(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા)

પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર વર્ષ સુધી ઉદવાસ નામનું વ્રત પાળ્યું. માત્ર ભૂમિ પર નિવાસ કરતાં પ્રાણીઓને જ નહીં પરંતુ જળચર પ્રાણીઓને પણ પોતાના સુખકારી વિશ્વાસથી તેઓએ તુષ્ટ રાખ્યાં. આ મહાન ઋષિ શીતળ ચંદ્રમા જેવા મૃદુ હતા. તેઓ આવા વ્રતનું પાલન કરતા હતા: ગંગા-યમુનાના સંગમ સ્થળે જળપ્રવેશ કરીને બન્ને નદીઓના પવન સમાન તુમુલવેગવાળા ભયાનક અને ગર્જનાકારી જળપ્રવાહને સહન કરતાં કરતાં આગળ પડતા ઝૂકેલા રહીને, કાષ્ઠના સ્તંભની જેમ નિર્જીવપણે ઊભા રહેતા. કેટલીક વખત તે જળમાં પોતાની જાતને લંબાવી દઈને સુખપૂર્વક નિદ્રા  લેતા. બધાં જળચર પ્રાણીઓ તેમના પ્રત્યે મિત્રભાવે વર્તતાં અને તેમની સાથે રમત રમવા આવતાં.

એક વખત માછલાં પકડવાની જાળીઓ લઈને કેટલાક માછીમારો આવ્યા. સુદૃઢ બાંધાવાળા, પહોળી છાતીવાળા, મજબૂત અને નિર્ભય એવા તે માછીમારોનું ગુજરાન તે જાળોને આધારે ચાલતું. તેઓ નવી દોરીથી બનાવેલી મોટી અને પહોળી જાળને નદીમાં નાખતા અને પછી જળમાં ચાલતા અને જાળને બળપૂર્વક ખેંચતા. તેઓ સાહસિક અને આનંદી હતા અને એક બીજાના ઇશારા વર્તતા હતા.

એક વખત તેઓએ ખૂબ જ માછલીઓ પકડી અને તેઓએ ચ્યવન ઋષિને પણ જાળ ભેગા ઢસડ્યા. ઋષિનો દેહ નદી કિનારાના ઘાસથી લદાઈ ગયો હતો. તેમની દાઢી અને જટા લીલાં બની ગયાં હતાં. શંખ-છીપલાં ઋષિના દેહને વળગી પડ્યાં હતાં. જ્યારે માછીમારોએ મહાન ઋષિને જોયા ત્યારે હાથ જોડીને તેઓએ અભિવાદન કર્યું અને દંડવત્ પ્રણામ કર્યા. પરંતુ જાળમાં સપડાયેલી અને જળની બહાર કાઢીને ભૂમિ પર રખાયેલી માછલીઓ મરણને શરણ થઈ રહી હતી એ જોઈને ઋષિનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેઓએ ઊંડો નિસાસો નાખ્યો.

ઋષિને ઢસડી કાઢવા બદલ થયેલા પાપના પ્રાયશ્ર્ચિત્તરૂપે પોતે શું કરવું એમ માછીમારોએ પૂછ્યું. ઋષિએ ઉત્તર આપ્યો, ‘સાંભળો અને મારી આજ્ઞાનું પાલન કરો. હું અહીં માછલીઓ સાથે જ મૃત્યુ વહોરીશ અથવા તો તમે તે માછલીઓ સાથે મારું પણ વેચાણ કરો, કેમ કે આવી અવદશામાં હું તેમનો ત્યાગ કરીશ નહીં.’

માછીમારો ભયભીત બની ગયા. તેઓ નિરાશ વદને માછલીઓ અને ઋષિ સમેત રાજા નહુષ પાસે પહોંચ્યા. રાજાએ હાથ જોડીને, આજ્ઞાકારી ભાવથી ઋષિનું અભિવાદન કર્યું. ઋષિએ કહ્યું, ‘આ લોકો તેમણે કરેલા પરિશ્રમથી થાકી ગયા છે, તમે તેઓને માછલીના મૂલ્ય જેટલાં નાણાં ચૂકવો અને તે કિંમત મારી પાસે વસૂલો.’ રાજા નહુષે એક હજાર મુદ્રાઓ ચૂકવી. ચ્યવન ઋષિએ કહ્યું, ‘મારી દૃષ્ટિએ એક હજાર મુદ્રા તેનું સાચું મૂલ્ય નથી. તમારા ન્યાયની દૃષ્ટિએ જે ઉચિત હોય તે ચૂકવો.’ રાજા નહુષે લાખ, પછી દસ લાખ, પછી પોતાનું અડધું રાજ્ય, પછી સઘળું રાજ્ય આપ્યું પરંતુ ઋષિએ તે મૂલ્યને અતિ અલ્પ જ ગણ્યું, અંતે નહુષ દુ:ખથી ખિન્ન થઈ ગયો.

