પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં મીણલદેની કૂખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. લુહાર વીરાભગત ભજનપ્રેમી ભક્તજન હતા. તેઓ દેવતણખીના નામે પણ જાણીતા થયેલા. ગિરનારની નાથપરંપરાના શાંતિનાથજીના શિષ્ય એવા દેવતણખી પોતે નિજારપંથ પાળતા. પોતાની પત્ની મીણલદેને સાથે લઈને દેવતણખી ભગતે સાત વખત ગિરનારની પરિક્રમા કરેલી. પોતાના ગુરુના આદેશથી ગિરનાર નજીક આવેલા મજેવડી ગામે દેવતણખી ભગતે નાનકડી મઢી બનાવી અને પોતાની પરંપરાથી લુહારકામની કોઢ શરૂ કરી.

એ સમયમાં મારવાડના ભજનિક સંત ભાટી ઉગમશી અને તેમના શિષ્ય શેલર્ષિ સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા અને ગામડે ગામડે નિજારપંથનો પ્રચાર કરતાં કરતાં અનેક શિષ્યો બનાવેલા. દેવતણખી અને તેની દીકરી લીરલબાઈએ પણ ઉગમશી ગુરુ પાસે ગુરુગમ દીક્ષ્ લીધેલ. એક વખત સમર્થ આગમવેતા ભજનિક સંત દેવાયત પંડિત પોતાનાં પત્ની દેવળના ગૃહત્યાગ પછી એના વિરહમાં પત્નીને શોધતાં શોધતાં સૌરાષ્ટ્રનાં તીર્થસ્થળોની યાત્રાએ નીકળ્યા. રસ્તામાં જૂનાગઢ નજીક મજેવડી ગામ પાસે એના ગાડાનો ધરો ભાંગી ગયો. ગામમાં લુહારનું ઘર શોધી ધરો સંધાવવા દેવાયત પંડિત દેવતણખી ભગત પાસે આવ્યા. એકાદશીનો દિવસ હતો. એટલે લુહારકામની ભઠ્ઠી બંધ હતી. દેવાયત પંડિતને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. એણે એકાદશી વ્રત તોડવાનું પાપ પોતાના ઉપર લઈ દેવતણખી ભગતને ભઠ્ઠી ચાલુ કરવા આજ્ઞા આપી. ભગતની દીકરી લીરલબાઈ ધમણ ધમે છે, દેવતણખી લુહારે અગ્નિમાં તપાવેલ લોખંડના ધરાના બે ટુકડા એરણ ઉપર રાખ્યા ને દેવાયત પંડિતે પોતાના જ્ઞાનના જોશમાં ઘણનો ઘા માર્યો.

એક જ ઘા સાથે એ એરણ જમીનમાં ઊતરી ગઈ. ત્યારે દેવાયત પંડિત મૂંઝાયા. લીરલબાઈ કહે ‘એમાં શું? ઘૂંટી ઉપર રાખીને ઘણનો ઘા કરો ! આ શરીર પણ એરણ જ છે ને!’ અંતે દેવતણખી લુહારે પોતાના પગની ઘૂંટી ઉપર લોખંડના તપાવેલા બંને ટુકડા રાખ્યા ને ઘણના ઘા મારી સાંધી આપ્યા. દેવાયત પંડિતનો પોતે ત્રિકાળજ્ઞાની હોવાનો, સિદ્ધપુરુષ હોવાનો અહંકાર ઓગળી ગયો અને લીરલબાઈ તથા દેવતણખીના પગે પડયા. લીરલબાઈએ દેવાયત પંડિતનાં પત્ની દેવળદેની ભાળ આપી અને દેવાયતની શંકાનું સમાધાન ર્ક્યું. આ પ્રસંગ વર્ણવતું એક ભજન આજે પણ લોકભજનિકોને કંઠે સચવાઈ રહ્યું છે. સંત ક્વયિત્રી લીરલબાઈ લુહાર જ્ઞાતિનાં સંત હતાં, એટલે એમની વાણીમાં એરણ, લોઢું, ધમણ, ઘડતર જેવા શબ્દો અને લુહારકામની વાત આવે છે. આવું જ બીજું એક ભજન જે સંત ક્વયિત્રી લોયણના નામે પણ ગવાય છે. લીરલબાઈની રચના તરીકે ભજનિકોના કંઠે સચવાયું છે તે ભજન જોઈએ :

