કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે.

પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ નહીં માનવા જોઈએ. શિષ્ય ઈશ્વરનું દર્શન કરે એ પહેલાં, દિવ્ય પ્રકાશમાં એ પોતાના ગુરુને જુએ છે. ને પછી, ગુરુ તેને ગોવિંદનું દર્શન કરાવે છે, એ પોતે જ ગૂઢ રીતે ગોવિંદમાં ફેરવાઈ જાય છે. પછી શિષ્ય માગે તે વરદાન ગોવિંદમય થયેલા ગુરુ આપે છે અને શિષ્યને એ નિર્વાણના ઉચ્ચતમ આનંદશિખરે પણ લઈ જાય છે. અથવા શિષ્ય દ્વૈતની ભૂમિકાએ રહેવા ચાહે છે અને પૂજક તથા પૂજ્ય વચ્ચેનો ભેદ જાળવવા માગે છે. એ જે માગે છે તે, ગુરુ એને આપે છે. માનવગુરુ શિષ્યના કાનમાં મંત્ર બોલે છે; ગોવિંદગુરુ એના આત્મામાં પ્રાણ પૂરે છે.

ગુરુ મધ્યસ્થ છે. એ ઈશ્વરને અને મનુષ્યને સાથે આણે છે; પ્રેમી અને પ્રેમિકાને ભેગાં કરનાર મધ્યસ્થી જેવા ગુરુ છે. ગુરુ મહાન ગંગા સમાન છે. લોકો બધો મળ અને કચરો ગંગામાં નાખે છે પણ તેથી ગંગાનું પાવિત્ર્ય ઘટતું નથી. એ જ રીતે, ગુરુ બધાં અપમાન-નિંદાથી પર છે.

વૈદ્યોની માફક ગુરુઓ પણ ત્રણ પ્રકારના હોય છે. એક પ્રકારના વૈદ્યો દર્દીઓને જોવા જાય ત્યારે દર્દીને તપાસી, નાડ જોઈ, જરૂરી ઔષધ બતાવી, દર્દીને તે લેવાનું કહે. એ ઔષધ લેવાની દર્દી ના પાડે તો એ બાબતની કશી ચિંતા કર્યા વગર એ વૈદ્ય જતા રહે. આ અધમ કક્ષાનો વૈદ્ય. એ રીતે એવા ગુરુઓ છે જે પોતાના બોધને શિષ્ય કેટલું મૂલ્ય આપે છે તેની દરકાર કરતા નથી. બીજા પ્રકારના વૈદ્યો દર્દીને દવા લેવાનું કહીને અટકી નથી જતા. એ એથી આગળ વધે છે. દવા લેવાની ના પાડનાર દર્દીને એ અનુરોધ કરે છે. એ જ રીતે, જે ગુરુઓ સત્યને પંથે ચાલવામાં અને ભક્તિ કરવામાં શિષ્યની પાછળ ખૂબ જહેમત ઉઠાવે તેનો વર્ગ મધ્યમ. અને ત્રીજા અને ઉત્તમ વર્ગના વૈદ્યો, પોતાનો અનુરોધ દર્દી ન માને તો, બળ વાપરતાં પણ ન અચકાય. દર્દીની છાતી પર ગોઠણ મૂકી એના ગળામાં આ વૈદ્ય દવા રેડે. એ જ રીતે, ઈશ્વરને પંથે જવામાં શિષ્યને સહાયરૂપ થવામાં, જરૂર પડે તો, કેટલાક ગુરુઓ બળપ્રયોગ પણ કરે. એ ઉત્તમ વર્ગના.

બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યકતા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની સલાહથી ચાલવા જતાં પૂરી ગરબડ થવાનો સંભવ. એમ ઈશ્વરને પામવા માટે, એ પંથના જાણકાર ગુરુનું માર્ગદર્શન શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવાનું.

શતરંજની રમત વેળા, ખેલાડીઓના કરતાં, એ રમત જોનારા ખરી ચાલ કઈ તે સમજી શકે. સંસારીઓ જાતને ખૂબ ચતુર માને છે પણ પૈસો, માન, ઇન્દ્રિયસુખ આદિ સંસારી ચીજોમાં તેઓ આસક્ત હોય છે. રમતમાં પોતે ભાગ લેતા હોઈ, ખરી ચાલ એ વિચારી શકતા નથી. સંસારત્યાગી સંતોને એવી આસક્તિ નથી. તેઓ શતરંજની રમતના પ્રેક્ષકો જેવા છે. સંતો વસ્તુમાત્રને તેમના સાચા સ્વરૂપમાં જોઈ શકે છે. અને સંસારીઓ કરતાં વધારે વિવેકપૂત હોય છે. એટલે, પવિત્ર જીવન જીવવા ઇચ્છનારે ઈશ્વરનું ધ્યાન કરનાર અને તેનો સાક્ષાત્કાર કરનારના શબ્દોમાં જ વિશ્વાસ મૂકવો જોઈએ.     (શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી, 139-40)

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.