સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલ મન કે માણસ કદી ભૂલો કરે નહીં.’ (અભયવાણી 23.10)

યુવાન મિત્રો, આપણે પણ જીવનનાં કપરાં ચઢાણો ચડતા હોઈએ ત્યારે ઘણી વખત ગહન મૂંઝવણમાં પડી જઈએ છીએ. ‘ચલ જાઉં કે ટપ જાઉં’ની વાર્તા જેવું બની જાય છે, નિર્ણયશક્તિ હણાઈ જાય છે, હાલતાં હાલતાં હાંફી જઈએ છીએ. હવે શું કરવું એવી અકારણ ચિંતાને કારણે આપણે પાણીમાં બેસી જઈએ છીએ.

આવું ક્યારેય ન બને એ માટે તમારી સમક્ષ હું મહાભારતના ગ્રંથમાં વર્ણવાયેલ ગુરુ દ્રોણાચાર્યે કરેલી એક પ્રાયોગિક કસોટીની વાત ટૂંકમાં મૂકું છું.

ગુરુ દ્રોણાચાર્યે પરીક્ષાનો વિષય કંઈક આવો નકકી કર્યો : ‘શિષ્યો તમારે આ વૃક્ષ પર ટીંગાતા લાલ આંખવાળા લાકડાના પક્ષીની આંખ વિંધવાની છે.’

હવે પરીક્ષાનો સમય આવ્યો. એક પછી એક રાજકુમાર આવતા રહ્યા. દરેકને ગુરુ દ્રોણાચાર્યે એક જ પ્રશ્ન પૂછ્યો, ‘તમને આ વૃક્ષ પર શું દેખાય છે?’ પ્રશ્ન અને પ્રશ્નપત્ર તો પહેલેથી જ રાજકુમારો સમક્ષ હતાં. ગુરુના પ્રશ્નના ઉત્તરમાં કોઈ રાજકુમારે કહ્યું, ‘મને પક્ષી, વૃક્ષ, પાંદડાં, ફળો વગેરે દેખાય છે.’ વળી બીજા એ કહ્યું, ‘મને આ વૃક્ષ પર બીજાં પક્ષીઓ પણ દેખાય છે.’ આમ ગુરુ દ્રોણાચાર્યે યુદ્ધિષ્ઠિર, ભીમ, દુર્યોધન એ બધાને એ જ પ્રશ્ન પૂછ્યો. અંતે અર્જુનને પૂછ્યું, ‘ભાઈ, તને આ વૃક્ષ પર શું દેખાય છે?’ અર્જુને કહ્યું, ‘ગુરુદેવ, મને પક્ષીની આંખ જ દેખાય છે.’ ગુરુદેવે મુખ પર હાસ્ય સાથે અર્જુનને કહ્યું, ‘વત્સ! તો છોડ તીર!’ અને અર્જુને ધનુષ્યની પણછ ઢીલી કરી અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર પક્ષીની આંખ વીંધીને આપી દીધો.

હવે મિત્રો, મનમાં એવો પ્રશ્ન ઊભો થશે કે અર્જુનને પક્ષીની આંખ જ કેમ દેખાણી? બીજા રાજકુમારોની જેમ કેમ ન થયું? એનો જવાબ એક જ શબ્દમાં આપીએ તો અર્જુને માત્ર કોરું જ્ઞાન નહોતું મેળવ્યું. એણે તો પૂર્ણપણે એકાગ્રતા કેળવીને અનુભવજ્ઞાન કેળવ્યું હતું. એટલે જ સ્વામીજીએ કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, કેળવાયેલ મન કે માણસ કદી ભૂલો કરે નહીં.’

સ્વામી વિવેકાનંદ એકાગ્રતા દ્વારા જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ વિશે વાત કરતાં કહે છે, ‘મનની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય બીજી કઈ રીતે આ જગતમાંનું કોઈપણ જ્ઞાન મેળવાયું છે?  જો આપણને યોગ્ય રીતે તેને આઘાત કરતાં આવડે તો દુનિયા પોતાનાં બધાં રહસ્યો ખુલ્લાં કરી દેવા માટે તૈયાર પડી છે.’