એટલામાં કંદમૂળ અને ફળ ખાઈને નિર્વાહ કરતો એક ભયાનક વનવાસી સંન્યાસી જંગલમાંથી ત્યાં આવી પહોંચ્યો. તેણે રાજા નહુષને કહ્યું, ‘હું તમને અને માછીમાર બન્નેને તથા ઋષિને પણ મનગમતું કરીશ, કેમ કે હું જે કંઈ કિંમત નિર્ણિત કરું છું તે કદાપિ નિરર્થક થતી નથી.’ પછી નહુષે કહ્યું, ‘ઋષિની વાંચ્છિત કિંમત કહો; આ પ્રસંગે મને, મારા રાજ્યને અને મારા કુળને બચાવો, કારણ કે જો ચ્યવન ઋષિ ક્રોધિત થશે તો ત્રિભુવનનો, મારા સઘળા કુળનો અને મારા રાજ્યનો નાશ કરશે. આ તોફાની સમુદ્રમાં તમે અમારો તરાપો બનો.’

વનવાસીએ કહ્યું, ‘હે રાજા! માનવજાતિના ચાર વર્ણોમાં બ્રાહ્મણો અગ્રગણ્ય છે. ગમે તેટલું ઊંચું મૂલ્ય પણ તેમના માટે ન આંકી શકાય કારણ કે તેઓનું મૂલ્ય વાણીથી પર છે. વળી ગાયોનું પણ અનંત મૂલ્ય છે, તેથી હે મનુષ્યોના દેવ! ઋષિના મૂલ્યરૂપે તમારે ગાય આપવી જોઈએ.’ આ સાંભળીને નહુષ આનંદિત થયો અને ચ્યવન ઋષિને મૂલ્ય પેટે એક ગાય આપી. ચ્યવન ઋષિ તુષ્ટ થયા અને કહ્યું, ‘ઓહ રાજા! હવે તેં મને સાચું મૂલ્ય ચૂકવીને ખરીદ્યો છે, કારણ કે મારી દૃષ્ટિએ ગાય કરતાં કોઈ સંપત્તિ વિશેષ મૂલ્યવાન નથી. અરે, ગાયો વિશે વાત કરવી અથવા તો એમના વિશે કોઈએ કહેલું સાંભળવું એ બધાં પાપોથી મુક્ત કરનાર છે. ગાયો નિષ્કલંક છે, સર્વ સંપત્તિનું ઉદ્ગમ અને સ્રોત છે, યજ્ઞકાર્યમાં અગ્રદૂત છે, સર્વલોકમાં સંપૂજિત છે, શક્તિમાન અને સર્વ આનંદની દાતા છે. વળી જ્યાં ગાયો આનંદપૂર્વક વસે છે તે ભૂમિ નિષ્પાપ છે. ગાયો સ્વર્ગ તરફ દોરી જતી સીડી છે, સ્વર્ગમાં પણ ગાયોનું પૂજન-અર્ચન થાય છે.’

પછી માછીમારોએ ઋષિને ગાય આપી અને ઋષિની પૂજા કરી. ઋષિનું તેજોબળ જ્વલંત અગ્નિ સમાન હતું. તેઓએ અર્પિત કરેલી વસ્તુનો સ્વીકાર કરીને ઋષિએ તેમને આશીર્વાદ આપીને કહ્યું, ‘અહીંથી તમે અને માછલીઓ પણ, સ્વર્ગે સિધાવો.’ માછલીઓ સહિત માછીમારોને સ્વર્ગારોહણ કરતા નિહાળીને રાજા નહુષ અત્યંત વિસ્મય પામ્યો. પછી બન્ને ઋષિઓએ રાજાને અનેકાનેક વરદાન આપ્યાં. અંતે રાજા પોકારી ઊઠ્યો, ‘બસ!’ પછી રાજા અને બન્ને ઋષિ પોતપોતાના સ્થળે પાછા ફર્યા. આવું છે ગાયોનું મૂલ્ય અને આવી છે ગાયોની પવિત્રતા!

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.