ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક પણ ન હોય. આવી વ્યક્તિ જ્યારે કોઈ મહાન કૃતિ લખી કાઢે અને સમગ્ર દેશમાં પોતાનું આગવું સ્થાન સ્વમેળે, સ્વપ્રતિભાથી મેળવી લે અને સમગ્ર લેખનજગતમાં આગવી પ્રતિભા બની જાય, ત્યારે આપણે આશ્ચર્યમાં ડૂબી જઈએ. બાળકોની અભિરૂચિને સંતોષે અને એમના વિચારોની દુનિયાને સમૃદ્ધ બનાવે એવો ત્રણ હજાર પાનાંનો એક વિશાળ ગ્રંથ ‘બાલપ્રપંચ’ સાહિત્યજગતમાં અસ્તિત્વમાં આવ્યો. આટલા વિશાળ ગ્રંથનું સર્જન પણ ત્રણ માસમાં થયું હતું.

આ મહાન કાર્ય કરનાર હતા કર્ણાટક રાજ્યના નિવાસી કોટા શિવરામ કારંથ. તેમણે માધ્યમિક શિક્ષણ પછી થોડાક માસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પણ આ લેખકની જ્ઞાન મેળવવાની તૃષા અને ઝંખના કંઈક અનન્ય હતી. એમની પાસે આધુનિક અધ્યયન કે સંશોધનની સુવિધાઓ ન હતી અને તેમની પાસે તેનાં સાધનો અને માર્ગો પણ ન હતાં. ‘મીરાં ઐસી લગન લાગી, અબ હોની હોય સો હોઈ’ ની જેમ એમણે તો એક જોગીની જેમ સાહિત્યલેખનની ધૂણી ધખાવી. અને લાગી ગયા પોતાના સાહિત્યરચનાના કાર્યમાં. ભીતર જો આવું જ્ઞાન અને શક્તિનું ઝરણું વહેતું હોય અને એમાં વળી લેખનની લગની લાગી જાય, તો પછી એમાંથી ઘણું ઘણું સર્જાઈ શકે.

આ લેખક પાસે ભલે પદવી ન હતી તો પણ તેમણે તો પોતાના અંતરમાંથી વહેતા વાણીના ઝરણાને કલમથી કંડારવા માંડ્યું. અને એમની કલમે કોઈ એકાદ બે ગ્રંથનું સર્જન ન કર્યું, પણ એમણે પોતાના સાહિત્ય સર્જનનાં કાર્યો દ્વારા નવલકથા, અનુવાદ, નિબંધ, ચિત્રાત્મક પ્રવાસવર્ણન, કટાક્ષલેખો, નાટક-નવલિકા, સંગીતનાટક,  યક્ષગણકળા, સ્થાપત્ય વિશેનાં પુસ્તકો અને પાઠ્યપુસ્તકો, વિજ્ઞાનશબ્દકોષ, વિશ્વકોષ જેવા ચારસોથી વધુ ગ્રંથો લખ્યા છે.

એમની આ શબ્દસાધના કેવળ લખવા ખાતરની સાધના ન હતી. એમણે તો પોતાની સાહિત્યકૃતિઓ દ્વારા તત્કાલીન સમાજ, રાજકારણ, રંગભૂમિ અને સિનેસૃષ્ટિ તેમજ સમગ્ર વિશ્વમાં ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપી છે.

ભારતમાં સાહિત્ય ક્ષેત્રે મોટું પ્રદાન કરતા સર્જકોને અપાતો સર્વશ્રેષ્ઠ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ આ લેખકને મળ્યો છે. જે મહાન કાર્યો સાકાર કરવા કેટલીયે મહાન સંસ્થાઓની જરૂર પડે તે બધાં મહાન કાર્યો એમણે એકલે હાથે સાકાર કર્યાં છે. આ મહાન માનવીની ભવ્ય શક્તિનું રહસ્ય શું હશે? ચમત્કાર જેવાં લાગતાં કાર્યો કરવા માટેનાં અદ્‌ભુત જુસ્સો અને શક્તિ પાછળનું રહસ્ય શું છે?

એ જાણવા આ સંદર્ભગ્રંથના લેખકે એમને એક મુલાકાત વખતે આ વિશે પૂછ્યું. એમણે વિનમ્રતાથી જવાબ આપતાં કહ્યું, ‘રહસ્ય! હું તો માત્ર કામ કર્યે જાઉં છું, કાર્ય જ મને આનંદ આપે છે, કાર્ય દ્વારા જ પ્રેરણા અને પ્રોત્સાહન સાંપડે છે. બસ આ જ છે રહસ્ય.’

આ વાત સો ટચના સોના જેવી છે કે શ્રી કારંથ અદમ્ય જોમજુસ્સો અને કાર્યશક્તિ ધરાવતા હતા. તેઓ કાર્યમાં જ રચ્યાપચ્યા રહેતા હતા. કાર્ય કર્યાનો આનંદ તેમની પ્રાણશક્તિ વધારતો હતો.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘જો ‘જડપદાર્થ’ શક્તિમાન છે તો ‘વિચાર’ સર્વશક્તિમાન છે. આ વિચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તિમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહિમાના વિચારથી તમારી જાતને ભરી દો.’ એટલે કે માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિને જગાડવા માનવીએ પોતે ખરા દિલની લગની લગાડવી પડે.