ઊંક્ષજ્ઞભસ વિંય મજ્ઞજ્ઞિ ફક્ષમ વિંય મજ્ઞજ્ઞિ ૂશહહ બય જ્ઞાયક્ષયમ- બારણું ખખડાવો અને બારણું ખૂલશે. બારણું ખખડાવવા માટે બારણા પર આઘાત કરવો પડે છે. જ્ઞાનના બારણાને પણ જો આપણે મનની એકાગ્રતા કેળવીને ખખડાવીએ, પૂરા મનથી ખખડાવીએ તો રહસ્યનું બારણું ખૂલી જશે અને આપણને રહસ્યમય જ્ઞાનની પ્રાપ્તિ થશે.

મિત્રો, આ એકાગ્રતા એટલે બીજું કંઈ નથી પણ આપણે જ્યારે માતા-પિતા, ભાઈ-ભેરુને ચાહીએ છીએ ત્યારે આપણે એકચિત્ત બની જઈએ છીએ અને જેના પર એકચિત્ત બની જઈએ છીએ તેના પર આપણો પ્રેમ વરસાવી દઈએ છીએ. આનું નામ જ એકાગ્રતા.

માનવમનની શક્તિ સીમિત નથી. તે અસીમ છે. જેમ જેમ આપણે આપણા મનને વધુ ને વધુ પ્રમાણમાં એકાગ્ર કરતા જઈએ છીએ, તેમ તેમ એ અસીમ શક્તિ એક કેન્દ્ર પર વધુ ને વધુ માત્રામાં આપણે એકાગ્ર કરતા બની જઈએ છીએ. આવી એકાગ્રતાથી આપણે જાગ્રત શોધનાની પદ્ધતિથી અભ્યાસ કરી શકીએ છીએ.

ઘણા એકાગ્રચિત્ત લોકો જેવા કે વૈજ્ઞાનિકો, સંશોધકો સતત પ્રયોગ કરતા રહે છે અને પ્રશ્ન પૂછતા રહે છે. ઉદાહરણ તરીકે 1950માં જ્યારે ગણતરીયંત્રનો ઉદય થયો, ત્યારે એલન ટ્યુરીંગ નામના વૈજ્ઞાનિક ‘શું યંત્ર વિચારી શકે છે?’ એ પ્રશ્ન સાથે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતા. એવી જ રીતે એનરિકો ફર્મી નામના એક ભૌતિકશાસ્ત્રીએ એકાગ્રચિત્તે અનેક પ્રયોગો કર્યા અને અણુનું વિભાજન કર્યું.

કોઈપણ બાબતનો રિયાઝ એટલે કે ફરી ફરીને અભ્યાસ કરતા રહેવું. કેટલાય રમતવીરો, કલાકારો, કલાકૌશલ્યના મહાન તજ્જ્ઞોએ આ રીત અજમાવીને જગતમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે.

મિત્રો, તમે ભારતમાં અને વિશ્વમાં સુખ્યાત સંગીતકાર તરીકે પ્રસિદ્ધિ મેળવનાર શ્રી હરિપ્રસાદ ચોરસિયાનું નામ સાંભળ્યું જ હશે. તેઓ મહાન વાંસળીવાદક છે. તેઓ દરરોજ સવારના ચાર વાગ્યાથી  મોડી રાત્રી સુધી વાંસળીવાદનના રિયાઝનું કાર્ય કરતા રહે છે. તેઓ કહે છે, ‘મેં આલાપની અદ્‌ભુત દુનિયામાં નવું નવું શીખવાનો પ્રારંભ કર્યો છે.’

