માણસ અને પ્રેમ – આ ત્રણ અક્ષર અને અઢી અક્ષરના શબ્દો વચ્ચે અંતર વધી રહ્યું છેે. પ્રેમ માનવીય જીવનનો ધબકાર છે, પણ માણસ તેનાથી દૂર થતો જાય છે. આ કારણે સમસ્યાઓ વધતી જાય છે. તબીબી વિજ્ઞાન પણ હવે કહે છે કે સંપૂર્ણ આરોગ્યની પ્રાપ્તિ માટે પ્રેમ અને પ્રેમાળ વર્તન અનિવાર્ય છે. આપણી સંસ્કૃતિમાં, આપણા સાહિત્યમાં પ્રેમનું માહાત્મ્ય ખૂબ દર્શાવાયું છે. વર્ષો પહેલાં એક ગીતમાં કહેવાયું છે તેને આપણે અનુસરવું જ રહ્યું : ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો.’

પ્રેમથી મોટી દવા જગતમાં બીજી કોઈ નથી. રોગોના ઇલાજ માટે હોસ્પિટલો, દવાઓ, ઇન્જેક્શનો પૂરતાં નથી. દર્દીને પ્રેમ અને હૂંફની પણ જરૂર હોય છે. પ્રેમ વગર માણસ પૂર્ણપણે સ્વસ્થ થતો નથી. આત્મા પ્રેમની દવા સાથે જોડાયેલો હોય છે. ઇન્જેક્શન, ગોળીઓથી તેનો ઇલાજ શક્ય નથી. ઘણાં સંશોધનો બાદ તબીબી વિજ્ઞાને તારણ આપ્યું છે કે માણસને અન્યની હૂંફ, પ્રેમભર્યા વ્યવહારની જરૂર પડે છે. દર્દી ડોક્ટર પાસે જાય અને ડોક્ટરનું વર્તન સારું ન હોય તો દર્દીને લાગવા માંડે છે કે અહીં મારો રોગ મટવાનો નથી. આવા અનેક અનુભવો માણસને થતા હોય છે. જ્યાં સુધી બે માણસ વચ્ચે પ્રેમ અને સ્નેહની ભાવના ઉત્પન્ન ન થાય ત્યાં સુધી સારા વર્તન-વ્યવહારની અપેક્ષા વધારે પડતી ગણાય. આપણને એવા પણ અનુભવો થાય છે કે કોઈ અજાણ્યો માણસ આપણી સાથે સસ્મિત પ્રેમભર્યો વ્યવહાર કરે તો આપણને પણ તેના પ્રત્યે લાગણી ઉદ્ભવે છે.

2000ની સાલમાં ‘યુનો’ (યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન)એ તારણ આપ્યું હતું કે નિ:સ્વાર્થ પ્રેમ, લાગણી, સ્નેહનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી રોગોનું પ્રમાણ વધવા લાગ્યું છે. આપણે વૈભવી જીવનને જ સુખ માનવા લાગ્યા છીએ. વાસ્તવમાં વર્તમાન સમયમાં આપણી અંદરની પ્રક્રિયાઓ નકારાત્મક થતી જાય છે. માણસ તનાવમાં જીવવા માટે પ્રેરિત થવા લાગ્યો છે. નિ:સ્વાર્થ પ્રેમની કલ્પના પણ દુષ્કર બનવા લાગી છે. મુનિ સંતબાલજીએ કહેલું કે જૂના જમાનામાં સમયાંતરે એક પરિવાર બીજા પરિવારને ત્યાં જતો. આ કારણે બંને પરિવારોની નવી પેઢીઓ વચ્ચે ઓળખાણ થતી અને નિ:સ્વાર્થ પ્રેમનો વ્યાપ વિસ્તરતો. આજે આપણે સ્વાર્થ વગર કોઈના ઘેર જતા નથી.

આપણા દૃષ્ટિકોણમાં સ્વાર્થ-તત્ત્વ અનાયાસે વણાઈ ગયું છે. સુંદર ફૂલ, સુંદર દૃશ્ય, સારા શબ્દો, સારો વ્યવહાર માણસને ગમે છે. અન્યમાં રહેલી સારી બાબતોને બહાર કાઢવા માટે પ્રેમની ભાષાની જરૂર પડે છે. બંદૂકના નાળચાથી આ બાબત શક્ય બનતી નથી. આજના વિશ્વ માટે આ મોટામાં મોટો સંદેશો છે. શાંતિ સ્થાપવા માટે શસ્ત્રોની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર છે. પ્રેમભર્યા, હૂંફભર્યા વ્યવહારથી ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે, પરંતુ આ સદીમાં આપણે માણસને સરખો કરવા માટે અઊં-47 નો ઉપયોગ કર્યો. આ બાબત કેટલા અંશે યોગ્ય ગણાય?

