ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ. એ પછી લીંબડી તાલુકાના પાદરપુર ગામે કોળી જ્ઞાતિમાં જન્મેલા અર્જુન. અર્જુનજી નામના ભજનિક સંત ઈ. 1839 થી 18પ4 દરમિયાન થઈ ગયા. અને ત્રીજા અરજણદાસ ત્રીકમસાહેબની પરંપરામાં ખાનસાહેબના શિષ્ય હતા. તેઓ ચિત્રોડમાં ઘણો સમય રહેલા, હરિજન – વણકર જ્ઞાતિમાં જન્મેલા આ સંતકવિએ પણ પંદર તિથિની વાત કરતું સોળ કડીનું  પ્યાલો  પ્રકારનું લાંબુ ભજન રચ્યું છે. એ સિવાય આરતી અને અન્ય પદો પણ મળે છે.

દાસી જીવણના શિષ્ય અરજણદાસનો જન્મ રાજપૂત જ્ઞાતિમાં ભાદરા ગામે થયેલો. ઈ. 1809-10 ની આસપાસ તેમણે દાસી જીવણ પાસેથી ગુરુ દીક્ષા પ્રાપ્ત કરેલી. રવિ-ભાણ સંપ્રદાયનાં સાધના અને સિદ્ધાંતો તથા સ્વાનુભવનું વર્ણન કરતાં ચાર પાંચ ભજનો અરજણદાસની રચના તરીકે મળી આવે છે. એમાં ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય થયેલું ભજન છે,

‘મારી નજરે મોતી આયા…’

એ ભજન પાછળ પણ એક ઘટના છે. દાસી જીવણના શિષ્ય બન્યા પછી અરજણદાસે એક્વાર ભજનમંડળીમાં ભજનો ગાયાં. એમાં પોતાને થયેલા અધ્યાત્મના અનુભવનું બયાન હતું. આ સાંભળી દાસી જીવણે એક ભજનમાં જ તેની ક્સોટી કરવાનું નકકી ર્ક્યું. અને પોતે ભજન ગાયું,

‘દેખ્યા હોય તો કહી બતલાવો મોતી કેસા રંગા….’

એના જવાબમાં અરજણદાસે, ‘મારી નજરે મોતી આયા…’ ભજનની રચના કરેલી.

મારે મનડે વાત માની રે, મુંને મળ્યા જીવણ ગુરુ જ્ઞાની,

પ્રગટ પરચો છે આ પંડમાં નથી વાત કાંઈ છાની

…મુંને મળ્યા જીવણ.

ત્રિવેણી ટંકશાળ ઉપર નીક્સી હીરલા ખાણી,

ઈંગલા પિંગલા આસન ઉપર ધ્યાન ધરી લે ધ્યાની …મુંને મળ્યા જીવણ.

મારે મનડે વાત માની રે, મુંને મળ્યા જીવણ ગુરુ જ્ઞાની,

દાસ અરજણ સત જીવણ ચરણે મહેર ઝરી મહેરબાની …મુંને મળ્યા જીવણ.



જેની તાળી નામસે લાગી, તેની ભે ભવની ભાંગી…

દશ દરવાજા બંધ કીયા તો દાગી એસી લાગી,

ઘનન ઘનન હૂવા ઘનકારા અનહદ નોબત વાગી….

ત્રિવેણીના તીર ઉપરે જળહળ જ્યોતું જાગી,

દાસ અરજણ જીવણને ચરણે શ્યામ સુહાગી..

ઉપરના બે ભજન દાસી જીવણે સાંભળ્યાં અને શિષ્યનો અનુભવ સાચો છે કે ખોટો તે જાણવા કસોટી કરવા માટે જ નીચેનું ભજન સંભળાવ્યું.

દેખ્યા હોય તો કહી બતલાવો મોતી કેસા રંગા

ગુરુગમ કરીને ગોતો ગગનમાં ક્યાં છે ગુપતિ ગંગા… દેખ્યા..

ઘુવડ ગુરુ ને છીપા ચેલા, જેના દિવસ નહિં પગડંડા,

ગમ નૈ સૂઝે ને આગમ ભાખે, આપ વખાણે અંધા… દેખ્યા..

કહાં સે આયા કહાં સમાયા એ હી બડા અચંબા,

પિંડ બ્ર્રહ્માંડસે અપરંપારા, નાહીં સૂરજ નહિં ચંદા… દેખ્યા..

જ્ઞાન ગુરુને જેના શુરતા ચેલા જેણે હોય નવખંડા,

પિયુંને પરખ્યા મોતી નીરખ્યા, અક્ષર ભયા આનંદા…દેખ્યા..

આતમ ચીના અનભે પાયા, મીટ ગયા સબ ફંદા,

દાસી જીવણ સત ભીમકા ચરણા ધ્યાની પુરુષકા ધંધા… દેખ્યા..

અને દાસી જીવણના આ પ્રશ્નનો ઉત્તર ભજનમાં જ આપતાં અરજણદાસે ગાયું,

ગુરુ મારી નજરે મોતી આયા,

હે જી મેં તો ભેદ બ્રહ્મ રા પાયા,

સંતો મેરી નજરે મોતી આયા…

ઓહં સોહં જાપ અજપા, ત્રિકુટી તકિયા ઠેરાયા

ચઢી સૂરતા ક્રિયા સમાગમ, સુખમન સેજ બીછાયા

હે ગુરુજી સુખમન તાર મિલાયા.. મેરી નજરે

અધર તખતથી મોતી ઉતર્યાં, શૂન ઘર આઈ સમાયા

રંગ અલૌકીક સફેદ દેખલે ગુરુ ગમસે સેજે પાયા..

હે ગુરજી સદગુરુ સાન બતાયા..મેરી નજરે…

મોતી મણિમેં, મણિ મોતીમેં, જયોત મેં જયોત મિલાયા,

એસા હે કોઈ ખેલ અગમકા, દિલ ખોજે દરસાયા,

હે ગુરુજી નિરાધાર દરસાયા… મેરી નજરે…

અરસપરસ અંતર નહિં દેખ્યા, હરખ નિરખ ગુણ ગાયા

દાસ અરજણ જીવણને ચરણે પરાપારમેં પાયા

હે ગુરુજી પાર પરિબ્રહ્મ પાયા… મેરી નજરે.

ઓહં સોહંની સાધનાથી શરૂ થઈને પરિબ્રહ્મની પ્રાપ્તિ સુધીની પ્રક્રિયા દાસ અરજણે અહીં વર્ણવી છે. પોતાને આત્મ સાક્ષાત્કાર થયો છે, એની પ્રતીતિ કરાવતું આ ભજન યોગ અને જ્ઞાનમાર્ગનો સમન્વય કરે છે. શુદ્ધ ચૈતન્ય એ બ્રહ્મ છે અને એ જ બ્રહ્મ તે છે મોતી. એ મોતી જયારે સાધકની દૃષ્ટિમાં સ્થિર થઈ જાય ત્યારે પરમ સમાધિનો અનુભવ થાય. નિર્ગુણ, નિરાકાર, અવ્યક્ત, અક્ષરાતીત, અક્ષય, પરબ્રહ્મને ઓળખાવવા આ સંતોએ આ રીતે રૂપકાત્મક ભાષામાં જ વાત કરી છે.

Total Views: 560

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.