(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ)

વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામે ભાઈજીભી જેસાજી સરવૈયા નામના રાજપૂત ગરાસદારને ત્યાં માતા રૂપાળીબાની કૂખે સંભવત: ઈ.સ. 1846 વિ.સં. 1902માં થયેલો. 18 વર્ષની વયે વિ.સં.1920 ઈ.સ.1864માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ધોળા જંકશનથી નવ કિ.મિ. દૂર આવેલા સમઢિયાળા રાજપૂત ગરાસદારશ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે વિવાહ થયા. ગંગાબા પોતાની સાથે પાનબાઈ નામની પંદર-સોળ વર્ષની ખવાસ ક્ધયાને વડારણ તરીકે સાસરે લઈ ગયેલાં, જે બહેનપણી તેમજ શિષ્યા બની રહી. ગંગાસતીને બે દીકરીઓ હતી. મોટાં પુત્રી બાઈરાજબા અને નાનાં પુત્રી હરિબા. સંતસાધનાના માર્ગે ચડેલાં આ ભક્ત દંપતી કહળસંગજી તથા ગંગાબાએ કાળુભાર નદીને કાંઠે આવેલી પોતાની વાડીમાં હનુમાનજીની સ્થાપના કરીને ઝૂંપડી બાંધી વસવાટ ર્ક્યોે. બાજુના પીપરાળી ગામના ભજનિક હરિજન સાધુ ભૂધરદાસજીને પોતાની બાજુમાં ઝૂંપડી બાંધી આપેલી. ગંગાસતીને ત્યાં પુત્ર નહોતો. એકાવન વર્ષની વયે કહળુભાએ પોતાના સંતત્વની ક્સોટીનો પ્રસંગ ઊભો થતાં જીવતાં સમાધિ લેવાનું નક્કી ક્યુર્ં. ગંગાબાએ પણ પતિની સાથે જ પ્રયાણ કરવા તૈયારી કરી પરંતુ પતિ આજ્ઞાએ પોતાનાં બહેનપણી-વડારણ-શિષ્યા પાનબાઈને આત્મસાધનાના માર્ગે ચડાવવા માટે બાવન દિવસ સુધી ભજનવાણી દ્વારા ઉપદેશ આપ્યો અને સાક્ષાત્કાર સુધી પહોંચાડયા બાદ માત્ર અડતાલીશ વર્ષની ઉંમરે પતિ પાછળ આત્મત્યાગ ર્ક્યો. ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સમાધિ અવસ્થામાં જ દેહત્યાગ ર્ક્યો. સમઢિયાળા ગામે કહળસંગ ભગત, ગંગાસતી અને પાનબાઈની જગ્યા સામે ઓળખાતું સંત સ્થાનક કાળુભાર નદીને કાંઠે આવેલું છે, જ્યાં દર પૂર્ણિમાના દિવસે ભજનો થાય છે.

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ

અચાનક અંધારાં થાશે જી,

જોત રે જોેતામાં દિવસો વહ્યા જાશે પાનબાઈ

એકવીશ હજાર છસોને કાળ ખાશે…

જાણ્યા જેવી આ તો અજાણ છે ને,

અધુરિયાંને નો કે’વાય જી ,

ગુપત રસનો ખેેલ છે આ અટપટો ને,

આંટી મેેલો તો સમજાય જી..

નિરમળ થઈને તમે આવો મેદાનમાં ને,

જાણી લેજો જીવ કેરી જાત રે…

સજાતિ વિજાતિની જુગતિ બતાડુુંં ને,

બીબે પાડી દઉં બીજી ભાત રેે…

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ!