ગરીબીની સમસ્યા અંગે ‘યુનો’માં ચર્ચા ચાલતી હતી. નાઈજીરિયન મહિલા પ્રતિનિધિએ વિશ્વમાં ગરીબી શા માટે છે, તેનું કારણ આપતાં કહ્યું હતું કે દરેક દેશના બજેટની 35 થી 40 ટકા રકમ સંરક્ષણ માટેનાં શસ્ત્રો પાછળ ખર્ચાય છે. સામાન્ય માણસ સુધી અન્ન પહોંચતું નથી, પણ સરહદે શસ્ત્રોના ખડકલા થાય છે. વિશ્વના દેશો વચ્ચે પ્રેમનો-વિશ્વાસનો માહોલ સ્થાપિત થાય તો શસ્ત્રો પાછળની દોડ ઓછી થાય અને ગરીબો સુધી રોટલી પહોંચે. હકારાત્મકતાનો વ્યાપ વિસ્તરે તો આ બાબત શક્ય બને. આપણને કુદરતે આટલું સરસ વિશ્વ આપ્યું છે ! આ પૃથ્વી પર આપણો માનવજન્મ એ જ મોટામાં મોટી ઉપલબ્ધિ ગણાય, પણ આ બાબતને આપણે સમજી શકતા નથી.

દવાથી શરીરમાં રાસાયણિક ફેરફારો થાય છે. પ્રેમને પણ દવા ગણવામાં આવ્યો છે. વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે માણસ પ્રેમ આપે કે પ્રેમ મેળવે ત્યારે શરીરની અંદરનાં રસાયણોમાં ફેરફાર થાય છે. પ્રેમનો અર્થ અહીં વિજાતીય પ્રેમ પૂરતો જ નથી; વાત્સલ્ય, સ્નેહ, લાગણી વગેરેનો પણ સમાવેશ તેમાં કરાયો છે. માણસ-માણસના સ્પર્શથી પણ અંદરનાં સ્પંદનોમાં મોટા ફેરફાર થાય છે. ઘણા પરિવારોમાં એવી પરંપરા છે કે સવારમાં વડીલોને પગે લાગવામાં આવે. આવા પરિવારોમાં સવારથી જ પ્રેમના તરંગો સર્જાય છે.

આનાથી વિપરીત એવા ઘણા પરિવારો જોવા મળે છે, જ્યાં સવારની શરૂઆત ઘોંઘાટ અને ગુસ્સાથી થાય છે. સ્વજનોનીલાગણીને ઠેસ પહોંચાડવામાં આવે છે. આવા પરિવારોમાં નકારાત્મકતાનું સામ્રાજ્ય સર્જાય છે. હવાના પ્રદૂષણ કરતાં માણસના વૈચારિક પ્રદૂષણથી રોગ વધારે આવે છે. રોગ માટે માણસની ખાણી-પીણી કરતાં અંદરની વૃત્તિઓ વધારે જવાબદાર હોય છે.

હંમેશાં નકારાત્મક વિચારવું, વ્યવહારમાં કટુતા રાખવી અને ક્રોધને સ્થાન આપવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. માણસ પાસે બે ભાષા હોય છે: મગજની ભાષા અને હૃદયની ભાષા. આ ભાષાઓનો ઉપયોગ કરવાની બક્ષિસ કુદરતે આપણને આપી છે. હૃદયની ભાષા હોય તેમાં કરુણા, પ્રેમ, ભાવનાત્મકતા, લાગણીનો પ્રભાવ હોય છે. મગજની ભાષામાં ગણતરી સર્વોપરી હોય છે. આપણે હૃદયની ભાષા ભૂલી જવા લાગ્યા છીએ અને મગજની ભાષા પર નિર્ભર રહેવા લાગ્યા છીએ. આપણા વ્યવહારમાં પણ ગણતરી આવી ગઈ છે. ‘હું તમને આ આપું તો તમારા તરફથી મને શો લાભ થશે?’ આવા સંવાદો સહજ બની ગયા છે. સતત સ્વાર્થનો વિચાર, વૃત્તિ અને વર્તન માણસને રોગી બનાવી દે છે. નિ:સ્વાર્થ પ્રેમ આનો ઇલાજ છે.