જી રે વીરા ! ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે,

જેને વિશ્વ બધુંયે વખાણે રે હાં…

જી રે વીરા ! કબુદ્ધિ કોયલા કરોડો કાયામાં રે,

અને તમે બ્રહ્મ અગનિમાં પરજાળો રે હાં….

જી રે વીરા ! ધુમાડો ધૂંધવે ન્યાં લગી ધારણ રાખો રે,

પછી એને બાંધી કઠણ તાયે તાવો રે હાં….

જી રે વીરા ! બંકનાળેથી ધમણું ધમાવો રે,

ઉલટા પવનને તમે સુલટા ચલાવો રે હાં…

જી રે વીરા ! ત્રિગુણાતીતથી તમે અગ્નિ પ્રજાળો રે,

પછી એને ગિનાન સાંણસીએથી તાવો રે હાં….

જી રે વીરા ! તાએ ચડયા વિના તમે ટાઢું શીદ ટીપો રે,

આ તો ભાંગેલને કરવા છે ભેળા રે હાં….

જી રે વીરા ! હું ને મારું ઈ બે લોઢાના કટકા રે,

એને તમે મન કર્મ વચનેથી મિલાવો રે હાં….

જી રે વીરા ! સતની સરાણે એને ચડાવીને જોજો રે,

તડ કે ભ્રાંત હોય તો ફરીને તાવો રે હાં…

જી રે વીરા ! આળોપીને તમે એક તાર લાવો રે,

તો તમે પરિબ્રહ્મ નિરાકારને ભાળો રે હાં….

જી રે વીરા ! આવા આવા ઘાટ તમે સંસારે ઘડજો રે,

તો તો ખોટ જરીયે ના ખાશો રે હાં….

જી રે વીરા ! ઉગમશીને ચરણે લીળલબાઈ બોલ્યાં રે,

ત્યારે તમે સાચા ક્સબી કેવાશો રે હાં….

હવે પછીની ભજનરચના લોકભજનિકોના કંઠેથી બે પ્રકારનાં નામાચરણો સાથે ગવાતી મળી આવે છે.લીરલબાઈની રચના તરીકે તથા રતનબાઈની રચના તરીકે પણ…ભજન સંપાદનોમાં પણ બંનેનાં નામાચરણ સાથે સંપાદિત થતી રહી છે.

મારી કાયાના ઘડનારા!

કાચી રે રામ કેમ ઘડી મારી કાયા?

કાયા માયાના બંદા ! કૂડા ભરોસા, કૂડા કૂડા ઠાઠ રચાયા..

કાચી રામ કોણે ઘડી મારી કાયા..

ઘટડે મેં ચંદા ને ઘટડે મેં સૂરજ, ઘટડામાં નવ લખ તારા,

ઘટડામાં ગંગા ને ઘટડામાં જમુના, ઘટડામાં તીરથ નાયા..

કાચી રે રામ ! કેમ ઘડી મારી કાયા ?

ઘટડે મેં મેડિયું ને ઘટડે મેં બંગલા, ઘટડે મેં બાગ લગાયા,

ઘટડામાં આંબો ને ઘટડામાં કેરી, ઘટડામાં ઈ વેડનહારા..

કાચી રામ કોણે ઘડી મારી કાયા..

ઘટડામાં વાડી ને ઘટડામાં ક્યારી, ઘટમાં પવન ને પાણી,

ઘટડે મેં એરણ, ઘટડે મેં ધમણ , ઘટડે મેં ઘાટ ઘડાયા..

