ભજન ભેેદ હે ન્યારા

કબીરસાહેબ… એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે.

એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય- સર્વકાલીન સત્ય તરીકે પ્રસરતી રહી છે. આ સંત તો હતા શબદના સાધક, શબદના સોદાગર, વાણીના પરખંદા વેપારી. અને એ વાણી પણ આપણી વૈખરી વાણી નહીં.

આપણા વ્યવહારની ખોખલી ભાષા નહીં, પણ અસલ સતનો રણકાર ને ટંકાર કરતી પરાવાણી. શબદ ખરો પણ એ શબદ ‘સતનો શબદ’. એનો શબ્દ તે બ્રહ્મવાક્ય. લોઢામાં લીટો. તમે એને વાણી કહો, વચન કહો કે શબ્દબ્રહ્મનો સાક્ષ્ાત્કાર.

કબીરસાહેબના વ્યક્તિત્વનાં અનેક પાસાં છે- કવિ, ભક્ત, સંત, સિદ્ધપુરુષ, યોગી, સમાજસુધારક, ક્રાન્તિકારી, લોકપુરુષ, ઓલિયા, પીર અને કબીરપંથી અનુયાયીઓમાં અવતાર તરીકે પૂજાતા દૈવી પુરુષ. તેમની કથની અને કરણી વચ્ચે અભેદ હતો. કબીર સાહેબની જીવનસાધના વક્તવ્ય કે વાણીનો વિષય નથી. એમણે વારંવાર ગાયું છે કે-

સાહબકા ઘર શિખર પર,

જહાં સિલ હિલી ગૈલ

પાંંવ ન ટિકૈ પિપિલિકા,

તહાં પંંડિત લાદૈ બૈલ…

પરમાત્માનો નિવાસ ઊંચા શિખરની એવી ટોચ પર છે, જ્યાં પહોંચવા માટે કરોળિયાના તાર જેવો સૂક્ષ્મ અને લપસણો માર્ગ છે. એ મારગ ઉપર કીડીના પગ પણ ટકી શક્તા નથી, આશ્ચર્યની વાત એ છે કે એવા શિખર ઉપર પહોંચવા માટે પંડિતો જ્ઞાન અને અહંકારનાં પોટલાં લાદીને પોતાના બુદ્ધિરૂપી બળદને એ રસ્તા પર ચડાવવાના નિરર્થક અને હાસ્યાસ્પદ પ્રયાસો કરતા જ રહે છે.

અવધુ ! ભજન ભેેદ હૈ ન્યારા, ક્યા ગાયે,

ક્યા લિખ બતલાયે;

ક્યા ભરમાયે સંંસારા…

અવધુ ! ભજન ભેદ હૈ ન્યારા…

ક્યા સંંધ્યા તરપન કે ક્ધિહે, જોે નહીં તત્ત્વવિચારા,

મુુંંડ મુુંડાયે શિર જટા બઢાયે, ક્યા તન લાયે છારા…

અવધુ ! ભજન ભેદ હૈ ન્યારા…

ક્યા પૂજા પાહનકી કીજૈૈ, ક્યા ફલ કિયે અહારા,

બિન પરચૈ સાહિબ હો બૈઠેે, વિષય કરે વ્યૌપારા…

અવધુ ! ભજન ભેદ હૈ ન્યારા…

જ્ઞાન ધ્યાન કા મર્મ ન જાનૈૈ, બાદ કરે અહંકારા,

અગમ,અથાહ,મહા,અતિ,ગહરા, બીજ ન ખેત નિવારા…

અવધુ ! ભજન ભેદ હૈ ન્યારા..

મહંત સો ધ્યાન મગન વ્હૈ બૈઠેે, કાટ કરમ કી છારા,

જિનકે સદા અહાર અંતર મેં, કેવલ તત્ત્વવિચારા..

અવધુ ! ભજન ભેદ હૈ ન્યારા.

કહે કબીર સુનો હો ગોરખ, તારૌં સહિત પરિવારા,

શબદ સાધના અમર નિશાની, પૂરન ખેપ હમારા…

અવધુ ! ભજન ભેદ હૈ ન્યારા…

કબીરસાહેબ પોતાની સહજસાધના વર્ણવતાં ગાય છે કે, ‘હે અવધૂત, હે જોેગી, હે હઠાળા જોગંદર!  ભજનનો મર્મ અનોખો છે. ભજનનો ભેદ પામવો દુષ્કર છે. જેણે મરમ નથી જાણ્યો એ ભરમમાં જ રહે છે ને જગતને ભરમાવે છે. મારે તો શું ગાવું કે શું લખી બતાવવું ? ભજનનો ભેદ ગાવાથી, ભજન સાંભળવાથી, ભજન સંભળાવવાથી કે ભજન લખવાથી પ્રાપ્ત નહીં થાય. એ માટે તો ભજનને ઝીલવું પડશે, ભજનમાં જ જીવવું પડશે.’ અગમ દેશના મરમી મુસાફર કબીરસાહેબ બાહ્ય ક્રિયાકાંડ, પૂજાપાઠ, તીરથવ્રત ને કઠિન કાયા-તપ-સાધન કરનારા હઠયોગીઓને ઉદ્દેશીને સાચી ભક્તિ, સાચી સાધના કે સાચું ભજન કોને કહેવાય તેની સ્પષ્ટતા કરતાં ગાય છે : ‘હે જોગી, હે અવધૂત! સંધ્યા, તર્પણ, નિત્યનિયમ મુજબનાં બાહ્ય ક્રિયાકાંડ, માળા, તિલક, છાપાં, મુંડન કે પંચકેશ રાખવાથી, દાઢી- જટા વધારવાથી શું થયું ? જો પરમ તત્ત્વને જાણો નહીં, તત્ત્વનો વિચાર ન કરો તો પછી આખા શરીરે ગમે તેટલી ભસ્મ લગાવશો એ વ્યર્થ છે.’