દરેક માણસની અંદર પ્રેમનું તત્ત્વ પડેલું જ છે, માત્ર આ તત્ત્વને ઢંઢોળવાની જરૂર છે. પ્રખર ચિંતક અને સમાજશાસ્ત્રી સ્વ.પુરુષોત્તમ માવળંકરે કરેલો પ્રયોગ જાણીએ. લોકસભામાં એક મુદ્દે ખૂબ વિવાદ થયેલો. લાંબી ચર્ચા-વિચારણા બાદ લોકસભાના અધ્યક્ષે એ મુદ્દે ગુપ્ત મતદાન કરાવવાનો નિર્ણય કર્યો.

મતદાન પૂર્વે માવળંકરજીએ ગૃહને સંબોધતાં માત્ર એટલું કહેલું કે ‘મુદ્દો રજૂ કરું છું. તમે પ્રેમપૂર્વક વિચારીને મતદાન કરજો.’ આટલા શબ્દો ખૂબ લાગણીવશ બનીને તેઓ હૃદયની ભાષાથી બોલેલા.

પરિણામ શું આવ્યું ? 98 ટકા મત માવળંકરજીની તરફેણમાં પડ્યા. ખૂબ વિરોધ હતો, પણ હૃદયની ભાષાથી વિરોધીઓનાં દિલ જિતાઈ ગયાં. આ દૃષ્ટાંતનો મર્મ એ છે કે માણસની અંદર પ્રેમ છે જ, તેને વ્યક્ત કરવા માટે દરેકે પહેલ કરવી પડશે. પ્રેમના અભાવથી ગંભીર પરિણામો આવે છે. હૃદયરોગનો હુમલો, પેરેલિસિસનો હુમલો આવ્યો હોય તેવા દર્દીઓના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો છે કે મોટા ભાગના દર્દીઓ આ રોગના હુમલાના છ એક કલાક પહેલાં ખૂબ તણાવમાં હતા. આ કલાકો દરમિયાન તણાવના સ્થાને પ્રેમ હોત તો પેરેલિસિસનો હુમલો કદાચ ન આવત.

મનમાં ઘુમરાતા વિચારોની અસર શરીરમાં રહેલી ‘ઓટોનોમિક સિસ્ટમ’ પર થાય છે. આ સિસ્ટમ પોતાની શક્તિ મુજબ સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે, તે છતાં પણ નકારાત્મક વિચારો ચાલુ રહે તો નકારાત્મકતાનો પ્રભાવ શરીર પર વધવા માંડે છે. આ પ્રભાવથી શરીરમાં ‘ટોક્સિન્સ’ પેદા થાય છે, જેની સીધી અસર હૃદય, મગજ અને કીડનીની નળીઓ પર થાય છે. આ કારણે માણસમાં ગંભીર બીમારી પ્રવેશે છે. માણસે રોગને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રેમ અને હકારાત્મકતા તમને રોગથી બચાવી શકે છે. શંકા કરવી તે બાબતને આપણે સહજ માનવા લાગ્યા છીએ, પણ તેની અસરો જાણો છો? શંકા કરવાથી પ્રેમ ઘટવા લાગે છે અને અસંતોષ વધવા માંડે છે. સારી બાબતો દેખાતી બંધ થાય છે. માણસ ચીડિયો, દુ:ખી અને અપ્રસન્ન થઈ જાય છે.

દરેક માણસને સારા, સફળ અને સુખી થવું છે. શિક્ષક વિદ્યાર્થીને, બોસ કર્મચારીને, ડોક્ટર દર્દીને પ્લેટફોર્મ પૂરું પાડે તો વિદ્યાર્થી, કર્મચારી, દર્દીમાં આશ્ચર્યજનક બદલાવ જોઈ શકાશે. દરેક માણસમાં કંઈક વિશેષતા હોય છે; તેને બહાર લાવી શકાય, તો સમાજનું ચિત્ર જુદું બની જાય. હકારાત્મકતાનો, પ્રેમનો માહોલ નહિ સર્જાય ત્યાં સુધી આવું શક્ય નહીં બને.