કાચી રે રામ ! કેમ ઘડી મારી કાયા ?

ઘટડામાં તાળું ને ઘટડામાં કુંચી, ઘટડામાં ખોલનહારા,

ઉગમશી ચરણે બોલ્યાં લીરલબાઈ, સાચા શબદ લાગ્યા પ્યારા..

કાચી રામ કોણે ઘડી મારી કાયા..

0000

ગુરુને પ્રતાપે બોલ્યાં રતનબાઈ, પતંગિયા રંગ લગાયા..કાચી રામ કોણે ઘડી મારી કાયા..

હે પરમાત્મા ! મારી આ કાયાના સર્જનહારા રામ ! આ મારી કાયાને તમે ક્ષ્ાણભંગુર શા માટે બનાવી છે ? આ કાયા-માયા શાશ્ર્વત નથી, એનો વિશ્વાસ કરી શકાય તેમ નથી અને છતાં તેં એને કૂડા કૂડા-ખોટા ઠાઠ-શણગાર સજાવ્યા છે! આવા ઘટડામાં- શરીરમાં જ ચન્દ્ર, સૂર્ય, નવલખ તારા, ગંગા, યમુના અને તમામ તીર્થસ્થાનો તેં બનાવ્યાં છે.

આ કાયામાં જ મેડી-બંગલા-બાગ બગીચા; આંબો, કેરી અને એ ફળને વેડનહારો-ફળ ઉતારીને ખાનારો જીવ પણ મૂક્યો છે. આ ઘટમાં જ વાડી, ક્યારી, પવન અને પાણી તેં સમાવ્યાં છે, તો આ કાયામાં જ એરણ-ધમણ (સોના કે લોખંડને પીગાળવા માટે ભઠ્ઠીમાં મૂકીને જે સાધન વડે અગ્નિને વધુ પ્રજ્વલિત કરવા પવન ફૂંક્વામાં આવે છે તેને ધમણ કહે છે. આપણા શરીરમાં આવેલાં બે ફેફસાં ધમણનું કાર્ય કરે છે.) તથા ઘાટ ઘડનારો લુહાર પણ બેઠો છે. જે બેઠો બેઠો અવનવા ઘાટ ઘડયા જ કરે છે. આ ઘટમાં જ તાળુ, કૂંચી તથા એને ખોલવાવાળો બેઠો છે.

ગુરુ ઉગમશીના ચરણે બેસીને લીરલબાઈ કહે છે કે મને સાચા શબ્દો, શબ્દબ્રહ્મ અત્યંત પ્યારા લાગે છે. સદ્ગુરુના પ્રતાપે રતનબાઈ કહે છે કે-હે પરમાત્મા ! તમે આ કાયાને પતંગિયાં જેવો અત્યંત આકર્ષક રંગ લગાવ્યો છે, તો કાયાને શા માટે આવી તદ્દન ક્ષ્ણભંગુર બનાવી છે ?

(રતનબાઈ કચ્છ પ્રદેશનાં સંત ક્વયિત્રી. અબડાસા તાલુકાના ભડલી ગામે ખોજા જ્ઞાતિમાં જન્મ. સૂફી સંત ભાકરશાહ (નાડાપા ગામના સૈયદ-પીર) પાસે ગુરુ દીક્ષા લીધેલી. ગૃહસ્થ જીવનમાં એક પુત્ર થયો અને યુવાવસ્થામાં જ એનું અવસાન થતાં તીવ્ર વૈરાગ્ય. અવસાન : ઈ.સ.19ર0 વિ.સં., 1976માં. પે્રમલક્ષણા ભક્તિનાં ભજનો, કચ્છી-ગુજરાતી ભાષામાં વૈરાગ્યનાં પદોની રચનાઓ જોવા મળે છે. તેરા (કચ્છ-અબડાસા)માં તેમની જગ્યા આવેલી છે. જગ્યામાં રતનબાઈની તથા તેમની પૌત્રી સોનલબાઈના પાળિયા છે.)

Total Views: 682

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.