મિત્રો, મને આ લખતી વખતે એક બે જીવંત ઉદાહરણો યાદ આવે છે. મારી ભાણેજનો પુત્ર પ્રણવ ક્યારેક ક્યારેક મારા ઘરે રોકાતો. ત્યારે ટોળ-ટપ્પાં મારવાને બદલે મારા ટેબલના ખાનામાં પડેલી સ્વામી વિવેકાનંદની નાની-નાની પુસ્તિકાઓ મારી પાસેથી માગતો અને પછી બપોરના નિરાંતના સમયે એ પુસ્તિકા સાંગોપાંગ વાંચી લેતો.

સાંજના હું શાળા અને આશ્રમેથી પાછો આવું ત્યારે એ મારી સાથે બેસીને સ્વામીજીના ઉદાત્ત વિચારો વિશે, યુવાનોને પ્રેરવાની તેમની અદ્‌ભુત શક્તિ વિશે ચર્ચા પણ કરતો. અત્યારે તે બી.એ.પી.એસ.માં સંન્યાસી છે. એમની સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભક્તિપ્રેમનાં ગીતોની કેસેટ મેં સાંભળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓછાબોલો આ છોકરો આ સંગીતની સાધના ક્યારે અને કેવી રીતે કરી શક્યો હશે ! સાચી વાત તો વૃત્તિ અને વલણ કેળવવાની છે.

એવો જ બીજો પ્રસંગ મારી એક બીજી ભાણેજના પુત્રનો છે. તેનું નામ ખુશ છે. નાનપણથી જ એ મને મામા કહીને સંબોધે છે. અમારે સંતાન ન હતાં. પણ આવાં ઘણાં સંતાનો અમારા ઘરને ગુંજતું રાખતાં. બે ત્રણ વર્ષની ઉંમરથી તે જ્યારે જ્યારે મારે ઘરે આવે ત્યારે મારી સાથે આશ્રમે આવીને નવ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી અમારા પ્રકાશન વિભાગમાં બેઠો હોય, સંન્યાસીઓ સાથે ધીંગામસ્તી, વાદવિવાદ કરતો હોય. એ વખતે ‘સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ’ એ પુસ્તકના પ્રકાશનની કામગીરી ચાલતી હતી. એટલે એનાં પ્રૂફ જોવાનાં પાનાં હું ઘરે લઈ આવતો. એ પુસ્તકનાં વિવિધ ચિત્રોમાં એને ખૂબ રસ પડતો.

મારી નિરાંતના સમયે હું એને જે તે ચિત્ર કે આકૃતિ સામે આંગળી રાખી તેનું નામ ઉચ્ચારતો. પછી એ પણ ત્યાં આંગળી રાખીને જે તે વ્યક્તિનું નામ સ્પષ્ટપણે કહી દેતો. તેમાં ભારતના સંતો, સ્વામીજીની સાથે પરિચયમાં આવેલા દેશવિદેશના કેપ્ટન અને શ્રીમતી સેવિયર જેવાં વિદેશી નામો પણ સ્પષ્ટ રીતે આંગળી મૂકીને ઉચ્ચારી શકતો.

ભારતના સાંસ્કૃતિક વારસાસમી કેટલીક ઇમારતો પણ ઓળખી શકતો. એ નર્સરીમાં જતો હતો. અક્ષરો કે શબ્દોને વાંચી ન શકતો. પણ એની કુદરતી રુચિ અને એના વલણને કારણે એ ચિત્ર અને એ વ્યક્તિ એના મનમાં કોતરાઈ જતાં. અને સ્વાભાવિક રીતે જ જે તે આકૃતિ આવતાં એ નામનું ઉચ્ચારણ એના મુખમાંથી નીકળી પડતું.

આ બંને ઉદાહરણો વ્યક્તિનાં રસરુચિ અને વલણને કેળવવાની વાત કરે છે. આજના યુગમાં ઘરમાં, ઘરના વાતાવરણમાં માબાપ કે વડીલો દ્વારા આવી સૃષ્ટિ સર્જાય તો એ બાળકનો બેડો પાર થઈ જાય. ઘરના આંગણાના આ વાતાવરણને શેરી કે યુનિવર્સિટીનાં નઠારાં તત્ત્વો ન બગાડે અને શાળામાં પણ એવું જ વાતાવરણ મળી રહે તો બાળકોની કે યુવાનોની ભીતર રહેલા, ખળખળ વહેતા ઝરણાને સુયોગ્ય વહેણ મળી રહે તો આજનો ગમે તે યુવાન શ્રદ્ધાવાન, શક્તિવાન અને સાચો નવયુવક બની શકે.

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.