આપણા પરિવારો તૂટવા લાગ્યા છે. આ કારણે પ્રેમની કડીઓ ખૂટવા લાગી છે. માણસ એકલવાયો – સંકુચિત બનવા લાગ્યો છે. આપણે વિપરીત દિશામાં જઈ રહ્યા હોઈએ તેવું લાગે છે. સંકુચિત મનોવૃત્તિ એ માણસનું કુદરતી લક્ષણ નથી. ઊંડાણથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે માણસનું શરીર સંકુચિતતાથી વિપરીત સ્થિતિ માટે સર્જાયું છે. તમે કોઈને મદદ કરશો તો શરીરની અંદર આનંદના તરંગો મહેસૂસ કરી શકશો. કોઈકને કંઈક આપીને ઉપયોગી બનશો તો પણ તમારાં શરીર-મનમાં પ્રસન્નતા અનુભવી શકશો. એકદમ ખુશ થઈને બે મિત્રો એકબીજાને ભેટી પડે ત્યારે શરીરમાં ભરપૂર આનંદ વહે છે. ડોક્ટર દર્દી પ્રત્યે પ્રેમભર્યો વ્યવહાર કરે તો પણ દર્દી પોતાનું દર્દ ભૂલી જાય છે. આક્રમક માણસ સામે કોઈ શાંતિથી વ્યવહાર કરે તો તેની આક્રમકતા ઘટી જાય છે. આ બધું મનોવિજ્ઞાનની દૃષ્ટિથી સાબિત થયેલું છે. સંકુચિતતા ખંખેરીને પ્રેમભર્યો વ્યવહાર કરવામાં આવે તો આપણામાં નિરંતર આનંદ અને પ્રસન્નતાનો પ્રવાહ વહેતો રહી શકે છે.

રોગ આવવાનાં બાહ્ય કારણો કરતાં આંતરિક કારણો વધારે હોય છે. નાની ઉંમરે બ્લડ-પ્રેશર શા માટે આવે છે? આપણે તણાવને કારણ તરીકે રજૂ કરી દઈએ છીએ. એ તણાવ ક્યાંથી આવે છે? શા માટે આવે છે? એને માટે અન્ય વ્યક્તિ જવાબદાર છે કે પોતાની વિચારસરણી ? આ પ્રશ્નો અંગે ઊંડો વિચાર કરશો ત્યારે તમને તમારા રોગના મૂળનો ખ્યાલ આવશે.

બે-ચાર વર્ષનાં બાળકો રમતાં હોય તેમને જોઈને આપણે ખુશ થઈએ છીએ. એ ખુશીનું કારણ બાળકોમાં રહેલો નિર્દોષ પ્રેમ છે. બાળકોમાં રહેલી નિર્દોષતાને જોઈને આપણામાં પ્રસન્નતાના તરંગો ઊઠતા હોય તો આપણે તેમાંથી પ્રેરણા શા માટે નથી લેતા ? નિર્દોષ પ્રેમનાં દૃશ્યો લગભગ દરરોજ આપણે જોઈએ છીએ, પણ તેમાંથી કંઈ આપણે શીખી શકતા નથી, કારણ કે આપણી અંદર પડેલો ‘હું’ આપણને નડે છે. સ્વસ્થ, પ્રસન્ન રહેવા માટે આપણે પ્રેમની ભાષા શીખવી પડશે.

મધર ટેરેસાને વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક અપાયું ત્યારે જ્યુરી કમિટીએ અફસોસ સાથે કહેલું કે મધર ટેરેસાની વર્ષો સુધી પસંદગી નહીં કરીને અમે ભૂલ કરી છે. ટેરેસાની પહેલાં પસંદગી થઈ હોત તો જગતમાં પ્રેેમ, સ્નેહ અને કરુણાનો સંદેશો વહેલો ફેલાયો હોત. મધર ટેરેસાએ નિ:સ્વાર્થભાવે કરુણા વહેવડાવી હતી. આવું જ દૃષ્ટાંત બાબા આમ્ટેનું છે. નાગપુર પાસે આવેલા તેમના આશ્રમે જશો તો રક્તપિત્તના દર્દીઓને જોઈને થરથરી જશો. આ દર્દીઓ સાથે તેઓ જીવનભર રહ્યા હતા. બાબા આમ્ટેના સુપુત્રો વિકાસ આમ્ટે, પ્રકાશ આમ્ટે અને એ બંનેનાં પત્ની ડોક્ટર છે.

આ ચારેય આજે પણ રક્તપિત્તના દર્દીઓની દિલથી સેવા કરે છે. હું આશ્રમે ગયો ત્યારે બાબાજી ખૂબ જ બીમાર હતા, છતાં રક્તપિત્તના દર્દીઓ એમની પાસે આવતા ત્યારે બાબા પ્રેમભર્યા શબ્દો બોલતા અને દર્દીઓના ચહેરા પર પ્રસન્નતા ફરી વળતી. નિ:સ્વાર્થ પ્રેમ અને લાગણીઓમાં આ તાકાત રહેલી છે.      (ક્રમશ:)

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.