એકાગ્રતા કેળવ્યા સિવાય આવી સાધના શક્ય નથી. કડક શિસ્ત પાળીને એમણે આ એકાગ્રતા કેળવી હશે અને એ એકાગ્રતાના પરિણામે એમણે સંગીતના રહસ્યખંડનું બારણું ખખડાવ્યું હશે. એ બારણું ખખડાવવા જતાં અથક પુરુષાર્થ અને પ્રયત્નો કરવા પડ્યા હશે. ત્યારે જ એમને સંગીતના મહાસાગરનાં અમૂલ્ય રત્નો સાંપડ્યાં હશે. એક શેર છે, ‘સંત, સતી ઔર સૂરમા તીનોં કા એક તાર, ઝરે, મરે ઔર સબ તજે, તબ રીઝે કીરતાર.’ આ બધું ખાંડાની ધારે ચાલવા જેવું છે.

મિત્રો, તમે ડૉ. સી. વી. રામનનું નામ જાણતા હશો. પ્રકાશના વિકીરણની નવી સમજણ-શોધ કરનાર ભારતના મહાન વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક મળ્યું છે. પોતાના આ મહાન સંશોધન કાર્યમાં પૂરેપૂરાં મન-મગજ પૂર્ણએકાગ્રતા સાથે કામે લગાડી દીધાં હતાં. એમણે જેટલાં જેટલાં નિરીક્ષણ કર્યાં એ બધાંની પાછળનાં બધાં કારણોની શોધના કરી. તેમની પાસે પ્રશ્ન પૂછવાની એક અદ્‌ભુત આવડત હતી, ટેવ હતી. આ ટેવ અને આવડતે એમને પ્રકૃતિના બારણે ટકોરા મારવાની ટેવ પાડી દીધી અને એને જ લીધે તેમને પ્રકૃતિના રહસ્યને જાણવામાં જબરી સહાય મળી હતી. તેઓ જે કંઈ વાંચતા અને એ વિશે શંકા-સંદેહ ઊભા થતા તો તેને તેઓ ‘શા માટે’, ‘કેવી રીતે’ અને આ ‘સાચું છે કે કેમ’ એવા પ્રશ્નો જે તે પુસ્તક કે પાઠ્યપુસ્તકના હાંસિયામાં લખી રાખતા. 16 વર્ષની ઉંમરે પોતાની કોલેજમાં ‘પ્રકાશનો પ્રયોગ’ કરતી વખતે એમણે અસામાન્ય પટ્ટાઓ જોયા. બીજા વિદ્યાર્થીઓની જેમ ‘આવું તો થયા કરે !’ એમ એમણે માની ન લીધું અને વધુ પ્રયોગો કરીને મળેલ હકીકત અને માહિતીનું પૃથક્કરણ કરતા રહ્યા અને એ એમના પ્રથમ સંશોધનપત્રનો વિષય બન્યો.

ત્યાર પછી તેઓ એકવાર યુરોપની સફરે ગયા. ત્યાં એમણે વાદળી રંગની હીમનદીઓ અને સાગર જોયાં. એ જોતાંની સાથે એમને નવાઈ લાગી કે આની પાછળ ક્યું કારણ હશે, આવું કેમ થતું હશે. એમણે આ આશ્ચર્યજનક ઘટનાને સમજવા અનેક પ્રયોગો કર્યા જે આજે ‘Raman effect’ ના નામે જાણીતા થયા છે.

આપણે સૌ આસપાસના વિશ્વ વિશે જિજ્ઞાસા ધરાવતા હોઈએ છીએ, પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. પણ એમાંથી થોડાને પસંદ કરીને એ વિષયની ગહનતામાં પ્રવેશવા પ્રશ્નો પૂછીએ અને પૂછેલા પ્રશ્નો પાછળ રહેલા રહસ્ય જેવા ઉત્તર મેળવીએ તો આપણે પણ ખ્યાતિના સર્વોચ્ચ શિખરે પહોંચી શકીએ. ચાલો, આજથી જ આપણે આ માર્ગે આગળ ધપવાનો પ્રયાસ આરંભીએ.

સંદર્ભ: ઇલ્યુમિન પ્રકાશન ‘Develop Concentration’

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.