તેનો દેખાડુું તમને દેેશ જી

ગંગાસતી એમ બોલિયાં ને રે,

ત્યાં નહીં માયાનો જરીએ લેેશ…

‘વીજળીને ચમકારે..’ ભજનમાં ગંગાસતીએ અધ્યાત્મની સાથોસાથ વિજ્ઞાનને પણ વણી લીધું છે. સામાન્ય મનુષ્ય એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના ચોવીસ કલાક દરમિયાન એકવીશ હજાર છસો વખત શ્વાસ લેતો હોય છે અને એમાંથી ક્યો શ્વાસ છેલ્લો હશે તે કોઈ જાણી શક્તું નથી. અત્યંત જાણવાલાયક અને છતાં કાયમ અજાણ રહેતી આ આત્મસાધનાનું રહસ્ય અધૂરિયાંને-નુગરાને અપાય નહીં. જો સંપૂર્ણ શરણાગતિ હોય, ભેદદૃષ્ટિ ટળી ગઈ હોય, અને તમામ દ્વિધાઓની આંટી ટળી ગઈ હોય તો જ એની સમજણ પડે. અભેદ દર્શનથી નાનાં-મોટાં, ગરીબ-શ્રીમંત, નાત-જાત, ધર્મ-પંથ, નારી-પુરુષ, ઠાકર-ચાકર, સજાતિ-વિજાતિના ભેદ મટી ગયા હોય એને જ આ ક્ષ્ોત્રમાં પ્રવેશ મળી શકે છે. આ ભજનને આધ્યાત્મિક, દાર્શનિક, સાધનાત્મક, રહસ્યાત્મક, વેદાન્તી, યૌગિક એમ અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જુદાજુદા વિદ્વાનોએ સમજાવ્યું છે.

દરેક શબ્દના ઊંડાણમાં જઈને એનાં જુદાં જુદાં અર્થઘટનો કરી શકાય, પણ માત્ર વ્યાવહારિક અર્થ લઈએ તો પણ એટલું સમજાય કે – જે ક્ષણે સેવાનો, સ્વાધ્યાયનો, સત્સંગનો, સાધનાનો વિચાર આવ્યો એ જ ક્ષણે એનો અમલ થઈ જાય તો વીજળીને ચમકારે મોતી પરોવાઈ જાય. એમાં થોડીક જ ક્ષણો વીતી જાય તો વિચાર બદલાઈ જશે અને આખી જિંદગી અંધારામાં અટવાતાં રહેવું પડશે.

ક્ષણભંગુર આ દેહમાં જ માયાના આવરણથી ઢંકાયેલો અજર-અમર આત્મા વસે છે. શુદ્ધ-સાત્ત્વિક-નિર્મળ થઈને, તમામ ગ્રંથિઓ છોડીને, જાહેર મેદાનમાં આવીને પોતાના જીવાત્મા અને પરમાત્માની પિછાણ કરવાની આ જુગતિ/યુક્તિ ગંગાસતીએ પાનબાઈને બતાવી છે.

મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે,

મરને ભાંગી રે પડે ભરમાંડ રેે…

વિપદ પડે પણ વણસે નહિ,

ઈ તો હરિજનનાં પરમાણ રેે… મેરુ રે ડગે પણ જેનાંં…

હરખ ને શોકની નાવે જેને હેડકી ને,

શીશ તો ર્ક્યાં કુરબાન રે;

સતગુરુ વચનમાં શૂરા થઈને ચાલે,

જેણે મેલ્યાં અંતરનાં માન રે… મેરુ રે ડગે પણ જેનાંં…

ભાઈ રે  નિત્ય રહેવુુંં સત્ સંગમાં ને,

જેને આઠે પહોર આનંદ રે;

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે…

મેરુ રે ડગે પણ જેનાંં…

ભગતિ કરો તો એવી રીતે કરજો,

રાખજોે વચનુુંમાં વિશવાસ રે;

ગંગાસતી એમ બોલિયાં,

તમે થાજો સત ગુરુજીના દાસ રે… મેરુ રે ડગે પણ જેનાંં…

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્ગુરુ મહિમા, નવધા ભક્તિ, યોગસાધના, નામ અને વચનની સાધના, ક્રિયાયોગ, શીલવંત સાધુનાં લક્ષ્ાણો, સંતનાં લક્ષ્ાણો, આત્મસમર્પણ, ભક્તિનો માર્ગ, નાડીશુદ્ધિ, મનની સ્થિરતા, સાધુની સંગત, વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે.

Total Views: 506

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.