પથ્થરની મૂર્તિઓ પૂજવાથી, ભૂખ્યા રહીને ફળાહાર કરવાથી કશું જ વળવાનું નથી, તમારો પ્રચાર થશે ને તમે પરમ તત્ત્વના પરિચય વિના જ સાહિબ-માલિક-ગુરુ થઈને વિષયનો વેપાર માંડી દેશો. જ્ઞાન, ધ્યાનનો મર્મ જાણ્યા વિના અહંકારી બની જશો.

આ અહંકારનું બીજ જે અગમ-અથાગ મનના અતિ ઊંડા સૂક્ષ્મ તળિયે બેઠેલું છે તે સમય આવ્યે તુરત જ ફૂટી નીકળે છે. એ બીજના વાસના-અહંકાર ને મમતારૂપી અંકુરો જ્યાં લગી નષ્ટ નહીં થાય, તમારા અંતર-ખેતરમાં ઊંડે ઊંડે જ્યાં સુધી એ બીજ પડયાં હશે ત્યાં સુધી ભજન કે ભક્તિના ક્ષ્ોત્રમાંથી તમે મિષ્ટ-મધુર ફળોનો પાક નહીં લઈ શકો. તમારો પ્રવેશ જ એ ખેતરમાં નહીં થઈ શકે.

તમે તો મહા ને મહંત થઈ બેઠા છો, પણ મહંત કોને કહેવાય ? જે અહર્નિશ ધ્યાનમગ્ન દશામાં જીવી શક્તા હોય, પોતાના કર્મનાં બંધનો જેમણે કાપી નાખ્યાં છે ને કેવળ તત્ત્વવિચારનો જ આહાર અંતર દ્વારા કરે છે તેને જ સાચા મહંત તરીકે ઓળખાવી શકાય.

કબીરસાહેબ કઠિન તપશ્ર્ચર્યા અને બાહ્ય ક્રિયાકાંડોમાં બદ્ધ, પંથસંપ્રદાયોનાં બંધનોમાં બંધાઈને પરંપરિત વિધિવિધાનોનું આંધળું અનુસરણ કરનારા, અનુસરણ કરાવનારા સાધુ-સંન્યાસીઓને શીખ આપે છે કે સંસારનો, માયાનો ને બ્રહ્મનો ભેદ-ભરમ જાણવો હશે તો બધું જ છોડીને માત્ર ને માત્ર ભજનનો આશરો લેવો પડશે. ભજન એટલે જીવનસાધના, ભજન એટલે જીવતરનો મરમ, ભજન એટલે અક્ષરાતીતમાં ઓગળી જવું તે.

અવધૂ, સો યોગી ગુરુ મેરા,

જો યા પદ કૌ કરે નિબેરા,

તરવર એક પેડ બિન ઠાઢા,

બિન ફૂલાં ફલ લાગા,

સાખા-પત્ર કછુ નહિં વાકૈ,

અષ્ટ ગગન મુખ બાગા.

પૈર બિન નિરતિ, કરાં બિન બાજૈં

જિભ્યા હીણા ગાવૈૈં.

ગાવણહાર કે રૂપ ન રેખા,

સતગુરુ હોઈ લખાવૈ,

પંખી કા ખોેજ મીન કા મારગ,

કહૈ કબીર વિચારી,

અપરંપાર પાર પરસોત્તમ

વા મૂરતિ કી બલિહારી.

અલગારી, મસ્ત, ઓલિયા બનીને સંસાર-વ્યવહારમાં રહેવા છતાં એનાં તમામ વળગણોથી મુક્ત બનીને જે સાધક નિરપેક્ષભાવે બધું જ જોયા કરે એને કશું જ સ્પર્શતું નથી. કેવળ તત્ત્વચિંતન કરીને, જે આદિ શબ્દ-આદિ ધ્વનિ-આદિ સ્વરથી આ સમસ્ત બ્રહ્માંડનું સર્જન થયું છે એ મૂળ શબ્દની પિછાન કરે અને એના મરમ લગી જાય છે એ યાત્રાનું નામ સાચું ભજન. એ માટેના અનેક માર્ગો છે – જ્ઞાન, ભક્તિ, કર્મ, યોગ, તત્ત્વચિંતન કે શરણાગતિ-ગુરુશરણભાવ. કબીર સાહેબના મતે સૌ અધ્યાત્મમાર્ગી સાધનમાર્ગો પનિહારીઓ જેવા છે.

કબીરા કૂવા એક હૈ, પનિહારી હૈ અનેક;

બરતન ન્યારે ન્યારે ભયે, પાની સબમેં એક.

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.