્ય ઊગ્યે, પદ્મ ખીલી ઊઠે.

અવતાર જ્યારે આવે ત્યારે સાધારણ માણસો તેને ઓળખી શકે નહિ. એ ગુપ્ત રીતે આવે. બેચાર અંતરંગ ભક્તો જાણી શકે. રામ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ અવતાર, એ વાત માત્ર બાર ઋષિઓ જાણતા. બીજા ઋષિઓ કહેતા કે ‘હે રામ, અમે તમને દશરથના પુત્ર તરીકે ઓળખીએ છીએ.’

અખંડ સચ્ચિદાનંદને શું સૌ કોઈ ઓળખી શકે ? પરંતુ નિત્ય-સ્વરૂપના અનુભવની ભૂમિકાએ પહોંચીને જે ભગવદ્વિલાસને માટે લીલાની ભૂમિકાએ રહે તેની જ પાકી ભક્તિ કહેવાય. વિલાયતમાં રાણીને જોઈ આવ્યા પછી રાણીની વાતો, રાણીનાં કાર્યો વગેરેનું વર્ણન કરવું ઠીક ગણાય, ત્યારે રાણીની વાતોનું વર્ણન બરાબર થાય.   (શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.171-76)

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.